અનુ યાદ છે, આવી મોસમમાં તું ચા સાથે ભજિયાં ખવડાવતી?



અતીતના ઓળા

ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. બારીમાંથી માટીની ભીની સુગંધ મનને તાજગીથી ભરી રહી હતી. હું મારી કેબિનમાં બેઠી બેઠી પોસ્ટ જોઇ રહી હતી, ત્યાં જ મારા કાનમાં કોઇનો મધુર સ્વર સંભળાયો, 'મે આઇ કમ ઇન મેડમ?’ મેં નજર ઊંચી કરી. સામે પંદર-સોળ વર્ષની છોકરી સ્મિત વેરતી ઊભી હતી. નજર થંભી જાય એવી સુંદરતા જોતાં જાણે ઇશ્વરે નિરાંતે એને ઘડી હોય એવી લાગતી હતી. 'યસ, કમ ઇન.’ 'થેંક્સ, મેડમ.’ 'બોલો, શું કામ હતું?’ મેં પૂછયું.

'મેડમ, મારે તમારી કોલેજમાં એડમિશન લેવું છે.’ 'તો તમે ઓફિસમાંથી એડમિશન ફોર્મ લઇ ફોર્માલિટિઝ પૂરી કરી દો.’ 'ઓ.કે. મેડમ, મારા ડેડી તમને મળવા માંગે છે.’ એણે કહ્યું. 'તમારા ડેડી... ઓ.કે. બોલાવો અંદર...’ ઓહ આ તો અનુરાગ છે. હું બે ઘડી સ્તબ્ધ થઇ ગઇ. શાલુ ફોર્મ ભરવા જતી રહી હતી. 'કેમ છે, અનુ?’ અનુરાગે પૂછયું. હું વ્યથિત થઇ ઊઠી. મન ખૂબ વ્યાકુળ થઇ ગયું હતું. જૂના ઘા જે માંડ માંડ રૂઝાયા હતા. આજે અનુરાગને જોઇ અતીતની સ્મૃતિ તાજી થઇ ગઇ. ઘા ફરી તાજાં થઇ ગયાં. 'હલ્લો... અનુ... હું તને કંઇક પૂછું છું.’ અનુરાગે ટોકી... મારી વિચારતંદ્રાનો ભંગ થયો. 'હં... મજામાં...’ 'મારી દીકરી શાલુ તારી કોલેજમાં ભણશે. તને આ કોલેજની પ્રિન્સિપાલ તરીકે જોઇને આનંદ થયો.’ અનુરાગે કહ્યું.

'આભાર...’ કહેતાં મેં પટાવાળાને ચા લાવવા કહ્યું. ચા પીતાં પીતાં અનુરાગ બોલ્યા, 'અનુ યાદ છે? આવી મોસમમાં તું ચા સાથે ભજિયાં બનાવીને ખવડાવતી હતી.’ હું ચૂપ રહી. એવામાં પ્રોફેસર સુષમા અંદર આવીને ટાઇમ ટેબલ બનાવવા અંગે વાત કરવા લાગ્યાં. 'સારું ત્યારે, હું રજા લઉં.’ કહી અનુરાગ ઊભા થયા. અઢાર વર્ષ પહેલાંનો અતીત આંખો સામે તરવરી ઊઠયો. આ એ જ અનુરાગ છે. વિશ્વાસ નહોતો બેસતો. ચા પીતાં પીતાં પણ માએ ટોકી, 'અનુ, શી વાત છે? ક્યાં ખોવાયેલી છો?’

