કોઇ દિલને નિશાન પર રાખો, તીર કાયમ કમાન પર રાખો



આપણું નહીં, તારું નસીબ એમ કહે! હું તો ધારું ત્યારે એની સાથે કોફી શોપમાં...’ શ્યામ બડાશ મારવા લાગ્યો, ત્યાં તો ચાર્લીએ એને બાંધી લીધો, ‘લાગી શરત? નાની-મોટી નહીં, હોં! પૂરા પાંચ હજાર રૂપિયાની. શ્યા મની ખરી સરનેઇમ કઇ હતી એની માહિતી આખી ઓફિસમાં કોઇને ન હતી, બધા એને શ્યામ શરતવાલા તરીકે જ ઓળખતા હતા. શરત મારવી એ શ્યામનો શોખ હતો, વ્યસન હતું, કુટેવ હતી, સ્વભાવ હતો અને ધર્મ હતો. ઓફિસના તમામ કર્મચારીઓ એનાથી કંટાળી ગયા હતા. ‘મારો બેટો બીજું કશુંય કામ જ નથી કરતો. શરત મારવાનો જ પગાર પાડે છે.’ શ્યામ પાન-મસાલો ખાવા માટે બહાર ગયો હતો એનો લાભ લઇને બાજુના ટેબલવાળા મહેતાએ હૈયાવરાળ ઠાલવી. એની બળતરા સકારણ હતી, કેમ કે હજુ ગઇકાલે જ મહેતો એની સામે શરતમાં સો રૂપિયા હારી ગયો હતો.

‘આ દીવાલ પર બોર્ડ મારેલું છે કે ‘ઓફિસમાં ધૂમ્રપાન કરવાની મનાઇ છે’ એને બદલે નવું પાટિયું મારી દેવાની જરૂર છે કે ઓફિસમાં શરત મારવાની મનાઇ છે.’ સામેના ટેબલવાળા દેસાઇએ સૂચન કર્યું. દેસાઇ છેલ્લા દસેક દિવસથી રોજ પચાસ-પચાસ રૂપિયા શરતની આગમાં બાળીને રાખ કરતો આવ્યો હતો.

પારેખની લાય તો આ બધાના કરતાં વધુ તેજ હતી, આ મહિને એનો અડધો પગાર શ્યામના ખિસ્સામાં ચાલ્યો ગયો હતો. એણે તો તેજાબી ઉપાય બતાવ્યો, ‘સાલો દર વખતે શરત મારવામાં જીતે જ છે. આ તો એક પ્રકારનો જુગાર કે સટ્ટો જ કહેવાય. આની સામે સી.બી.આઇ.ની તપાસ ચાલુ કરી દેવી જોઇએ. એને જેલભેગો કરી દેવો જોઇએ...’

આ બધાં જ સૂચનો હાસ્યાસ્પદ હતાં, પણ કોઇ હસતું ન હતું, કારણ કે શ્યામ લગભગ તમામ સાથીદારોને શરતમાં ખંખેરી ચૂકયો હતો. નવાઇની વાત એ હતી કે દર વખતે જીત શ્યામની જ થતી હતી અને તેમ છતાં પરિસ્થિતિનું નિર્માણ દરેક વખતે એવું થતું હતું કે શરત મારવામાં કોઇ પોતાની જાતને રોકી શકતું ન હતું. ‘આ વખતે તો આપણે જીતીશું જપ્ત એવી આશામાં રોજરોજ નવો બકરો વધેરાયે જતો હતો.

એક દિવસ બધાંએ મિટિંગ બોલાવી. સાંજે પાંચ વાગ્યે ઓફિસનો સમય પૂરો થયો, એટલે શ્યામ તો ચાલ્યો ગયો, પણ એના હાથે ખંખેરાયેલા બાકીના કર્મચારીઓ ભેગા થયા. સૌની વાતનો એક જ સૂર હતો, ‘કંઇક તો કરવું જ જોઇએ. એવું કરીએ કે શ્યામ જિંદગીભર શરત મારવાની ટેવ ભૂલી જાય.’ બાબુકાકાએ બોચી ખંજવાળી, ‘મેં એક વાતની નોંધ કરી છે, શ્યામ દર વખતે સ્ત્રીઓની બાબતમાં જ શરત મારે છે.’ બધાંએ માથાં હલાવ્યાં. બાબુકાકા સૌથી સિનિયર માણસ હતા. જીભ કરતાં આંખ-કાનનો ઉપયોગ વધારે કરતા હતા. એમનું નિરીક્ષણ તદ્દન સાચું હતું. શ્યામની શરતના વિષયો શત-પ્રતશિત નારીજાતિની આસપાસ ઘૂમરાયા કરતા હતા. ‘આજે પેલી માલિની પિન્ક કલરના સલવાર-કમીસમાં આવશે કે જીન્સ-ટીશર્ટ પહેરીને? લાગી શર્ત? હું કહું છું કે એ સલવાર-કમીસમાં જ આવશે?’ શ્યામ આવો સુંવાળો સવાલ રમતો મૂકતો.

