એ દિવસે ઘરમાં અસીમ ને કેથરીન એકલાં હતાં


પટણા યુનિવર્સિટીમાં રિસર્ચ કરતા એક વિદ્યાર્થીના જીવનની અજીબો ગરીબ ઘટના
અ સીમ ઝા એક હોનહાર યુવાન હતો. ઉત્તરાખંડ યુનિવર્સિટીં દ્વારા ભૌતિક વિજ્ઞાનના વિષયમાં એમ.એસસી. કરીને તે હવે પટણા યુનિવર્સિટીમાં રિસર્ચ કરી રહ્યો હતો. તે એક ગરીબ પરિવારનો પુત્ર હતો. રિસર્ચ માટે તેને જે ફેલોશિપ મળતી હતી તેમાંથી અડધી રકમ તે ઘેર મોકલી દેતો હતો.
અસીમ પટણામાં એક એંગ્લોઈન્ડિયન પરિવારમાં પેઈંગગેસ્ટ તરીકે રહેતો હતો. મકાનમાલિકણનું નામ એન હતું. એનની ઉંમર ૩૬ વર્ષની હતી. તે મિશનરી હોસ્પિટલમાં નર્સ હતી. તેને ત્રણ દીકરીઓ હતી. સહુથી મોટી કેથરીન ૧૯ વર્ષની વયની હતી. બીજી બે દીકરીઓનાં નામ ઈવા અને ઈરિના હતાં. એનનો પતિ ગોમ્સ શરાબી હતો અને કોઈ જ કામ કરતો નહોતો. એન મૂળ આદિવાસી યુવતી હતી. તેનો પહેલો પતિ મંગલુ ગોમ્સથી યે વધુ શરાબી હતો અને શરાબના કારણે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. એ દરમિયાન ગામમાં એક પાદરી આવ્યા અને તેમણે એનને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરાવ્યો અને મદદ પણ કરી. નર્સિંગની તાલીમ પણ આપવાની વ્યવસ્થા કરી. પાદરીની ભલામણથી જ એનને મિશનરી હોસ્પિટલમાં નોકરી મળી ગઈ. એનના પ્રથમ પતિથી તે બે દીકરીઓની માતા હતી.
મિશનરી હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતા ગોમ્સ સાથે પરિચય થયા બાદ એને તેની સાથે ચર્ચમાં જઈ લગ્ન કરી લીધું. ગોમ્સથી એનને એક દીકરી જન્મી. ગોમ્સ આખો દિવસ બહાર રખડયા કરતો હતો.
આવા પરિવારને પૈસાની ખૂબ જરૂર હોઈ અસીમ ઝાને તેમણે તેમના ઘરમાં પેઈંગગેસ્ટ તરીકે રાખ્યો હતો. એક દિવસ અસીમે તેના ઓરડામાંથી જોયું તો એનની નાની દીકરી જોરજોરથી રડી રહી હતી. અસીમ બહાર નીકળ્યો. એનની નાની દીકરીના હાથમાં દૂધનો ગ્લાસ પડી જતાં તેને મારી રહી હતી, અસીમે એ બાળકીને ઊંચકી લીધી. એને સ્કૂલ ડ્રેસ પહેરાવ્યો અને જાતે જ સ્કૂલમાં મૂકી આવ્યો. બીજા દિવસે અસીમના નાસ્તાની પ્લેટની નીચે એક ચિઠ્ઠી પડી હતી, તેમાં લખ્યું હતું: ''કાલે તમે કરેલી મદદ બદલ આભાર.... એન.''
એ દિવસ પછી એન અને અસીમ એકબીજાથી વધુ નજીક આવ્યાં. અને એને અસીમને કહ્યું : ''મારી દીકરીઓ તમારી સાથે બહુ જ હળીમળી ગઈ છે એ તમને જ પાપા માને છે.''
અસીમ સહેજ સાવધ થઈ ગયો. અસીમ જાણતો હતો કે ત્રણ દીકરીઓની માતા એન તેનાથી ૧૦ વર્ષ મોટી હતી. વળી તેની મોટી દીકરી કેથરીન તો હવે ૧૯ વર્ષની હોઈ બધું જ સમજતી હતી. આમ છતાંયે અસીમને એન પ્રત્યે હમદર્દી પેદા થવા લાગી હતી.
ગામડાંની શ્યામ આદિવાસી પરિણીત યુવતી તેને ગમવા લાગી હતી. બેઉ ઘણી વાર સુખદુઃખની વાતો કરતાં.
