પડી છે અહીં શબ્દમાં ચીસ લાખો,કથા કાગળે લખી છે વેદનાની



‘દીકરી જન્મે તે મને પસંદ જ નથી. મારે એક પણ બહેન નથી. અમારા લગ્નજીવનમાં માત્ર એક પુત્ર જ જન્મ્યો છે. અમે સુખી છીએ. દીકરી જન્મે એટલે સુખ છીનવાઈ જાય છે. એને ભણાવો, ગણાવો, મોટી કરો અને પછી એ પારકા ઘરે ચાલી જાય. બધો ખર્ચ માથે પડે.’

સાંજનો સમય હતો. એક સદ્ગૃહસ્થ જેવા દેખાતા ભાઈ મને મળવા આવ્યા. ઉંમર હશે પચાસની આસપાસ. માથા પરની ખેતી સુકાવા માંડી હતી. થોડાંક સફેદ તણખલાં આમતેમ ઝાંવાં નાખતાં ઊભાં હતાં. ચહેરો ગોરો અને લંબગોળ હતો. આંખો પર સોનેરી ફ્રેમનાં ચશ્માં હતાં અને ચશ્માંના કાચમાંથી જોઈ શકાતાં હતાં કાળાં કૂંડાળાં. માણસ સુખી પણ દેખાતો હતો અને શિષ્ટ પણ.‘ગુડ ઈવનિંગ, ડોક્ટર! મારું નામ વસંત શાહ છે. નાઈસ ટુ સી યુ.’ વસંતભાઈએ જમણો હાથ લંબાવ્યો. મેં પણ હસ્તધૂનન કર્યું.

પછી સામે પડેલી ખુરશીમાં બેસવાનું કહ્યું.લગભગ સત્તર-અઢાર વર્ષ થયાં હશે આ ઘટનાને. ત્યારે હું સવારે અને સાંજે બંને સમયે કન્સલ્ટિંગ રૂમમાં બેસતો હતો. વસંતભાઈએ જરા પણ સમય બગાડયા વગર મુદ્દાની વાત શરૂ કરી, ‘આજે સવારે નીતા આવી હતી?’‘કોણ નીતા?’ મેં પૂછ્યું.‘નીતા અને પરંજય. મારી પુત્રવધૂ અને મારો પુત્ર.’ વસંતભાઈએ પૂરી માહિતી આપતાં ઉમેર્યું, બાજુની સોસાયટીમાંથી જ આવ્યાં હતાં. સોનોગ્રાફીનો રિપોર્ટ કઢાવવા માટે.

મને યાદ આવી ગયું. સુંદર યુગલ હતું. યૌવનથી તરબતર યુવતી હતી નીતા. સાથે એનો પતિ હતો. શાંત, સ્વસ્થ અને પ્રેમાળ. મારી પાસે આવીને વિનંતી કરી રહ્યાં હતાં, ‘સર, સોનોગ્રાફીનો રિપોર્ટ કઢાવવો છે. નીતાને પ્રેગ્નન્સી છે. અમારે જાણવું છે કે આવનારું બાળક બાબો છે કે બેબી?’એ સમયે ગર્ભસ્થ બાળકનું જાતપિરીક્ષણ થતું હતું. સરકાર જાગ્રત થાય અને આ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મૂકે તે દિવસ આવવાને હજુ ઘણી વાર હતી. મેં કેસ પેપર બનાવ્યો, પછી પૂછ્યું, ‘આ પહેલાં તમારે કેટલાં બાળકો છે?’ મેં ભલે પૂછવામાં બાળકો શબ્દ વાપર્યો હતો, પણ મારા મનમાં તો કેટલી દીકરીઓ છે? એવો જ સવાલ રમી રહ્યો હતો.

