‘મેં મા-બાપની વિરુદ્ધ જઈને એની સાથે પ્રેમલગ્ન કર્યા છે’



મને એવું હતું કે હાથ તારો હાથમાં રહેશે,ફકત બે ચાર દિવસો નહીં, તું કાયમ શ્વાસમાં રહેશે
‘ના, એ હાથ નથી ઉઠાવતો, લાકડી જ ઉઠાવે છે. અઠવાડિયામાં સાત વાર, પણ કોને કહું?


‘સર, હું બિંદુ બોલું છું.’ મારી લેન્ડલાઇન ઉપર કોઈનો ફોન કોલ આવ્યો. અજાણ્યું નામ હતું. અજાણ્યો અવાજ હતો. મેં કોલર આઈ.ડી.માં જોયું તો નંબર પણ અજાણ્યો હતો. સામેના છેડા પર સ્ત્રીસ્વર હતો અને સંસ્કારી શૈલીમાં એ અવાજ પેશ થઈ રહ્યો હતો, એટલે મેં પણ ‘કોણ બિંદુ? હું તમને ઓળખતો નથી.’

આવી રુક્ષતા દર્શાવવાનું મોકુફ રાખ્યું. મને સૌથી ગમતી વાત એ હતી કે ફોન કરનારે પહેલા જ વાક્યમાં પોતાનું નામ જણાવી દીધું હતું. જે લોકો વાતચીતની શરૂઆત નામ જણાવ્યા વગર કરે છે એમનો ફોન હું કાપી નાખું છું.

‘બોલો બહેન, શા માટે ફોન કરવો પડ્યો?’

‘સર, આજથી બરાબર દસમા દિવસે મારા દીકરાનો જન્મદિવસ આવે છે.’

‘ખૂબ સરસ. હું અત્યારે જ તમારા લાડલાને ‘હેપ્પી બર્થ ડે’ કહી દઉં છું. કેટલાં વર્ષનો થશે તમારો રાજકુંવર?’

‘પાંચ પૂરાં કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરશે. એકનો એક દીકરો છે, સર. તમે એને આશીર્વાદ આપો કે...’ બિંદુ નામની કોઈ અજાણી યુવતી એના પાંચ વર્ષના એકના એક પુત્ર માટે મારી શુભેચ્છા માગી રહી હતી. હું ન તો એ યુવતીને જાણતો હતો, ન એના પુત્રને, ન એના પતિને. શું કહું તો એને ગમશે?

પલકવારમાં મારા મોંમાંથી શબ્દો સરી પડ્યા, ‘બહેન, તમારો દીકરો હજુ બીજા પંચાણું વર્ષ જીવે ! ખૂબ ભણે, ગણે, એના પપ્પા જેવો તેજસ્વી અને સજજન બને અને તમારી કૂખ ઉજાળે! મારા આશીર્વાદ છે...’
સામો છેડો સહેજ ધ્રૂજી ઊઠ્યો, ‘બીજી બધી વાતો બરાબર કહી, સર, પણ... પણ એના પપ્પાવાળી શુભેચ્છા પાછી ખેંચી લો, સર...’

ક્ષણના પણ અડધા ભાગમાં બિંદુએ પોતાના કંપતા અવાજ ઉપર પાછો કાબૂ મેળવી લીધો; સ્વસ્થતાપૂર્વક બોલી, ‘આ ફોન એક મદદ માટે કર્યો છે, સર! મેં થોડા સમય પહેલાં તમારો ડૉ. દિલીપ શાહ વિશેનો લેખ વાંચ્યો હતો. દિલીપભાઈ રેડક્રોસમાં કામ કરે છે ને? મારી ઇચ્છા છે કે આ વખતે મારા રાજુનો જન્મદિવસ અનોખી રીતે ઊજવું. બર્થ-ડે પાર્ટીમાં જે લોકો આવે તે બધા પાસેથી બર્થ-ડેની ગિફ્ટરૂપે બ્લડ ડોનેશન કરાવું. કેવો વિચાર છે, સર?’

