આખરી ઉપાય



એક લગ્નબાહ્ય સંબંધ અને એ પછી થયેલી એક હત્યા? કોણ હતો એ હત્યારો? 

વિઠ્ઠલપુરા ઉદ્યોગનગરમાં આવેલી ચોઇસ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોરકીપર રોહિત સોલંકીની ડ્યૂટી પૂરી થતાં એ બાઇક પર શહેર તરફ આવી રહ્યો હતો, ત્યારે રોડ પરના બસસ્ટેન્ડ પર એક યુવતી હાથ હલાવી લિફ્ટ માગતી એણે જોઈ. એ સાથે જ બ્રેક મારી બાઇક ઊભી રાખી. યુવતી તરત જ રોહિતની બાઇક પર પાછળ બેસી ગઇ. યુવતી નખશિખ સુંદર હતી. બાઇક સ્ટાર્ટ કરતાં જ યુવતી પાસેથી પરફ્યૂમની મહેક આવતાં રોહિત તો યુવતીને લિફ્ટ આપી પ્રસન્ન થઇ ઊઠ્યો. એણે બમ્પ આવતાં બાઇક ધીમી પાડી છતાંય યુવતીનો સ્પર્શ થતાં રોહિત રોમાંચિત થઇ રહ્યો. એણે પૂછ્યું, ‘અહીં ક્યાં સર્વિસમાં આવો છો?’

‘ડોલ્ફિન કલોકમાં.’

‘હું તમારાથી આગળ ચોઇસમાં છું. તમારો છૂટવાનો આ જ સમય હોય તો મારી રાહ જોવી. હું આ સમયે અહીંથી હંમેશાં નીકળું છું.’
‘મારે તો રોજનું થયું.’

‘નો નો, એવો સંકોચ ન રાખતાં. મારે તો એકલા આવવાનું જ હોય છે.’ આમ વાત વાતમાં એ શહેરી વસાહતમાં આવી પહોંચ્યાં.
‘તમારે કઇ તરફ જવાનું છે?’ રોહિતે પૂછ્યું.

‘હરણકુઇ વિસ્તાર હાઉસિંગ કોલોની, પણ મને અહીં ઉતારી દો. હું ચાલી જઈશ.’
‘અરે, હું તમને ત્યાં હરણકુઇના ટાંકા પાસે ઉતારી નીકળી જઇશ.’ ત્યાં જ યુવતીને ઉતારતાં રોહિતે કહ્યું.
‘વાત વાતમાં તમારું નામ પૂછવાનું રહી ગયું. મારું નામ રોહિત સોલંકી. ચોઇસમાં સ્ટોરકીપર છું.’

‘હું ચંદ્રા’, કહેતી એ ચાલી નીકળી. ચંદ્રાનો પતિ એક નંબરનો જુગારી હતો. મિલમાંથી મળતો પગાર એ જુગારમાં હારી જતો.પછી ભવાડા કરી મૂકતો. ચંદ્રાને એક પુત્રી હતી. ઘર ચલાવવા માટે ચંદ્રાએ ઉદ્યોગનગરમાં કામે જવું પડતું હતું.
તો રોહિત સોલંકી પણ પરિણીત હતો. બે પુત્રો હતા, એક પાંચ વર્ષનો અને નાનો બે વર્ષનો. છતાં રોહિત અને ચંદ્રાની વચ્ચે પ્રથમ મુલાકાતે જ આકર્ષણ થયું હતું.

પછી તો રોજની લિફ્ટના બહાને થતી મુલાકાતોથી બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયાં. રોહિત ચંદ્રાને અવારનવાર હોટલોમાં જમવા લઇ જવા લાગ્યો. બંનેનો સંબંધ બધી જ મર્યાદા વટાવી ચૂકયો હતો.

પણ એક દિવસ ચંદ્રાના પતિને જાણ થઇ ગઇ, એટલે ચંદ્રાની ખૂબ જ ધોલાઇ કરીને કાઢી મૂકી. અસહાય ચંદ્રા રોહિતને મળી એટલે રોહિતે એના જૂના ખાલી પડેલા મકાનમાં એની સાથે લિવ-ઇન રિલેશનશિપથી રહેવાનું ચાલુ કર્યું. રોહિતે પોતે પરિણીત છે એ વાત ચંદ્રાને કરેલી, પણ પોતાની હાલતનો વિચાર કરી એણે કશું કહ્યું નહીં. રોહિત દિવસે ચંદ્રા સાથે રહેતો.

પછી એક દિવસ ચંદ્રાને થયું કે આવા જીવનનો શું મતલબ? રોહિત ક્યારેક બદલાઇ જાય તો? તેથી એણે રોહિતને કહ્યું કે એ એની પત્ની-બાળકોને છોડી દે અને પછી કાયદેસર બંને પતિ-પિત્ન બની રહે. ત્યારે રોહિત એને યેનકેન પ્રકારેણ સમજાવી દેતો હતો કે આમાં ઉતાવળ ન કરાય. સમય આવ્યે હું અહીં હંમેશ માટે રહેવા આવી જઇશ. ચંદ્રાનો જુગારી પતિ હજુ એનો કેડો મૂકતો નહોતો. એ અવારનવાર ચંદ્રા પાસે પૈસા પડાવવા આવતો હતો.

