નાની નાની વાતોને વધારે મહત્વ આપીને તેને મોટું સ્વરૂપ આપવું કે તેના પ્રત્યે ધ્યાન ન આપીને આગળ વધી જવાનું આપણા જ હાથમાં હોય છે.
સંધ્યા
શાક વઘાર્યું ત્યાં જ ભાભીએ અંદર આવીને પૂછ્યું, ‘શું કરે છે?’ એમનો એક હાથ કમર પર હતો.‘ગવારનું શાક...’ ટેવ પ્રમાણે નેહાએ ટૂંકમાં જવાબ આપ્યો. ‘મારા દિયર આ શાક નહીં ખાય... હું અત્યારથી જ કહી દઉં છું.’ ભાભીએ કહ્યું.‘હું જુદી રીતે બનાવી રહી છું, ભાભી... એમને અને મોટા ભાઇને ચોક્કસ ભાવશે અને જો ભોજનમાં આ બધાંનો સમાવેશ નહીં કરીએ તો પૂરતા પોષક તત્વો કેવી રીતે મળશે?’ નેહાએ પોતાનો પક્ષ રજુ કર્યો.‘વાહ! તું ભણેલી છે એટલે શું અમારા પર રોફ મારવાનો? મારા દિયરને મેં નાનપણથી મોટો કર્યો છે. આ પાલવથી મોં લૂછીને મોટો થયો છે તારો ઘરવાળો. કાલની આવેલી છોકરી મને શીખવાડે છે...’ ભાભીના ચહેરા પર ગુસ્સો તરવરી રહ્યો હતો.
‘ભાભી, હું તો કંઇક અલગ લાગે એ માટે...’નેહાએ ભાભીને સમજાવવાનો એક પ્રયત્ન કર્યો.‘હા... હા.. વાંધો નહીં, કર ને અલગ... બદલી નાખ મારા લાડકા દિયરિયાને... તારી પાછળ પાછળ ફરે એવો કરી નાખ... તું પણ અહીં છો ને હું પણ અહીં છું. એ જો ચાખે તો પણ મારું નામ બદલી નાખજે.’ આટલું કહીને ભાભી એક કુશળ સ્પર્ધકની માફક બંને ભાઇઓને ભાવતા બટાકાનું ભરેલું શાક બનાવવા લાગ્યાં.
નેહાને અવારનવાર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો. ભાભીના મનમાં કંઇ ખોટ નહોતી એ નેહા સારી રીતે જાણતી હતી... પરંતુ કંઇ પણ નવું કરવા જાય કે તરત ટોકવાની ભાભીને પહેલાંથી જ ટેવ હતી. જે રીતે બનતું આવ્યું છે... બસ, એ જ નિયમ પછી એ સ્વાદમાં કંઇ અલગ બનાવવાની વાત હોય કે અન્ય કંઇ... ગઇ કાલની જ વાત છે. ભાભીની બંને દીકરીઓ એમની બહેનપણીના જન્મદિવસની પાર્ટીમાં જવા તૈયાર થઇ હતી. આજકાલની ફેશન અનુસાર બંનેએ વાળ ખુલ્લા રાખ્યાં હતાં. ખલાસ! ભાભીનો ગુસ્સો સાતમા આસમાને... ‘આમ છુટા વાળ લઇને કેમ નીકળી પડી છો? કોઇને ત્યાં ખુશીના પ્રસંગે જાવ છો તેનો ખ્યાલ છે? ચોક્કસ તમારી કાકીએ જ શીખવ્યું હશે...’
નેહાને દુ:ખ તો ઘણું થયું, પણ એ ચૂપચાપ સહી લીધું. દીકરીઓનો પક્ષ લેવાને બદલે એને મૌન રહેવાનું વધારે હિતાવહ લાગ્યું. રજતનો ઓફિસેથી આવવાનો સમય થઇ ગયો હતો, નેહા ચિંતિત હતી. ‘જો એ ખરેખર ગવારનું શાક નહીં ખાય તો શું થશે? ભાભી કેટલું અપમાન કરશે... હે ભગવાન! કંઇક એવું કરજો કે એ સીધા તેમના રૂમમાં જાય અને હું તેમને સમજાવી દઉં કે ચૂપચાપ ખાઇ લે... કોઇ જાતની ખામી કાઢયા વિના...’ બીજી તરફ ભાભી બહારના રૂમમાં જ આમતેમ આંટા મારતાં હતાં કે જેવો રજત આવે કે તરત હાથ-મોં ધોવડાવીને જમવાનું પીરસી દે. નેહા જાણતી હતી કે રજત અને મોટા ભાઇ આવીને સૌથી પહેલાં ભાભી અને બાળકો સાથે વાતો કરે છે. રજત શરમાળ સ્વભાવનો હોવાથી રૂમમાં એ અમસ્તો પણ મોડો જ આવે છે. ‘આજે કંઇક એવું બને કે એ...’ નેહા મનોમન પ્રાર્થના કરતી હતી.