અત્યાર સુધી હું તદ્દન ઔપચારિકતા અને (સાચું કહું તો) સહેજ કંટાળાના ભાવ સાથે એની સાથે વાત કરી રહ્યો હતો; પણ અચાનક આ બ્લડ ડોનેશનવાળી વાત સાંભળીને મારા અવાજમાં ઉછાળ આવી ગયો,

‘સરસ! ખૂબ સરસ! આનાથી વધુ સારી બીજી કોઈ ઉજવણી હોઈ શકે જ નહીં. દીકરાના જન્મદિન નિમિત્તે બીજા લોકોની જિંદગી બચાવવાનો વિચાર જ કેટલો ઉત્તમ છે!’ મેં એને શાબાશી આપી; પછી કહ્યું, ‘ગો અહેડ!’

‘આગળ વધવા માટે તો તમને ફોન કર્યો છે, સર! મારે તમારા માર્ગદર્શનની જરૂર પડશે અને મદદની પણ.’ બિંદુએ મારો છેલ્લો શબ્દ પકડી લીધો, ‘મારી પાસે ફકત આઇડિયા છે, એને અમલમાં મૂકવાની આવડત નથી. તમે કહેશો તે પ્રમાણે...’

વર્ષો થઇ ગયાં આ વાતને. લગભગ બાર વર્ષ. ત્યારે મેં ભૂતકાળમાં રેડક્રોસ બ્લડ બેન્કમાં મેડિકલ ઓફિસર તરીકે અદ્ભુત કામ કરતા ડૉ. દિલીપ શાહ વિશે ત્રણ એપિસોડ્ઝમાં ઘણી બધી વાતો લખી હતી. એ વાંચીને અસંખ્ય વાચકો રક્તદાન કરવા માટે પ્રેરાયા હતા. આ બધું કેવી રીતે ગોઠવી શકાય (બર્થડે પાર્ટીમાં બ્લડ ડોનેશન કેમ્પ) એની ગતાગમ તો મને પણ નહોતી. મેં બિંદુને સકારાત્મક જવાબ આપીને એનો ફોન ખતમ કર્યો, પછી તરત જ ડૉ. દિલીપભાઈનો નંબર લગાડ્યો.

ડૉ. દિલીપભાઈ મારી વાત અને બિંદુની ભાવના જાણીને ખુશ થઈ ગયા. બર્થડેના પ્રસંગે એમની ટુકડી લઈને પહોંચી ગયા. નાનાં બાળકોનું રક્તદાન તો લઈ ન શકાય. એમનાં મમ્મી-પપ્પાઓનું રક્તદાન સ્વીકાર્યું. પૂરી બત્રીસ બોટલ્સ એકઠી કરીને આવી ગયા. (સાવ નાના પાયે ઘરેલુ પાર્ટીમાં બત્રીસ બાટલી લોહી ખૂબ સારો આંકડો કહેવાય.) એક ઘટના અહીં પૂરી થઈ. બીજી ઘટના ઘટશે એની મને આશા પણ ન હતી.

ત્રણ-ચાર દિવસ પછી એ મને મળવા આવી. સાથે એનો દીકરો હતો અને ‘કેક’ હતી,
‘સર, તમને મેં કેટલો બધો આગ્રહ કર્યો હતો! તો પણ તમે ન જ આવ્યા. એટલે મારે આવવું પડ્યું.’ સરસ હતી બિંદુ. ભીનેવાન, પણ નમણી. સૌથી મહત્વની વાત તો એ ખૂબ શાલીન અને વિનમ્ર હતી. મેં એના દીકરાના માથે હાથ ફેરવ્યો. પછી કહ્યું, ‘ચાલો, ઉપર મારા ઘરે! આઇસક્રીમ...!’

