છાની રહી શકી ન સિકંદરની આબરૂ, મુઠ્ઠી ખૂલી કે ગઇ છે બરાબરની આબરૂ



છાની રહી શકી ન સિકંદરની આબરૂ મુઠ્ઠી ખૂલી કે ગઇ છે બરાબરની આબરૂ

તમે જે બાયોડેટા મોકલાવ્યો હતો એ વાંચીને જ હું તો નક્કી કરી ચૂકી હતી કે જો લગ્ન કરીશ તો તમારી સાથે. આ મુલાકાત તો માત્ર બહાનું છે. તમને એ કહેવાનું બહાનું કે તમે મને પસંદ છો.

નિર્માણ અને નિર્ઝરા બાજુના કમરામાં બેસીને અંગત ઇન્ટરવ્યૂની આપ-લે કરી રહ્યાં હતાં અને બંનેનાં મમ્મી-પપ્પાઓ ડ્રોઇંગરૂમમાં બેસીને બિકાનેરી સ્વીટ્સનો સ્વાદ માણી રહ્યા હતાં. ચારેયના મનમાં આ જ વાત હતી: 'શું જોડું નિર્માણ કર્યું છે નિયંતાએ આ બધી વાતચીતો ને સવાલો ને જવાબો ને એકમેકની અંગત પસંદ-નાપસંદ જાણવાનો સિલસિલો એ તો રિવાજ છે રિવાજ અરે, નાટક જ સમજી લો ને. બાકી આ બંનેના તો જન્માક્ષરો મેળવવાનીયે જરૂર નથી.

બાહ્ય વ્યક્તિત્વો જ એટલાં 'મેચ’ થાય છે કે પેલું ગીત ગાઇ ઊઠવાનું મન થઇ આવે છે: વાહ વાહ રામજી... જોડી ક્યા બનાઇ હૈ’ કમરામાં લજામણીના છોડ જેવી નિર્ઝરા શરમાતાં-શરમાતાં ખૂલી રહી હતી: 'તમે મને પસંદ છો, હું તમને?’ 'અરે, આ તે કંઇ વાત છે? હજુ તો આપણે માત્ર એકબીજાને જોયાં જ છે. એક વાક્યનીયે વાતચીત નથી કરી. એટલામાં હું પસંદ પડી ગયો?’

'હવે તો એક વાક્યની વાતચીત થઇ ગઇ છે ને?’ લજામણીનો છોડ શરમાઇ ગયો અને બોલ્યો 'તમે જે બાયોડેટા મોકલાવ્યો હતો એ વાંચીને જ હું તો નક્કી કરી ચૂકી હતી કે જો લગ્ન કરીશ તો તમારી સાથે. આ મુલાકાત તો માત્ર બહાનું છે. તમને એ કહેવાનું બહાનું કે તમે મને પસંદ છો.’

નિર્ઝરા અને નિર્માણનો પરિચય મેરેજ બ્યુરો મારફતે થયો હતો. નિર્ઝરાના પપ્પા જ્યારે દીકરીનો ફોટો અને બાયોડેટા લઇને બ્યુરોની ઓફિસમાં ગયા, ત્યારે 'હેવન મેરેજ બ્યુરો’ની આધેડ સંચાલિકા મિસ પમ્મીએ તરત એમના હાથમાં નિર્માણનો બાયોડેટા મૂકી દીધો હતો, 'બહુ નસીબદાર છો, સર તમે તમારી દીકરી માટે આના જેવો હેન્ડસમ, સર્વગુણસંપન્ન અને સારું કમાતો મુરતિયો આખા ગુજરાતમાં નહીં મળે. તમારી દીકરીને જો કડકડતી નોટ છે, તો આ છોકરો રાણી છાપ રૂપિયો છે. ઉતાવળ કરજો, નહીંતર બીજું કોઇ એને વટાવી જશે.’

બાયોડેટા વાંચીને નિર્ઝરા ખરેખર ઓવારી ગઇ હતી. નિર્માણની ડિગ્રી સામે લખ્યું હતું: એમ.બી.એ. અમદાવાદની એક જાણીતી કંપનીમાં એક્ઝિક્યુટિવના હોદ્દા પર એ કામ કરતો હતો. પચીસ જ વર્ષની ઉંમરે એ પંચાસી હજારનો પગાર પાડતો હતો. શોખના ખાનામાં એણે લખ્યું હતું: વર્લ્ડ ક્લાસ લિટરેચરનું વાંચન કરવું. જૂની-નવી ક્લાસિક ફિલ્મો જોવી. શાહરુખ-સલમાન કે અક્ષયની ફિલ્મોનાં તો પોસ્ટરો દેખાય ત્યાંથી જ પાછા ફરી જવું. ગૂજ્ર્યેફ, જે. કૃષ્ણમૂર્તિ‌ અને અરવિંદોની ફિલસૂફી સમજવાની કોશિશ કરવી.

