સોક્રેટિસજી,
મારું નામ દિવ્યા છે. હું ૨૨ વર્ષની યુવતી છું અને સુરતમાં રહું છું. મેં હમણાં જ એમબીએનો અભ્યાસ પૂરો કર્યો છે. અર્જુન મારી સાથે ભણતો હતો. અમે એમબીએના પ્રથમ વર્ષમાં હતાં ત્યારે અર્જુને મને પ્રપોઝ કર્યું હતું. મને પણ તે ગમતો હતો એટલે મેં તેના પ્રેમનો પ્રસ્તાવ તરત જ સ્વીકારી લીધો હતો. પછી તો અમે ફોનમાં કલાકો સુધી વાતો કરતાં રહેતાં. સાથે ફરવા પણ જતાં હતાં. બીજા સેમેસ્ટરમાં ભણતાં હતાં ત્યારે અમારી વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો. તેણે મારી સાથે ઝઘડો કરીને પછી ગુસ્સામાં કહ્યું કે આપણાં લગ્ન થઈ શકે તેમ નથી એટલે હું તારી સાથે કોઈ રિલેશન રાખવા નથી માંગતો. આ ઘટના પછી અર્જુને મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. હું સામેથી તેને ફોન કરતી હતી ત્યારે તે મને અપશબ્દો બોલતો હતો. હું તેના અપશબ્દો પણ સાંભળી લેતી હતી, કારણ કે હું તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. જોકે, અર્જુને મારા ફોન રિસિવ કરવાનું સાવ જ બંધ કરી દીધું. પછી મેં પ્રયત્નો છોડી દીધા. હું એકલી એકલી રડયા કરતી હતી. એ મને સતત ઈગ્નોર જ કરતો હતો.
આમને આમ ૮ મહિના પસાર થઈ ગયા. અમારી એમબીએની ફાઇનલ એક્ઝામ આવી ગઈ. છેલ્લું પેપર પત્યું એ દિવસે અર્જુનનો ફોન આવ્યો. હું રસ્તામાં હતી એટલે મને ખબર ન પડી કે ક્યારે એનો ફોન આવી ગયો. ઘરે પહોંચીને મેં તેનો મિસ કોલ જોયો એટલે ખુશ થઈ ગઈ. મેં સામેથી ફોન કર્યો. આઠ મહિના પછી અર્જુન સાથે વાત થવાની હતી એટલે મારો હર્ષોલ્લાસ સમાતો નહોતો. અર્જુને મને ફોનમાં કહ્યું કે મારે તને મળવું છે. મેં હા પાડી એટલે અમે સાંજે મળ્યાં. એકબીજાં સાથે વાત કરવાથી અમારી વચ્ચે રહેલી કેટલીક ગેરસમજો દૂર થઈ ગઈ. એણે મને કહ્યું કે હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું જેટલો એક વર્ષ પહેલાં કરતો હતો. એનું વર્તન પહેલાંની માફક એકદમ નોર્મલ થઈ ગયું. એણે મને કહ્યું કે હું તારી સાથે જ લગ્ન કરીશ, પણ પહેલાં સારી જોબ શોધી લઉં. આ દરમિયાન અમારી વચ્ચે ફોનમાં રેગ્યુલર વાતો થતી હતી. આ સમયગાળામાં અમે બંનેએ સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસ જોઈન કર્યા. દરરોજ સાથે આવવા-જવાનું થતું.
બધું ખૂબ સરસ ચાલી રહ્યું હતું ત્યાં એક દિવસ અચાનક તેણે મને કહ્યું કે હું તારી સાથેના રિલેશનને આગળ વધારવા નથી માંગતો! મેં કારણ પૂછયું તો કહેવા લાગ્યો કે આપણી કાસ્ટ અલગ છે એટલે હું મારાં મમ્મી-પપ્પાની ઇચ્છા વિરુદ્ધ જ્ઞાતિની બહાર લગ્ન નહીં કરી શકું. મેં એને સમજાવ્યો કે વાંધો નહી હું તારી વાત સાથે સહમત છું, પણ તું એક વાર તો આપણી વાત ઘરે કર. તું આટલું કરીશ તોપણ મને લાગશે કે તેં એટલિસ્ટ બનતી કોશિશ તો કરી! એણે મને કહ્યું કે મારા ઘરમાં કોઈ નહીં માને. હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તારાથી દૂર જવા નથી ઇચ્છતો પણ મારી મજબૂરી છે એટલે હવે આપણા રિલેશનને આગળ વધારવા નથી માંગતો. આટલું કહીને તે રડી પડયો. હું તેની બધી જ વાતથી સહમત થઈ ગઈ, પણ હવે મને લાગે છે કે હું તેના વગર નહીં રહી શકું.
