ગાઢ ચુંબન કરતાં કરતાં તે કહેવા લાગી કે હું તને પ્રેમ કરું છું...


સ્નેહા અને કૌશલ એકબીજાંને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરતાં હતાં. બંનેનાં અરેન્જ મેરેજ હતાં, પરંતુ તેમને જોતાં તો એવું જ લાગે કે તેમનાં લવમેરેજ છે. કૌશલનું ફ્રેન્ડ્સ ગ્રુપ બહુ મોટું હતું. જેમાં ઘણી છોકરીઓ પણ હતી. કોલેજ ટાઇમમાં બધાં પિકનિક પર જતાં, પાર્ટી અને ખૂબ મસ્તી કરતાં. જોકે તે છ-સાત વર્ષ પહેલાંની વાત છે આજે તો બધાં જ લોકોનાં લગ્ન થઈ ગયાં છે અને પહેલાં જેટલો સમય પણ કોઈની પાસે નથી, પરંતુ કૌશલ નાની-નાની ખુશીઓને પોતાના ફ્રેન્ડ્સ સાથે વહેંચવા માટે અવારનવાર નાની-મોટી પાર્ટી રાખતો. પાર્ટીમાં સ્નેહા અને કૌશલ સહિત બધાં જ કપલ્સ ભેગાં થાય અને પહેલાં જેવી જ મજાક-મસ્તી કરતાં, પરંતુ રીના હંમેશાં પાર્ટીમાં એકલી જ આવે. તેનો ચહેરો મુરઝાયેલો અને વર્તન અજીબ હતું. તેના આ વર્તનનું કારણ તેનો પતિ રાકેશ હતો.
રાકેશ ખૂબ જ શંકાશીલ સ્વભાવનો હતો. રીના કોઈ છોકરા સાથે વાતચીત કરે કે મળે તે તેને જરાય પસંદ નહોતું. આ બાબતને લઈને તેમની વચ્ચે અનેક વાર ઝઘડા થતા. રાકેશ કેટલીક વાર રીનાને મારપીટ પણ કરતો. પાર્ટીમાં પોતાના અન્ય ફ્રેન્ડ્સને તેમના પતિ કે પત્ની સાથે ખુશખુશાલ જોઈને રીનાના હૃદયમાંથી નિસાસો નીકળતો. સ્નેહા અને કૌશલને જોઈને મનોમન વિચારતી કે કાશ, રાકેશ પણ મને કૌશલ જેટલો પ્રેમ કરતો હોત. રીના કોલેજકાળમાં કૌશલને પ્રેમ કરવા લાગી હતી, પરંતુ પોતાના પ્રેમનો એકરાર કરે તે પહેલાં જ કૌશલનાં લગ્ન નક્કી થઈ ગયાં. રીનાએ કૌશલ પ્રત્યેના પોતાના પ્રેમને મનમાં જ દબાવી દીધો, પરંતુ હવે એ પ્રેમ ફરી જાગ્રત થઈ ગયો હતો. પાર્ટીમાં એક ખૂણામાં ગુમસૂમ બેઠેલી રીના પાસે જઈને કૌશલે પૂછયું કે, "તું શા માટે ઉદાસ છે?"
ત્યારે રીના કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી દોડીને ટેરેસ પર જતી રહી. ચિંતિત કૌશલ પણ તેની પાછળ-પાછળ ગયો અને રડી રહેલી રીનાને પોતાના ખભાનો આશરો આપીને પૂછવા લાગ્યો કે, "રીના, શું થયું? તું શા માટે રડી રહી છે?"
રીનાએ તમામ હકીકત કૌશલને કહી. કૌશલ તેને સાંત્વના આપી રહ્યો હતો ત્યારે અચાનક જ રીનાએ કૌશલને પોતાના મજબૂત આલિંગનમાં જકડી લીધો. કૌશલને થોડું અજુગતું તો લાગ્યું, પરંતુ રીના દુઃખી છે તેમ સમજીને તેની આ હરકતને મન પર ન લીધી. પાર્ટી પૂરી થઈ અને બધા જ લોકો પોતપોતાના ઘરે ગયા, પરંતુ રીનાને તાવ હતો તથા તબિયત પણ સારી ન લાગતાં સ્નેહા અને કૌશલે તેને પોતાને ત્યાં જ રોકી રાખી અને તેને એક બેડરૂમમાં સુવડાવી.
મોડી રાત્રે કૌશલ રીનાની તબિયત જોવા માટે તેને સુવડાવી હતી તે રૂમમાં ગયો. તેને તાવ ઊતર્યો છે કે નહીં તે તપાસવા પલંગ પર બેસીને તેણે રીનાના માથે હાથ મૂક્યો. ત્યારે અચાનક જ રીનાની આંખ ખૂલી ગઈ અને તે ફરીથી કૌશલને વળગી પડી. ગાઢ ચુંબન કરતાં કરતાં તે કહેવા લાગી કે હું તને પ્રેમ કરું છું. એટલામાં જ ત્યાં સ્નેહા આવી પહોંચી. કૌશલને ચિંતા થવા લાગી કે સ્નેહા ક્યાંક ઊંધું ન સમજી બેસે, તે માટે સ્નેહાને રૂમની બહાર લઈ જઈને કહીકત શું છે તે કહેવા લાગ્યો. સ્નેહાએ માત્ર એક શબ્દમાં કહ્યું કે, "મને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. તમારે કશું કહેવાની જરૂર નથી."
બીજા દિવસે સવારે રીનાએ પોતાનાથી થઈ ગયેલી ભૂલની બંને પાસે ક્ષમા માગી. સ્નેહા અને કૌશલે રાકેશને બોલાવીને સમજાવ્યો તથા ભંગાણના આરે આવીને ઊભેલા રીનાના દાંપત્યજીવનમાં નવા પ્રાણ પૂર્યાં.
આટલું ન ભૂલશો
પતિ-પત્નીમાંથી કોઈ એકનો પણ સ્વભાવ શંકાશીલ હોય તો જીવન નર્ક સમાન બની જાય છે.
ઘરેલુ હિંસાને કોઈ પણ સંજોગોમાં સહન કરવી જોઈએ નહીં.
નાનકડી એક ભૂલ તમારી અને અન્યની જિંદગી ખરાબ કરી શકે છે.
સંબંધોમાં પરસ્પરનો વિશ્વાસ બહુ મહત્ત્વની બાબત છે. તેનાથી લગ્નજીવન સુખમય બને છે.

Comments