ધાર્મિ‌ક ચેનલો આવતી હોય તેવા ટી.વી. સેટ ફોડી નાખવા. સવાર કિશોરી આમોનકરનાં ભજનોથી પડવી જોઇએ અને રાત મોઝાર્ટની સિમ્ફનીના ઓશિકા ઉપર ઢળવી જોઇએ. સિગારેટ, તમાકુ, શરાબ વગેરેના સેવન કરવા કરતાં લમણામાં ગોળી ખાઇને મરી જવું પસંદ છે. પાંચ મિલિયન ડોલર્સની રોલ્સ રોયસ આંગણામાં ઊભી કરવી છે અને પછી પગે ચાલીને ફરવું છે. મારે જગતને એ બતાવવું છે કે રૂપિયો સિદ્ધિ માટે છે, સેવન માટે નહીં... વગેરે... વગેરે...

બાયોડેટા વાંચીને જ નિર્ઝરા અર્ધપાગલ બની ગઇ હતી, ફોટો જોઇને સંપૂર્ણ પાગલ અને આજે નિર્માણને રૂબરૂ મળ્યા પછી લગભગ મરવા જેવી બની ગઇ હતી. મુલાકાત પૂરી થઇ. વિદાય લેતી વખતે નિર્માણના પપ્પાએ પૂછ્યું, 'તો પછી આ સંબંધ પાક્કો જ સમજું ને?’ જવાબમાં નર્ઝિરાના પપ્પાએ કહ્યું હતું, 'હા, પૂરેપૂરો પાક્કો. બસ, માત્ર અમારા ખાનદાનના પંડિતને પૂછીને શુભ મુહૂર્ત કઢાવી લઉં, એ પછી જ સગાઇનું ગોઠવીએ.’

એ રાત્રે નિર્ઝરાની મમ્મીએ પોતાના પતિને રીતસરના ખખડાવી નાખ્યા હતા, 'સાવ ડોબા છો ડોબા આવો રાજાના કુંવર જેવો જમાઇ મળતો હોય ત્યારે પંડિતને પૂછવા જવાતું હશે? અને આપણે વળી કયો ફેમિલિ પંડિત છે?’ નિર્ઝરાના પપ્પા ગંભીરતાપૂર્વક બબડી રહ્યા, 'એમ ઉતાવળે આંબા ન પાકે. દીકરીની પૂરી જિંદગીનો સવાલ છે. માત્ર બાયોડેટા વાંચીને દીકરીને ફેંકી ન દેવાય. જૂના જમાનામાં તો વેવિશાળ કરતાં પહેલાં સામા પક્ષની સંપૂર્ણ માહિ‌તી મેળવી લેવામાં આવતી હતી. એના પડોશીઓ, સગાં-વહાલાં, મિત્રો, પરિચિતો એ બધાં પાસેથી સાચી જાણકારી...’ 'એ બધું તો જૂનું થયું, આ જમાનામાં એવી બધી માહિ‌તી ક્યાંથી મળવાની છે?’ પત્નીએ પૂછ્યું જવાબમાં પતિ મૂછમાં હસી રહ્યા.

અમદાવાદની જાણીતી જાસૂસી સંસ્થાના યુવાન સંચાલક ડિટેક્ટિવ વિશાલે દસ જ મિનિટમાં મામલો સમજી લીધો, નિર્ઝરાના પપ્પાને કહી દીધું, 'ડોન્ટ વરી, મિ. મહેતા તમારે જોઇતી તમામ માહિ‌તી હું મેળવી આપીશ. સમય લાગશે વધુમાં વધુ અગિયાર દિવસ. અને મારી ફી થશે વધુમાં વધુ અગિયાર હજાર.’ બીજે દિવસે સવારે ડિટેક્ટિવ વિશાલે એના બે માણસોને નિર્માણ જ્યાં નોકરી કરતો હતો એ કંપનીની ઓફિસની બહાર પાનના ગલ્લા પાસે ગોઠવી દીધા અને વિશાલે અનરજિસ્ટર્ડ ફોન પરથી નિર્માણવાળી ઓફિસનો ફોન નંબર ડાયલ કર્યો. સામેથી કોઇ યુવતીનો મીઠો ટહુકો સંભળાયો, 'ગુડ મોર્નિંગ, સર હું આપની શી સેવા કરી શકું, સર?’

