પ્યાર અને વેપાર એકસાથે નહીં ચાલે



તન્વેષને એક સ્માર્ટ પર્સનલ સેક્રેટરીની અને પદ્માને પૈસા સાથે મોભાની જરૂર હતી. આમ જુઓ તો એકબીજાની ગરજથી મળ્યાં છે પણ પોતાની નજર અને ફરજ ચૂક્યાં એટલે આ ગૂંચવાડો કરીને ઊભાં રહ્યાં છે... 

સો ટચના સોના જેવી પ્રેયસી, પત્ની તરીકે નિષ્ફળ નીવડ્યાના અનેક બનાવો છે. તેવી તન્વેષને જાણ હોવાથી તે ભારે મૂંઝવણમાં મુકાઇ ગયો છે.

પ્યાર અને વેપાર એક્સાથે નહીં ચાલે તેવું તન્વેષ બરાબર સમજે છે. વેપારને પ્યાર થઇ શકે પરંતુ પ્યારનો વેપાર ન થાય. સમજણ હોવા છતાં છુટતું નથી તેની તન્વેષને ભારે મૂંઝવણ છે, પણ સામે જ ઊભેલી પદ્માની મારકણી અદાથી તન્વેષ તરબોળ થઇ ગયો ત્યાં પદ્મા બોલી: જુઓ યમુનામાં એક ટીપુંય પાણી નથી! તન્વેષે કહ્યું: તો પછી યમુના આગ્રા પાસેથી પસાર થાય છે ત્યાં તો પાણી છે...! પદ્મા મોં બગાડીને બોલી: એ પાણી નથી પરંતુ શહેરોની ગંદકી છે! તન્વેષે નવાઇ પામતાં કહ્યું: મથુરામાં તો શ્રદ્ધાળુઓ ચરણામૃત લેશે! પદ્મા કશું ન બોલી. ત્યાં ફરી તન્વેષે સવાલ કર્યો: ગંગાનું પણ આવું ને! પદ્મા દાંત ભીંસીને બોલી: ગંગા તો અવનિનું અમૃત લઇને આવે છે.

તદ્દન પ્રાકૃત અને પવિત્ર હોય છે પણ રસ્તામાં, રામ તેરી ગંગા મૈલી થઇ જાય છે! તન્વેષને પદ્માનું આમ કહેવું ચાબુક જેવું આકરું લાગ્યું. સામે પદ્મા નાકનું ટેરવું ચઢાવી ગઇ હતી. આ મનોસંઘર્ષની પ્રતિક્રિયા હતી. બંને વચ્ચેનો સંબંધ સાવ નાજુક અવસ્થામાં આવીને ઊભો છે. છુટવું છે પણ એમ સહેલાઇથી છુટી શકાય તેમ નથી. જેથી આમ જાણ્યેઅજાણ્યે આક્ષેપના છાંટા ઊડતા રહે છે. અહીં પદ્માનું કહેવું સ્પષ્ટ છે કે, મારા જેવી ગંગાને પ્રદૂષિત કરનાર પૈસાપાત્ર અને કારખાનેદાર લોકો છે. આ સિક્કાની બે બાજુ જેવી હકીકત છે. ખરેખર તો કોણ કોને બગાડે છે અને સુધારે છે તે કહેવું કપરું છે, પણ જેને બગડવું નથી તેને ભગવાન પણ બગાડી શકતો નથી. બધું વ્યક્તિ આધારિત હોય છે.

ગણિકાની ગલી કોઇ આબરૂદારનાં પગલાં પછી જ બદનામ થાય છે. આ બંને લાલકિલ્લાની દીવાને આમ, દીવાને ખાસ જગ્યાએ ઊભા છે. ઓફિસનું કામ કાઢી દિલ્હી ફરવા આવ્યા છે. મુંબઇ, બેંગ્લોર... બધે જ ફરી લીધું છે. તેથી આમ આવવું નવું નથી. પદ્માની પૂર્ણ સહમતી પછી જ આ પ્રોગ્રામ થાય છે. તન્વેષને એક વાત કોઇ રીતે સમજમાં આવતી નથી કે, પદ્મા સમજી, વિચારીને પગલું ભરે છે. તેની મરજી વિરુદ્ધ કશું જ થતું નથી છતાંય આવું વર્તન શા માટે કરે છે? દોષનો ટોપલો મારા પર શા માટે ઢોળે છે? જોકે આમાં કોઇનો દોષ હોતો નથી. સ્નેહને સમજણની કોઇ સરહદ લાગુ પડતી નથી. જાણવા છતાંય બધું બની જતું હોય છે. આગમાં આંગળી નાખી અખતરો કરે તેનું નામ યુવાની.

