રૂપેશે ઘરમાં જોયું તો આભા પલંગમાં ચત્તીપાટ પડી હતી...



પાણી પીને જેવો જયરાજ ગયો એ સાથે જ રાજગુરુસાહેબે તેને એરેસ્ટ કર્યો અને લોકઅપમાં લાવ્યા

ઇઝી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટાફ ક્વાર્ટર કોલોનીમાં બી-ટાઇપમાં સોળ નંબરનો બ્લોક ખાલી થતાં રૂપેશને મળ્યો. રૂપેશ હજી તો આઠ મહિ‌ના પહેલાં જ ઇઝી એજ્યુકેશનમાં એક કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર તરીકે હાજર થયો હતો. આ ઇઝી એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટનો કારોબર વિશાળ સંકુલમાં ફેલાયેલો હતો. હાયર સેકન્ડરી સ્કૂલથી લઈને મોટા ભાગની ડિગ્રી કોલેજો જેવી કે આર્ટ-કોમર્સ, ડી. એન્જિનિયરિંગ, બી. ફાર્મા. બી. એડ્, તેમ જ કમ્પ્યુટરના તમામ ર્કોસની કોલેજ તેમ જ હોસ્ટેલ આ સંકુલમાં હતી.

અને છેલ્લે નેશનલ હાઇવે આઠ તરફ ટ્રસ્ટના સ્ટાફ ક્વાર્ટર્સ આવેલાં હતાં. જેમાં રૂપેશ એની યુવાન પત્ની આભાને લઈને રહેવા આવી ગયા. એનાં તો બે કામ થઈ ગયાં. એક તો સારું- સુઘડ ક્વાર્ટર મળી ગયું અને બીજું આભાને બી.એડ્.માં એડ્મિશન મળી ગયું. રૂપેશ રૂડો-રૂપાળો અને સ્માર્ટ હતો. સામે આભા તો ખરેખર આકાશી કોઈ નાજુક પરીની જ આભા હતી. જોતાં જ નજરમાં વશી જાય એવી બંનેની જોડી હતી. બંને પાછાં મિલનસાર હતાં. આભા તો બિલકુલ સરળ હતી. કોઈની સાથે ઊંચા અવાજે વાતેય ન કરે.

ઇઝી એજ્યુકેશનનો વહીવટ મોટો હોવાથી રૂપેશને ક્યારેક રાત્રિના મોડા સુધી ક્લાસ લેવા પડતા હતા. તેથી રાત્રે આભાને એકલાં રહેવાનું ગમતું ન હતું. તેથી એ સંકુલમાં ફરવા નીકળતી, ત્યારે ફરજ પરના વોચમેન સાથે વાતો કરતી અને સમય પસાર કરતી હતી. ટૂંકમાં આભા અને રૂપેશ આનંદમય જીવન જીવી રહ્યાં હતાં. રૂપેશ એમાં એક દિવસ રાત્રિના અગિયાર વાગ્યે બી.સી.એ. કોલેજના બિલ્ડિંગમાંથી ઘરે આવવા નીકળ્યો ત્યારે શિયાળાની ઠંડીનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. હાઇવે પર નીકળતાં વાહનોય થંભી ગયાં હતાં.

પણ જેવો એ પગથિયાં ચડયો તો એના બ્લોકમાં અંધારું જોયું અને બારણું ખુલ્લું હતું. હંમેશ તો પોતે આવે ત્યારે વાંચતી હોય એ આભા આજે કેમ સૂઈ ગઈ હશે? અને એ પણ બારણું ખુલ્લું રાખીને? વિચારતો રૂપેશે અંદર પ્રવેશીને લાઇટ કરી, રૂમમાં અજવાળું પથરાઈ ગયું. રૂમમાં ટિપોઇ પર રાખેલું ફ્લાવર વાઝ નીચે પડીને તૂટી ગયેલું હતું. આભા પલંગમાં ચત્તીપાટ પડી હતી. પલંગની ચાદર, પિલો બધું અસ્તવ્યસ્ત હતું. કશુંક અજુગતું બન્યું હોવાની શંકા સાથે ગભરાયેલા રૂપેશે આભાને ઢંઢોળી પણ આભાનું શરીર ઠંડું પડી ગયેલું હતું. એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. એ જાણ થતાં જ રૂપેશે કારમી ચીસ નાખી.

જેના પડઘા પડી રહ્યા અને આજુબાજુના સહકર્મચારીઓ રૂપેશના બ્લોકમાં દોડી આવ્યા. રૂમનો માહોલ જોતાં અમુક અનુભવીઓએ રૂપેશને કહ્યું કે મામલો લૂંટ કે હત્યાનો લાગે છે. ભલે આભાના શરીરે ક્યાંય ઘાનું નિશાન નથી, પણ એનું મૃત્યુ સહજ નથી માટે પોલીસને જાણ કરવી હિ‌તાવહ છે અને તરત કોઈએ નજીકમાં આવેલા રેલવે ક્રોસિંગ પોલીસસ્ટેશને જાણ કરી.