એક દિવસ અસીમ તેના ઓરડામાંથી બહાર જ ના નીકળ્યો. એન તેના રૂમમાં ગઈ અસીમને ખૂબ તાવ હતો. એન તો સ્વયં નર્સ હતી. કેટલીયે વાર સુધી તેના માથામાં પોતાં મૂકી આપ્યા. ગોળી પણ આપી. એ વખતે તાવનો વાવર ચાલતો હતો. એનની મોટી દીકરી કેથરીનને પણ તાવ હતો. હોસ્પિટલમાં જતાં જતાં એન બોલી હતી, ''કેથરીનનો ખ્યાલ રાખજો.''
''આરામથી જાવ.''
એન બોલીઃ જે સ્ત્રીના તમે પતિ બનશો તે સ્ત્રી ખૂબ નસીબદાર હશે.''
અસીમ એનનો હાથ પકડતાં બોલ્યો : ''હું તમારો પતિ નહીં પણ હમદર્દ દોસ્ત તો છું ને !''
અને એનની આંખો ભીની થઈ ગઈ. બેઉ એકબીજાની કરીબ સરક્યાં.
આમ ને આમ સમય વીતતો ગયો. એન હવે અસીમનો અને અસીમ એનના આખા પરિવારનો વધુને વધુ ખ્યાલ રાખતો હતો. એક દિવસ અસીમ અને એન એકલાં જ ઘરમાં હતાં. અસીમે કહ્યું : ''એન ! હવે છ મહિનામાં મારી રિસર્ચનું કામ પૂરું થઈ જશે. તે પછી મને કોઈ સારી નોકરી મળી જશે. જો તમે મને તમારે યોગ્ય સમજો તો- ?''
''તો શું ?''
અસીમ બોલ્યો : ''તમારો હસબન્ડ ગોમ્સ દારૂડિયો છે. હં તમારા આખાયે પરિવારની જવાબદારી સંભાળવા તૈયાર છું.''
એન સમજી ગઈ. એણે કોઈ પણ જવાબ આપવાના બદલે બે હાથ પ્રસાર્યા. અસીમ તેની નજીક સરક્યો. એનએ અસીમને પોતાના ઉર સાથે બાંધી લીધો. કેટલીયે વાર સુધી અસીમ એનના બાહુઓમાં ગિરફતાર રહ્યો. જાણે કે બે ધબકતાં હૈયાં એક બીજાનો મર્માળો સ્પર્શ અને હુંફ અનુભવતાં રહ્યાં. બેઉ એક પણ શબ્દ બોલ્યા વિના ઉત્કટ લાગણીની પરાકાષ્ટા અનુભવતાં રહ્યાં. અલબત્ત, તેમણે મર્યાદા ઓળંગી નહીં.
સમય વીતતો ગયો. ગોમ્સ હજુ સુધર્યો નહોતો. અડધી રાતે દારૂમાં ચકચૂર થઈને ઘેર આવતો. બેભાન થઈને ઊંઘી જતો. કોઈ વાર એનને રાતની ડયૂટી હોય તો રાત્રે બે વાગે ઘેર આવતી. તેની દીકરીઓની સંભાળ પણ અસીમ જ રાખતો.
એક દિવસ એનની દીકરી કેથરીનને ફરી હલકો તાવ હતો. એ દિવસે અસીમ ઘેર જ હતો. ગોમ્સ ઘરમાં નહોતો. બીજી બે દીકરીઓ સ્કૂલમાં ગઈ હતી. હોસ્પિટલ જતાં જતાં એનએ અસીમને કહ્યું : '' કેથરીનને તાવ છે. એની કાળજી લેજો, પ્લીઝ !''
