આજકાલ પરણીને પરદેશ જતી કન્યાઓના કેટલા કિસ્સાઓ ન્યૂઝમાં આવે છે. એ બધું વાંચીને ફફડી જવાય છે. થાય કે અધૂરી જાણકારી વગર છેતરાઇને વેતરાઇ જવાનું બનતું હશે.
તે વેધક નજરે યક્ષા સામે જોતો રહ્યો પછી થોડો નારાજ થઇને બોલ્યો: 'તને મારા પર વિશ્વાસ નથી તે આવા સવાલો કરે છે?’ યક્ષા પોતાના પર ગરમ પાણીની છાલક ઊડી હોય તેમ ઝઝ્કી ગઇ. સુંવાળા અને અણિયાળા સંબંધોમાં વિશ્વાસ હોવો જરૂરી હોય છે. વિશ્વાસના વહાણમાં શંકાની તિરાડ પડે ત્યારે સંબંધ સાથે જીવન ડૂબી જતું હોય છે.
આજકાલ આ વિશ્વાસવાળો સવાલ રેઢિયાળ ઢોરના માફક રખડતો થઇ ગયો છે. કોઇપણ વ્યક્તિ સાવ સરળતાથી કહી દે છે, મારા પર વિશ્વાસ નથી? જોકે આવા સવાલના પાયામાં જ અસત્ય છુપાયેલું હોય છે...યક્ષાએ સંયમ દાખવીને કહ્યું: 'પ્રીતેશ આપણો સંબંધ સાચો, સો ટચના સોના જેવો પણ તું છો વિદેશમાં... ત્યાં તારી શું પોઝિશન છે તે મારે જાણવું તો જોઇએને? જિંદગીનો સવાલ છે...’ પ્રીતેશ અબોલ જ રહ્યો. તેને થતું હતું કે, હું ખોટો સિક્કો નથી તે સાબિત કરવા મારે ક્યાં સુધી ખખડતા રહેવાનું? વહાલભર્યા સંબંધમાં વિશ્વાસ એ પ્રતીતિનું તત્ત્વ છે, તેની સાબિતી હૃદયથી થતી હોય છે. પણ સ્થિતિ, સંજોગો અને સમય પ્રમાણે આંધળો વિશ્વાસ રાખી શકાય તેમ નથી.
યક્ષા આગળ બોલી: 'મારે પ્રેયસીમાંથી પત્ની થવાનું છે. જીવનભર તારી સાથે રહેવાનું છે તેથી હું કંઇ પૂછું, જાણું તેમાં ખોટું શું છે?’ બંને ખાસ સમય કાઢી મિટિંગ અર્થે ચરોતરની એક સારી હોટલમાં બેઠાં છે. વેઇટર આવીને ગયો પણ કોઇ ઓર્ડર આપી શક્યાં નથી. સાવ અજાણ્યાં હોય તેમ તેમના વચ્ચે અકળ મૌનના મિનારા ચણાઇ રહ્યા છે.
વલ્લભવિદ્યાનગરની એક કોલેજમાં બંને ક્લાસમેટ હતાં. પ્રણયનો પ્રારંભ કહી શકાય તેવા સંબંધો સાથે પ્રીતેશ વિદેશ ગયો. ત્યાંથી ફોન પર લાંબીલચક વાતો થતી રહી. યક્ષાના મનમાં વિદેશ જવાનાં સમણાં આકાર લેવા લાગ્યાં અને તેને સાકાર કરવાના પ્રયત્નો કરવા લાગી. તેણે વિદેશ વિશેની ઘણી માહિતી એકઠી કરી હતી અને તેના આધારે પ્રીતેશને પૂછવું હતું, પણ પ્રીતેશ વિશ્વાસની વાત આગળ ધરીને ઊભો રહ્યો. લાગણી કે સ્વમાનને ઠેસ ન પહોંચે તેમ સંભાળીને પૂછવું પડે. આ કોઇ સોદો નથી, સમજાવટથી ચાલવું પડે. બાકી તો તૂટી જતાં વિશ્વાસ કે છુટી જતા સંબંધોને સાંધવાની સેલો ટેપ હજુ સુધી શોધાઇ નથી.