'વેલ, હું બે દિવસ પહેલાં જ યુ.એસ.થી આવ્યો છું. મને જાણવા મળ્યું છે કે મારો ઓલ્ડ બડી.. જૂનો મિત્ર, યુ નો... એ તમારે ત્યાં એક્ઝિક્યુટિવ છે. આઇ વોન્ટ ટુ ટોક ટુ હીમ. ડોન્ટ ગિવ માય નેઇમ ટુ હિ‌મ. મારે એને સરપ્રાઇઝ આપવું છે.’ વિશાલે અમેરિકન ઉચ્ચારોમાં ગુજરાતી ફટકારીને વાત કરી. છોકરીએ નામ પૂછ્યું. વિશાલે 'મિત્ર’નું નામ જણાવ્યું.

'નિર્માણ? એ નામના તો કોઇ એક્ઝિક્યુટિવ અમારે ત્યાં નથી. એક મિ. નિર્માણ જોશી છે ખરા, પણ એ તો લોઅર સ્ટાફમાં છે.’ છોકરી ગૂંચવાઇ રહી હતી. 'નહીં, નહીં મારો ફ્રેન્ડ તો મંથલી પંચાસી હજાર જેટલો પગાર પાડે છે. તમારી કંઇક ભૂલ થતી લાગે છે. મિસ, મારે તમારા બોસ પાસે કમ્પ્લેઇન કરવી પડશે. તમને એટલીયે ખબર નથી કે તમારી કંપનીમાં કોને કેટલો પગાર મળે છે?’ વિશાલે પોલી ધમકી ફટકારી. તરત જ રિઝલ્ટ મળી ગયું. રિસેપ્શનિસ્ટ છોકરી છેડાઇ પડી, 'તમે આવું શી રીતે કહી શકો, સર? જ્યારે આ નામનો કોઇ માણસ મોટા હોદ્દા પર છે જ નહીં ત્યારે એનો પગાર મને ક્યાંથી ખબર હોય? બાકી મિ. નિર્માણ જોશીનો પગાર બાર હજાર રૂપિયા છે એની મને...’

જે જાણવું હતું તે જાણવા મળી ગયું. રાત પડતાં સુધીમાં બીજી માહિ‌તી પણ મળી ગઇ. ફિલ્ડ વર્ક માટે ગયેલા બે એજન્ટોએ રાત્રે દસ વાગ્યે આવીને બોસને રિપોર્ટ આપ્યો: 'આ નિર્માણ તો મોટો ચીટર છે. મિ. નટવરલાલ છે. એનો સેટેલાઇટ વિસ્તારમાં બંગલો-ફંગલો કશું નથી, એ ઓઢવની ચાલીમાં રહે છે. રોલ્સ રોયસનું તો ફાટેલું પોસ્ટર પણ એની ઓરડીમાં નહીં હોય. રાત્રે આઠ વાગે એના ત્રણ-ચાર મિત્રો સાથે આ બ્રાહ્મણનો દીકરો મટનના પકોડા અને દેશી દારૂની પોટલીવાળી મહેફિલમાં જોડાઇ ગયો. આ દરેક ઘટનાના ફોટોગ્રાફ્સ અમારા ઝૂમ લેન્સવાળા કેમેરામાં અમે ઝડપી લીધા છે. હવે આવતીકાલે અમારે શું કરવાનું છે, બોસ?’

'આવતીકાલે આ કિસ્સામાં આપણે કંઇ નથી કરવાનું, જે કરવા જેવું લાગશે તે છોકરીના બાપ કરશે.’ ડિટેક્ટિવ વિશાલે આટલું કહીને માણસોને વિદાય કર્યા. પછી પોતે કમ્પ્યુટર પર રિપોર્ટ તૈયાર કરવા બેસી ગયો.

બીજા દિવસે નિર્ઝરાના પપ્પા એ જ કર્યું જે કોઇ પણ બાપ કરે. એક ખૂબસૂરત, સંસ્કારી, ભોળી અને નિર્દોષ યુવતી બરબાદ થવામાંથી બાલ-બાલ બચી ગઇ. આ એક સાવ સાચી ઘટના છે. મેરેજ બ્યૂરો એ સારી સંસ્થા છે, એની સામે કોઇને વાંધો ન હોઇ શકે. પણ એ લોકો લગ્ન કરાવી આપે, ઘર ન ચલાવી આપે. ઘર ચલાવવા માટે સંસ્કારી વર હોવો જોઇએ. જ્યાં જરૂર લાગે ત્યાં આ જમાનામાં જાસૂસ દ્વારા પ્રાપ્ત તપાસ કરાવી લેવી જરૂરી છે. ક્યારેક નિર્માણ જેવા મિ. નટવરલાલો ખોટી જ્ઞાતિ, ડિગ્રી, નોકરી, કમાણી અને સપનાંઓની માયાજાળમાં કોઇ સંસ્કારી ઘરની પારેવડીને ફસાવી ન જાય એ માટે પણ આટલી ટકોર જરૂરી બની જાય છે. '

Comments