એ દિવસે હલકો હલકો વરસાદ વરસી રહ્યો હતો. વાદળ ગાજી રહ્યાં હતાં. ઘરમાં અસીમ અને કેથરીન સિવાય કોઈ નહોતું. અસીમે જોયું તો કેથરીન કાંઈ માગી રહી હતી. અસીમ કેથરીનના ઓરડામાં ગયો. એણે કેથરીનના માથા પર હાથ મૂક્યો. હવે તાવ તો ઊતરી ગયો હતો. અસીમે જોયું તો કેથરીનના શ્વાસોચ્છ્વાસ તેજ થઈ રહ્યા હતા. તે કોઈ અનિમેષ દૃષ્ટિએ અસીમને જોઈ રહી હતી. અસીમને શંકા જતાં તે ઊભો થવા લાગ્યો પણ કેથરીને તેનો હાથ પકડી લીધો તે અસીમની આંખોમાં આંખો પરોવી રહી. અસીમે પોતાનો હાથ છોડાવવા પ્રયાસ કર્યો, પરંતુ કેથરીને અસીમનો હાથ વધુ મજબૂતાઈથી પકડી રાખ્યો. કેથરીનની આંખોમાં જબરજસ્ત તોફાન હતું. તે ૧૯ વર્ષની વયની હતી. યુવાનીના ઉંબરે પગ માંડી રહી હતી. અસીમ પણ ૨૬ વર્ષની વયનો જ હતો. અસીમ કાંઈ વિચારે તે પહેલાં જ કેથરીને તેને પોતાની નજીક ખેંચી લીધો. અસીમ કાંઈ વિચારે તે પહેલાં જ કેથેરીને તેના ધગધગતા અંગારા જેવા હોઠ તેના હોઠ પર મૂકી દીધા. અસીમ સ્તબ્ધ થઈ ગયો. તે લડખડાતો તેના બિસ્તર પર પડી ગયો. કેથરીને તેને પોતાના બાહુઓમાં જકડી લીધો. અસીમે પણ હવે સ્વસ્થતા ગુમાવી. કેથરીનનો સ્પર્શ પામતાં જ તે પોતાની જાતને સંભાળી ના શક્યો. એ આગમાં તે જાણે અજાણે કૂદી પડયો. કેટલીયે ક્ષણો પસાર થઈ ગઈ.
.... અને અસીમ જ્યારે હોશમાં આવ્યો ત્યારે તેની નજર સમક્ષ આવી ગયેલા તોફાન બાદ વિનાશનું દૃશ્ય હતું. તેને જબરદસ્ત આઘાત લાગ્યો : ''અરેરે.. ! મેં આ શું કર્યું ?''
કેથરીન ખૂબ ઊંડી નજરે તેને જોઈ રહી હતી. કેથરીનને કોઈ પસ્તાવો ન હોતો. અસીમ દોડીને તેના રૂમમાં ચાલ્યો ગયો. પૂરા બે કલાક સુધી તે તેના રૂમમાં પૂરાઈ રહ્યો. એણે એના રૂમમાંથી જ તેના મોબાઈલ ફોનથી પોલીસને ફોન કરી પોલીસને ઘેર બોલાવી. પોલીસ આવી પહોંચી. અસીમે પોતાની જાત પોલીસને સુપરત કરી દેતાં કહ્યું : ''મેં કેથરીન સાથે દુષ્કર્મ કર્યું છે.''
પોલીસ સ્તબ્ધ થઈ ગઈ. પોલીસ અસીમને પોલીસ સ્ટેશન લઈ ગઈ અસીમે પોલીસને કહી કેથરીનની માતા એનને પણ પોલીસ સ્ટેશન બોલાવી લીધી. પૂરો મામલો જાણ્યા બાદ એન ખામોશ નજરે અસીમ સામે જોઈ રહી. અસીમ એ નજર બર્દાશ્ત કરી શક્યો નહીં. એ નીચે જોઈ રહ્યો. પોલીસ પણ વિચારમાં પડી ગઈ. ના તો કેથરીને દુષ્કર્મની ફરિયાદ કરી હતી કે ના તો કોઈએ, ઘટનાની સાક્ષી છતાં અસીમે પોતાની જાતને પોલીસને હવાલે કરી દીધી હતી.
પોલીસે કેથરીનનું બ્યાન લીધું. કેથરીને પોલીસને કહ્યું : ''પહેલ મેં કરી હતી. અસીમે મારી સાથે કોઈ જબરદસ્તી કરી ન હતી.''
અસીમને કસ્ટડીમાં રાખવામાં આવ્યો. કેથરીન સામે પગલે તેને મળવા આવી પણ અસીમે તેને મળવા ઈનકાર કરી દીધો. હા, એન સાથે એણે મુલાકાત કરી. એનના પ્રશ્નના જવાબમાં તે એટલું જ બોલ્યો : ''તમે મારી પર વિશ્વાસ મૂકીને તમારી દીકરીઓની જવાબદારી મને સોંપી હતી પણ હું મારી જાત પર કાબૂ રાખી શક્યો નહીં. મને દુષ્કર્મની સજા મળવી જ જોઈએ.''
એન પણ અસીમની કૈફિયત સાંભળી વિચારમાં પડી ગઈ. આ માણસને ધિક્કારવો કે વધુ ચાહવો તે નક્કી કરી શકી નહીં. અદાલત માટે પણ આ મામલો પેચીદો છે. આ ઘટનાને દુષ્કર્મ સમજવું કે કેમ તે પણ એક કાનૂની મુદ્દો છે. પહેલ કેથરીને કરી હતી તો અસીમને ગુનેગાર ગણવો કે કેથરીનને તે પણ એક પેચીદો પ્રશ્ન છે.

Comments