કોઇને આવી ફિફ્ટી-ફિફ્ટી વાતમાં રસ ન પડતો, પણ દેસાઇ અવશ્ય કૂદી પડે, ‘લાગી શરત! પચાસ-પચાસની!’ દેસાઇને આ વખતે જીતવાનો પૂરો આત્મવિશ્વાસ હોય, કારણ કે ઓફિસમાં આવતી વખતે એણે માલિનીને જીન્સ-ટીશર્ટ પહેરીને બસસ્ટોપ પાસે ઊભેલી જોઇ લીધી હોય! શરત લાગી જાય અને અડધા કલાક પછી દેસાઇ હારી પણ જાય.

મોડી પડેલી માલિની હાંફતી-હાંફતી આવે અને ખુલાસો રજૂ કરવા માંડે, ‘સોરી, હં! આજે હું મોડી પડી. આમ તો હું સમયસર જ ઘરેથી નીકળી હતી, પણ અચાનક વરસાદનું ઝાપટું પડ્યું અને હું પલળી ગઇ. મેં સફેદ, પાતળું ટી-શર્ટ પહેર્યું હતું એ વરસાદને કારણે... સાવ જ ટ્રાન્સપરન્ટ... યુસી, મારે કપડાં બદલવા માટે પાછું ઘરે જવું પડ્યું. મોડું થયું એટલે રિક્ષામાં આવવું પડ્યું. પંદર રૂપિયા પાણીમાં ગયા...’ એને કોણ કહે કે દેસાઇના તો વિના વરસાદે પચાસ રૂપિયા પાણીમાં પડી ગયા?!

ક્યારેક નીલિમા કેવા રંગનો ચાંલ્લો કરીને આવશે એની શરત તો ક્યારેક ઊર્જા આજે કેવું પર્સ લઇને આવશે એની શરત! પણ આજે તો પરાજિતોની પૂરી પલટને નિર્ણય કરી નાખ્યો, ‘વિચારો! સોચો! કોઇ એવો ઉપાય શોધી કાઢો કે શ્યામ જિંદગીમાં ફરી ક્યારેય કોઇની સાથે શરત ન લગાવે!’

‘ઉપાય મારી પાસે છે.’ દૂરના ખૂણામાંથી અવાજ આવ્યો. એ ચાર્લીનો અવાજ હતો. ચાર્લી ચાલાક હતો, ચતુર હતો અને નાટકબાજ હતો. એણે ચપટી વગાડી, ‘અકસીર ઉપાય છે મારી પાસે. આ શ્યામને જો શરત મારતો બંધ કરી દેવો હોય તો એના માટે પણ એક શરત લગાવવી પડશે. આખરી શરત જ અને મોટી શરત.’ ‘મોટી એટલે કેટલી મોટી?’ દેસાઇ થડકી ગયો, એની હિંમત પચાસની નોટમાં જ પૂરી થઇ જતી હતી. ‘પાંચ હજાર રૂપિયાની!!’ ચાર્લીએ ધડાકો કર્યો.

‘પાંચ હજારની શરત?! કોણ હારવા માટે તૈયાર થશે?’ કોરસમાંથી સવાલ ઊઠ્યો. ‘હારવા માટે નહીં! જીતવા માટે! હું શરત લગાવીશ.’ ચાર્લીએ ચતુરાઇભર્યું સ્મિત કર્યું, ‘મારો બેટ્ટો! છોકરીઓને લગતી શરતો મારે છે ને? હું એવી જ શરતમાં એને ધૂળ ચટાવી દઇશ. આઇ વિલ બીટ હિમ ઇન હઝિ ઓન સ્ટાઇલ!’

બે-ત્રણ દિવસમાં જ ચાર્લીએ બધું ગોઠવી કાઢયું. ચોથા દિવસે એક વાગ્યાની રિસેસમાં બધાં ચા-પાણી પીતાં હતાં ત્યારે જાણે સાવ આકસ્મિક રીતે વાત કાઢતો હોય એ રીતે ચાર્લીએ શ્યામને બારી પાસે બોલાવ્યો, ‘શ્યામ, અહીં આવ! ત્યાં જો, આપણી ઓફિસની સામેની શોપમાં એક સુંદર યુવતી દેખાય છે તને?’