બોસ અને તેની યુવા સેક્રેટરીના પર્સનલ રિલેશનની બાબત ચવાઇ અને વગોવાઇ ગયેલી છે. તેમાં બોસ મેરિડ અને મોટી ઉંમરનો હોય. બંનેના અંતરંગ અને ઘનિષ્ઠ સંપર્કના લીધે પ્રેમ હોવાનો વહેમ જાગે. જોકે સમસ્યા તો સંબંધોની સીમા ઓળંગાય તેની રાહ જોઇને જ ઊભી હોય છે, પણ અહીં જરા જુદી વાત છે. બંને યુવાન અને અનમેરિડ છે. વળી એકબીજાની જરૂરિયાતના લીધે પ્રેમનો પ્રબંધ થયો છે. તન્વેષને એક સ્માર્ટ પર્સનલ સેક્રેટરીની અને પદ્માને પૈસા સાથે આવા મોભાની જરૂર હતી. આમ જુઓ તો એકબીજાની ગરજથી મળ્યાં છે પણ પોતાની નજર અને ફરજ ચૂક્યાં એટલે આ ગૂંચવાડો કરીને ઊભાં રહ્યાં છે.

સમયના આ બદલાતા વહેણમાં યંગસ્ટર્સની લાઇફસ્ટાઇલ સાવ નવા અંદાઝથી વહી રહી છે. તેને લાસ્ટમાં નહીં ફાસ્ટમાં રસ છે. તે જાણી લેવા કરતાં ઝડપથી માણી લેવામાં મજા સમજે છે. આ પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ હશે પણ સામે કમાણીનાં નાણાંનો અભાવ છે. યુવાવસ્થામાં પોકેટમની પેચીદો પ્રશ્ન બની રહે ત્યારે યુવાનો કમાવા માટે સારા અને નરસા રસ્તાઓ અખત્યાર કરતાં હોય છે.

પદ્મા કોર્પોરેટ કલ્ચરમાં સૂટ થાય તેવી સ્માર્ટ યુવતી છે. તેની અંગ્રેજીમાં બોલવાની આવડત પ્રભાવક છે. સામેની પાર્ટીને આંજી અને માંજી નાખે તેવું મોહક વ્યક્તિત્વ છે. પ્રાઇવેટ કંપનીઓમાં આવી સેક્રેટરીની ડિમાન્ડ રહે છે. પાર્ટીને પ્રભાવિત કરી, કામ કઢાવી લઇ કંપનીને ફાયદો કરાવી આપે છે. આમાં કશું જ ખોટું નથી. ઘણી યુવતીઓ આમ સારું કમાય છે. પદ્માના લીધે તન્વેષની કંપનીને ફાયદો થયો છે.

નવા કોન્ટ્રાકટ મળતા રહે છે, પણ આમ થવાના લીધે બંને એટલા નજીક આવી ગયાં છે કે હવે છુટા પડવું મુશ્કેલ છે. પાછો પ્રતિસવાલ એવો છે કે છૂટા જ શું કરવા પડવું? એકબીજાના પૂરક છે, જીવનસાથી થઇ શકે તેવી સારી સ્થિતિ છે. આવી વાઇફ હોય તો લાઇફ બની જાય... પણ તન્વેષ એમ સમજે છે કે પ્યાર અને વેપાર સાથે ન ચાલે. સેક્રેટરી તરીકે સફળ નીવડેલી પદ્મા પત્ની તરીકે સફળ થાય કે કેમ, તે સવાલ છે. સો ટચના સોના જેવી પ્રેયસી, પત્ની તરીકે નિષ્ફળ નીવડ્યાના અનેક બનાવો છે. તે ભારે મૂંઝવણમાં મુકાઇ ગયો છે.

