વૈભવ કુબેરથીય વધુ મારે ઘેર છે, કિંતુ નથી જો આપ તો માટીનો ઢેર છે



'સર, દોઢ મહિ‌નો થયો છે. મેં જાતે જ 'યુરિન ટેસ્ટ’ કરી જોયો છે, પોઝિટિવ છે. મારે એબોર્શન કરાવવું છે.’ મારા કન્સલ્ટિંગ રૂમમાં આવીને એક સુંદર યુવતીએ આ વાક્યોથી શરૂઆત કરી, ત્યારે મને આંચકો લાગ્યો. આંચકો લાગવાનું મુખ્ય કારણ એ યુવતીની સુંદરતા હતું. આટલી ખૂબસૂરત માનું બાળક પણ કેટલું સુંદર હોવાનું શા માટે આ યુવતી એક સુંદર જીવને જન્મતાં પહેલાં જ ખતમ કરી નાખવા માગે છે? પણ આવું બધું તો મનમાં ચાલતું હતું. પ્રગટપણે તો મેં આવું કહ્યું, 'કામની વાત પછી, પહેલાં નામ જણાવો.’

એણે માહિ‌તી આપી, 'પ્રાપ્તિ વસા.’ એ પછી પણ મેં વધુ માહિ‌તી પૂછી જે એણે લખાવી. પર્સમાંથી યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટની પટ્ટી બહાર કાઢીને મારા હાથમાં મૂકી, જે ખરેખર પોઝિટિવ હતી. હવે મારી પાસે કોઈ સવાલ રહેતો ન હતો, સિવાય કે આવું પૂછવાનો, 'આ ગર્ભ પડાવી શા માટે નાખવો છે? પ્રેગ્નન્સી ચાલુ રાખવામાં વાંધો શાનો છે?’

'મારે એક બેબી છે, હજુ છ જ મહિ‌નાની થઈ છે. એટલામાં બીજી પ્રેગ્નન્સી...’ એની અકળામણ ચહેરા પર ઊપસી આવી.
'બરાબર છે. તમારી વાત સાથે હું સંમત થાઉં છું. બે બાળકો વચ્ચે ત્રણ વર્ષનું અંતર રાખવું તે આર્થિ‌ક, સામાજિક અને તબીબી દ્રષ્ટિએ સલાહભર્યું છે, પણ એવું થયું જ શા માટે? તમારા જેવી શિક્ષિત યુવતીએ અનિચ્છિત ગર્ભધારણ માટે કાળજી રાખવી જોઈએ ને?’

'કાળજી રાખતાં જ હતાં સર, પણ ભૂલ થઈ ગઈ.’ પ્રાપ્તિ નીચું જોઈ ગઈ. હું મનોમન બોલી રહ્યો : બસ હવે આનાથી વધુ ઠપકો આપીને કોઈ પણ નારીને વધારે લિજ્જત ન કરાય. સરકારે ગર્ભપાતને માન્યતા આપી છે અને અમને ડોક્ટરોને ખાસ સૂચના પણ આપેલી છે કે સ્ત્રી કુંવારી હોય કે વિધવા, પણ તે જો ગર્ભપાત માટે આવે તો એની વિશેષ પૂછપરછ કરવી નહીં. ગર્ભપાત કાયદેસર છે, સલામત છે અને ખાનગી છે. આવું સરકારી સૂત્ર છે. એમાં 'ખાનગી’ શબ્દનું પણ વજન છે. મારી સામે બેઠેલી પ્રાપ્તિ તો પરિણીત છે અને એની પાસે ગર્ભપાત માટેનું યોગ્ય કારણ પણ છે, માટે એની વાતમાં સંમત ન થવા માટે મારી પાસે કોઈ કારણ ન રહ્યું.

'ભલે, તમે આવતી કાલે સવારે આવો. ખાવાપીવાનું બંધ કરી દેજો. સવારથી જ ભૂખ્યાં રહેવાનું છે. તમારી સાથે તમારા હસબન્ડને પણ લેતાં આવજો. આમ તો બીજું કોઈ પણ સાથે હશે તો ચાલશે, પણ તમારા પતિ હશે તો વધારે સારું રહેશે.’ મેં સૂચનાઓ આપીને એને વિદાય કરી દીધી. એ પછી તરત જ હું બીજા કામમાં ડૂબી ગયો. પ્રાપ્તિને ભૂલી ગયો.

