પરિણીત સહકર્મચારિણી સાથે પ્રેમ થઈ ગયો છે..!


સોક્રેટિસજી,
મારું નામ મયંક છે. હું ૩૮ વર્ષનો પરિણીત યુવક છું અને એક ખાનગી કંપનીમાં જોબ કરું છું. ઓફિસમાં મારી સાથે જોબ કરતી પરિણીત યુવતી માધવી સાથે મને પ્રેમ થઈ ગયો છે. માધવી મારાથી બે વર્ષ નાની છે અને બે સંતાનોની માતા છે. મારે પણ બે સંતાનો છે. માધવીનો પતિ કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. માધવી અમારી ઓફિસમાં જોડાઈ ત્યારથી જ હું તેના દેખાવથી આકર્ષિત થયો હતો. શરૂઆતમાં હું માત્ર તેને જોયા કરતો. એ પણ મારી સાથે નજર મિલાવતી હતી. એક વર્ષ સુધી અમારી વચ્ચે વાત નહોતી થઈ, પણ નજરોનું મિલન ચાલ્યા કરતું હતું. એ દરમિયાન ૨૦૦૫માં મારે કંપનીના કામે ૧૦ દિવસ માટે બહાર જવાનું થયું. કંપનીના કામ માટે મેં માધવીને ફોન કર્યો. માધવીએ તરત કહ્યું કે હું તમારા જ ફોનની રાહ જોતી હતી. માધવીના આ શબ્દોએ મારો ઉત્સાહ વધાર્યો. બહારગામથી આવ્યા પછી અમારી વચ્ચે સામાન્ય વાતચીતો શરૂ થઈ. પંદરેક દિવસ પછી મેં હિંમત એકઠી કરીને ફોનમાં જ માધવીને પ્રપોઝ કરી દીધું. મને ડર હતો કે જો માધવી મારા પ્રેમનો પ્રસ્તાવ નહીં સ્વીકારે તો ઓફિસના સ્ટાફ સામે મારી આબરૂ જશે! વળી, એના પતિને આ વાત કહે તોપણ મુશ્કેલી વધી શકે છે. મારી આ અવઢવ વચ્ચે માધવીએ બીજા દિવસે મારો પ્રસ્તાવ સ્વીકારી લીધો.
અમે ફોનમાં દરરોજ કલાકો સુધી વાતો કરવા લાગ્યાં. ઓફિસમાં પ્રેમપત્રોની આપ-લે પણ કરતાં હતાં. જોબ સાથે હોવાથી દરરોજ મળવાનું થતું જ, પણ ઘણી વખત માધવીના ઘરે મળવા પણ જતો હતો. મેં એક બે વખત એકાંતમાં એના શરીરનો સ્પર્શ કર્યો, પણ વધુ આગળ વધતાં તેણે મને અટકાવ્યો. માધવી કહેતી કે આપણે એકબીજા સાથે આ રીતે પ્રેમથી રહીએ છીએ એ જ મહત્ત્વનું છે. આમ અમારી વચ્ચે લાગણીનો સેતુ વધુ ગાઢ બની ગયો.
માધવીએ મારો પ્રેમ સ્વીકાર્યો એ દરમિયાન જ તે પ્રેગ્નન્ટ હતી. તે હંમેશાં મને કહેતી કે તેની નાની દીકરીમાં બધા જ ગુણ મારા આવ્યા છે, કારણ કે તેની પ્રેગ્નન્સી દરમિયાન તેના પતિ કરતાં પણ વધુ સમય માધવીએ મારી સાથે ગાળ્યો હતો. એક વખત માધવીને મેં મારી સાથે પ્રેમ કરવાનું કારણ પૂછયું હતું ત્યારે તેણે મને કહ્યું હતું કે લગ્ન પહેલાં મને જેવા પતિની અપેક્ષા હતી,તેમાંના લગભગ તમામ ગુણો તારામાં છે એટલે મેં તારા પ્રેમનો સ્વીકાર કર્યો હતો. પછી માધવીએ મને પ્રેમ કરવાનું કારણ પૂછયું હતું. મેં એને જણાવ્યું હતું કે ફેશનેબલ યુવતી મારા જીવનમાં આવે અને હું એવી સુંદર યુવતી સાથે લગ્ન કરું એવી મારી ઇચ્છા હતી. મારી મનગમતી યુવતીની કલ્પનામાં તું બંધબેસતી હતી એટલે જ કદાચ હું તારાથી આકર્ષાયો હોઈશ.
