વ્રજેશને આજે પણ નડી ગયું રાજકારણ, ન બચાવી શક્યો બગીચો


વ્રજેશની આંખો સામે અંધારું છવાયું ગયું, તેણે આજે રાજકારણની જીત થતી જોઈ
પ્રકૃતિ પાસેથી એણે ઘણું મેળવ્યું હતું. તેના બદલામાં જો થોડા વૃક્ષો કપાતાં પોતે અટકાવી શકે તો પ્રકૃતિનું ઋણ થોડું ચૂકવાય.


શહેરના હાર્દ સમા આ બગીચાનું વાતાવરણ જ કંઇ અલગ હતું. સાંજ ઢળતાં સુધીમાં તો શહેર અને બગીચાના તાપમાનમાં સારો એવો ફરક પડી જતો. કોણ જાણે કેમ, પણ વ્રજેશને આ બગીચા પ્રત્યે અદમ્ય આકર્ષણ હતું.

વ્રજેશ સવારે ફરવા માટે નીકળ્યો હતો. સહેજ ઠંડકભર્યો મંદ પવન વાતો હતો. અહીં એક જૂનો બગીચો હતો, જે કદાચ કોઇ રાજાએ બનાવડાવ્યો હતો. વડલો, લીમડો, આંબો વગેરેના ઘટાદાર વૃક્ષ નીચેથી વહેતું પાણી અને તેમાં તરતી બતક... ઝગમગતી લાઇટમાં ઊંચે સુધી ઊડતા ફુવારા... બગીચો શહેરની વચ્ચોવચ આવેલો હોવાથી આજુબાજુ લીલોતરી છવાયેલી હતી.

બગીચો ખરેખર શહેરના હાર્દ સમાન હતો. સેંકડો એકરમાં ફેલાયેલા આ બગીચાનું ચોતરફનું વાતાવરણ એટલું રમણીય હતું કે સાંજ ઢળતાં ઢળતાં તો શહેર અને બગીચાના તાપમાનમાં ખાસ્સો ફરક પડી જતો. અહીં કેટલાય લોકો હતા. કોઇ ચાલતા હતા, તો કોઇ કસરત કરતા હતા. બાળકો રમી રહ્યાં હતાં. એક યુવાન ગ્રૂપ નાટકનું રિહર્સલ કરી રહ્યું હતું.

વ્રજેશ લગભગ દસેક વર્ષથી મોર્નિંગ વોક માટે આવતો હતો અને આ બગીચા સાથે તેને એક પ્રકારનો લગાવ થઇ ગયો હતો. અહીંના વૃક્ષ, હવા, વૃક્ષ પર રહેતાં વાંદરા, પક્ષી એટલે સુધી કે મધપૂડા પણ એને પોતાના જ લાગતા હતા. નજીકમાં જ પ્રાણીસંગ્રહાલય હતું, જ્યાંથી પ્રાણીઓનો અવાજ સંભળાતો હતો. કોર્પોરેશને જ્યારથી વોકિંગ ટ્રેક બનાવ્યા છે, ત્યારથી મોર્નિંગ વોક માટેની સરળતા થઇ ગઇ છે. હા, ટ્રેક બનાવતી વખતે અનેક વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હતાં, જેનું દુ:ખ સૌથી વધારે વ્રજેશને થયું હતું.

અહીં આવતાં-જતાં અનેક લોકોનો એ જાણીતો થઇ ગયો હતો. આવતાં-જતાં સ્મિતનું આદાનપ્રદાન, અભિવાદન અને કેમ છો-કેમ નહીં?ના સમાચાર પૂછી લેવાતા. ઘણી વાર માંદગી કે બહાર જવાને લીધે ન આવી શકાતું તો ટૂંકા વાક્યોમાં ખબરઅંતર પૂછી લેવામાં આવતાં. 'કેમ ઘણા દિવસથી દેખાયા નથી?’ વાક્ય ભલે નાનું રહેતું, પણ તેમાં ઊંડી લાગણી છુપાયેલી રહેતી. વણકહ્યા આત્મીયજનની અપેક્ષા જાણે પૂરી થતી હોય એમ લાગતું.