બીજા દિવસે આપેલા સમયે તે આવી પહોંચી. સાથે એનો પતિ પણ હતો. પ્રાપ્તિએ જ પરિચય કરાવ્યો, 'આ પૂર્વેશ. માય હસબન્ડ.’

હું સ્તબ્ધ બનીને પૂર્વેશને જોઈ રહ્યો. આટલો સાધારણ અને તદ્દન નિસ્તેજ પુરુષ? પ્રાપ્તિ જેવી રૂપવતી સ્ત્રીનો પતિ? મારી જિંદગીમાં આવું કજોડું મેં ક્યારેય જોયું ન હતું. પ્રાપ્તિએ આ પુરુષમાં શું જોયું હશે? દેખાવ તો આ માણસના શબ્દકોષ બહારની ચીજ હતી. એની બુદ્ધિમત્તા જોઈને પ્રાપ્તિ એના પ્રત્યે આકર્ષાઈ ગઈ હશે કે પછી એ કોઈ ખૂબ મોટો સરકારી ઓફિસર હશે? ધનના ઢગલાનો એ માલિક હશે કે પછી પૂર્વેશના વ્યક્તિત્વનું આંતરિક સૌંદર્ય પ્રાપ્તિને ગમી ગયું હશે? જે કારણ હોય તે, પણ એ મારા ગળે ઊતરે એવું તો ન જ હતું. મારી મૂંઝવણ એ હતી કે પૂર્વેશ જો મને જોવા પૂરતોય ગમતો ન હોય તો પ્રાપ્તિને એની સાથે...?

મેં મનમાં ઊઠતા સવાલો ઉપર તાળું મારી દીધું. મારી ડોક્ટર તરીકેની ફરજ બજાવવાનું શરૂ કર્યું. એનેસ્થેટિસ્ટ આવી ગયા એટલે પ્રાપ્તિને ઓપરેશન થિયેટરમાં લઈ લીધી. દસ મિનિટમાં એ પણ 'મુક્ત’ હતી અને હું પણ.

એ પછીના બે કલાક સુધી પ્રાપ્તિ પથારીમાં આરામ ફરમાવતી પડી હતી, પૂર્વેશ મારું બિલ ચૂકવવા માટે અને જરૂરી સૂચનાઓ સમજવા માટે મારી સામે હાજર હતો. વાત વાતમાં આડકતરી રીતે મેં જાણી લીધું કે પૂર્વેશ અતિશય સંપન્ન ઉદ્યોગપતિ હતો. જીઆઇડીસીમાં એની માલિકીની ત્રણ ફેક્ટરીઓ હતી. કરોડો રૂપિયાનું ટર્નઓવર હતું. સ્થાવર મિલકતનો પણ તોટો ન હતો.

મારી ધારણા સાચી નીકળી, પ્રાપ્તિએ માલદાર પુરુષને પસંદ કરીને પોતાના અઢળક સૌંદર્ય માટે આવશ્યક સલામતી અને સજાવટનો બંદોબસ્ત કરી લીધો હતો અને એવું કરવાનો એને અધિકાર પણ હતો. મોટા ભાગની ખૂબસૂરત સ્ત્રીઓ ધનવાન પુરુષોને જ પતિ તરીકે પસંદ કરતી હોય છે. આપણી ચારે તરફ નજર ફેંકો, તમને આવી સોદાબાજી જ જોવા મળશે.

