શરીફ ચાચા પાસે છે એક લાવારિસ લાશોનું આલબમ


૧૯૯૨ના વર્ષની વાત છે. હોમિયોપથિક ડોક્ટર મોહંમદ રઈસ નામનો એક યુવાન ફૈઝાબાદમાં ગુમ થઈ ગયો હતો. ફૈઝાબાદ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. મોહંમદ રઈસના પિતા એક સાઈકલ રિપેરિંગની દુકાન ધરાવે છે. દેશનાં કેટલાક રાજકીય નેતાઓએ ઉત્તર પ્રદેશને જ્ઞાાતિ અને કોમમાં વહેંચીને પોતપોતાની રાજકીય ખીચડી પકવવા અનેકવાર કોશિશ કરી છે. બાબરી મસ્જિદ ધ્વંસથી માંડીને અયોધ્યામાં રામ મંદિરના નામે વોટનું રાજકારણ ખેલેલું છે. આવા રાજ્યના એક શહેરમાં પોતાનો યુવાન પુત્ર કેટલાયે દિવસો સુધી ઘરે ના આવતાં મોહંમદ શરીફ ખૂબ ચિંતિત હતા. તેમણે પોલીસમાં પુત્ર ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ પુત્રનો કોઈ જ પત્તો ન હોતો.
કેટલાક દિવસો બાદ પોલીસે મોહંમદ શરીફના ફૈઝાબાદના પોલીસ સ્ટેશને બોલાવ્યા. પોલીસે ભૂરા રંગનું એક શર્ટ તેમને બતાવ્યું. મોહંમદ શરીફ પુત્રનું શર્ટ ઓળખી ગયા. તેમણે કહ્યું: ''યે શર્ટ તો મેરે બેટે કા હૈં.''
પોલીસે માફી માંગતા કહ્યું: ''માફ કિજિયે. આપ કે બેટે કી લાશ બહોત દિનો તક લાવારિસ પડી રહી થી. હમને ઉસકો લાવારિસ સમજ કર નદી મેં બહા દિયા હૈ.''
મોહંમદ શરીફ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. મોહંમદ રઈસ તેમનો એક માત્ર પુત્ર હતો. તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધું . ઘરમાં શોકની કાલિમા છવાઈ ગઈ. કેટલાયે દિવસો સુધી તેઓ ઘરની બહાર નીકળ્યા નહીં. ઉદાસીમાં દિવસોના દિવસો પસાર કર્યા બાદ લાંબા સમયે તેઓ સ્વસ્થ થયા. તેમણે વિચાર્યું કે, ''હવે પુત્ર તો પાછો આવવાનો નથી. મન હલકું કરવા માટે કોઈ સામાજિક સેવાનું કામ કરવું જોઈએ.
મોહંમદ શરીફે એક દિવસ સડક પર કોઈની વિક્ષિપ્ત લાશ જોયા પછી આ કામ કરવાનો તેમણે નિર્ણય લીધો. તેમણે નક્કી કરી લીધું કે, ''મૈં અપને બેટે રઈસ કી યાદ મેં ઈસ તરહ કી લાવારિસ લાશો કી અંતિમ ક્રિયા કરુંગા''
તેમણે વિચાર્યું કે મારા પુત્રની લાશ લાવારિસ સમજીને નદીમાં ફેંકી દેવાઈ હતી. હવે પછી બીજા કોઈની લાશને આવો અંજામ મળવો ના જોઈએ.'' બસ એ દિવસથી એમણે રેલવે ટ્રેક, સડકો અને હોસ્પિટલોમાંથી લાવારિસ લાશો ઉઠાવવાનું શરૂ કર્યું. સવારથી સાંજ સુધી તેઓ રેલવે ટ્રેક કે સડકો પર લાવારિસ લાશોને શોધવા માંડયા. કોઈ લાશ મળી આવે તો સૌથી પહેલાં તેઓ લાશને નવરાવતા. તે પછી તેના અંતિમ સંસ્કાર પણ જાતે જ કરતા.
મોહંમદ શરીફ અત્યારે ૭૦ વર્ષની વયના છે. પુત્રના મૃત્યુના ગમમાં તેમનાં પત્ની માનસિક સંતુલન ગુમાવી ચૂક્યાં છે, પણ મોહંમદ શરીફ લાવારિસ લાશોની અંતિમ ક્રિયા કરીને તેમનો ગમ હલકો કરવા પ્રયાસ કરી રહ્યા છે. ૧૯૯૨થી આજ સુધીમાં તેઓ ૫૦૦ જેટલી મુસ્લિમોની લાશો દફન કરી ચૂક્યા છે. એ જ રીતે હજાર જેટલી હિન્દુઓની લાશોની હિન્દુ રીતરિવાજ મુજબ અંતિમ ક્રિયા કરી ચૂક્યા છે. હિન્દુની લાશ હોય તો તેની પર પાંચ મીટર કપડું વીંટાળીને સંતોષ મિશ્રાના નામે જંતરા ઘાટ પર અંતિમ ક્રિયા કરાવે છે. ફૈઝાબાદના લોકો તેમને હવે શરીફચાચાના નામે ઓળખે છે. શહેરના ૨૫ જેટલાં સ્થળોએ તેમણે તેમના ઘરનું સરનામું અને ફોન લખીને બોર્ડ મૂક્યાં છે જેથી કોઈ લાશ લાવારિસ પડી હોય તો તેમને જાણ કરવા તેમાં અપીલ કરવામાં આવી છે. ક્યાંય પણ લાવારિસ લાશ પડી હોય તો ફોન મળતાં જ શરીફ ચાચા ચાર હિન્દુ રિક્ષાવાળાઓને લઈને સ્થળ પર પહોંચી જાય છે. જે લોકો તેમને સહયોગ કરે છે તેમને તેઓ મહેનતાણું પણ ચૂકવી દે છે. તેઓ કહે છેઃ '' અગર કોઈ મરતા હૈં તો ઉસકે સાથ મહજ ૪૦ કદમ ચલને હોતે હૈં. હમ ઈન્સાન કા ખૂન એક હી હૈ. ઈન્સાની ભેદભાવ મેં પડના નહીં ચાહિયે.''