'મા, આજે અનુરાગ એમની દીકરીના એડમિશન માટે કોલેજમાં આવ્યા હતાં.’ મા ચૂપ થઇ ગઇ. રાતે જમીને પછી પથારીમાં પડી, પણ આંખોમાં ઊંઘનું નામનિશાન નહોતું. મનને કેવી રીતે સમજાવું? ભૂતકાળની સ્મૃતિમાં મન ખોવાઇ ગયું. અઢાર વર્ષ અગાઉ અનુરાગ સાથે મારાં લગ્ન ખૂબ ધામધૂમથી થયાં હતાં. અનુરાગને પતિ રૂપે પામીને મારા આનંદનો પાર નહોતો. એ ખૂબ પ્રેમ કરતા હતા મને. એમાંય જ્યારે લગ્નના ત્રણ મહિ‌ના પછી ખબર પડી કે હું માતા બનવાની છું, ત્યારે તો એ ખુશ ખુશ થઇ ગયા. હું પણ ખૂબ ખુશ હતી, પણ પુંસવન સંસ્કારની વિધિના દિવસે જે બન્યું એને લીધે મારું જીવન જડમૂળમાંથી બદલી નાખ્યું. કેવી રીતે ભૂલાય એ દિવસ?

હું તૈયાર થઇને નીચે હોલમાં આવી. મહેમાનો તો ક્યાંય સમાતાં નહોતાં. માએ મને જોઇને કહ્યું, 'આજે તું ખૂબ સુંદર લાગે છે, પણ તેં નથ કેમ નથી પહેરી? જા, પહેરી આવ...’ અને હું નથ પહેરવા પાછી ઉપર ગઇ. નથ પહેરીને નીચે ઊતરતી હતી કે મારો પગ મારા ઘેરદાર ચણિયામાં એવી રીતે ભરાયો કે હું દાદરા પરથી લપસી પડી અને મારું સર્વસ્વ લુંટાઇ ગયું. મેજર ઓપરેશન કરીને મને બચાવી લેવામાં આવી. મારું સંતાન ન બચી શક્યું. સૌના ચહેરા પર ઉદાસીનતા છવાઇ ગઇ હતી. અચાનક એક દિવસ મેં મા અને અનુરાગ વચ્ચે થતી વાતચીત સાંભળી અને મને પગ નીચેથી ધરતી ખસી ગઇ હોય એવું લાગ્યું. મા અનુરાગને કહેતાં હતાં, 'અનુરાગ, હવે તું બીજા લગ્ન કરી લે. અનુરાધા હવે મા નહીં બની શકે અને હું મારા દીકરાના દીકરાઓનું મોં જોયા વિના મરવા નથી ઇચ્છતી.

ઘરનો વારસદાર તો જોઇએ ને.’ એમણે કહ્યું, 'થોડો સમય જવા દો, મા. હું એને સમજાવીશ. એને તો હજી એ પણ નથી ખબર કે એ ક્યારેય મા નહીં બની શકે.’ 'હું મા નહીં બની શકું?’ આ સાંભળતાં જ હું ત્યાં ને ત્યાં જ પડી ગઇ. 'શું થયું?’ અનુરાગ દોડતાં આવ્યાં. હું બેભાન થઇ ગઇ હતી. ભાન આવતાં મેં આંખો ખોલી અને અનુરાગને વળગી હું ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી. એમના પર ગુસ્સે પણ થઇ કે તમે મારાથી આ વાત કેમ છુપાવી? એમની આંખો પણ ભીની થઇ ગઇ અને બોલ્યાં, 'તારી તબિયતને લીધે જણાવવાનું મને યોગ્ય ન લાગ્યું.’ એમણે મને પ્રેમથી સમજાવી અને એમના પ્રેમે મને જીવન આપ્યું.

તે પછી તો ઘરમાં રાતદિવસ કંકાસ થવા લાગ્યો. એક દિવસ માએ અનુરાગને બીજાં લગ્ન કરાવવાની વાત પર અન્નજળ ત્યાગવાની વાત કરી. અનુરાગે મને સમજાવી, પ્રેમનો વિશ્વાસ આપ્યો. મને સાંત્વન આપ્યું, 'અનુરાધા, હું તારો છું અને કાયમ તારો જ રહીશ.’ મને જીવન બોજરૂપ લાગવા માંડયું. ડરતાં ડરતાં સંતાન દત્તક લેવાની વાત કહી, તો માનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. આખું ઘર માથે લીધું, 'મારે મારા દીકરાનું સંતાન જ જોઇએ.’ આખરે એમની જીદ સમક્ષ હું હારી ગઇ.