એ પછી પણ પ્રાપ્તિ ત્રણ-ચાર વાર 'ફોલોઅપ’ તપાસ માટે મારી પાસે આવી ગઈ. એ મારી સાથે શષ્ટિતાપૂર્વક પેશ આવતી હતી. એનું વર્તન એની સુંદરતા સાથે સુસંગત હતું. દર વખતે હું વિચારતો હતો : આ યુવતીને અવશ્ય કોઈ પ્રેમી હોવો જ જોઈએ. પૂર્વેશ જેવા અત્યંત સામાન્ય દેખાવના પતિ સાથે એ ક્યારેય સંતુષ્ટ ન રહી શકે. એણે પોતાનો સપનાનો પુરુષ શોધી જ લીધો હોવો જોઈએ. ઊંચો, હેન્ડસમ, સ્માર્ટ, સુંદર ડ્રેસિંગ સેન્સ ધરાવતો અને વાચાળ. આ પણ એક પ્રકારનું સમાધાન હોય છે, ખૂબસૂરત સ્ત્રીઓએ શોધી લીધેલું સમાધાન.

સાધારણ દેખાવનો નિસ્તેજ પણ માલદાર પતિ અને સોહામણો પ્રેમી. બેઉ હાથમાં લાડવા. આ એક જટિલ માનસશાસ્ત્રીય ઘટના છે. ઘણી વાર આવું સમાધાન સ્વીકારતી સ્ત્રીઓને પણ ખબર નથી હોતી કે પોતે શા માટે આવું કરી રહી છે. આ પ્રાપ્તિ પણ પૂર્વેશ ઉપરાંત બીજા કોઈ પુરુષને પ્રાપ્ત થઈ ચૂકી હોવી જોઈએ.

આ બધી મારા મનની કલ્પનાઓ હતી. વિચારોની ગતિ અમાપ હોય છે. ઉપર વર્ણવી તે તમામ કલ્પનાઓ સેકન્ડના હજારમા ભાગમાં આવી ગઈ હશે. પ્રાપ્તિ ગમે તેવી સુંદર હોય, એના વિશે વિચારવાનો સમય મારી પાસે ક્યાં હતો? હું તરત જ બીજા દરદીઓની દુનિયામાં વ્યસ્ત બની ગયો. પ્રાપ્તિને ભૂલી ગયો.

આ વાત ઉપર પણ આઠ-દસ માસના થર ચઢી ગયા. એક દિવસ બપોરના સમયે હું જાણીતા શોપિંગ મોલમાં કપડાં ખરીદવા ગયો હતો, ત્યાં મેં એક યુગલને જોયું. સુંદર યુગલ હતું. ખરીદીનું કદાચ બહાનું હશે. હાથમાં હાથ પરોવીને ટહેલવા માટે આવ્યાં હોય તે રીતે બંને જણ વિશાળ સ્ટોરમાં ફરી રહ્યાં હતાં. મારી નજર એ યુગલમાંથી સ્ત્રી પર કેન્દ્રિ‌ત થઈ, મારા મનમાં અજવાળું પથરાઈ ગયું. અરે, આ તો પ્રાપ્તિ છે એની સાથે આ 'હેન્ડસમ’ પુરુષ કોણ હશે? એના પતિ પૂર્વેશને તો હું ઓળખતો હતો. સાવ મામૂલી દેખાવનો પુરુષ હતો, પૂર્વેશ.

જ્યારે આ તો સ્વર્ગલોકમાંથી ધરતી પર ઊતરી આવેલો કોઈ દેવતાઈ પુરુષ જેવો લાગતો હતો. જુગતે જોડી જામી રહી હતી. બંને જણ એકમેકને લગભગ વળગીને ચાલતાં હતાં. પ્રાપ્તિ ખૂબ જ ખુશ હોય તેવી દેખાઈ રહી હતી, એના કરતાં હજાર ગણો વધારે ખુશ એનો પ્રેમી દેખાઈ રહ્યો હતો.

'હવે બરાબર છે.’ હું બબડ્યો, 'મારી કલ્પના સાચી સાબિત થઈ. મને હતું જ કે આટલી સુંદર અને ચબરાક યુવતીને પૂર્વેશ જેવા પતિથી શાં સુખ કે સંતોષ મળતાં હશે કોઈ પણ કારણથી એને પૂર્વેશ જોડે લગ્ન કરવા પડયાં હશે, પણ છેવટે પાણીની જેમ પ્રેમ પણ પોતાની સપાટી શોધી લે છે. એ વાત સાબિત થઈ ગઈ. વાહ રે સ્ત્રી તારો તાગ ઈશ્વર પણ ન પામી શકે.’