આજે વ્રજેશને ગાર્ડનના પૂર્વ તરફના ખૂણામાં કંઇક હલચલ થતી લાગી. નજીક જઇને જોયું બાઉન્ડ્રી વોલ તોડી રહ્યા હતા. કોને ખબર એ ઉત્સુકતા હતી કે પછી એ જગ્યા સાથેના જોડાણનો અહેસાસ. એણે મજૂરોને પૂછી જ લીધું કે આ કેમ તોડવામાં આવે છે? મજૂરોએ પોતાનું કામ ચાલુ રાખીને જ સુપરવાઇઝર તરફ ઇશારો કર્યો. સુપરવાઇઝરે સાવ બેદરકારીપૂર્વક જવાબ આપી દીધો કે યૂ.આઇ.ટી.નું કામ છે. અહીંથી જોય ટ્રેન આખા બગીચામાં પસાર થશે, તેના માટે ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે.

વ્રજેશને નવાઇ લાગી. ટ્રેક? બાળકો માટેના થોડા હીંચકા સિવાય ત્યાં તો મોટા ભાગે સ્કૂલના બાળકો પિકનિક માટે જ આવતા હતા અને જોય ટ્રેન જેવી કોઇ વાત જ ત્યાં જરૂરી નહોતી કે બગીચાને ફરી ફરીને જોવામાં આવે. વ્રજેશને એકાએક ખ્યાલ આવ્યો કે જોય ટ્રેન માટે અનેક વૃક્ષો કાપી નાખવામાં આવશે. એને હવે ચિંતા થવા લાગી. એ વ્યાકુળ થઇને ઘર તરફ જવા લાગ્યો.

જોકે ઘરે આવીને પણ એનું કોઇ કામમાં ચિત્ત ચોંટતું નહોતું. એણે પહેલાં આ બાબતે લેખ લખવાનું વિચાર્યું, પણ ક્યાં અને કોની પાસે છપાવવો? ક્યાંક આ અંગે પ્રવચન આપવાનો પણ વિચાર આવ્યો, પરંતુ તેને સાંભળવા કોણ આવે? આખરે આ બાબતે શહેરના પર્યાવરણવિદો સાથે વાત કરવાનો વિચાર કર્યો ત્યારે એને થોડી રાહત લાગી. શહેરના પ્રખ્યાત પર્યાવરણવિદ હતા, શુક્લસાહેબ. દર અઠવાડિયે તેમના બે-ચાર ફોટા અને સમાચાર તો એમના વિશે છપાતાં જ હતાં. સંમેલનો, ઉદ્ઘાટનો, ચર્ચાવિચારણામાં તેમની બોલબાલા રહેતી. રિટાયરમેન્ટ પછી તેમનું યોગદાન, તેમનું જોશ સારું એવું વધી ગયું હતું.

વ્રજેશ રહ્યો સાધારણ નાગરિક, જ્યારે શુક્લસાહેબ તો મોટા પર્યાવરણવિદ હતા. કોઇ તેમની વાતને ટાળી શકતું નહીં. આવા વ્યસ્ત રહેનારા શુક્લસાહેબે એને સમય આપવાથી એ ખૂબ ઉત્સાહિ‌ત થઇ ગયો હતો. નિ‌શ્ચિ‌ત સમયે એ શુક્લસાહેબના ઘરે પહોંચ્યો. તેમના ઘરે અનેક લોકો ભેગા થયાં હતાં. બધાં વચ્ચે વ્રજેશ પહોંચ્યા પછી ચર્ચા થવા લાગી.