‘એક પણ નહીં, સર, આ પ્રથમ જ વારની પ્રેગ્નન્સી છે.’ નીતાનો જવાબ સાંભળીને હું ચોંકી ગયો. સામાન્ય રીતે બે-ત્રણ દીકરીઓને જન્મ આપ્યા પછી જ કોઈ પણ દંપતી ગર્ભપરીક્ષણ કરાવવાનું વિચારતું હતું.મેં વધુ સવાલો પૂછયા, ‘કેમ ટેસ્ટ કરાવવો છે? હમણાં બાળકની ઇચ્છા ન હતી તો શરૂઆતમાં જ એબોર્શન કરાવી લેવું હતું ને? અત્યારે કેટલામો મહિનો ચાલે છે? નીતા હજુ ભણી રહી છે કે જોબ ચાલુ છે? ઘરની આર્થિક સ્થિતિ નબળી છે?’આમાંનું કશું જ ન હતું. ઘરની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી. માત્ર ચાર જણનો પરિવાર હતો. સાસુ, સસરા, દીકરો ને વહુ. બાજુની સોસાયટીમાં રસ્તે પડતો બંગલો હતો.

મને સરનામા પરથી યાદ આવ્યું કે ત્યાંથી પસાર થતી વખતે મારી નજર એ ચોકલેટી રંગની દીવાલોવાળા વિશાળ બંગલા પર અચૂક પડતી હતી. પાર્કિંગ શેડમાં પડેલી બે કાર અને ત્રણ ટુ-વ્હીલર્સ પણ જોઈ શકાતાં હતાં. આવા સંપન્ન પરિવારની પુત્રવધૂને એવી તે શી મજબૂરી હશે કે પ્રથમ જ વારની પ્રેગ્નન્સી વખતે બાબો-બેબી ચેક કરાવવાની ફરજ પડે! મેં હસતાં હસતાં છેલ્લી શક્યતા વિશે પણ પૂછી લીધું, ‘એવું તો નથી ને કે હનીમૂનનો આનંદ લૂંટવાનો હજુ બાકી રહી ગયો હોય? દીકરો હોય તો ઠીક છે, નહીંતર નવેસરથી...’નીતા અને પરંજય પાસે કોઈ જ વજૂદવાળું કારણ ન હતું. મેં ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી. પહેલું બાળક તો વધાવી જ લેવાનું હોય આવું કહીને આયર્નની ગોળીઓ પ્રસ્કિ્રાઇબ કરી આપી અને એ બંનેને રવાના કરી દીધાં અને એ જ દિવસે સાંજના સમયે વસંતભાઈ મને મળવા આવ્યા હતા.

‘હા, યાદ આવ્યું. નીતા અને પરંજય આજે સવારે જ આવ્યાં હતાં. મેં નીતાનું ચેકઅપ કર્યું હતું. ચાર મહિના પૂરા થઈ ગયા છે. મેં ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી છે.’ મેં ટૂંકમાં સવારે થયેલો સંવાદ ફરીથી તાજો કરી લીધો.‘તમે ક્યા કારણથી ના પાડી એ હું નથી જાણતો, પણ ટેસ્ટ તો અમે કરાવી જ લીધા છે, ડોક્ટર. આ રહ્યો રિપોર્ટ. કહીને વસંતભાઈએ પ્લાસ્ટિકની કોથળીમાંથી એક ખાખી રંગનું મોટું કવર કાઢયું. મેં રિપોર્ટ વાંચ્યો. અઢાર અઠવાડિયાંનો ગર્ભ હતો. પૂરો તંદુરસ્ત હતો. રિપોર્ટમાં બાબો છે કે બેબી એવું ક્યાંય લખેલું ન હતું.‘બેબી છે.’ વસંતભાઈની વાણીમાં નિરાશા ઝલકતી હતી, ‘હવે આ પ્રેગ્નન્સી અમારે ચાલુ રાખવી નથી. પડાવી નાખવી છે. એ માટે જ હું તમારી પાસે આવ્યો છું.’

