મેં તો મારી મોટી બહેન સાથે તારી મુલાકાત કરાવી દીધી, હવે તું પણ તારા કુટુંબની કોઇ વ્યક્તિ સાથે મારો પરિચય કરાવ.’ મિશા ભડકી ઊઠી, ‘કોની સાથે કરાવું?
મોસમનો પહેલો વરસાદ ઝરમર-ઝરમરની મંથર ગતિમાં શરૂ થયો એ સાથે જ માઝી મીઠાવાલાના મનનો મોરલો થનગનવા માંડ્યો. એણે મોબાઇલ ફોન હાથમાં લીધો. પોતાની પ્રેમિકાનો નંબર લગાડ્યો. સામા છેડેથી ચુલબુલો અવાજ સંભળાયો, ‘હાય! ગુડ મોર્નિંગ, સ્વીટુ પાઇ!’ ‘સ્વીટુ પાઇ’ એ કાયમી સંબોધન હતું. માઝીના કાન આ સાંભળવા માટે ટેવાઇ ગયા હતા. જવાબમાં એણે પણ ‘વિશ’ કર્યું, ‘હાય, મિશા! ગુડ મોર્નિંગ! શું કરે છે તું?’‘બસ, હમણાંજ ઊઠી છું.
ચા અને બ્રેકફાસ્ટ કરી રહી છું. નાસ્તામાં આજે ખાસ કંઇ નથી. બ્રેડ છે, બટર છે, જામ છે.’‘છટ્! આવી ભીની-ભીની મોસમમાં બ્રેડ ને બટર તે કંઇ ખવાતાં હશે? ચાલ, ઝટપટ તૈયાર થઇને આવી જા. ગરમ-ગરમ દાળવડાં ખવડાવું તને.’‘દાળવડાં? અત્યારે?!’ મિશા જાણે ભડકી ઊઠી, ‘ના, બાબા, ના! હજુ તો મારે નહાવાનું પણ બાકી છે. આજે સન્ડે છે એટલે વાળમાં શેમ્પૂ કરીશ. પછી તૈયાર થવા બેસું ત્યાં સુધીમાં લંચનો સમય થઇ જાય. આજે નહીં ફાવે. ફરી ક્યારેક દાળવડાં ખાઇશું.’
‘ના એટલે ના! તારે આવવું જ પડશે. આજે અને અત્યારે જ. શેમ્પૂ આવતીકાલે થશે, પણ પહેલો વરસાદ બીજીવાર નહીં મળે.’ વધુ કોઇ દલીલ સાંભળવી પડે તે પહેલાં માઝીએ ફોન કાપી નાખ્યો.માઝીની આ એક જ તકલીફ હતી, એ બહુ જિદ્દી હતો. મિશાને એ ખૂબ પ્રેમ કરતો હતો, પણ એના પ્રત્યે તીવ્ર માલિકીભાવ ધરાવતો હતો. અત્યારે એને દાળવડાં ખાવાનું મન થયું એટલે મિશાએ આવવું જ જોઇએ. મિશા હજુ પણ આનાકાની, વિરોધ અને દલીલો કરવા માગતી હતી, પણ કોની આગળ કરે? ફોન તો કપાઇ ગયો હતો અને હવે એનો પ્રેમી એનો ‘કોલ’ રિસીવ કરવાનો ન હતો એ સત્ય મિશા જાણતી હતી.
એક કલાક પછી મિશા માઝીની ઓફિસે પહોંચી ગઇ. રવિવાર હોવાથી આજે ઓફિસમાં બીજું કોઇ ન હતું. માઝીએ દાળવડાં અને ચા મગાવી લીધાં હતાં. બંને જણાં પહેલા ‘ભોજન’ અને પછી પ્રેમનાં ‘ભજન’માં ખોવાઇ ગયાં. પણ માઝીને લાગ્યું કે મિશા આજે જોઇએ તેવા મૂડમાં ન હતી.‘કેમ આજે બદલાયેલી લાગે છે?’ એણે પ્રેમિકાને પાસે ખેંચવાનો પ્રયત્ન કર્યો. મિશાએ પોતાનો હાથ છોડાવી લીધો, ‘બસ, એમ જ.’
‘એવું લાગે છે જાણે તું રડીને આવી હોય!’ માઝી એને મનાવી રહ્યો, ‘આ લાલ આંખો, સૂજેલાં પોપચાં, ફૂલી ગયેલું મોં!’‘હં...!’ મિશા નીચું જોઇ ગઇ, ‘તેં આટલી બધી જીદ કરી એ મને ન ગમ્યું.