મારી ખુશીના તમામ માર્ગ બંધ થઇ ગયાં. જોકે અનુરાગ મારું ખૂબ ધ્યાન રાખતા હતા. એક દિવસ બીજી પુત્રવધૂ ઘરમાં આવી. મારા પ્રેમના ભાગલા પડી ગયા હતા. સ્ત્રી બધું સહન કરી શકે, પણ પોતાના પતિનો પ્રેમ બીજી સ્ત્રી સાથે નથી વહેંચી શકતી. અનુરાગ જ્યારે મારી પાસે આવે, ત્યારે નવી વહુ એમને ગમેતેમ બોલવા લાગતી. ઘર છોડવાનો નિર્ણય કર્યો, તો અનુરાગે મને ના કહી દીધી. જોકે માને હું આંખમાં કણાની માફક ખૂંચતી હતી. અનુરાગ ઓફિસે જાય પછી મારા માથે માછલાં ધોવાતાં. એક દિવસ અનુરાગ ઓફિસે ગયા તે પછી હું એમને કહ્યા વિના જ પિયાર પાછી આવતી રહી.

ભણેલી હોવાથી મને કોલેજમાં લેક્ચરરની નોકરી મળી ગઇ. મેં નવેસરથી જીવન જીવવાનું શરૂ કર્યું. અનુરાગ પણ મને ભૂલીને એમના નવજીવનમાં ખોવાઇ ગયા. અઢાર વર્ષ વીતી ગયાં. હજી બે મહિ‌ના પહેલાં જ મારું પ્રમોશન થયું હતું. મનમાં થોડો ડર હતો, પણ હું નિ‌શ્ચિંત હતી કે જે માણસે મને એની જિંદગીમાંથી દૂર કરી દીધી હતી, એણે અઢાર વર્ષ સુધી ક્યારેય મને યાદ નહોતી કરી એ હવે શું મને યાદ કરવાનો? છતાં આજે એમને જોઇને મન વ્યથિત બની ગયું. જે સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું, તે નવપલ્લવિત કરવાની ઇચ્છા જાગવા લાગી.

વિચારોમાં ને વિચારોમાં મારી તબિયત ખરાબ થઇ ગઇ. બે દિવસ હું કોલેજ ન જઇ શકી. શાલુ મારી ખબર પૂછવા ઘરે આવી, ત્યારે એની નજર મારા રૂમમાં મૂકેલા મારા અને અનુરાગના ફોટા પર ગઇ. એ વિચારમાં પડી ગઇ. 'ઓ.કે. મેડમ, હવે હું જાઉં. તમે તબિયત સાચવજો.’ કહીને એ નીકળી ગઇ. હું કોલેજ ગઇ, ત્યારે મારા ટેબલ પર એક બૂકે મૂકેલો હતો અને ચિઠ્ઠીમાં શાલુનું નામ લખેલું હતું. મેં એને મારી કેબિનમાં બોલાવી.

'હા, મેડમ. આ બૂકે તમારા માટે છે.’ શાલુએ કહ્યું. મેં હસીને કહ્યું, 'થેન્ક્સ, બેટા.’ 'મેડમ, તમે મને બેટા કહ્યું છે, તો એક વાત પૂછું? તમારા ઘરમાં મારા પપ્પાનો ફોટો...’ શાલુની વાત પૂરી થાય તે પહેલાં જ મેં એને ટોકી, 'બસ શાલુ, આગળ કંઇ બોલીશ કે પૂછીશ નહીં.’ 'ઓ.કે. મેડમ.’ કહીને એ ગઇ.