એમાં એક દિવસ પોલીસ સ્ટેશને ફરજ પર હાજર થયેલા એ.સી.પી. આર. કે. ચૌધરીને સમાચાર મળ્યા કે જૂના શહેરમાં ગુલાબ ચાલ રૂમ નંબર સાતમાં એક સ્ત્રીએ આત્માહત્યા કરી છે.

એ સમાચાર આપનાર રોહિત હતો અને મૃતક ચંદ્રા હતી.થોડી વારે ચૌધરી સાહેબ એમના સ્ટાફ સાથે આવી પહોંચ્યા. ચંદ્રાની લાશ પલંગ પર પડી હતી. લાશનો રંગ લીલો થઇ ગયો હતો. ચૌધરી સાહેબે નિરીક્ષણ કર્યું તો પલંગ પાસે એક સ્ટીલનો ગ્લાસ પડ્યો હતો. નીચે એક જંતુનાશક દવાની ખાલી શીશી અને શીશીનું ખાલી બોક્સ એ બધું ચૌધરી સાહેબે એક પ્લાસ્ટિકની બેગમાં લેવડાવ્યું. ફિંગરપ્રિન્ટ, ફોટોગ્રાફ તેમજ અન્ય કાર્યવાહી બાદ લાશ પી. એમ અર્થો રવાના કરી ચૌધરી સાહેબે રોહિતને પૂછ્યું, ‘મિ. રોહિત, મૃતક ચંદ્રા તમારી શી સગી થાય છે?’

‘મારી ભાડૂઆત છે, પણ અમારે જૂની ઓળખાણ હોવાથી હું એનું ભાડું નથી લેતો. એનો પતિ જુગારી છે. એ બહુ જુલમગુજાર હતો. એણે ચંદ્રાને માર મારીને કાઢી મૂકી હતી. તે અહીં મારા મકાનમાં રહેતી હતી. બિચારી દુખિયારીએ અંતે કંટાળીને આત્મહત્યા કરી.’

ઘટનાસ્થળની હાલત જોતાં ચૌધરી સાહેબનું મન આત્મહત્યા માનવા તૈયાર નહોતું. એમણે ચંદ્રાના પતિનું એડ્રેસ લીધું અને રોહિતને હમણાં ક્યાંય બહારગામ ન જવાનું કહી ચૌધરી સાહેબ નીકળી ગયા.

ચંદ્રાના પતિની પૂછપરછ બાદ એના નિવેદન પરથી ચૌધરી સાહેબે રોહિતને પોલીસ સ્ટેશન બોલાવ્યો. એ આવતાં સાહેબે એને આવકારી બેસાડ્યો. પછી એની આંખો સાથે આંખ મેળવીને ચૌધરી સાહેબે કહ્યું,

‘મિ. રોહિત ચંદ્રાના પતિના કહેવા મુજબ તમારે ચંદ્રા સાથે અવૈધ્ય સંબંધ હતો?’
‘ના સર, એ જુગારી ખોટું બોલે છે. આ જુઓને, એના પાપે તો કંટાળીને ચંદ્રાએ આત્મહત્યા કરી.’
‘ચંદ્રાએ આત્મહત્યા નથી કરી એની ઠંડે કલેજે હત્યા થઇ છે.’

‘કોણ કહે છે?’
‘ચંદ્રાનો પતિ, અને એ હત્યા પણ તમે કરી છે.’
‘એ તો ગમે તેમ કહે સાહેબ, કોઈ પુરાવો તો જોઈએ ને...’
‘પુરાવો છે. પ્રથમ તો એ જંતુનાશક દવાની શીશી પર, ગ્લાસ પર અને ઘરની અન્ય ચીજો પર ફિંગરપ્રિન્ટ તમારા છે. તેમજ શીશીના ખાલી બોક્સમાં વિક્રેતાએ બનાવેલું તમારા નામનું બિલ મળ્યું છે. અને...’

‘બસ બસ સાહેબ...! મારે ચંદ્રાને મારવી નહોતી, પણ એ આદુ ખાઇને મારી પાછળ પડી હતી કે હું મારા પરિવારને હંમેશને માટે છોડીને એની સાથે રહું અને એક પત્ની તરીકેના તમામ હક્ક એને આપવા. આખરે હું ગળે આવી ગયો. જો હું મારા પરિવારને છોડું તો મારી પત્ની મને છોડે નહીં અને જો પરિવારને ન છોડું તો ચંદ્રા મને બદનામ કરવાનું ચૂકે નહીં. અંતે મારી જાતને બચાવવાના ઉપાય તરીકે મેં રાત્રે ફ્રૂટનો જયૂસ લાવી એમાં જંતુનાશક દવા ભેળવી ચંદ્રાને પરાણે જ્યૂસ પીવડાવીને ખતમ કરી હતી.’

Comments