એ ઊભી થઈ ગઈ, ‘ના, ના, સર! અમારી પાસે જરા પણ સમય નથી. મારા હસબન્ડ બહાર ગાડીમાં મારી રાહ જોઈને બેઠા છે. મારે જવું પડશે.’

હું ચોંકી ગયો, ‘અરે, તારા હસબન્ડ પણ આવ્યા છે? એ કારમાં શા માટે બેસી રહ્યા છે? એવું તે ચાલતું હશે? તું બેસ, હું જ બહાર જઈને એને...’ હું બહાર ગયો.

ગાડીમાં ડ્રાઇવિંગ સીટ પર એનો પતિ બેઠો હતો. એને આગ્રહ કરીને અંદર ખેંચી લાવ્યો. બિંદુએ ઓળખાણ કરાવી. હું ડઘાઈ ગયો; બિંદુનો પતિ ડોક્ટર હતો!

‘અરે, તમે ડોક્ટર થઈને અંદર આવતા શરમાતા હતા? તમારે તો મને લેખક તરીકે નહીં, તો છેવટે જાતભાઈ તરીકેય મળવું જોઈએ.’

મેં એ અતડા માણસને જરા હળવો બનાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા, પણ હું સફળ ન થયો. એ દસ-પંદર મિનિટ બેઠો તો ખરો, પણ રસ વગર! એની આંખો લાલ હતી, મોં ઉપર થોથર હતા અને વાણી-વર્તનમાં કોરી નિરસતા. ન એને બિંદુની વાતમાં રસ હતો ન મને મળવામાં. અરે, એનો દીકરો એને ‘પપ્પા-પપ્પા’ કહીને વળગવા જતો હતો એને વહાલ કરવામાં પણ એને રસ ન હતો. છેવટે એ લોકો ગયા.

બીજા જ દિવસે બિંદુનો ફોન આવ્યો, ‘સોરી, સર! અમિતના વર્તનથી માઠું ન લગાડતા. એ છે જ એવા...’

હું લાગણીસભર અવાજમાં પૂછી બેઠો, ‘મારા એક સવાલનો જવાબ આપીશ, બિંદુ? તું દુ:ખી છો ને?’ પળ પળનું મૌન અને પછી પુછાયેલો પ્રશ્ન: ‘તમને કેવી રીતે ખબર પડી?’

‘તારો પતિ ખુદ ડોક્ટર હોવા છતાં તેં ‘બ્લડ ડોનેશન કેમ્પ’ માટે મારી મદદ માગી હતી. બાકી જે કંઈ ખૂટતું હતું તો એ ડૉ. અમિતને મળ્યા પછી પૂરું થઈ ગયું. એનું અંગ અંગ કહી આપતું હતું કે એ પૂર્ણપણે શરાબની બોટલમાં ડૂબી ગયો છે. મારે તારી અંગત જિંદગીમાં નથી પડવું; ફકત એટલું પૂછું છું, અમિત તારા પર હાથ તો નથી ઉપાડતો ને?’

‘ના, એ હાથ નથી ઉઠાવતો, લાકડી જ ઉઠાવે છે. અઠવાડિયામાં સાત વાર, પણ કોને કહું? મેં મા-બાપની વિરુદ્ધ જઈને એની સાથે પ્રેમલગ્ન કર્યા છે.’ બિંદુ રડતી રહી અને વાત કરતી ગઈ. ડૉ. અમિતમાં એક જ સદ્ગુણ હતો કે ભણવામાં એ તેજસ્વી હતો. એટલે એ ડોક્ટર બની ગયો, પણ એનામાં શરાબપાન, જુગાર, સ્મોકિંગ જેવાં અનેક દૂષણો હતાં. એની સોબત પણ નઠારા માણસો જોડે હતી. દારૂમાં ચકચૂર થયા પછી એને ભાન રહેતું નહીં; એ રોજ રાત્રે બિંદુને ગાળો કાઢતો અને ફટકારતો હતો.

