લજજા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે
વિસ્તૃતિએ પોતાના પ્રેમીને હિંમત બંધાવી, ‘તું ડર નહીં. મારા પપ્પા પણ આખરે તો માણસ છે, કંઇ વાઘ-દીપડો નથી. એ તને ફાડી નહીં ખાય.’ ‘એવું નથી. હું તારા પપ્પાથી ડરતો નથી, પ... પ... પણ...’ રૂપાંતર થોથવાઇ ગયો, ‘હું સહેજ નર્વસ થઇ ગયો છું. તારા પપ્પા... આઇ મીન, તમે લોકો આટલા બધા ધનવાન... અને હું... એક સાધારણ પરિવારનો...’
જસ્ટ ફરગેટ ઇટ. તું મારા પપ્પાને એક વાર મળ તો ખરો. પછી તને સમજાશે કે એ કેટલા ‘ડાઉન ધી અર્થ’ માણસ છે! તારી બધી જ નર્વસનેસ તું છોડી દે અને મારા પપ્પાને મળવા માટે હિંમતપૂર્વક તૈયાર થઇ જા. જો આવી રોતલ સૂરત સાથે એમની સામે પેશ આવીશ તો પપ્પા ક્યારેય તને ભાવિ જમાઇ તરીકે મંજૂર નહીં કરે. એટલું સમજી લેજે.’
રૂપાંતરે પ્રેમિકાની સલાહ સાંભળી અને મનને મક્કમ કરવાનો મજબૂત પ્રયત્ન કરી જોયો, પણ તરત જ એની આંખ સામે છેલ્લી દસેક મિનિટમાં જોયેલી ર્દશ્યાવલિઓ તરવરી ઊઠી. ફરીથી એનો આત્મવિશ્વાસ રેશમી વસ્ત્રની પેઠે સરી પડ્યો. એક પ્રકારની વર્ણવી ન શકાય તેવી લઘુતાગ્રંથિ એને ઘેરી વળી.
નર્વસનેસના શિકાર બની જવું સ્વાભાવિક હતું. જે દિવસે રૂપાંતર પ્રથમ નજરના પ્રેમમાં પડ્યો ત્યારથી જ એને ખબર હતી કે વિસ્તૃતિ એક ધનાઢÛ પિતાની દીકરી છે. પછી ધીમે ધીમે મુલાકાતોના માટલામાંથી માહિતીનું જળ ઢોળાતું રહ્યું. કોલેજના મિત્રો એને કહેતા રહ્યા, ‘અલ્યા, રૂપલા! તેં તો મોટી માછલી જાળમાં ફસાવી લીધી! વિસ્તૃતિના પપ્પાની વ્યાખ્યા ખબર છે તને? સાત ફેકટરીઓ, ચૌદ ફ્રેન્ચાઇઝી, પાંચ હજાર કામદારો, વાર્ષિક પંદરસો કરોડ રૂપિયાનું ટર્નઓવર અને ગુજરાતનાં તમામ મુખ્ય શહેરોમાં મિલકતો અને સંતાનમાં માત્ર એક દીકરી જ. વિસ્તૃતિનું દિલ જીતવું અને એનો અર્થ જાણે છે તું? ભવિષ્યમાં અબજોની સંપત્તિનો કાયદેસરનો માલિક બની જવું. કોંગ્રેટ્સ, યાર! ભવિષ્યમાં અમારા જેવા મિત્રોને ભૂલી ન જતો. વિસ્તૃતિના રેશમી જુલફાઓના અડાબીડ જંગલમાં ભૂલો પડ્યા પછી પણ ક્યારેક અમને યાદ કરતો રહેજે.’
આ બધું સાંભળીને રૂપાંતર રાવલની છાતી બેસી જતી હતી, પણ એ પ્રેમિકાની સમજાવટના જોર પર પોતાની હિંમત ટકાવતો આવ્યો હતો, પણ આજે હદ આવી ગઇ હતી. ગઇકાલે સાંજે વિસ્તૃતિએ કહ્યું હતું, ‘રૂપાંતર, મારા પપ્પા તને મળવા માગે છે. મેં એમને તારા વિશે વાત કરી દીધી છે. હવે બધો આધાર તારા પર છે. આવતીકાલની મુલાકાતને તું ઇન્ટરવ્યૂ સમજી લેજે. તારા જવાબો, તારી સભ્યતા, તારી ચતુરાઇ, સ્માર્ટનેસ, વાણી-વર્તન આ બધું જોઇને પછી જ પપ્પા નિર્ણય લેશે કે આ લલ્લુને પોતાનો જમાઇ બનવવો કે નહીં.’