એક વાર માધવીના પતિને તેની કંપનીના કામ માટે મુંબઈ જવાનું થયું. માધવીએ ફોન કરીને મને તેના ઘરે મળવા બોલાવ્યો હતો. હું માધવીને મળવા તેના ઘરે ગયો ત્યારે એકમેકને સ્પર્શ કરતાં કરતાં અમે એકબીજાની બાહોમાં ખોવાઈ ગયાં. જોકે અમને અમારી મર્યાદાની ખબર છે, એટલે એક હદથી અમે ક્યારેય આગળ વધતાં નથી. તમને જણાવી દઉં કે આજે સાત વર્ષેય અમારો પ્રેમ પવિત્ર રહી શક્યો છે. છેલ્લાં દોઢેક વર્ષથી તો અમે એકબીજાને સ્પર્શ સુધ્ધાં નથી કર્યો. અમે એકબીજા સાથે વાતો કરીને અને મળીને ખુશ છીએ.
માધવીના પતિને અમારા સંબંધ વિશે ખબર પડી ગઈ હોય એમ લાગે છે. તેને સતત અમારા બન્ને વચ્ચેના સંબંધની શંકા રહે છે અને એના કારણે ક્યારેક માધવીને ઘણું સાંભળવું પણ પડે છે. જો એક દિવસ પણ અમે એકબીજાને ન મળી શકીએ તો બેચેની રહે છે અને કામમાં મન નથી લાગતું. અમે જીવનભર આ રીતે સાથે રહેવાનું વિચારીએ છીએ. આવી સ્થિતિમાં હવે અમારે શું કરવું જોઈએ? અમારો પ્રેમ આમ જ અકબંધ રહે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.                                            લિ. મયંક
પ્રિય મયંક,
પ્રેમ જિંદગીના કોઈ પણ તબક્કે થઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે, પણ આપણી સ્થિતિ, સંજોગો અને મર્યાદા સમજવી જોઈએ. આજે વ્યક્તિ જીવનસાથી કે પરિવારજનો કરતાં સહકર્મચારીઓ સાથે વધારે સમય વિતાવે છે ત્યારે તેના પ્રત્યે લાગણીઓ પેદા થઈ શકે છે, પરંતુ એના પર લગામ લગાવવી જરૂરી છે. તમે પરિણીત છો અને માધવી પણ પરિણીત છે ત્યારે તમારા વચ્ચેનો પ્રેમ સામાજિક દૃષ્ટિએ અનૈતિક ગણાય. હા, તમે સંબંધમાં મર્યાદા રાખી છે, તે તમારી બન્નેની સમજદારી છે. તમે એકબીજાને ચાહો છો, એકબીજાની કાળજી લો છો અને હૂંફ આપો છો એટલે તમે એક રીતે તો તમારા જીવનસાથી સાથે દગો કરો છો. વિશ્વાસઘાત કરોછો. તમારા પત્ર પરથી જણાય છે કે તમારી પત્ની તો કદાચ આ સંબંધથી સાવ અજાણ છે જ્યારે માધવીના પતિને હવે તમારા સંબંધ અંગે શંકા પેદા થવા લાગી છે. કદાચ, તમારો સંબંધ આમ ને આમ ટકી રહેશે તોપણ જ્યારે આ વાત જાહેર થશે ત્યારે તમારે વ્યક્તિગત અને સામાજિક રોષનો ભોગ બનવું પડશે.
તમે અને માધવી હયાત જીવનસાથીથી નારાજ-અસંતુષ્ટ છો કે નહીં, તમે છૂટાછેડા લઈને જીવનસાથી બનવા અંગે વિચારો છો કે નહીં, એ અંગે પત્રમાં કોઈ સ્પષ્ટતા નથી. તમે જો ખરેખર એકબીજાને પ્રેમ કરતા હોય અને લગ્ન કરવા વિચારતા હોય તો તમારે સામાજિક-પારિવારિક સંકટો-તુફાનોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ, પણ લગ્ન વિના જ આ સંબંધને ટકાવી રાખવો હોય તો એમાં સમયે સમયે અનેક સમસ્યાઓ આવી શકે છે, તમારી બદનામી થઈ શકે છે. તમારાં બાળકો જ્યારે મોટાં થશે ત્યારે તમારા ચારિત્ર્ય અંગે શું વિચારશે, એ પણ તમારે વિચારી લેવું જોઈએ.
તમારી પાસે બે વિકલ્પો છે, કાં તો હિંમત બતાવીને એકબીજા સાથે વિધિવત્ લગ્ન કરી લો અથવા તો પછી સામાજિક દૃષ્ટિએ અનૈતિક સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. તમે જો આ સંબંધને લટકતો રાખશો તો એ તમારા સામાજિક જીવનનો ગાળિયો બની જશે

Comments