'સાહેબ... મેં ખૂન કર્યું છે, મેં એને મારી નાખી છે'



એક માણસ દોડતો ધસી આવ્યો. એ હાંફી રહ્યો હતો. એનાં કપડાં પર લોહીના ધબ્બા હતા. એ હાંફતાં હાંફતાં બોલ્યો, 'સાહેબ... મેં ખૂન કર્યું છે. મેં એને મારી નાખી છે.’

કુબેરનગર પોલીસ સ્ટેશનની વોલ ક્લોકમાં રાત્રિના ત્રણ થયા હતા. પીઆઇ વિજયરાજ રાઠોડ હજુ થોડી વાર પહેલાં જ શહેરમાં રોન મારીને આવ્યા હતા. જમાદાર રતનદાસ મોબાઇલમાં ગેમ રમી રહ્યા હતા. કોન્સ્ટેબલ મયૂરસિંહ અને જીપ ડ્રાઇવર ગિરિ રેલવે સ્ટેશન પર ચા, નાસ્તો લેવા ગયા હતા. ત્યાં જ એક માણસ દોડતો રાઠોડસાહેબના ટેબલ પાસે ધસી આવ્યો. એ હાંફી રહ્યો હતો. એનાં કપડાં પર લોહીના ધબ્બા હતા.

એ હાંફતાં હાંફતાં બોલ્યો, 'સાહેબ... મેં ખૂન કર્યું છે. મેં એને મારી નાખી છે.’ રાઠોડસાહેબને માણસ જરા પાગલ જેવો લાગ્યો. એને શાંતિથી ખુરશીમાં બેસવા ઇશારો કર્યો. પેલો ગભરાયેલી હાલતમાં બેઠો. એટલે સાહેબે પૂછયું, 'ભાઈ, તમારું શું નામ છે? અને ક્યાંથી આવો છો?’

'હું વિકાસ પ્રાણલાલ કેરીવાળા. અહીં એકસો એંસી ફીટના રિંગરોડ પર રેલવે ક્રોસિંગ સામે મારું જ્યોતિ ફાર્મ હાઉસ છે અને ફાર્મ હાઉસની નજીકમાં જ શારદાનગરમાં મારો બંગલો છે.’

'સારું, તો હવે તમે શી વાત કરતા હતા એ પૂરી વિગતથી કહો.’ રાઠોડસાહેબે સિગારેટ એશ ટ્રેમાં બુઝાવીને કહ્યું. એટલે વિકાસે એની વાત શરૂ કરી, 'કોલેજમાં મારી કલાસમેટ પ્રગતિ અને હું પ્રેમમાં હતાં. ગ્રેજ્યુએશન બાદ અમે બંનેએ પરિવારની સંમતિથી પ્રેમલગ્ન કર્યાં હતાં. અમારી વચ્ચે એવો તો સુમેળ હતો કે ન પૂછો વાત. પ્રગતિને પામીને હું તો મારી જાતને ધન્ય માનતો હતો. પ્રગતિને ખુશ રાખવા હું હંમેશાં તત્પર રહેતો.

સામે પ્રગતિ થોડી વારેય મને ન જુએ તો એ બાવરી થઈ જતી. એમાંય સમય જતાં પ્રગતિને એક પુત્ર રોનક જન્મ્યો, ત્યારે તો મારા બંગલામાં રોનક છવાઈ ગઈ હતી. શુભેચ્છા પાર્ટી‍ઓ તો કેટલાય દિવસ ચાલતી રહેલી. ખુશીઓથી ભર્યા માહોલમાં બધું બદલાઈ ગયું હતું.

રોનકના જન્મ થયા બાદ પ્રગતિ ખૂબ જ વ્યસ્ત રહેતી. જેનો મને વાંધો ન હતો, પણ એની વ્યસ્તતા સાથે એનામાંય બદલાવ આવ્યો હતો. એ મારા તરફ ઓછું ધ્યાન આપવા લાગી હતી.

શરૂઆતમાં તો એ મને છેક ગેટ સુધી મૂકવા આવતી. બહાર નીકળતાંએ ગજબની મુસ્કાન સાથે અનોખી અદાથી બાય કહેતી. જ્યારે હાલમાં હું સાંજે ઘરે આવું તોય ધ્યાન આપતી નહીં. એ મારી રીતસરની ઉપેક્ષા કરતી હતી. જાણે એ પહેલાંની પ્રગતિ જ નહીં. બેડરૂમમાં પણ થોડી વાતો કરીએ અલગ પલંગ પર રોનક પાસે જઈને સૂઈ જતી. મને જ્યારે પ્રેમ-મનોરંજનની તલપ હૈયામાં ઊઠતી પણ સામે પક્ષે પ્રગતિ સહયોગ આપતી નહીં.

પાછી પ્રગતિ હંમેશની જેમ શૃંગાર કરીને તૈયાર તો થતી, ત્યારે મને સવાલ ઊઠતો કે આ બધું પ્રગતિ કોના માટે કરતી હશે? જ્યારે હું એના પ્રેમની ઝંખના કરી રહ્યો હતો છતાં એ મારી ઉપેક્ષા કેમ કરી રહી હશે? બસ, એનું કારણ શોધવાના પ્રયાસમાં મને શંકા ઊઠી કે મારી અને પ્રગતિ વચ્ચે કોઈ પુરુષ હોવો જોઈએ.

