મામીનું રૂપ અને દેહલાલિત્ય કિશનને આકર્ષી રહ્યું હતું..



કિશન જ્યારે નવ વર્ષનો હતો ત્યારે જ તેનાં માતા-પિતા આકસ્મિક મૃત્યુ પામ્યાં હતાં. તેમનો કુટુંબ-કબીલો પણ કંઈ ઝાઝો મોટો ન હતો. નોધારા બનેલા કિશનનો આધાર તેના મામા રોહિત બન્યા. તેઓ કિશનને પોતાના ઘરે લઈ ગયા. શાળામાંથી છૂટયા પછી તે મામાને ખેતીકામમાં મદદ કરતો. બંનેની ઉંમરમાં આશરે દસેક વર્ષનો જ તફાવત હતો. તેથી તેમની વચ્ચે મામા અને ભાણિયાના સંબંધ કરતાં મિત્રતા વધારે હતી.
સમય જતાં રોહિતનાં લગ્ન નજીકના ગામની એક સુંદર અને સુશીલ આશા સાથે થયાં. તે રોહિત કરતાં પાંચેક વર્ષ નાની હતી. બધાનો સમય આનંદમાં પસાર થઈ રહ્યો હતો. કિશનને તો હવે મામા કરતાં મામી સાથે વધારે બનતું.
બિયારણ ખરીદવા, પાક વેચવા, ખેતઓજારો ખરીદવાં એમ ખેતીનાં ઘણાં કામકાજ માટે રોહિતને અવાર-નવાર બે-ચાર દિવસ બહારગામ જવું પડતું. તેઓ જાય ત્યારે ખેતીવાડી અને ઘરની જવાબદારી કિશનને સોંપીને જતા.
યુવાન હૈયાંને કંઈકેટલીય ઝંખનાઓ અને ઇચ્છાઓ હોય છે. આશા પણ પતિ પાસેથી પ્રેમ ઝંખતી હતી, પરંતુ ઘણી વાર પતિ વગર અઠવાડિયાંઓનાં અઠવાડિયાં વીતી જતાં. જેથી તેના હૃદયમાં પ્રેમ અને હૂંફાળા સહવાસની તરસ ઘટવાને બદલે ઔર વધતી જતી હતી.
એક વાર રોહિતને કોઈ કામથી તેનાં માતા-પિતાની સાથે થોડા દિવસ બહારગામ જવાનું થયું. ઘરે માત્ર કિશન અને તેનાં મામી જ હતાં. અલક-મલકની વાતો કરતા આખો દિવસ તેમણે સાથે વીતાવ્યો. વાતમાં ને વાતમાં કિશને પૂછયું, 'મામી, તમે હવે પહેલાંની જેટલાં ખુશ નથી લાગતાં અને શણગાર પણ નથી સજતાં? મૂરઝાયેલા ફૂલની જેમ તમારો ચહેરો હંમેશાં ઉદાસ જ લાગે છે.'
ઊંડો નિસાસો નાખતાં તેણે કહ્યું 'મને જોનાર પાસે સમય જ નથી, તો કોના માટે શણગાર કરું?'
'કેમ મામી, હું તો છુંને!' કહીને કિશન હસવા લાગ્યો.
હકીકત હોય કે મજાક, પરંતુ આખી રાત આ શબ્દો બંનેના મનમાં ચકરાવે ચઢયા. બીજા દિવસે સવારથી જ આશાના ચહેરા પર ખીલેલા ફૂલ જેવી તાજગી દેખાતી હતી. અરીસા સામે બેસીને તે સોળે-શણગાર સજી રહી હતી. કિશન પણ ખેતરે જતા પહેલાં કહેતો ગયો કે, 'બપોરે વહેલો ઘરે આવીશ.'
આજે કિશનનું મન કામમાં ઓછું અને મામીના વિચારોમાં વધારે ખોવાયું હતું. કિશનનું યુવાન હૈયું મામીનો પ્રેમ પામવા થનગની રહ્યું હતું. વિહ્વળ બનેલો કિશન ઘરે આવ્યો. સાથે ભોજન કર્યા બાદ તેઓ ઓરડામાં જઈને બેઠાં. પતંગિયાને જેમ દીવાનો પ્રકાશ આકર્ષે તેમ મામીનું રૂપ અને સુંદર દેહલાલિત્ય કિશનને આકર્ષી રહ્યું હતું. તે વખાણ કરવા લાગ્યો કે, 'તમે આજે પૂનમનાં ચાંદ જેવાં લાગો છો. ઇચ્છા થાય છે કે તમારી ચાંદનીને નિરંતર માણતો જ રહું.'
આટલું કહી તેણે આશાનો હાથ પકડી લીધો. ભાન ભૂલેલી આશાએ પ્રતિકાર કરવાને બદલે તેનો સાથ આપ્યો. આ રીતે તેઓ તન-મનથી એકબીજાની વધુ નજીક આવ્યાં. ત્યારબાદ તો કામવશ બનેલાં બન્ને સંબંધ ભૂલીને એકબીજાનો સહવાસ માણવા લાગ્યા.
રોહિત એક દિવસ પાછો ફર્યો અને ખેતરે ગયો. ત્યાં તેણે કિશનને ન જોયો, તેથી ઘરે ગયો. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો, પણ કોઈ દેખાતું ન હતું. તેને ઓરડામાંથી સ્ત્રી-પુરુષનો અવાજ આવી રહ્યો હતો. દરવાજાની તિરાડમાં નજર કરતાંની સાથે જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આશા અને કિશન પ્રેમાલાપમાં મગ્ન હતાં. દરવાજો ખખડાવતા બંને બહાર આવ્યાં. રોહિતને સામે ઊભેલો જોઈને બંનેનું માથું શરમથી ઝૂકી ગયું.
બંને જણ રોહિતની માફી માગવાં લાગ્યાં. તેણે બંને જણને ઠપકો આપ્યો અને માફ કરી દીધાં, પરંતુ કિશનને તેના ગામ પાછો મોકલી દીધો. બાળપણમાં નોધારા બનેલા કિશનનો આધાર ફરીથી છીનવાઈ ગયો.
આટલું ન ભૂલશો
કામમાં ગમે તેટલાં વ્યસ્ત હોઈએ છતાં પણ પતિ-પત્નીએ એકબીજા માટે સમય ફાળવવો જોઈએ.
જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે પતિ-પત્ની સિવાયનાં કોઈ પણ સ્ત્રી-પુરુષે સાથે રહેવું જોઈએ નહીં.
નાની હોય કે મોટી ભૂલ તો આખરે ભૂલ છે, જેમાં કેટલીક ભૂલો ઘણી વાર અક્ષમ્ય હોય છે.
ક્યારેય કોઈની સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ. તેને કારણે વર્ષોના સંબંધો વણસે છે.

Comments