હું આવું વિચારતો હતો, ત્યાં મેં એ બંનેને ડિપાર્ટમેન્ટલ સ્ટોરના બે અલગ અલગ વિભાગો તરફ ફંટાતાં જોયાં. પેલો 'હીરો’ પુરુષોના વિભાગ તરફ ચાલ્યો ગયો અને પ્રાપ્તિ સ્ત્રીઓ માટેના ગાર્મેન્ટ્સના વિભાગ તરફ ચાલવા માંડી. અમે ક્રોસ થયાં, એની નજર મારા પર પડી. એ સહેજ ગભરાઈ ગઈ હોય એમ એના પ્રેમીની દિશામાં જોવા માંડી.

'એ દૂર નીકળી ગયો છે. તારો પ્રેમી. ડોન્ટ વરી, પ્રાપ્તિ એ કદાચ આવી ચડશે તો પણ મારું મોં સીવેલું જ રહેશે.’

હું વિજયી મુદ્રામાં હસ્યો. 'સાચું કહું? તને તારા પ્રેમીની સાથે જોઈને મને જરા પણ આશ્ચર્ય નથી થયું. મારી તો આ ધારણા હતી જ. જે દિવસે મેં પૂર્વેશને પહેલી વાર જોયો હતો, ત્યારે જ મને લાગ્યું હતું કે આ કંતાનના કપડામાં તારા જેવો કોહિ‌નૂર હીરો સમાઈ શકવાનો નથી. આખરે હીરાએ મખમલની દાબડી શોધી જ કાઢી. હું સાચો પડ્યો.’ હું હજુ પણ બોલતો રહ્યો હોત, પણ એણે મને અટકાવ્યો.

'તમે સાચા નથી પડ્યા, સર સાવ ખોટા સાબિત થયા છો. હમણાં તમે જેને જોયો તે મારો પ્રેમી નથી, એ જ મારો પતિ છે. પ્રેમી તો પૂર્વેશ છે. મેં કેસપેપરમાં ખોટી માહિ‌તી લખાવી હતી.’ પ્રાપ્તિ દબાતા સ્વરમાં બોલી રહી હતી.
હું ડઘાઈ ગયો, 'હાઉ કમ ધેટ યુ ઓપ્ટેડ ફોર પૂર્વેશ ઇવન આફ્ટર હેવિંગ સચ એ હેન્ડસમ....??’

પ્રાપ્તિના હોઠો પર દુનિયાભરની કડવાશ આવી ગઈ, 'એ બહુ લાંબી કહાણી છે, સર ક્યારેક તમારા 'ક્લિનિક’ પર આવીને કહીશ. અત્યારે તો આટલું જ કહીશ કે હું પોતે આટલી બ્યુટિફુલ હોવા છતાં મેં ક્યારેય સોહામણા પતિની ઝંખના કરી ન હતી. મારાં મમ્મી-પપ્પાએ આ વિકાસનો બાહ્ય દેખાવ અને સ્માર્ટનેસ જોઈને મને એની સાથે પરણાવી દીધી. લગ્ન પછી ખબર પડી કે આ તો મિ. નટવરલાલ છે.

બે જોડી સુંદર કપડાં સિવાય એની પાસે કશું જ નથી. એ ખાસ કશુંય કમાતો પણ નથી. 'જોબ’ કરીને હું જ ઘર ચલાવું છું. અને 'જોબ’ દરમિયાન જ હું મારા બોસ પૂર્વેશના પ્રેમમાં પડી છું. સર, તમારી ધારણાઓ ઉપર ચોકડી મારી દેજો, બધી જ સુંદર સ્ત્રીઓના સોહામણા પતિદેવ હોવા પાછળનાં કારણો તમે માનો છો એટલાં સુંદર નથી હોતાં, અને બધી જ ખૂબસૂરત સ્ત્રીઓ માત્ર બાહ્ય સુંદરતા જોઈને પુરુષ પર મોહી નથી પડતી હોતી. બાય’'

Comments