મેં એના બહાર આવવા-જવાના સ્થળે વોચ રાખી એની જાસૂસી શરૂ કરી.ખાનગીમાં એના મોબાઇલમાં ઇનકમિંગ, આઉટગોઇંગ નંબર ચેક કર્યા, પણ એવો કોઈ સુરાગ ન મળ્યો કે જે વાંધાજનક હોય. એમાં એકાએક મારા જ બંગલાનો યુવાન જોશીલો નોકર મંજુલ મને યાદ આવ્યો અને હમણાંથી પ્રગતિ એનું કામ મંજુલ પાસેથી વધારે લેતી હતી. મેં કેટલી વાર પ્રગતિને બહાર જતાં જોયેલી, ત્યારે એની સાથે રોનકની બાબાગાડીને ધક્કો મારવાના બહાને એ મંજુલને સાથે લઈ જતી હતી. આમ મારી શંકાને બળ મળી રહ્યું. નહીંતર બે ટાઇમ રસોઈ કરીને સાવ નવરી રહેતી રસોયણ છબીલી હતી.

એને પ્રગતિ પોતાનાં જૂનાં કપડાં, સૌંદર્યપ્રસાધનો આપતી, પણ એને ક્યારેય સાથે લઈ જતી નહીં. એમાં એક રાત્રે હું અચાનક જાગી ગયો અને જોયું તો પ્રગતિ એના પલંગમાં નહોતી. એને શોધવા ઊઠ્યો, પણ જેવો બારણે પહોંચ્યો ત્યાં પ્રગતિ રૂમમાં પ્રવેશી. મેં એને પૂછ્યું કે ક્યાં ગઈ હતી, તો એણે બતાવ્યું કે જરા પેટમાં ગરબડ હતી તે બહાર ખુલ્લી હવામાં ગઈ હતી. પછીના દિવસોમાં આવું બેત્રણ વાર બન્યું. તેથી પ્રગતિ અને મંજુલ વચ્ચે સંબંધ હોવાની મારી શંકા દ્રઢ બની. અંતે મેં બંનેને ખાસ કરીને પ્રગતિને રંગે હાથ પકડવાની ગાંઠવાળી.

તે આજે રાતે મોકો મળી ગયો. રાત્રે હું ધીમા પગલે બેડરૂમમાંથી નીકળીને મંજુલની રૂમ પર આવ્યો, તો મંજુલ રૂમની ઓસરીએ ખુલ્લી હવામાં ખાટલો નાખીને સૂતો હતો. મેં એને જગાડીને કહ્યું, 'મંજુલ, તું અંદર રૂમમાં જઈને સૂઈ જા. પંખો ચાલુ કરજે, મારે અહીં સૂવું છે. અંદર રોનક વારેવારે ઊંઘ બગાડે છે.’

મંજુલ અંદર ગયો એટલે મેં બહારથી બારણું બંધ કરી દીધું અને હું એ ઝોળી જેવા ખાટલામાં સૂતો. કાંઈ બને તો હું રામપુરી ચપ્પુ લઈને ગયો હતો. મચ્છરોનો ત્રાસ જબરો હતો. તેથી હું મંજુલના પરસેવાથી ગંધાતી ચાદર ઓઢીને સૂતો રહ્યો. લગભગ દોઢ કલાકે જરા કોઈ આવતું હોય તેવો પગરવ સંભળાયો. અંધારું ઘાટું હતું. મેં અંધારામાં આંખો ઝીણી કરીને જોયું તો એ આવી રહી હતી. એ જ ચાલ, એ જ સાડી. બસ, એ આવીને મારા પડખામાં સૂઈ ગઈ અને મને બથ ભરી ગઈ. એના બદનમાંથી આવતી મહેક પરિચિત હતી. તેથી હું સમજી ગયો કે પ્રગતિ આવી ગઈ. બસ, રોજ રાત્રે મને મૂકીને એ મંજુલ પાસે આવતી હશે. મારો ગુસ્સો બેકાબૂ થઈ રહ્યો અને મેં રામપુરી ચપ્પુ કાઢી બેવફા પ્રગતિને ત્રણ - ચાર ઘા મારીને પતાવી દીધી છે. સાહેબ મને પકડી લ્યો. મને ફાંસી આપો તોય મંજૂર છે. મેં બેવફાને મારી છે.’

'લાશ ક્યાં છે?’ રાઠોડ સાહેબે પૂછ્યું.

'ત્યાં મારા બંગલાના આઉટ હાઉસની ઓસરીમાં.’

'ચાલો.’ ડ્રાઇવર ગિરિએ જીપ તૈયાર કરી. રાઠોડસહેબ, વિકાસ સૌ બંગલે આવ્યા ત્યારે સવારનું અજવાળું થઈ ગયું હતું. ખાટલામાં જોયું તો વિકાસના પગ નીચેથી જમીન સરકી રહી, એ ધ્રૂજી ઊઠ્યો. લાશ પ્રગતિની નહીં, પણ રસોઇયણ છબીલીની હતી. પ્રગતિ વફાદાર હતી, પણ હવે શું થાય? મારવી હતી પ્રગતિને પણ નિમિત્ત હતું છબીલીનું.'

Comments