હું તારી પ્રેમિકા છું, કોઇ પાળેલું પ્રાણી નથી.’ માઝીને પોતાની ભૂલ સમજાણી. એણે તરત જ માફી માગી લીધી. ‘હવે પછી આવું નહીં થાય.’ એવું કહીને થોડી જ વારમાં મિશાને છુટ્ટી કરી દીધી. મિશા પણ માનૂનીની જેમ, મનાઇ જવાને બદલે ઊભી થઇને જતી રહી. ‘આષાઢસ્ય પ્રથમ દિવસ:’ આ રીતે અબોલામાં પસાર થઇ ગયો. બીજા દિવસથી બધું પૂર્વવત્ થઇ ગયું. મિશાનું વર્તન પાછું હતું તેવું બની ગયું, પણ લોહીની અંદર રસ-બસ થઇ ગયેલા ગુણો-અવગુણો ક્યાં સુધી દબાયેલા રહી શકે?!માંડ પંદર દિવસ થયા હશે ત્યાં ફરી એક વાર માઝીના મનમર્કટે ઊથલો માર્યો. સાંજના સમયે મિશા એને મળવા આવી હતી, એને કહ્યું, ‘મિશા, ડાર્લિંગ! આવતીકાલે મુંબઇથી મારી મોટી બહેન આવે છે.’
‘હં...!’ મિશાએ ટૂંકો જવાબ આપ્યો. જવાબ શાનો, માત્ર હોંકારો જ પુરાવ્યો. એ સમજી ગઇ હતી કે હવે પછી શું આવી રહ્યું છે!‘ડાર્લિંગ! મારી ઇચ્છા છે કે મારી બહેનની સાથે તારી મુલાકાત કરાવું. આપણા પ્રેમસંબંધ વિશે મારા ફેમિલીને હજુ પણ જાણ નથી થઇ. જો મારી બહેન તને જુએ તો એ મારી વકીલાત કરી શકે.’‘તારી લાગણી હું સમજું છું, માઝી, પણ આવા બધા કાર્યક્રમો તું રવિવારે જ શા માટે ગોઠવે છે? હું સોમવારે આવું તો ન ચાલે?’, ‘ના, મોટીબહેન સોમવારે તો સવારની ફ્લાઇટમાં જતી રહેવાની છે, પણ તને રવિવારનો વાંધો શા માટે હોય છે?’
‘એટલા માટે કે રવિવારે રજા હોય છે. મારા પપ્પા, નાનો ભાઇ, નાનીબહેન બધાં ઘરમાં જ હોય છે. મારે પપ્પાની આગળ કર્યું બહાનું કાઢીને ઘરની બહાર નીકળવું એ મોટી મૂંઝવણ હોય છે.’ મિશાએ પ્રેમીને શાંતિથી સમજાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા પણ માઝીએ કંઇ જ ન સાંભળ્યું. છેલ્લે તો એણે સર્વોચ્ચ અદાલતનો અંતિમ ચુકાદો સંભળાવી દીધો, ‘કાલે સાંજે પાંચ વાગ્યે આપણે ત્રણ જણાં મળીએ છીએ. હરીશું, ફરીશું અને સાંજે ક્યાંક સારી રેસ્ટોરન્ટમાં ડિનર લઇને છુટાં પડીશું.’
મિશા આવી તો ખરી, બરાબર પાંચના ટકોરે આવી પહોંચી, પણ એનો ચહેરો ઊતરેલો હતો. માઝીની મોટીબહેનની સાથે એણે સરસ વર્તન કર્યું. એ આજે ઓછું બોલી રહી હતી, જે મોટીબહેનને તો વધુ ગમ્યું. એ થોડી-થોડી વારે નીચું જોઇ જતી હતી, મોટીબહેનને એમાં સ્ત્રીસહજ લજજા નજરે પડી. રાત્રે છુટા પડ્યા પછી બહેને તો માઝીને કહી દીધું, ‘તારી પસંદ મને ગમી છે. હું મમ્મી-પપ્પાને મનાવી લઇશ. હું ધારું છું કે આપણે ખૂબ ધનવાન છીએ માટે પપ્પા કદાચ મોટા ઘરની છોકરીને વહુ બનાવવા ઇચ્છતા હશે પણ હું મિશા માટે એમને રાજી કરી લઇશ.’
બહેનને તો મિશા ગમી ગઇ હતી, પણ આજે માઝી બેચેન હતો. પ્રેમિકાનું વર્તન એને જરા પણ પસંદ પડ્યું ન હતું. મિશાને આજના કરતાં વધારે સારા રૂપમાં એણે જોયેલી હતી. સારી રીતે તૈયાર થયેલી, વધુ પોઝિટિવ બોડી લેંગ્વેજ સાથે, વધુ સારા મેકઅપ સાથે, હસતી-બોલતી-ચબરાકીભરી વાતો કરતી મિશાને એણે જોયેલી હતી. રાત્રે એણે ફોન કરીને પ્રેમિકાનો ખુલાસો માગ્યો,’ મિશા, તેં આવું શા માટે કર્યું? તારો ચહેરો પડેલો હતો. તારા હાથ... અને તારો ઉત્સાહથી છલકાતો અવાજ... ક્યાં ગયું બધું?’