થોડી વારે એસ. આઇ. નાગોરીસાહેબ, એમ. પી. રાજગુરુ ઇન્સ્પેક્ટર ઓફ ક્રાઇમ બ્રાંચ, એમની ટીમ સાથે આવી પહોંચ્યા. લાશનું નિરીક્ષણ કરતાં મૃતકના હાથમાં વાળ પકડાયેલા હતા. ચાનાં કપ-રકાબી ફરસ પર પડયાં હતાં. એ વાળ તેમ જ કપરકાબી એક પોલિથિન બેગમાં લઈ. રાજગુરુસાહેબે અન્ય કાર્યવાહી પૂર્ણ કરી, લાશ મેડિકલ કોલેજમાં પી.એમ. માટે રવાના કરી ઘરમાં તપાસ કરતાં અને રૂપેશના કહેવા પ્રમાણે કશું જ ચોરાયું ન હતું. રૂપેશનું નિવેદન લઈ સાહેબ નીકળી ગયા.

બીજા દિવસે સાંજે પી.એમ. રિપોર્ટ આવ્યો. જેમાં આભાની હત્યા થયાનું ખૂલ્યું. એ પણ મોઢે અને નાકે ડૂચો દઈને એને ગૂંગળાવીને મારવામાં આવી હતી. આથી રાજગુરુસાહેબે મિ. નાગોરીને પેલાં કપરકાબી પરની ફિંગરપ્રિન્ટ્સ લેવા સૂચન કર્યું અને બંને સઘન તપાસ માટે કોલોનીમાં આવ્યા. આજુબાજુમાં પાડોશીઓની પૂછપરછ કરી પણ કોઈ જરૂરી માહિ‌તી મળી નહીં. રૂપેશના કહેવા પ્રમાણે આભા મિલનસાર સ્વભાવની હતી, જેથી કોઈની સાથે અણબનાવ બનવાની શક્યતા નહોતી.

રૂપેશના બ્લોકની બરોબર સામે ફોર્થ કલાસના માણસો માટેની રૂમોની લાઇનમાં એક રૂમ બંધ હતી. જેને તાળું મારેલું હતું. તેથી બાજુની રૂમમાં રહેતાં બહેનને રાજગુરુસાહેબે પૂછયું,
'આ રૂમમાં કોણ રહે છે?’
'વોચમેન, જયરાજભાઈ.’
'ક્યાં બહારગામ ગયા છે?’

'ના, અહીં જ છે. રાત્રે તો એમની નોકરી હતી. કંઈ ખરીદી માટે શહેરમાં ગયા હશે.’ 'સારું, એ આવે એટલે રેલવે ક્રોસિંગ પોલીસસ્ટેશને મોકલજો.’ નાગોરીસાહેબ અને રાજગુરુસાહેબ બંને ઓફિસે આવી આભાના હત્યારાની ચર્ચા કરી રહ્યા. નાગોરીસાહેબનું કહેવું હતું કે આભાની હત્યા એના પતિએ જ કરી હોય તેમ લાગે છે. 'પરંતુ જ્યાં સુધી કોઈ પુરાવો ન મળે ત્યાં સુધી એને કેમ હાથ પર લેવો.’

રાજગુરુસાહેબે કહ્યું, ત્યારે જ વોચમેન જયરાજ આવ્યો. એણે અંદર આવવાની રજા માગી. કસાયેલા મજબૂત બાંધાના જયરાજે જીન્સનું પેન્ટ અને મિલિટરી કલરનું શર્ટ પર્હેયાં હતાં. માથે ટોપી હતી. નાગોરીસાહેબે એની પૂછપરછ કરી, જેમાં એણે આભાની હત્યા માટે દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું કે પોતે નાઇટ રાઉન્ડમાં નીકળતો ત્યારે ઘણી વાર આભાબહેન જાગતાં હોય. મોટા ભાગે એ વાંચતાં હોય. મને ક્યારેક ચાનો આગ્રહ કરીને ચા પિવડાવતાં, પણ આ બધું રાત્રિના અગિયાર પહેલાં બનતું. પછી તો અમારે મેઇન ગેટ પર જ રહેવાનું હોય, પણ જે રાત્રે હત્યા થઈ એ રાત્રે મારી ડયૂટી નહોતી. મારે રેસ્ટ હતો. પછી એણે પાણી પીવા માટે માગ્યું તો નાગોરીસાહેબે પોતાના ટેબલ પર રાખેલો પાણી ભરેલો કાચનો ગ્લાસ એને આપ્યો.

પાણી પીને જેવો જયરાજ ગયો એ સાથે જ રાજગુરુસાહેબે કાચનો ગ્લાસ લઈ લીધો અને બીજા કલાકે જ એમણે જયરાજને એરેસ્ટ કર્યો અને લોકઅપમાં લાવ્યા. છતાંય જયરાજ તો મક્કમ હતો. 'સાહેબ, મને શા માટે એરેસ્ટ કરો છો. મેં હત્યા નથી કરી. કયા આધારે મને...’ 'હવે ખેલ કરવા રહેવા દે, તારી ફિંગરપ્રિન્ટ મળી ગઈ છે અને બીજું તું માથે ટોપી પહેરવાનું ભૂલી ગયો છે. આ તારા માથામાં આગળના વાળ ખેંચાઈ ગયા લાગે છે, એ વાળ આભાના હાથમાંથી મળી આવ્યા છે.’

ત્યારે જયરાજ ભાંગી પડયો, એણે હત્યાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે એને આભા પર એક તરફી પ્રેમ થઈ ગયો હતો, પણ આભા સ્વીકારતી ન હતી. તે જોશમાં આવી જતાં મારાથી તેની હત્યા થઈ ગઈ.'

Comments