વર્ષો પહેલાં અમદાવાદ આવીને વસેલા રમેશભાઈને ઘણાં સમય પછી પોતાના ગામની યાદ આવતા પત્ની સાથે બે-ચાર દિવસ ત્યાં રહેવા માટે પહોંચી ગયા. ગામમાં તેમના અનેક સગાં-સંબંધીઓ હતાં,પરંતુ તેઓ બાળપણના ખાસ મિત્ર નગીનદાસના ઘરે રોકાયા. બંનેની નાત-જાત જુદી, આર્થિક સ્થિતિમાં પણ જમીન-આસમાનનો ફરક તેમ છતાં પણ બંને વચ્ચે બાળપણથી પાકી મિત્રતા હતી. વર્ષો બાદ મળવા આવેલા પોતાના મિત્રની નગીનદાસે શક્ય તેટલી આગતા-સ્વાગતા કરી. તેમની એકની એક દીકરી શીલા પણ આ કામમાં મન દઈને જોડાઈ ગઈ. શીલા ખૂબ જ સુંદર, કહ્યાગરી અને સંસ્કારી હતી.
મોડી રાત્રે જ્યારે સૌ ઓસરીમાં ખાટલો ઢાળીને સુખ-દુઃખની વાતોએ વળગ્યા ત્યારે વાતમાંથી વાત નીકળતી ગઈ. નગીનદાસે નિઃસાસો નાખતાં કહ્યું, 'શીલાને લઈને હું બહુ ચિંતિત છું. તે ભણવામાં ખૂબ હોશિયાર છે. બારમું ધોરણ પાસ કરી લીધું, હવે તેને આગળ ભણવું છે. નજીકમાં કોઈ કોલેજ નથી, શહેરમાં કોઈ સંબંધી નથી અને તેના ભણવા પાછળ ખર્ચી શકાય તેટલા રૂપિયા પણ મારી પાસે નથી.'
આ સાંભળી રમેશભાઈએ કહ્યું, 'નગીન, આવી નાની બાબતને લઈને મૂંઝાય છે શા માટે? હું કોઈ પારકો છું? તારી દીકરીને મારા ઘરે મોકલી દે. તેને ભણાવવાની અને લાડકોડથી રાખવાની જવાબદારી મારી. આમેય તારાં ભાભીને ઢીંચણની સમસ્યા છે. શીલા હશે તો ઘરકામમાં તેને પણ થોડી મદદ રહેશે. ચાલ તેને અમારી સાથે મોકલવાની તૈયારી કર.'
આ સાંભળી નગીનદાસની ખુશીનો પાર ન રહ્યો. થોડા દિવસ પછી રમેશભાઈ શીલાને લઈને અમદાવાદ આવ્યા. મોટા ઘરમાં રહેનારાં માત્ર ત્રણ જણ હતાં. રમેશભાઈ, તેમનાં પત્ની અને પુત્ર દર્શન. દર્શન ખૂબ જ હેન્ડસમ, સરળ સ્વભાવનો અને વિનોદી હતો. તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
દર્શનના પિતાએ શીલા સાથે તેની ઓળખાણ કરાવતાં કહ્યું કે, 'તે આજથી આપણી સાથે જ રહેવાની છે.'
દર્શન અને શીલા વચ્ચે મિત્રતા થઈ. તેઓ વાતોચીતો કરતાં, જમતાં, સાથે ટીવી પણ જોતાં. આ રીતે સમય પસાર થઈ રહ્યો હતો.
આકર્ષણ કોનું, ક્યારે અને ક્યાં થાય છે, તે નક્કી નથી હોતું. જે વ્યક્તિ વિશે તમે પહેલાં વિચાર્યું પણ ન હોય, તેના તરફ આકર્ષાઓ તેવા સંજોગો પણ ઘણી વાર રચાતા હોય છે. આવું જ દર્શન સાથે પણ થયું. દર્શન મેચ્યોર અને ખૂબ જ ડાહ્યો કહેવાય તેવો યુવાન હતો. તેના મોટાભાગના મિત્રો કોલેજની છોકરીઓ સાથે હરતાં-ફરતાં અને મોજમસ્તી કરતાં. તે પણ આ મોજ-મસ્તી ઇચ્છતો હતો, પરંતુ શરમ, સંકોચ અને ડરને કારણે તે ક્યારેય પોતાના મનની વાત કોઈ છોકરીને કરી શક્યો નહોતો. દર્શન શીલાને માત્ર મિત્રની નજરે જ જોતો હતો, પરંતુ વધારે પડતો સમય સાથે વિતાવવાને કારણે તેને શીલા પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું. જોકે ઘણો સમય વીતવા છતાં, તે શીલાને પણ કંઈ કહી ન શક્યો.
એક રાત્રે દર્શન બિલ્લીપગે શીલાના રૂમમાં પ્રવેશ્યો. શીલા પલંગ પર સૂઈ રહી હતી. રેશમી નાઈટીમાં રચાયેલા ઘાટ તેના અંગઉપાંગોની સુંદરતાની ચાડી ખાતા હતા. ચહેરા અને હોઠનું તેજ દર્શનને તેની તરફ આકર્ષી રહ્યું હતું. શીલાનું દેહલાલિત્ય દર્શનને ભાન ભુલાવી રહ્યું હતું. તે પોતાના આવેગોને રોકી ન શક્યો. ઝડપથી પલંગ પાસે જઈને પોતાના શરીરને શીલાના કોમળ શરીર પર ઝુકાવી દીધું. આઈ લવ યુ કહેતાં કહેતાં તે શીલાનાં વિવિધ અંગોને ચૂમવા લાગ્યો.
અચાનક ઘટેલી આ ઘટનાથી શીલાના માનવામાં જ નહોતું આવતું કે સ્વપ્ન છે કે હકીકત. થોડી જ ક્ષણોમાં સ્વસ્થતા ધારણ કરીને શીલાએ દર્શનને આગળ વધતા અટકાવ્યો.
'શીલા હું તને પ્રેમ કરું છું.' દર્શને કહ્યું.
'પરંતુ હું તને પ્રેમ નથી કરતી, હું તને માત્ર એક સારો મિત્ર માનું છું. હું ગરીબ જરૂર છું, પરંતુ તું સમજે છે તેવી છોકરી નથી.' શીલાએ કહ્યું.
બીજા દિવસે દર્શને શીલાની માફી માંગી. શીલાએ ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેને માફ પણ કરી દીધો. ફરીથી તેમની મિત્રતા પૂર્વવત્ બની ગઈ.
આટલું ન ભૂલશો
* કોઈને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોય તો આપણે પણ હોવા જોઈએ એવું જરૂરી નથી.
* અજાણ્યા કે કોઈ સંબંધ ન હોય તેવાં યુવક કે યુવતી એક છત નીચે રહેતાં હોય ત્યારે યોગ્ય અંતર જાળવી રાખવું.
* આવેગો ઉપર હંમેશાં અંકુશ રાખવો જોઈએ.
* ક્યારેક ભૂલભરેલું પગલું, તમારી અને અન્યની જિંદગી બરબાદ કરી શકે છે.
Comments
Post a Comment
Thanx For Comment