આટલું જાણ્યા પછી હું બીજું તો શું કરી શકું? મેં કહ્યું, ‘જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી કર્યા કર; જ્યારે ધીરજ ખૂટે અને હિંમત તૂટે ત્યારે આત્મહત્યાના માર્ગે ન જઈશ. મારું ઘર તારું બીજું પિયર છે એમ માનીને ચાલી આવજે.’

આનો પડઘો એક મહિના પછી પડ્યો. એક સાંજે બિંદુ એના દીકરાની સાથે મારા ઘરે આવી ગઈ. મારા પરિવારે એક પણ સવાલ કર્યા વગર એને સમાવી લીધી. બે-ત્રણ દિવસ પછી ડૉ. અમિત આવીને એને મનાવીને ઘેર લઈ ગયો. એ પછી અલપ-ઝલપ એના ફોન કોલ્સ આવતા રહ્યા. ધીમે ધીમે બધાં સંબંધોમાં બનતું હોય છે એમ આ સંબંધ પણ ક્ષીણ થતો ગયો. પછી અચાનક બિંદુ જાણે ક્યાંક ખોવાઈ જ ગઈ. લગભગ દસ-બાર વર્ષ પસાર થઈ ગયાં. જ્યારે એ યાદ આવી જતી, ત્યારે અમે (હું, પત્ની, બાળકો અને મારાં માતા-પિતા) ધારી લેતાં હતાં કે બિંદુએ આત્મહત્યા કરી લીધી હશે.

અચાનક હમણાં એનો ફોન આવ્યો, ‘સર, હું બિંદુ. યાદ છું કે ભૂલી ગયા?’

‘અરે, બે’ન! તું ક્યાં છો? કેવી હાલતમાં છો? તારો દીકરો કેવડો થયો? તું... તું... જીવતી તો છો ને?’ મારો છેલ્લો પ્રશ્ન પુછાયા પછી મને પોતાને જ વાહિયાત લાગ્યો. બિંદુ જીવતી હોય ત્યારે જ વાત કરતી હોય ને?’

એ આનંદમાં હતી, સુખી જણાતી હતી. દીકરો અઢારનો થયો હતો. જિંદગી એક આકર્ષક વળાંક પર આવીને અટકી હતી. એના શબ્દે શબ્દમાં ઉલ્લાસ વર્તાતો હતો. મેં કહી જ નાખ્યું, ‘સાચું કહું, બિંદુ? મને તો એવું, લાગતું હતું કે તેં ‘સ્યુસાઇડ’ કરી લીધો હશે. છેલ્લે તારી સાથે વાત થઈ, ત્યારે તારા પતિનો ત્રાસ એ હદે વધી ગયો હતો કે કોઈપણ સંસ્કારી સ્ત્રી...! પણ હવે તો અમિત સુધરી ગયો લાગે છે. એણે વ્યસનો છોડી દીધાં?’

ફરીથી પળ-બે પળનું મૌન; પછી જવાબ: ‘ના, સર! અમિતે વ્યસનો તો ન છોડ્યાં, પણ આ દુનિયાને છોડી દીધી છે. લિવર સિરોસિસના કારણે ત્રણ મહિના પહેલાં એનું મૃત્યુ થઈ ગયું.’

થોડી બીજી વાતો કરીને મેં ફોન પૂરો કર્યો. મારા મનને અવસાદ ઘેરી વળ્યો. એક હોનહાર તેજસ્વી ડોક્ટરને શરાબ ભરખી ગયો. જે ફિઝિશિયન પોતાના દરદીઓને સલાહ આપતો હોય કે, ‘દારૂ ન પીશો; એનાથી લિવર ખલ્લાસ થઈ જશે,’ એ તબીબ પોતે જ ખતમ થઈ ગયો?! મારા વિષાદને દૂર કરવા માટે એક જ કારણ સમર્થ હતું : બિંદુનો પુત્ર રાજુ એની મમ્મી જેવો સંસ્કારી છે; એટલે બિંદુનું ભવિષ્ય સુખમય હશે.‘

Comments