નાનકડા રામુએ જોયું તો બહેન ધંધો કરતી હતી



અને રામુએ નક્કી કરી નાખ્યું કે, ''મારે બીજી અનેક સુમિત્રાઓને બચાવવી છે''
રામ સ્નેહી ૧૦ વર્ષની વયનો હતો ત્યારે એના પિતાએ એને પેટિયું રળવા મુંબઈ મોકલી આપ્યો હતો. રામને બધા રામુ કહીને બોલાવતા હતા. તે મૂળ મધ્યપ્રદેશની બેડિયા જાતિનો હતો.
મુંબઈ પહોંચી તે તેની પિત્રાઈ બહેનના ઘરે રહેવા ગયો. તેની બહેન મુંબઈના એક ગીચ વિસ્તારમાં રહેતી હતી. ગામડાંમાંથી આવેલા રામુને મુંબઈની ઝાકળજોળ જોવાની મજા પડી ગઈ. રસ્તા પર દોડતી મોટરો, ધમધમાટ કરતી ટ્રેનો, ભારે કોલાહલ જોઈ તે સ્તબ્ધ બની ગયો. મુંબઈમાં તેની બહેને તેને નવાં વસ્ત્રો પણ લઈ આપ્યાં. નવાં ચંપલ લઈ આપ્યા. રામુને મુંબઈ ગમી ગયું.
એ સહેજ સમજતો થયો ત્યારે તેને મુંબઈની મોજમજા પાછળનું કારણ સમજાયું. કારણ જાણ્યા પછી તે ચોંકી ગયો. એને ખબર પડી કે એ જ્યાં રહે છે ત્યાં રોજ રાતના સમયે અવનવા પુરુષો આવે છે. એની બહેન સાંજે સરસ રીતે તૈયાર થાય છે. સુંદર સાડી પહેરે છે. ચહેરા પર પાઉડર લગાવે છે. આંખોમાં કાજળ લગાવે છે. બહારથી આવતા પુરુષોને તે એક ઓરડામાં લઈ જાય છે. બારણું બંધ થઈ જાય છે. ઘણા સમય બાદ એને ખ્યાલ આવી ગયો કે એની બહેન ધંધો કરે છે. તેની બહેન શરીર વેચવાનો ધંધો કરતી હતી. તેમાંથી જે પૈસા કમાતી હતી તે દ્વારા તેનાં નવાં વસ્ત્રો અને નવાં ચંપલ લઈ આપતી હતી. રામુને બહારથી આવતા ગ્રાહકો માટે ચા- સિગારેટ લઈ આવવાનું કામ સોંપવામાં આવતું હતું. એ ગલીમાં રહેતી બીજી અનેક છોકરીઓ આ જ ધંધો કરતી હતી. એ બધાનો કોઈ બોસ હતો. છોકરીઓને ઘરની બહાર જવાની મનાઈ હતી.
રામુ સ્તબ્ધ થઈ ગયો. આ ગલીમાં રહેતી લગભગ તમામ છોકરીઓ મધ્યપ્રદેશમાં આવેલા તેના ગામની જ હતી, અને પોતાની જ જાતિની જ હતી. એ જાતિમાં એવી માન્યતા છે કે આ જાતિની સ્ત્રીઓ મૂળ દેવલોકની અપ્સરાઓ હતી, તેથી મૃત્યુ લોકમાં જન્મીને તેમણે પુરુષોને રિઝવવાનો જ વ્યવસાય કરવાનો હોય. આ કારણે એ જાતિની સ્ત્રીઓ વેશ્યા બની જતી. આવી કન્યાઓના પિતા કે ભાઈ દલાલો બની જતાં.
રામુ મુંબઈના આ જ વાતાવરણમાં મોટો થવા લાગ્યો. તેનો આત્મા દુઃખી હતો. રામુ વયસ્ક થતાં તેની સુમિત્રા નામની એક યુવતી સાથે મિત્રતા થઈ. સુમિત્રા પણ એ જ ધંધો કરતી હતી. રોજ સાંજે તૈયાર થઈ ઘરની બહાર બેસી ગ્રાહકોને આકર્ષવાનું કામ કરતી હતી. દરેક વેશ્યાગૃહનો કોઈને કોઈ માલિક હતો. તે યુવતીને જે પૈસા મળે તેમાંથી મોટાભાગની રકમ વેશ્યાગૃહ ચલાવનાર મકાનમાલિકને આપી દેવી પડતી. તેમાંનો થોડોક હિસ્સો જે તે યુવતીને મળતો. જે દિવસે કમાણી ઓછી થાય તે દિવસે સુમિત્રાને માર પડતો. રોજ રાત્રે રામુ સુમિત્રાને રાતના સમયે એકલી રડતી જોતો. રામુને પોતાના જાતિના આવો ધંધો કરાવતા પુરુષો માટે ધિક્કાર થવા લાગ્યો. ગ્રાહકો જે સમાજમાંથી આવતા હતા તે ભદ્ર સમાજ માટે પણ તેને તિરસ્કાર થવા લાગ્યો. સુમિત્રાને રડતી જોઈ રામુ પણ દુઃખી થઈ જતો. રામએ જોયું તો તેની આસપાસની દુનિયામાં કોઈ જ ફરક પડતો નહોતો. રોજ રાત્રે એકનાં એક દૃશ્યો. રામુને સુમિત્રા માટે સહાનુભૂતિ પેદા થઈ. એને સુમિત્રા માટે વિશેષ લાગણી હતી. તે મનોમન સુમિત્રાને ચાહવા લાગ્યો હતો. એક દિવસ એણે સુમિત્રાને કહ્યું: ''ચાલ, સુમિત્રા આપણે ભાગીને આપણા ગામ પાછાં જતાં રહીએ.''