હું સહેજ તીખાશભર્યું હસ્યો, ‘મારી પાસે શા માટે આવ્યા છો? જેની ભલામણથી આ રિપોર્ટ કઢાવ્યો છે ત્યાં જ જવું હતું ને?’‘એ લેડી ડોક્ટર છે, પણ એની પાસે ડિગ્રી નથી. વર્ષોથી ગાયનેકની પ્રેક્ટિસ કરે છે. નોર્મલ કેસમાં વાંધો નથી આવતો, પણ કોમ્પ્લિકેટેડ કેસમાં એ હાથ ઊંચા કરી નાખે છે. છેલ્લી ઘડીએ બીજાની પાસે...’‘પણ હું તો તમને પ્રથમ ઘડીએ જ બીજાની પાસે મોકલી રહ્યો છું. હું ભારત સરકારના એમ.ટી.પી. એક્ટ હેઠળ યોગ્ય કિસ્સાઓમાં એબોર્શન અવશ્ય કરી આપું છું, પણ કોઈ પણ વજૂદ વગરના કેસમાં માત્ર તમારી ફરમાઈશ પર આવું પાપનું કામ હું નહીં કરી આપું. એ પણ પ્રથમ વાર રહેલી, સાડા ચાર માસની બાળકીની હત્યા તો હું નહીં જ કરું.’

વસંતભાઈ ખાસ્સી વાર સુધી બેસી રહ્યા અને મને મનાવવાની કોશિશ કરતા રહ્યા. મારો સૌથી અઘરો ને આકરો સવાલ આ હતો, ‘તમારા પરિવારની એવી તે કઈ મજબૂરી છે કે તમારી પુત્રવધૂના ખોળે જન્મ લેતી પ્રથમ દીકરીને પણ તમે સ્વીકારી નથી શકતા?’‘દીકરી જન્મે તે મને પસંદ જ નથી. મારે એક પણ બહેન નથી. અમારા લગ્નજીવનમાં માત્ર એક પુત્ર જ જન્મ્યો છે. અમે સુખી છીએ. દીકરી જન્મે એટલે સુખ છીનવાઈ જાય છે. એને ભણાવો, ગણાવો, મોટી કરો અને પછી એ પારકા ઘરે ચાલી જાય. બધો ખર્ચ માથે પડે. એનાં લગ્નમાં પણ લાખો રૂપિયાનો ધુમાડૉ. વળી છોકરી જો રૂપાળી હોય તો બીજી વાતોથીય સાવધ રહેવું પડે. કોઈ મવાલી એની છેડતી કરે, કોઈ એને ભગાડી જાય, ત્યારે આપણી ઇજજતનો ધજાગરો થઈ જાય ને!

એના કરતાં દીકરા શું ખોટા? તાંબાના લોટા દુનિયામાં રમતાં મૂકી દેવાના. કોઈ વાતનો ડર તો નહીં. અત્યારે હું કેટલો સુખી છું! ધંધો પરંજયને સોંપીને રિટાયર થઈ ગયો છું. રોજ રાત્રે બંગલાની બાલ્કનીમાં બેસીને સ્કોચ વ્હિસ્કીની મોજ માણું છું અને જૂની ફિલ્મોનાં ગીતો સાંભળું છું. ન જોઈએ મારે આ દીકરી નામની ઉપાધિનું પોટલું.’મેં ધરાર ના પાડી દીધી એટલે વસંતભાઈ ઊભા થઈને ચાલ્યા ગયા. એમની બોડી લેંગ્વેજમાં એવું વર્તાઈ રહ્યું હતું કે તમે એબોર્શન ન કરી આપો તો કંઈ નહીં, અમદાવાદમાં બીજા ઘણાયે ડોક્ટરો છે. એમાંથી કોઈ કરી આપશે.