પુત્રના મૃત્યુ પછી ફૈઝાબાદના આ શરીફચાચા ફૈઝાબાદ અને અયોધ્યાએ બંને શહેરો વચ્ચે સામાજિક સદ્ભાવનાની કડી બનીને ઉભર્યા છે. જ્યાં બાબરી મસ્જિદ ગીરાવવામાં આવી હતી તે અયોધ્યા અને ફૈઝાબાદ વચ્ચે માંડ છ કિલોમીટરનું અંતર છે. શરીફ ચાચા લાવારિસ લાશોની અંતિમ ક્રિયા કરવાનું કામ આ બંને શહેરોમાં કરે છે. એક તરફ રાજદ્વારી નેતાઓ લોકોને જુદા પાડવાનું કામ કરે છે ત્યારે શરીફચાચા જેવા ઈન્સાન લોકોને જોડવાનું કામ કરે છે. અયોધ્યા તો સાધુ સંતોની નગરી છે. પરંતુ શરીફચાચાને દરેક યુવાનમાં પોતાનો પુત્ર દેખાય છે. કોઈ હિન્દુની લાશ મળે તો તેની અંતિમક્રિયામાં સંતોષ મિશ્રા નામના એક હિન્દુ સહયોગીની મદદ લે છે. ફેઝાબાદના લોકો તેમને હીરો માને છે.
તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ચૂંટણીઓ થઈ ત્યારે કેટલાક રાજકીય પક્ષોએ પણ શરીફ ચાચાની મદદ માંગી હતી. બંને કોમોમાં શરીફચાચાની લોકપ્રિયતાની તેમને ખબર છે, પરંતુ શરીફચાચાને પક્ષીય રાજકારણમાં કોઈ દિલચશ્પી નથી. તેઓ કહે છે : ''હર રાજનીતિક દલ મુઝે અપની રેલીયોં મેં શામિલ કરના ચાહતા થા લેકિન મૈં હમેશાં ધ્યાન રખતા હું કિ મેરી મદદ કરનેવાલા કૌન હૈ ? મેં કાફી સતર્કતા સે અપને સાથીયોં કા ચુનાવ કરતા હું. મૈં બિલકુલ નહીં ચાહતા કિ લોગ મેરે કિસી કામ કો ''વ્યવસાય'' કહે.''
ફૈઝાબાદના હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ ''મિલ્લત કમિટી'' નામની એક સંસ્થા બનાવી છે. આ સંસ્થા લાવારિસ લાશોના અંતિમ સંસ્કાર માટે શરીફ ચાચાને આર્િથક મદદ કરે છે. લાશોના અંતિમ સંસ્કારમાં પણ ખર્ચ થતું હોય છે. એક મુસ્લમાનને દફનાવવા માટે લાકડાંનું કોફીન અને કબર ખોદવાવાળાને આપવાનું મહેનતાણું એમ મળીને કુલ્લે રૂ.૪૦૦૦નું ખર્ચ થાય છે ત્યારે એક હિન્દુની અંતિમ ક્રિયામાં રૂ.૧૦૦૦નું ખર્ચ થાય છે. આ પૈસા દાનથી આવે છે. મિલ્લત કમિટી શરીફ ચાચા પાસે કદી કોઈ હિસાબ માંગતી નથી. પરંતુ, શરીફચાચા કળીયુગને સમજે છે. તેઓ લાવારિસ લાશનો ફોટો પડાવી લે છે અને તેનું આલબમ પણ પોતાની પાસે રાખે છે. લોકો પોતાના પરિવારનું આલબમ રાખે છે ત્યારે ૭૦ વર્ષની વયના શરીફચાચા પાસે લાવારિસ લાશોનું આલબમ છે. હિન્દુઓ તેમને 'ફાધર ટેરેસા' પણ કહે છે. મધર ટેરેસાએ પરંપરાગત શિક્ષિકાનો વ્યવસાય છોડીને કોલકાત્તાની સડકો પર જઈ બીમાર અને દુર્ગંધથી ભરેલા લોકોની સેવા કરી હતી. એ જ રીતે શરીફચાચા સડી ગયેલી, કીડા, મંકોડાઓ દ્વારા ખવાઈ ગયેલી માનવ લાશોને ઉઠાવીને કબ્રસ્તાન કે સ્મશાન સુધી પહોંચાડવાનું માનવીય કાર્ય કરે છે, તેથી લોકો તેમને ફાધર ટેરેસા કહે છે.
મોતને રોજ કરીબથી નિહાળતા શરીફચાચાની મંગલમય કામગીરી પર '' રાઈઝિંગ ફ્રોમ એશીઝ'' નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે.
શરીફચાચાને સો સો સલામ.

Comments