તમામ પર્યાવરણવિદો ખૂબ ચિંતિત હતા. અત્યારે જોય ટ્રેનની કંઇ જરૂર બગીચાને નહોતી. શહેરમાં એવા ટુરિસ્ટ પણ નહોતાં આવતાં. કોણ જાણે કોર્પોરેશને શું વિચારીને આ પ્રસ્તાવ મંજૂર રાખ્યો હતો અને તેના પર અમલ પણ શરૂ કરી દીધો હતો. જોય ટ્રેનના કામમાં બગીચાના વૃક્ષ ચોક્કસ કપાવાનાં અને વેપારીકરણની અસર પણ બગીચાના વાતાવરણ પર થવાની. રોજ ફરવા આવનારાને પણ ફેર પડવાનો. આટલા પર્યાવરણવિદો હોય પછી શહેરના હાર્દને કેવી રીતે ખરાબ થવા દેવાય?

શુક્લસાહેબે મિટિંગમાં આડકતરી રીતે કહ્યું હતું કે લોકસેવા પર રાજકારણ એટલી હદે છવાઇ ગયું છે કે લોકસેવા આજે માત્ર કમાણી માટે જ કરવામાં આવે છે. સાર્વજનિક સ્થળોએ આવા પ્રકારના નિર્માણ કાર્ય કદાચ એટલે જ કરાવવામાં આવે છે કે જેથી દરેકને તેમાંથી ભાગ મળી શકે, પણ આપણે આપણા શહેરમાં આવું ક્યારેય નહીં થવા દઇએ. બહુમતીથી પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો કે શુક્લસાહેબના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ મંત્રીને મળવા જશે અને જોય ટ્રેનનો પ્રોજેક્ટ રદ કરવાનો પ્રસ્તાવ મૂકશે. બીજા દિવસે શહેરના તમામ છાપાંમાં શુક્લસાહેબના ઘરે થયેલી મિટિંગના સમાચાર હતા. શુક્લસાહેબ એ દિવસે મંત્રીને મળ્યા અને તેમને વસ્તુસ્થિતિથી વાકેફ કર્યાં. મંત્રી સાથે એમને થોડી વાતચીત થઇ અને બીજા જ દિવસથી એકાએક ટ્રેકનું કામ બંધ થઇ ગયું.

વ્રજેશે નિરાંતનો શ્વાસ લીધો અને મનોમન શુક્લસાહેબનો આભાર માન્યો. એની દૃષ્ટિમાં શુક્લસાહેબનું માન ખૂબ વધી ગયું હતું. કદાચ હવે એ આ વૃક્ષોનું દેવું ચૂકવી શકશે. મનમાં આશાનું એક કિરણ ફૂટયું. વ્રજેશ વધારે ભણેલો નહોતો કે નહોતો કોઇ મોટા હોદ્દા પરથી રિટાયર થયો, પણ એને કુદરત પ્રત્યે અપાર પ્રેમ હતો. કદાચ આ આત્મિક જોડાણ હતું. નાનપણથી એ જોતો આવ્યો હતો કે વસતી વધવાની સાથે કુદરતી સંસાધનનો સ્થિતિ વિષમ બનતી જતી હતી. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિને કેવી નિર્દયતાથી ખલાસ કરી રહ્યો છે. કુદરતના આ રૂદન અને તકલીફનો એ સાક્ષી હતો.

પાકના ઉત્પાદનમાં ગરબડ, અનેક નાનામોટા જીવનું અસ્તિત્વ જ નાશ પામવું, મનુષ્યના સ્વાર્થ અને લાલચને લીધે કુદરતના ચક્રનું અનિયમિતપણું થતું જોઇને ઘણી વાર વ્રજેશના મનમાં ઊંડી વેદના જાગતી, પણ કંઇ ન કરી શકવાની પીડાને લીધે એ મનોમન દુ:ખી થઇને બેસી રહેતો. પ્રયત્નો તો એણે અનેક કર્યાં હતાં. ઘરમાં, સોસાયટીમાં, ઓફિસમાં ક્યાંય પાણી વેડફાય નહીં, વૃક્ષ કપાય નહીં વગેરે. ક્યારેક ઓફિસ પોલિટિક્સ, ક્યારેક જાતિ:ધર્મનું ષડયંત્ર, ક્યારેક સોસાયટીની કમિટિ કે સમાજનો દંભ આડો આવી જતો, પણ આજે શુક્લસાહેબની મદદથી જો એ આ બગીચાના થોડા વૃક્ષોને બચાવવામાં પણ સફળ રહે, તો ઘણું મોટું યોગદાન ગણાય. એને હાશ થઇ. આખરે આજે પોતે પ્રકૃતિને કંઇક તો મદદરૂપ થઇ શક્યો હતો. અત્યાર સુધી પ્રકૃતિ પાસેથી સતત કંઇ ને કંઇ મેળવતો રહ્યો હતો, તેના બદલામાં ભલે ને પાંચ-દસ વૃક્ષ કપાતાં પણ અટકાવી શક્યો એનો તેને સંતોષ થઇ રહ્યો હતો.