‘જ્યારે તું જીદ કરીશ, ત્યારે એ બધું જ ગાયબ થઇ જશે. તને ખબર છે? આજે હું બ્યુટિપાર્લરમાં ગઇ હતી. ફેસિયલ, મેનિકયોર અને પેડીકયોર માટે. પાર્લરની છોકરીએ મારા ચહેરા પર ફેસમાસ્ક હજુ તો લગાવ્યો જ હતો, ત્યાં તારો ફોન આવ્યો. મારે નીકળી જવું પડ્યું. બીજું બધું પણ રહી ગયું. એક વાત કહું તને? સ્ત્રીના ચહેરા પરની સૌથી મોટી બ્યુટી ટ્રીટમેન્ટ એનું સ્મિત હોય છે. જ્યારે એ સ્મિત વિલાઇ જાય છે, ત્યારે સ્ત્રી બદલાઇ જાય છે.’ ફરી પાછાં રિસામણાં. ફરી પાછાં મનામણાં. પ્રેમી તરફથી ક્ષમાયાચના અને પ્રેમિકા તરફથી માફીદાન. ઘીના ઠામમાં ઘી પડી ગયું. થોડાક દિવસો વીત્યા પછી એક દિવસ માઝીએ જોયું કે પ્રેમિકા સારા મૂડમાં લાગે છે, એણે વાત મૂકી, ‘મિશા, મેં તો મારી મોટી બહેન સાથે તારી મુલાકાત કરાવી દીધી, હવે તું પણ તારા કુટુંબની કોઇ વ્યક્તિ સાથે મારો પરિચય કરાવ.’ મિશા ભડકી ઊઠી, ‘કોની સાથે કરાવું? પપ્પા તો...’
‘અરે, કોઇની પણ સાથે કરાવ. બહેન, મમ્મી, નાનો ભાઇ. કોઇ પણ ચાલશે. ક્યાં સુધી તારા ફેમિલીથી મને દૂર રાખતી રહીશ?’ જ્યારે માઝીની ઇચ્છા હઠાગ્રહમાં ફેરવાઇ ગઇ, ત્યારે મિશાએ નમતું જોખવું પડ્યું. એણે કહેવું પડ્યું, ‘સારું! આવતીકાલે મારી નાની બહેન સાથે તારો પરિચય કરાવું છું. બરાબર છ વાગ્યે મળીએ છીએ. ગુડ નાઇટ!’ બીજા દિવસે જ્યારે મિશા એની નાની બહેનને લઇને મળવા માટે આવી, ત્યારે માઝી દેખતો જ રહી ગયો. મિશાએ એને ઢંઢોળીને હોશમાં આણ્યો, ‘મીટ માય યંગર સિસ્ટર મેશ્વા. શી ઇઝ ટ્વેન્ટી મિનિટ્સ યંગર ધેન મી.’
‘યુ મીન યુ આર ટ્વીન્સ?’ માઝી પાંપણો પટપટાવી રહ્યો, ‘તમે બંને કેટલી સરખી દેખાવ છો! કોઇ તારી બહેનને અલગથી જુએ તો કહી ન શકે કે એ મેશ્ચા છે. અદ્દલ તારા જેવી જ દેખાય છે. માત્ર એની આંખો સહેજ મોટી છે... અને પોપચાં જરાક ભારે લાગે છે... અને એના ગાલ સહેજ ફૂલેલા... હોલ્ડ એ મિનિટ...! મને લાગે છે કે મેશ્વાને હું એકાદ વાર મળી ચૂકયો છું... તારી ગેરહાજરીમાં... આ એમ સ્યોર...’ બંને બહેનો હસી પડી. મિશાએ ફોડ પાડ્યો, ‘ડોબા, તું એને એક વાર નહીં પણ બબ્બે વાર મળી ચૂકયો છે. અને હજુ પણ મળતો રહીશ. જ્યારે જ્યારે તું રવિવારે મને મળવાની જીદ કરીશ, ત્યારે મારે બદલે મેશ્વા જ આવશે. વાત એવી છે કે મેશ્વા ભણવામાં સહેજ નબળી છે. એ જેની સાથે મેરેજ કરવાની છે એ છોકરો પણ તારી જેવો જ જીદ્દી છે.
એ કહે છે કે મેશ્વા એમ.એસ.સી. પૂરું કરે એ પછી જ મેરેજ થશે. મેશ્વા દર રવિવારે એક્ષર્ટનલ સ્ટુડન્ટ તરીકે કલાસ એડેન્ટ કરે છે. હકીકતમાં એને બદલે હું જ કલાસમાં જઉં છું. પરીક્ષામાં પણ હું જ બેસવાની છું. બદલામાં મારી મૌખિક ‘વાઇવા’ આપવા માટે એ પહોંચી જાય છે. થેંક ગોડ, હજુ સુધી અમે પકડાયાં નથી.’ મિશાનો ખુલાસો સાંભળીને માઝી ખુશીથી ઝૂમી ઊઠ્યો, ‘વાહ! આ તો મજા પડી ગઇ! મેશ્વાનું ભણવાનું પૂરું થાય તે પહેલાં જ ચાલ, આપણે પરણી જઇએ. પછી મારે તો ડબલ ધમાકા! સોમથી શનિ ઘરવાલી સાથે ‘હનિમૂન’ અને રવિવારે...?’ માઝીનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ મિશા અને મેશ્વા એના પર તૂટી પડી.
Comments
Post a Comment
Thanx For Comment