આજકાલ યંગસ્ટર્સમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે. ગતિ-પ્રગતિ કે સ્વવિકાસ અર્થે કોઇ વિદેશ જાય તેમાં કશું ખોટું નથી, પણ જાણી-જોઇ, સમજી-વિચારીને જાય તો સારું અને ધાર્યું પરિણામ પામી શકે. બાકી ઊજળું હોય એટલું દૂધ નથી હોતું. ખાસ કરીને એનઆરઆઇ સાથે મેરેજથી જોડાવા ઇચ્છતી કન્યાએ ત્યાંની સ્થિતિથી અવેર થવું ખૂબ જ જરૂરી છે. પ્રીતેશ ડાહ્યો અને સમજુ યુવાન છે. કશું છુપાવીને કે ખોટું કરવા માગતો નથી.
તેણે યક્ષાને કહ્યું: 'બોલ તારે શું પૂછવું છે?’ યક્ષા થોથવાઇને પૂછે તે પહેલાં જ પ્રીતેશ આગળ બોલ્યો: 'વિઝા, પાસપોર્ટ, સોશિયલ સિક્યુરિટી નંબર, ત્રણ વર્ષનાં ટેક્સ રિટર્ન્સ, બેંક એકાઉન્ટ્સ નંબર, મિલકતના દસ્તાવેજો અને વોટર અથવા એલિયન રજિસ્ટ્રેશન કાર્ડ... તપાસવાં પડે’ યક્ષા મોં વકાસી પ્રીતેશ સામે જોઇ રહી. તે હસીને બોલ્યો: 'મોટાભાગના એનઆરઆઇ ઇન્ડિયન કન્યા લાવવાનું ઇચ્છતા હોય છે, જેથી ફેમિલીમાં ઇન્ડિયન કલ્ચર જળવાઇ રહે.
મારી આ વાત પરથી તને ખ્યાલ આવશે કે ત્યાં ગુજરાત કે ભારતીયપણાનું કેટલું મહત્ત્વ છે.’ યક્ષા કશું બોલી નહીં. ક્ષણભર પસ્તાવો થયો કે, મારે પૂછવું જોઇતું નહોતું. પછી કહે, 'આજકાલ પરણીને પરદેશ જતી કન્યાઓના કેટલા કિસ્સાઓ ન્યૂઝમાં આવે છે. એ બધું વાંચીને ફફડી જવાય છે. થાય કે અધૂરી જાણકારી વગર છેતરાઇને વેતરાઇ જવાનું બનતું હશે’
પિઝાનો ઓર્ડર આપ્યા પછી પ્રીતેશે કહ્યું: 'તેમાં બંને પક્ષે ઘણાં કારણો છે. પરદેશમાં પુત્રી પરણાવવાની ગરજમાં ક્યારેક પાયાની ફરજ ભૂલી જવાય છે.’ યક્ષાથી સહેવાયું નહીં તે પ્રતિકાર કરતી હોય એમ બોલી: 'આમાં ગરજની વાત ક્યાં આવી? દીકરીનાં મા-બાપ સારું ઠેકાણું શોધે તે સ્વાભાવિક છે.’ પ્રીતેશ હસવા લાગ્યો: 'ગરજ નહીં તો શું... દીકરી પરદેશ જશે એટલે કુટુંબને પણ તેના ફાયદા થશે...’ યક્ષા કહે, 'માલામાલ થઇ, ધનના ઢગલા થશે... આવી માન્યતાઓ છે.’ બંને હસીને પિઝાને ન્યાય આપવા લાગ્યાં.
વિદેશ વિશેની ઘણી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. સારી કમાણી વિશે અનુભવે સમજાય પણ ત્યાં સમય જોયા વગર સખત મહેનત કરવી પડે છે. કામ કર્યા વગર ચાલે તેવું જ નથી. યક્ષાએ પ્રીતેશની આંખમાં આંખ પરોવીને પૂછ્યું: 'ટૂંક સમયમાં જ મેરેજ કરીને ચાલ્યાં જવાનું છે?’ પ્રીતેશના જવાબની રાહ જોયા વગર આગળ બોલી: 'મેરેજ પછી કન્યાને સાથે લઇ જવાના કે પછી અહીં છોડીને...’