પણ સુમિત્રાની હિંમત ચાલતી નહોતી. રામુ રોજ સુમિત્રાને માર ખાતી જોતો. રોજ સુમિત્રાને રડતી જોતો. વેશ્યાગૃહના માલિકના મારથી ત્રાસી ગયેલી સુમિત્રા એક દિવસ રામુ સાથે વેશ્યાગૃહમાંથી ભાગી જવા તૈયાર થઈ. ભાગી જવા માટેનો દિવસ નક્કી કર્યો. એક પરોઢિયે એ ગલીમાં સહુ પોઢી ગયાં હતાં ત્યારે રામુ અને સુમિત્રા ભાગી નીકળ્યાં. સીધાં રેલવે સ્ટેશને પહોંચ્યાં અને પોતાના ગામ જતી ટ્રેનમાં બેસી ગયાં. ટ્રેન ઝડપથી દોડી રહી હતી. જે મુંબઈ રામુને બહુ જ ગમી ગયું હતું તે જ મુંબઈની ગંદી ગલી છોડયાનો તેને આજે આનંદ હતો. મુક્તિનો અહેસાસ હતો. રામુના માનસપટ પર એક જબરજસ્ત દ્વંદ્વ ચાલી રહ્યું હતું. તેને એકમાત્ર સુમિત્રાને આ ગંદકીમાંથી છોડાવ્યાથી સંતોષ નહોતો. તે બીજી અનેક સુમિત્રાઓને લોહીના વેપારમાંથી બહાર કાઢવા માંગતો હતો. પોતાની જાતિની કન્યાઓને પરંપરાગત દેહ વેપારના ધંધામાંથી છોડાવવા તેણે મનોમન નિર્ણય કરી લીધો. પોતાની જાતિના પુરુષો જે કામ કરતા હતા તેનાથી વિરુદ્ધ કામ કરવા તેણે સંકલ્પ કર્યો.
સુમિત્રાને તો તેના ગામ લઈ ગયો પરંતુ તેની આંખો આગળથી પોતાની જાતિની બીજી યુવતીઓની લાચારીનાં દૃશ્યો હટતાં નહોતાં. તેની બહેનની મજબૂરી તેણે સગી આંખે જોઈ હતી. તેણે જોયું તો તેનો સમાજ બહુ નાની વયની બાળાઓને આ ધંધામાં પરોવી દેતો હતો. નાનકડી બાળા સમજણી થાય તે પહેલાં જ તેને આ ધંધામાં ધકેલી દેવાથી તે એમ જ સમજતી કે તેનો જન્મ જ આ કામ માટે થયો છે. યુવતીમાં સમજ આવે ત્યાં સુધી તો ઘણું મોડું થઈ જતું. રામુ ગામમાં રહીને પણ આવું કામ કરતી યુવતીઓને મળવા લાગ્યો. એને વિચાર કર્યો કે, ''જે છોકરીઓ આ ધંધામાં જતી રહી છે તેમને હું પાછી ના લાવું તો કમસે કમ તેમનાં સંતાનો તો આ ધંધામાં ના જાય એવું તો કાંઈક કરું.''
એ ફરી પાછો મુંબઈ ગયો. રામુ એક સ્વજન તરીકે દેહવેપારનો ધંધો કરતી યુવતીઓને મળવા લાગ્યો. તેણે દરેક યુવતીની મૂંઝવણ પુછવા માંડી. આ બધી છોકરીઓ સામાન્ય અને ગરીબ પરિવારોમાંથી આવેલી હતી. વળી આ ધંધામાં હોવા છતાં માતાઓ બની ચૂકી હતી. આવી દરેક રૂપજીવિની એક જ ચિંતા હતી : ''અમારાં સંતાનોનું શું થશે ?''