પદ્મા અને તન્વેષ કશું બોલ્યા વગર ચાંદની ચોકમાં આવીને ઊભાં રહ્યાં. હજુ બીજાં સ્થળો જોવાનાં છે, શોપિંગ કરવાનું છે પણ હવે કશે જવાનો મૂડ રહ્યો નથી. પદ્માની ગંગા મેલી કરવાની વાતે તન્વેષને ભારે લાગી આવ્યું છે. પોતે હૃદયથી ચાહે છે અને મેરેજ કરવા સુધીની તૈયારી છે, પછી શું? છેલ્લા ઘણા સમયથી બંનેનાં મન ઉખડેલાં રહે છે. ક્યાંય ચિત ચોંટતું નથી. દુષ્કાળના લીધે ધંધામાં મંદી છે. બંને મૂડ ચેઇન્જ કરવા આમ બિઝનેસના નામે દિલ્હી આવ્યાં છે. દિલ્હી આવવું એટલે સસ્તું અને સિદ્ધપુરની જાત્રા જેવું!

પદ્માને હવે એમ થાય છે કે પોતે, પોતાનો નર્યો વેપાર કર્યો છે. બરફના જેમ પીગળતી અને ઢાળ બાજુ ઢળતી રહી છે. ગૌરવને ગણકાર્યું નથી, આત્મસન્માનની ખેવના રાખી નથી. આમ તો હવે ખુમારીની ખોટ અને ઓટ આવવા લાગી છે. કદાચ યંગસ્ટર્સને આ જીવનમૂલ્ય અપ્રસ્તુત લાગે, પણ સિંહ જંગલ છોડી સીમમાં આવે છતાં તેની ગર્જના ઓછી થતી નથી.

કોયલ ડીસ-એન્ટેના પર બેસીને ટહુકે છે છતાંય તેની ખુમારી ઘટી નથી. ઉત્કૃષ્ઠ જીવન માટે આ બધું જરૂરી છે. પદ્માને પસ્તાવો થાય છે. આત્મા ડંખે છે. અર્દશ્ય પીડા અનુભવાય છે. સામે પોતાની આ સ્થિતિ માટે તન્વેષ જવાબદાર છે એવું પદ્મા માને છે. તેથી આનો એક જ ઉપાય છે મેરેજ. તન્વેષ ન સમજે, સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરવી પડે. આવા નબળા વિચારો પણ પદ્માને રંજાડ્યા અને દઝાડ્યા કરે છે.

તન્વેષે કશુંક વિચારીને કહ્યું, ગુરુદ્વારામાં જઇએ! પદ્માએ પ્રશ્નાર્થભરી નજરે તન્વેષને ત્રોફ્યો. તારી મરજી હોય તો મેરેજની મારી ના નથી. સામે પદ્મા આક્રોશથી બોલી: માત્ર મારી મરજી...!! તન્વેષે કહ્યું: ના, આપણી મરજી! બંને ગુરુદ્વારામાં આવ્યાં. દર્શન કર્યા. પ્રસાદ લીધો. પદ્માને થયું તન્વેષનું કહેવું સહર્ષ સ્વીકારી લેવું. મનપસંદ જીવનસાથી મળે તો બીજું જોઇએ શું? ઉરાઉર આવી ઘડીભર એકબીજાનું સાંનિધ્ય માણતાં રહ્યાં.

પછી પદ્મા ભારે હૃદયે એકાએક બોલી: આમ તો આ પ્યારનો વેપાર થયો કહેવાય જે આપણને જીવનભર જંપવા નહીં દે. તન્વેષ તદ્દન અબોલ રહ્યો. તેના મનના ત્રાજવામાં એક બાજુ જીવન અને બીજી બાજુ બિઝનેસ તોળાતાં હતાં. શું કરવું તે સૂઝતું નહોતું. વળી સાથે રહેવાના અને છુટા પડવાનાં પરિણામોથી બંને અવગત હતાં. જીવન સૂનું અને અધૂરું લાગે એમ હતું..., આમ છતાં મનેકમને પણ તન્વેષે પદ્માનું રાજીનામું સ્વીકારી લીધું. 

Comments

  1. Cool...
    Nice end...
    Jay Ho!
    Kuldeepp Laheru
    http://kuldeepplaheru.blogspot.in/

    ReplyDelete

Post a Comment

Thanx For Comment