પ્રીતેશ ચોંક્યો. થયું કે, યક્ષા કોઇ થર્ડપાર્ટી તરીકે પૂછી રહી હોય તેવો અહેસાસ કેમ થાય છે? આછા ઉજાસમાં યક્ષાના મનોભાવ પામી શકાય તેમ નહોતા. પૂછી લેવાનું મન થયું: 'તું સાચે જ મેરેજ માટે તૈયાર છો કે પછી...’ 'મને ખબર છે ત્યાં કામવાળી રાખવાની પ્રથા પોસાય તેમ જ નથી. બધાં કામ સ્ત્રીએ જાતે જ કરવાં પડે છે. ત્યાં અહીંના જેવી સાહ્યબી નથી. ખરું ને’ યક્ષાએ કહ્યું.
પ્રીતેશ પામી ગયો કે, યક્ષા ઊંડા પાણીની માછલી છે સહેલાઇથી જાળમાં આવી જાય તેવી નથી. પણ પોતે સાચો છે, એક પણ વાત છુપાવવા માગતો નથી. આમ ચિંતાને કોઇ કારણ નથી. 'ભાષા, સંસ્કૃતિ, પરિવેશ, વાતાવરણ... અહીંથી તદ્દન અલગ છે. તેમાં ગોઠવાવું પડે ખરું ને?’ પ્રીતેશે વાતને જોડતાં કહ્યું: 'અમુક વિસ્તારમાં સખત ઠંડી પડે છે. જેના કારણે તબિયત પર અસર થાય, સારવાર માટે મેડિકલ વીમો ન હોય તો આર્થિક મુશ્કેલીઓ પણ સર્જાય...’
કન્યા કોલેજમાં હોય ત્યાંથી વિદેશ સમણાં જોવા લાગે છે પણ સમણાં સળગી કે પલળી ન જાય તે માટે જે દેશમાં જવાનું હોય તેની તમામ વિગતોથી પરિચિત થવું પડે. વિગતો મેળવવી હવે સહેલું છે. ત્યાંથી આવે તે બધા ખોટા પણ હોતા નથી એમ બધા સાચા પણ હોતા નથી.
સૂકાં સાથે લીલું પણ દાઝી જતું હોય છે અને ક્યારેક ફૂલડાં ડૂબી જઇ, પથ્થર તરી ગયાના બનાવો બને છે, પણ કન્યાપક્ષે અનિવાર્યતા એ છે, વિશ્વાસના વહાણમાં તણાઇ જવાના બદલે ખરાઇ કરી લેવામાં સૌની ભલાઇ રહેલી છે. સાચા હોય તે સામે આવશે અને ખોટા હોય તે ખસી જશે. સ્પષ્ટતામાં સ્વચ્છતા જળવાઇ રહેતી હોય છે. સન્મુખ વાત કરવી અને દૂર દેશાવરથી ફોન પર વાત કરવામાં જમીન-આસમાનનો તફાવત છે તેની બંનેને પ્રતીતિ થઇ ગઇ છે.
પ્રીતેશે સીધું જ પૂછ્યું: 'યક્ષા હવે હું જાણી શકું કે, તારો ઇરાદો શું છે?’ યક્ષા અવઢવમાં હતી. દિલ દેશી અને પ્રીત પરદેશી જેવો ઘાટ હતો. શું કરવું, શું કહેવું તે નક્કી થતું નહોતું. પરદેશ માટેનો જે આવેગ હતો, ઉત્સાહ હતો તે એકદમ ઓસરી ગયો હતો. 'મારે યસ યા નો... જવાબ જોઇએ’ પ્રીતેશના આક્રોશથી યક્ષા કંપી ઊઠી. તેણે સામે જોયું પછી કહ્યું: 'પ્રીતેશ મારે
તારી સાથેનાં પ્રીતનાં પગથિયાં ઊતરીને, મેરેજના મંડપમાં મહાલવું નથી, સોરી...’ કહીને તે ઊભી થઇ ગઇ. '
Comments
Post a Comment
Thanx For Comment