કેટલીક માતાઓ તો તેમનાં બાળકોને ધિક્કારતી હતી, જ્યારે કેટલીક સ્ત્રીઓને તેમનાં બાળકો જીવથી યે વહાલાં હતાં, હા, આ બધી માતાઓમાં એક વાત સમાન હતી : ''અમે, અમારાં બાળકોને દેહ વેપારના ધંધામાં જવા દેવા માંગતા નથી.'' ખાસ કરીને જે માતાઓને દીકરીઓ હતી તેમને વધુને વધુ ચિંતા હતી. રામુએ વિચાર્યું કે, ''આ માતાઓને આ ગંદકીમાંથી બહાર કાઢવી શક્ય નથી, પણ તેમનાં સંતાનોનું ભવિષ્ય હું સુધારી શકું તેમ છું.''
રામુએ એ બાળકો પોતાના હસ્તક લઈ લેવા નિર્ણય કર્યો. પોતાના જ ગામમાં એક આશ્રમ ઊભો કર્યો. આ ધંધામાં સપડાયેલી સ્ત્રીઓને એણે ધીમે ધીમે વિશ્વાસ સંપાદન કરવા માંડયો. કેટલીક વેશ્યાઓ તેમનાં બાળકો પોતાને સોંપી દે તે સમજાવવામાં તે સફળ થયો. વેશ્યાઓનાં કેટલાંક સંતાનોને તે પોતાના ઘરે લઈ આવ્યો. જાતિના કેટલાક લોકોએ રામુની આ પ્રવૃત્તિનો વિરોધ કર્યો. એે લોકો માનતા હતા કે, ''આપણા સંતાનો આ ધંધામાં નહીં જાય તો ખાઈશું ક્યાંથી ?'' રામુને માર મારવામાં આવ્યો. કેટલાંકે તેને ગામની બહાર તગેડી મૂકવાની ધમકીઓ આપી. એક દિવસ તેને ગામની બહાર કાઢી પણ મૂક્યો.
હવે તે ગામની બહાર હતો. એણે ગામથી દૂર એક છાપરું ઊભું કર્યું જે એક દિવસ આશ્રમમાં પરિવર્તિત થઈ ગયો. એ દરેક વેશ્યાને મળીને કહેવા લાગ્યો : ''તમારાં સંતાનો મને સોંપી દો. હું તેમને ઉછેરીશ. ભણાવીશ.''
રામુની આ સમજાવટ કામ લાગી ગઈ. ઘણી બધી સ્ત્રીઓએ તેમનાં બાળકો રામુને સોંપી દીધાં. રામુ તેનો આશ્રમ હવે એક અવાવરું લાગતા પુરાણા મકાનમાં લઈ ગયો. બહારથી ખંડેર લાગતા મકાનને તેણે વ્યવસ્થિત કર્યું. બાળકોને રહેવા લાયક ઘર બનાવી દીધું. જોતજોતામાં તો વેશ્યાલયોમાં સપડાયેલી સ્ત્રીઓનાં અનેક બાળકોથી તેનો આશ્રમ ઉભરાઈ ગયો. રામુનો આશ્રમ બાળકોના કલબલાટથી ધમધમવા લાગ્યો. રામુએ બધાં બાળકોને ભણાવવાની વ્યવસ્થા એ ઘરમાં જ કરી દીધી. રોજ સવારે એજ ઘર શાળા બની જાય અને સાંજે ઘર બની જાય. બાળકોને પદ્ધતિસરનું શિક્ષણ આપવા માંડયું. રામુને ઘણા લોકોએ આર્થિક મદદ કરી. સાંજે તેણે બાળકોને જૂડો તથા કરાટે શીખવવાની વ્યવસ્થા પણ ગોઠવી દીધી. એને લાગ્યું કે, ખાસ કરીને બાળકીઓને સ્વરક્ષણની તાલીમની જરૂર છે. રામુએ નક્કી કરી નાંખ્યું કે, મારી જાતિની એક પણ સ્ત્રી દેહવેપારના ધંધામાં ના જવી જોઈએ.
રામુની મહેનત ફળવા લાગી. આજે રામુના આશ્રમમાં માતા બનેલી વેશ્યાઓના ૩૦૦ બાળક કલબલાટ કરી રહ્યાં છે. ભણી રહ્યાં છે. તેમાંથી કેટલાંકને ડોક્ટર બનવું છે, કેટલાંકને એન્જિનિયર બનવું છે, કેટલાંકને શિક્ષક બનવું છે. એક છોકરી તો કહે છે : ''મારે માનસશાસ્ત્રી બનવું છે.''
રામુને સેંકડો જિંદગીઓને બચાવી લીધાનો સંતોષ છે.
રામુ સ્નેહીને સલામ.

Comments