ડોરબેલ રણકતાં જ દેરાણી-જેઠાણી બંને એક્સાથે બારણું ખોલવા દોડ્યાં. તેમના આવા ઉતાવિળયા કામને લીધે બંને ભાઇ નવાઇ પામીને પછી અંદર આવ્યાં. ભાભીએ જેવો હાથ-મોં ધોઇને લૂછવા માટે નેપિ્કન લંબાવ્યો, એટલામાં જ રજત બોલ્યો, ‘આજે ખૂબ ગરમી છે, ભાભી. હું પહેલાં સ્નાન કરી લઉં. જમવાનું તૈયાર રાખજો... હમણાં આવ્યો...’ ભાભીની આશા પર આ સાંભળીને પાણી ફરી વળ્યું. હવે તો આ મહારાણી રૂમમાં જઇને બરાબર શીખવાડી દેશે અને આ ‘જોરુ કા ગુલામ’ ખાઇ પણ લેશે. મારું તો નાક કપાઇ જવાનું.
નેહા પણ મંદ મંદ સ્મિત કરતી રજતની પાછળ ગઇ, ‘હું તમને ટુવાલ અને કપડાં કાઢી આપું.’ રજત રૂમમાં પ્રવેશતાં જ નેહાએ પાછળથી બારણું બંધ કરી દીધું. ‘આ શું કરે છે નેહા... આવી રીતે બારણું અંદરથી બંધ ન કર. ભાઇ-ભાભી શું વિચારશે?’ રજત એકદમ અકળાઇને બોલ્યો અને અંદરથી બારણું ખોલવા લાગ્યો. ‘કંઇ નહીં વિચારે... પહેલાં તમે મારી વાત સાંભળી લો. આજે મેં ગવારનું શાક બનાવ્યું છે. ચૂપચાપ ખાઇ લેજો...’ નેહાએ એને અટકાવતાં કહ્યું.‘કેવી નાના છોકરા જેવી વાત કરે છે? ના, હું નથી ખાવાનો... તને ભાભીએ કહ્યું નથી...’
‘બસ, આખી જિંદગી ભાભીનો પાલવ પકડીને જ બેસી રહેજો. ક્યારેય કંઇ નવું તો અજમાવવાનું જ નહીં. રેસ્ટોરાંમાં જાવ તો પણ એના એ જ શાહી પનીર અને દાલ ફ્રાયનો જ ઓર્ડર આપશે. ક્યારેય ભૂલથી મન્ચૂરિયન કે સઝિલરનો ટેસ્ટ કરવાનું નહીં વિચારો. આખું કુટુંબ એવું જ છે. તમને મારા સોગંદ, રજત... આજે ખાઇ લેજો ને, પ્લીઝ... ફરી ક્યારેય તમને નહીં કહું...’ નેહા થોડી ગુસ્સામાં અને થોડા પ્રેમથી રજતને મનાવવાનો પ્રયત્ન કરી રહી હતી. રજતને બધી વાતનો ખ્યાલ આવી ગયો. ‘જો નેહા, તારી પાસેથી મેં આવી આશા નહોતી રાખી. શું આ રીતે નાની નાની વાતોને પ્રેસ્ટજિનો ઇશ્યૂ (અહમ્નો સવાલ) બનાવે છે? આ બધાંથી કંઇક અલગ વિચાર, ભાભી મોટા છે... એમની વાત માનવાથી જો એ ખુશ થતાં હોય તો એમાં ખોટું શું છે? તું સમજદાર છો. થોડી ધીરજ રાખ. ધીરે ધીરે બધું ગોઠવાઇ જશે. બી મેચ્યોર્ડ, નેહા...’ રજતે પ્રેમથી નેહાના ગાલ પર ટપલી મારતાં જવાબ આપ્યો.
રજતને સમજાવતાં આવડતું હતું. એની વાત સાંભળીને નેહાને પણ લાગ્યું કે એ નાની એવી વાતને વધારે લાંબી ખેંચી રહી છે. જો કોઇ ન ખાય તો પણ ક્યાં એની દુનિયા લુંટાઇ જવાની હતી કે આભ તૂટી પડવાનું હતું... બીજી પણ ઘણી બાબતો છે જેના પર વિચાર કરવાનો છે, જેમ કે, રજતનું હવેનું પ્રેઝન્ટેશન, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, વગેરે... ટુવાલ મૂકીને નેહા બહાર આવી અને જમવાની તૈયારી કરવામાં ભાભીને મદદ કરવા લાગી. બંને ભાઇ ડાઇનિંગ ટેબલ પર આવીને બેઠા. રજત કંઇ કહે તે પહેલાં જ મોટા ભાઇ બોલ્યા, ‘અરે, આજે નેહાએ ગવારનું શાક બનાવ્યું છે, રજત... આજે ના ન કહેતો. આજે તો ખાવું જ પડશે.’
‘પણ મોટા ભાઇ... ભાભી સમજાવો ને મોટા ભાઇને... તમને ખબર છે હું ગવારનું શાક નથી ખાતો.’ રજત ભાભીના પક્ષમાં જ હતો. ભાભી પણ અત્યાર સુધીમાં ‘કૂલ’ થઇ ગયાં હતાં. બોલ્યાં, ‘ખાઇ લો રજતભાઇ, ભાભીની વાત માનો... જરા ચાખી તો જુઓ, તમને મારા સમ...’ બધાંએ બંને શાક ખૂબ પ્રેમ અને હોંશથી ખાધાં. નેહાને હવે ખ્યાલ આવવા લાગ્યો હતો કે જે રીતે રજતે એને ‘કૂલ ડાઉન’ કરી દીધી હતી. એ જ રીતે મોટા ભાઇએ કદાચ ભાભીને સમજાવી દીધાં. અમે બંને નાહક નાની એવી વાતને અહમ્નો મુદ્દો બનાવી બેઠાં હતાં.
Comments
Post a Comment
Thanx For Comment