જોકે એ સમયે અમદાવાદમાં આજના જેટલા ડોક્ટરો ન હતા, અહીંના મણિનગર વિસ્તારમાં તો ન જ હતા. મેં વિચાર્યું કે નીતા અને પરંજય કદાચ નદીની પેલે પારના કોઈ ગાયનેકોલોજિસ્ટ પાસે જશે.બે વર્ષ પસાર થઈ ગયાં. અચાનક એક દિવસ નીતા અને પરંજય ફરી એક વાર આવી ચડ્યાં. બંને ઉદાસ હતાં. નીતાનું સૌંદર્ય ઝાંખું પડી ગયું હતું. પરંજય પણ ચિંતાગ્રસ્ત દેખાતો હતો. ‘શા માટે આવવું પડ્યું?’ મેં પૂછ્યું, પછી કટાક્ષ કર્યો, ‘આ વખતે પણ દીકરીનો રિપોર્ટ છે? ગર્ભપાત કરાવવા માટે આવ્યાં છો?’નીતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી, ‘એબોર્શન માટે નથી આવ્યાં સર! સ્ટરિલિટીની સારવાર માટે આવ્યાં છીએ. એ વખતે એબોર્શન માટે પેલા ડિગ્રી વગરના ડોક્ટર પાસે જ ગયાં હતાં. એણે એબોર્શન તો કરાવી આપ્યું, પણ એ પછી મને પ્રેગ્નન્સી રહેતી જ નથી.

નદીપારના નર્સિંગહોમમાં ગયાં હતાં, ડોક્ટરે લેપ્રોસ્કોપી કરીને કહ્યું કે એબોર્શન દરમિયાન ઇન્ફેક્શન લાગવાથી મારી બંને ફેલોપિયન નળીઓ બંધ થઈ ગઈ છે. એને જોડવા માટેનું ઓપરેશન સફળ થવાની શક્યતા નહીંવત્ છે. એમણે તો આઈ.વી.એફ. સારવાર લેવાની સલાહ આપી છે. એટલે તમારી પાસે આવ્યાં છીએ. એ ટ્રીટમેન્ટ તો ખૂબ જ ખર્ચાળ છે. તમે જો કંઈ સસ્તો ઉપાય બતાવો તો...’‘બહેન, હવે તને સમજાય છે ને કે પ્રથમ સંતાન કેટલું આવકારપાત્ર હોય છે! ભલે એ દીકરી હતી, તો પણ આજે...’ હું બોલવા ગયો, પણ નીતાના જોરદાર રુદને મારું વાક્ય પૂરું ન થવા દીધું. હું આંસુના આ નવા એટેકનું કારણ સમજી ન શક્યો.

એ કારણ મને પરંજયે જણાવ્યું, ‘સર, આપને શું કહું? એ ગર્ભપાત કરાવ્યા પછી અમને ખબર પડી કે સોનોગ્રાફીનો રિપોર્ટ ખોટો પડ્યો હતો. લેડી ડોક્ટરે પણ કહ્યું કે એ ગર્ભ દીકરો હતો. મારા ફાધર તો એ દિવસથી પાગલ જેવા થઈ ગયા છે. અમને કોઈનો શાપ લાગી ગયો, સાહેબ!’ નીતાની કૂખ સુકાઈ ગઈ. પપ્પા રોજ રાત્રે બાલ્કનીમાં બેસીને શરાબ પીધા કરે છે. સાયગલ સાહેબનાં દર્દીલાં ગીતો સાંભળ્યા કરે છે અને રડતા રહે છે.’મને બીજા કોઈની તો નહીં, પણ નિર્દોષ નીતાની હાલત પર દયા આવી ગઈ. મેં એને આશ્વાસન આપતાં કહ્યું, ‘રડીશ નહીં, બહેન! હું તારો કેસ હાથમાં લઉં છું. જો તારા હાથમાં સંતાનરેખા અને મારા હાથમાં જશરેખા હશે તો સફળતા અવશ્ય મળશે. આ મારો આશીર્વાદ સમજ અને આશાવાદ પણ.’

Comments