મૈથુલી ખૂબ જ તોફાની, સ્વચ્છંદ, આખાબોલી, નિખાલસ અને મળતાવડા સ્વભાવની હતી. કોલેજના તેના મિત્રવર્તુળનાં બધાં જ છોકરા-છોકરીઓ તેને મન સરખા જ હતાં. તેની દૃષ્ટિમાં છોકરા-છોકરી એવો ભેદભાવ હતો જ નહીં. જેવું વર્તન તે છોકરીઓ સાથે કરતી તેવું જ વર્તન છોકરાઓ સાથે પણ કરતી. સામાન્ય રીતે છોકરી કોઈ છોકરા સાથે ન કરી શકે તેવી વાત પણ મૈથુલી નિઃસંકોચ અને બિન્ધાસ્ત બનીને છોકરાઓ સાથે કરતી. મૈથુલીના ઘરનું વાતાવરણ એકદમ મુક્ત પ્રકારનું હતું. તેને બધી જ બાબતની સ્વતંત્રતા હતી.
કુદરતે મૈથુલીમાં સુંદરતા જાણે ફૂટીફૂટીને ભરી હતી. તેના વ્યક્તિત્વમાં ગજબનું આકર્ષણ હતું. મધ્યમ કદ, મુલાયમ કોમળ ત્વચા અને ગોરો વર્ણ. સુંદર લંબગોળ ચહેરો, ધનુષાકાર લાંબી ભ્રમરો, મોટી આંખો, અણિયાળું નાક, ઘાટા ગુલાબી હોઠ, લાંબા વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. તેના ઘાટીલા દેહ પરના વળાંકો જોનારના મોંમાથી સીસકારીઓ નીકળી જતી. તેનો અવાજ એટલો મીઠો હતો કે સાંભળનારનાં મન-મગજમાં દિવસો સુધી તેના પડઘા પડયા જ કરે.
મૈથુલીના કોલેજના મિત્રવર્તુળનાં દરેક છોકરા-છોકરીઓ સારા પરિવારમાંથી આવતાં હતાં. મૈથુલીના વર્તનથી તેમને વિચિત્રતા નહોતી અનુભવાતી. મૈથુલી છોકરાઓની સાથે સિગારેટના કસ ખેંચતી અને શરમ-સંકોચ વગર ક્યારેક એડલ્ટ વાતો પણ કરી લેતી, પરંતુ મૈથુલીનો આવો વ્યવહાર બધાંને સામાન્ય જ લાગતો. આ મિત્રવર્તુળમાં બીજો એક યુવાન પણ સામેલ થયો. તેનું નામ નીલેશ હતું. તેને કોલેજમાં આવ્યે હજુ માંડ એકાદ મહિનો થયો હતો. નીલેશ ટોલ, હેન્ડસમ અને સ્માર્ટ યુવાન હતો. સૌની સાથે મૈથુલી જોડે પણ મિત્રતા થઈ જે ધીરે-ધીરે ગાઢ બનતી ગઈ.
એક વાર મૈથુલીએ નીલેશને એડલ્ટ જોક્સનો મેસેજ કર્યો. સામે નીલેશે પણ તેવો જ મેસેજ મોકલ્યો. બંને અવારનવાર એકબીજાંને દ્વિઅર્થી અને એડલ્ટ મેસેજ મોકલતાં. તેઓ મળે ત્યારે ઘણી વાર એડલ્ટ વાતો કે કોમેન્ટ કરતાં અને સાથે સિગારેટ પણ પીતાં. આમ કરવામાં બંનેને ખૂબ મજા આવતી. મૈથુલી આ બધું સહજભાવે કરતી, પરંતુ નીલેશના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તે મૈથુલીને ખરાબ ચારિત્ર્યની સમજવા લાગ્યો હતો. નીલેશ મૈથુલીના થનગનાટ કરતા યૌવન સાથે પ્રણયફાગ ખેલવા આતુર હતો.
એક દિવસ નીલેશે મૈથુલીને ફોન કરીને કહ્યું કે, 'મારાં મમ્મી-પપ્પા અઠવાડિયા માટે બહાર ગયાં છે. આજે રાત્રે મારા ઘરે પાર્ટી રાખી છે, મેં બધાંને ફોન કરી દીધો છે તું પણ આવજે.'
મૈથુલી સહિત બધા જ ફ્રેન્ડ્સ રાત્રે નીલેશના ઘરે પહોંચી ગયા. જેમ રાત પડતી ગઈ તેમ પાર્ટી પણ જામતી ગઈ. સૌ પોતપોતાની મસ્તીમાં મસ્ત હતા. મૈથુલીએ નીલેશ પાસે સિગારેટ માગી, પરંતુ નીલેશે કહ્યું, તે ઉપર મારા રૂમમાં પડી છે. બંને ઉપરના માળે આવેલા રૂમમાં ગયાં અને સિગારેટના કસ ખેંચવા લાગ્યાં. થોડી વાર પછી મૈથુલી અર્ધબેભાન બની ગઈ. વાસ્તવમાં નીલેશે મૈથુલીને આપેલી સિગારેટ નશીલી હતી. નીલેશને જોઈતી તક મળી હતી. બેડ પર સુવડાવીને તે મૈથુલીના અંગ પરથી વસ્ત્રોને દૂર કરવા લાગ્યો. મૈથુલીએ વિરોધ કર્યો અને કહ્યું કે, તેં મારી દોસ્તીનો ખોટો મતલબ લીધો છે અને તું ખોટું કરી રહ્યો છે,પરંતુ તે મૈથુલીની કુમળી કાયાને કચડવા બેબાકળો બન્યો હતો. તે મૈથુલીને પોતાના શરીરપાશથી જકડીને અભડાવવા જઈ જ રહ્યો હતો કે ત્યાં કોઈના ઉપર આવવાનો અણસાર આવતાં સફાળો ઊભો થઈને નીચે જતો રહ્યો.
બીજા દિવસે સવારે કોલેજમાં બધાંની વચ્ચે મૈથુલીએ નીલેશને તમાચો લગાવી દીધો. મૈથુલીએ બધાંને હકીકત કહી સંભળાવી. નીલેશ કોલેજ છોડીને જતો રહ્યો. તે દિવસથી મૈથુલીનું વર્તન સામાન્ય છોકરીઓ જેવું થઈ ગયું.
આટલું ન ભૂલશો
* સ્વતંત્રતા, સ્વચ્છંદતા કે મિત્રતા પણ એક હદ સુધી જ સારી લાગે છે.
* બિંદાસ્તપણું ખતરનાક પણ બની શકે છે.
* છોકરો હોય કે છોકરી વ્યસન કોઈના માટે સારું નથી.
* પાર્ટીમાં ગયા હો તો ત્યાં હંમેશાં ગ્રુપ સાથે જ રહેવું.
* એડલ્ટ વાતચીત કે મેસેજ ક્યારેક જોખમને નિમંત્રણ આપી શકે છે.
Comments
Post a Comment
Thanx For Comment