એકાદ-બે દિવસ પછી વ્રજેશને કંઇ કામસર પોતાના દીકરા પાસે શહેરમાં જવું પડયું. ઘણા સમય પછી દીકરા પાસે ગયો હોવાથી અઠવાડિયા સુધી પૌત્ર-પૌત્રીઓએ આવવા ન દીધો. તે પછી જ્યારે પાછો આવ્યો ત્યારે વાતાવરણ થોડું બદલાયેલું લાગ્યું. એને ક્યાંક કંઇ ગરબડ હોય એવું લાગ્યું, પણ પછી પોતાનો વહેમ હશે એમ માની લીધું. આખી રાતની મુસાફરીનો થાક સવાર થતાં જ ઉતરી ગયો. સવારે ફરવા જવાની ઉતાવળ હતી કે પછી સાથીદારોને ફરી મળવાની ઇચ્છા, વ્રજેશના પગલાં બગીચા તરફ જવા ઉતાવળા થયાં. બગીચામાં ખૂબ ફેરફાર થઇ ગયો હતો. લોકો આજકાલ સ્વાસ્થ્ય સંવેદી પણ ખૂબ થવા લાગ્યા છે, વ્રજેશે વિચાર્યું, પણ આ શું? બગીચામાં રેલવે ટ્રેક બની ગયા હતા. કેટલાય વૃક્ષો ધરાશાયી થઇને અહીંતહીં પડયા હતા. કુદરત જાણે એ લાશોને વીંટળાઇને મૂક રડી રહી હતી.

રંગબેરંગી જોય ટ્રેન બગીચાના એક ખૂણામાં ઊભી હતી. કોણ જાણે ક્યાંથી અનેક બાળકોને જોયા ટ્રેનમાં પહેલી સફરના મુસાફર બનવા માટે ભેગા કરવામાં આવ્યા હતા. પત્રકારોનું ટોળું ભેગું થયું હતું. મંત્રી ઉદ્ઘાટન કરવા માટે આવવાના હોવાથી તેમની રાહ જોવાતી હતી. ફોટોગ્રાફરો આસપાસના ફોટા લઇ રહ્યા હતા.કેમેરાની ફ્લેશ ઝબૂકતી હતી. અચ્છા તો આ કારણસર આ બધો જમેલો ભેગો થયો હતો... એને સમજાઇ ગયું. એવામાં એણે જોયું કે મંત્રીજી ટ્રેન તરફ આગળ વધી રહ્યા હતા, ચહેરા પર સ્મિત સાથે એમણે રિબિન કાપીને ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું અને લીલી ઝંડી બતાવી. ટ્રેન ધીરે ધીરે આગળ વધી એ જોઇ મંત્રીની બાજુમાં ઊભેલા તેમના ખાસ માણસોની સાથે શુક્લસાહેબ પણ તાળી પાડી રહ્યા હતા. એમના ચહેરા પરનો આનંદ જોઇ વ્રજેશની આંખો સામે અંધારું છવાઇ ગયું.અત્યાર સુધી એણે દરેક ઠેકાણે રાજકારણની જીત થતી જોઇ હતી. અહીં પણ રાજકારણની જ જીત થઇ.

Comments