‘હા, પેલી બ્લેક જીન્સ અને બ્લૂ ટી-શર્ટમાં છે તે? કશુંક ખરીદવા આવી લાગે છે.’ શ્યામે નજર ઝીણી કરીને અનુમાન કર્યું. ‘હા, એ જ.’ ચાર્લીએ નિસાસો મૂક્યો, ‘વ્હોટ એ બ્યુટિ, યાર? આવી ખૂબસૂરત પરીની સાથે પરણવા ન મળે એ તો સમજી શકાય, પણ એની સાથે કોફી શોપમાં બેસીને દસ મિનિટ શાંતિથી વાત પણ ન થઇ શકે? સાલું આપણું તો કંઇ નસીબ છે?’

‘આપણું નહીં, તારંુ નસીબ એમ કહે! હું તો ધારું ત્યારે એની સાથે કોફી શોપમાં...’ શ્યામ એમ જ એની પ્રકૃતિ અનુસાર બડાશ મારવા લાગ્યો, ત્યાં તો ચાર્લીએ એને બાંધી લીધો, ‘લાગી શરત? નાની-મોટી નહીં, હોં! પૂરા પાંચ હજાર રૂપિયાની. આ બધાંની સાક્ષીએ...?’

શ્યામ ઝીણી આંખ કરીને બે મિનિટ માટે ચાર્લીની સામે જોઇ રહ્યો, પછી ઊભો થઇને ચાલવા માંડ્યો. ઓફિસના દાદર તરફ જતાં-જતાં બોલતો ગયો, ‘તું પાંચ હજાર રૂપિયા ગણીને તૈયાર રાખ, હું કોફી પીને આવું છું.’ એના ગયા પછી ચાર્લીએ ફોડ પાડ્યો, ‘માર ખાશે મજનૂ આજે! પેલી યુવતીને હું પટાવીને બેઠો છું. એ નીલમ છે. સામાન્ય નાટકોની સાધારણ હિરોઇન. શ્યામ એને કોફીનું આમંત્રણ આપશે એ સાથે જ નીલમ એને બે તમાચા ઠોકી દેશે. મેં એને એક તમાચા દીઠ એક હજાર રૂપિયા ચૂકવવાનું ‘પ્રોમિસ’ આપ્યું છે. તોયે મારી પાસે ત્રણ હજાર તો રહેવાના જ! શ્યામનો બચ્ચો ફરીવાર શરત મારવાની ટેવ ભૂલી જશે.’

ચાર્લીના શબ્દો એના ગળામાં જ હતા અને ગળામાં જ રહ્યા, એ ફાટેલી નજરે સામેનું ર્દશ્ય જોઇ રહ્યો. શ્યામ અને નીલમ પેલી શોપમાંથી બહાર નીકળ્યાં. હાથમાં હાથ પરોવીને બાજુમાં આવેલી કોફી શોપમાં દાખલ થયાં. કાચની દીવાલમાંથી ચાર્લી જોઇ શકે તે રીતે બંને જણાં વાતો કરતાં રહ્યાં, હસતાં રહ્યાં ને કોફીનો આનંદ માણતાં રહ્યાં.અડધા કલાક પછી ચાર્લી દિવેલિયા ડાચા સાથે પાંચ હજારની નોટો શ્યામના હાથમાં મૂકી રહ્યો અને પૂછી રહ્યો, ‘શ્યામ, દોસ્ત! સાચું કે’જે આ શરત તું જીત્યો કેવી રીતે? તેં પેલીને પટ્ટીમાં શી રીતે પાડી...?’

‘મારે ખાસ કંઇ કરવું ન પડ્યું. મેં દુકાનમાં જઇને જોયું તો ખબર પડી કે એ તો નિલમ હતી. સી ગ્રેડ નાટકોની ડી ગ્રેડ હિરોઇન. મેં કહ્યું કે‘નીલમજી, ગુજરાતી થિયેટરે આજ સુધી તમારી સાચી કદર નથી કરી, પણ હું તમારા માટે એક લાઇફ-ટાઇમ રોલવાળી ફિલ્મ બનાવીશ. આઇ એમ એ ન્યૂ ફિલ્મ પ્રોડ્યુસર!’ બસ, વાત પૂરી થઇ ગઇ. અમે ફિલ્મની ચર્ચા માટે કોફી શોપમાં ગોઠવાઇ ગયાં. એણે તારી સાથેની શરતની વાત પણ મને કરી દીધી. પૂઅર ગર્લ!’ ‘હેં?! પછી એણે તારી પાસે એક-એક હજાર ન માગ્યા?’ ‘બે હજારની વાત છોડ, કોફીનું બિલ પણ એણે ચૂકવ્યું. એક વાત યાદ રાખજે, દોસ્ત, છોકરી વિશેની શરતમાં જો જીતવું હોય તો છોકરીને સમજવી પણ પડે અને એને સમજાવવી પણ પડે!’‘

Comments