અર્જુન તેનાં મમ્મી-પપ્પાને કારણે તેમના પ્રેમનું બલિદાન આપી રહ્યો છે, પણ મને ખબર છે કે એની સગાઈ બીજી કોઈ પણ છોકરી સાથે થઈ જશે તોપણ એ ખુશ નહીં રહી શકે. શું કોઈ મમ્મી-પપ્પા એવાં હોય કે પોતાના સંતાનને દુઃખી કરે? એ એના ઘરે અમારા સંબંધની વાત કરવા પણ તૈયાર નથી ત્યારે મારે હવે શું કરવું જોઈએ? હું એના વગર રહી શકું તેમ નથી. પ્લીઝ, મને યોગ્ય માર્ગદર્શન આપો.- લિ. દિવ્યા
પ્રિય દિવ્યા,
પ્રેમમાં પસ્તાવાનો પ્રસંગ ત્યારે જ આવે છે જ્યારે પ્રેમ કરતી વખતે માત્ર દિલની જ વાત સાંભળવામાં આવી હોય છે અને દિમાગને વારંવાર ચૂપ કરી દેવામાં આવ્યું હોય છે. પ્રેમ દિલથી જ થાય છે પરંતુ નિર્ણયો દિમાગથી લેવા પડે છે. તમે અર્જુનને પ્રેમ કરો છો અને અર્જુન પણ તમને ચાહતો જ હશે, પરંતુ તમે બન્ને જ્યારે દિલથી કામ લો છો ત્યારે દિમાગને 'શટ-અપ' કહી દો છો અને જ્યારે દિમાગથી નિર્ણય લો છો ત્યારે દિલને 'ચલ ફૂટ નાદાન' કહીને ઉતારી પાડો છો. આને કારણે જ તમારી વચ્ચે ક્યારેક સંવાદ સર્જાય છે તો ક્યારેક વિવાદ છંછેડાય છે. તમારે બન્નેએ દિલ અને દિમાગ બન્નેને સાથે રાખીને જ જિંદગી અંગેના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા જોઈએ.
અર્જુને આ અગાઉ પણ આજે જણાવે છે એવાં જ કારણોસર તમારી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું અને પછી ફરી તેણે સામેથી જ સંબંધોને ફરી વાર સજીવન કર્યા. ફરી વાર સંબંધો સ્થાપતી વખતે શું તેણે વિચાર્યું નહોતું કે તમારાં લગ્ન આડે કેવા કેવા અવરોધોને પાર કરવા પડશે? પરિવારજનો માનશે કે નહીં માને, એ તેને ત્યારે ખબર નહોતી? તેને ખબર હશે, પરંતુ કદાચ તમારા પ્રત્યેના પ્રેમને કારણે તેનું મન પલટાયું હોય એવું પણ બની શકે, પરંતુ પ્રેમ-પંથમાં ચાલનારે પવિત્રતા અને પ્રતિબદ્ધતા જાળવવી જરૂરી છે. અર્જુનની નૈતિક ફરજ છે કે તે તેનાં માતા-પિતાને તમારા વિશે વાત કરે અને તમારા બન્નેનાં લગ્ન થાય એ માટે પ્રયાસ કરે. જોકે, તમારા પત્ર પરથી લાગે છે કે અર્જુનમાં સાહસનો અભાવ છે. તે પોતાના ઘરના લોકોથી અથવા તો પછી તેમની સામે સંઘર્ષ કરવાથી ડરી રહ્યો છે. અર્જુન જો ખરેખર તમારાં લગ્ન માટે પ્રતિબદ્ધ કે પ્રયત્નશીલ ન હોય તો પછી તમારે તેની આશા છોડી દેવી જોઈએ.
તમે હકારાત્મક વિચારો તો એવી પણ આશા રાખી શકાય કે જેમ આઠ મહિના પછી તેણે ફરી સંબંધો શરૂ કર્યા તેમ તે થોડા સમય પછી ફરી સંબંધો બાંધવા ઉત્સુક થાય. જોકે, તે ફરી વાર બોલવાનું શરૂ કરે ત્યારે તમારે સંબંધો-પ્રેમ અને લગ્ન સંબંધી કેટલીક સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે. કારણ કે એવું જ થયા કરે તો તમે તમારી ભાવિ જિંદગી માટે કોઈ નિર્ણય પર કદી આવી જ ન શકો.
Comments
Post a Comment
Thanx For Comment