હું ઘરે પહોંચી અને થોડી વાર પછી ડોરબેલ રણકી ઊઠી. જોયું તો, અનુરાગ અને શાલુ આવ્યાં હતાં. અનુરાગે નમ્રતાથી મને કહ્યું, 'અનુ, હું તને લેવા આવ્યો છું. ચાલ આપણા ઘરે.’ શાલુ બોલી, 'જ્યારે મેં પપ્પાનો ફોટો તમારા ઘરમાં જોયો ત્યારે જ હું સમજી ગઇ હતી કે તમે મેડમ નહીં, મમ્મી છો.’ અનુરાગ ફરી બોલ્યા, 'ત્યારથી શાલુ જીદ પકડીને બેઠી છે કે મમ્મીને ઘરે પાછી લઇ આવો ને. પ્લીઝ.’ હું વિચારતી હતી, 'આજે અનુરાગને મારી યાદ આવી છે. આજે મારી જરૂર એમને લાગે છે. ના, ના, આ મારી દીકરી નથી. અનુરાગ સાથે મારે કોઇ સંબંધ નથી. હું જે રીતે રહું છું, ખુશ છું.’
'ચાલ અનુરાધા, શું વિચારે છે? હું તને લેવા આવ્યો છું.

મારે તરત તને લેવા આવવાની જરૂર હતી, પણ મારા અહમ્ે મને ન આવવા દીધો. ઘર તું છોડીને ગઇ હતી, મારી ગેરહાજરીમાં... બસ, આ જ વાતે આપણા સંબંધોમાં અંતર ઊભું કરી દીધું. આજે હું એ અહમ્ને ઠોકર મારીને તને લેવા આવ્યો છું. ચાલ અનુ, એ ઘર આજે પણ તારી રાહ જુએ છે.’ મારી આંખોમાં આંસુ આવી ગયાં, 'જીવન પણ કેવા વળાંક લે છે? અઢાર વર્ષ પછી અનુરાગ પોતાનો અહમ્ છોડીને મને લેવા આવ્યા છે.’ 'ના અનુરાગ, મારી અંદર બેઠેલી સ્ત્રી મને એમ કરવાની ના કહે છે. મને વિચારવાનો સમય આપો.... પ્લીઝ.’ અને હું વિચારમાં ડૂબી ગઇ. આ કેવો ન્યાય સમાજમાં પુરુષ જે કરે, તે ક્ષમ્ય ગણાય છે. માતૃત્વ ધારણ ન કરી શકનારી સ્ત્રીને આવી સજા

ના, મેં અઢાર વર્ષ તપસ્યા કરી છે. જીવનમાં આવેલા દરેક તોફાનનો સામનો એકલા હાથે કર્યો છે. ટેલીફોનની રિંગ રણકી. અનુરાગનો જ ફોન હતો. કહેતા હતા, 'ક્યારે આવે છે અનુ? ઘરમાં સૌ તારા આગમનની રાહ જુએ છે.’ 'ના અનુરાગ, હવે એ શક્ય નથી. તમે એ તક ગુમાવી ચૂક્યા છો. મને મોહપાશમાં બાંધવાનો પ્રયત્ન ન કરશો. રહી વાત શાલુની, તો એને હું માનો પ્રેમ આપવા તૈયાર છું, પણ હવે સાથે રહેવાનું તો અશક્ય છે. ધાર્યું હોત તો હું પણ પુન:લગ્ન કરીને સંસાર વસાવી શકી હોત, પણ શું સ્ત્રી કાયમ આ રીતે અવગણનાનો ભોગ બનતી રહેશે? પુરુષ એને માત્ર રમકડું જ માનતો રહેશે? માતૃત્વ ધારણ ન કરી શકવાની સજા મેં જીવનની પળે પળે ભોગવી છે. અનુરાગ મારી રાહ ન જોશો. હું નહીં આવું, ક્યારેય નહીં.’ અને મેં ફોન મૂકી દીધો.

Comments