રૂપાંતર પૂછી બેઠો, ‘જો હું તને લલ્લુ લાગતો હોઉં, તો તેં જ શા માટે મને પસંદ કર્યો છે? બીજા ઘણા હીરાઓ આપણી કોલેજમાં છે જેઓ તારા પગની પાનીને ચાટવા માટે પણ તૈયાર છે.’ ‘ખરાબ લાગી ગયું? હું મારા પ્રેમીની સાથે મજાક પણ ન કરી શકું?’ વિસ્તૃતિ રિસાયેલા રૂપાંતરને મનાવી રહી, ‘મારો હીરો તો એકમાત્ર તું જ છે. એ બધા તો ફટકિયાં મોતી છે. એમને મારા પપ્પાની અઢળક દોલત પામવાની લાલસા છે. તને તો પ્રેમમાં પડતી વખતે ખબર પણ ન હતી કે હું કોની દીકરી છું. રૂપાંતર, તું ભલે ધનવાન નથી, પણ સંસ્કારોની બાબતમાં તું કરોડપતિ છે માટે જ મેં તને પસંદ કર્યો છે.’
બીજા દિવસે રવિવાર હતો. બપોરના એક વાગ્યે મુલાકાતનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. એ આખી રાત રૂપાંતર ઊંઘી ન શક્યો. સાવ સાંકડા ઘરના, સાવ નાના ઓરડામાં એ અજંપાની ચાદર ઓઢીને તરફડતો રહ્યો. બાજુમાં કાથીના ખાટલામાં દિવસભરની કારકુની કરીને થાકી ગયેલા એના પિતા નસકોરાં બોલાવી રહ્યા હતા. જમીન પર પાથરેલી જૂની ગોદડીમાં બીમાર મા સૂતેલી હતી. નાનીબહેન બાજુના રસોડામાં પંદર વોટના બલ્બના અજવાળામાં એનું હોમવર્ક લખી રહી હતી. અને એક તેજસ્વી યુવાન ઈશ્વરને પૂછી રહ્યો હતો, ‘હે પ્રભુ! તું મારી જિંદગી સાથે આ કેવી અજબની રમત રમી રહ્યો છે! શું જોઇને તેં કુબેર જેવા ધનવાન શેઠની પુત્રીને મારા પ્રેમમાં પડવા માટે પ્રેરિત કરી દીધી? મારામાં એવું તે શું છે કે?’
રૂપાંતર રાવલમાં શું હતું એની સંપૂર્ણ જાણ વિસ્તૃતિને હતી. કદાચ ભગવાનને નહીં હોય એટલી જાણકારી એની પાસે હતી. ગરીબ માના પેટે જન્મેલો આ દીકરો સુદ્રઢ દેહનો સ્વામી હતો. ભણવામાં તેજસ્વી હતો. વિસ્તૃતિ સાથે એની પહેલી મુલાકાત ટેનિસ કોર્ટ પર થઇ હતી. મિકસ્ડ ડબલ્સમાં જોડી બનાવીને ટેનિસ રમતાં રમતાં ક્યારે એ બંને ‘લવગેમ’ રમી બેઠાં એની એમને જ ખબર ન રહી. રૂપાંતરની વાક્છટા અદ્ભુત હતી. કોલેજની નાટ્યસ્પર્ધામાં એ હંમેશાં અવ્વલ નંબરે રહેતો હતો. વિસ્તૃતિ આ ઝિંદાદિલ સોહામણા યુવાનને પોતાનું દિલ દઇ બેઠી. અસંખ્ય મુલાકાતો પછી એમનો પ્રેમ ગાઢ બની ગયો અને હાલ આવતી કાલે અંતિમ ચુકાદો જાહેર થવાનો હતો.
શેઠ કુબેરદાસના વિશાળ બંગલાના ડ્રોઇંગરૂમમાં બેઠાં બેઠાં રૂપાંતર આ બધું યાદ કરી રહ્યો હતો, ત્યાં એના કાન પર કોઇના ભારે ભરખમ પગલાંનો અવાજ સંભળાયો. વિસ્તૃતિ ધીમેથી બબડી ઊઠી, ‘બા-અદબ! બા-મુલાહેજા! હોશિયાર! મોહમ્મદ જલાલુદ્દીન અકબર તશરીફ લા રહે હૈ...’ ‘તું આવું બોલીને મારી નર્વસનેસમાં વધારો કરી રહી છે.’ રૂપાંતર ખરેખર ઢીલો પડી રહ્યો હતો, પણ એની હાલત પર વિસ્તૃતિને હસવું આવતું હતું.
શેઠ કુબેરદાસ આવ્યા. રૂપાંતરને જોયો. જમણો હાથ લંબાવીને એ બોલી ઊઠ્યા, ‘આવી ગયો, દીકરા! નાઇસ ટુ સી યુ. વિસ્તૃતિએ તારાં ખૂબ વખાણ કર્યા છે મારી આગળ. મને થયું કે લાવ, હું પણ તને મળીને ખાતરી તો કરંુ કે મારી દીકરીની પસંદ કેવી છે!’ ‘સર, તમારી દીકરીએ મારાં ખોટાં વખાણ કર્યા છે, હું તો એક સાધારણ પરિવારનો સામાન્ય યુવક છું.’ ‘એ મને નક્કી કરવા દે, બેટા! અને બીજી એક વાત ધ્યાનથી સાંભળી લે, તારે મને ‘સર’ કહીને નથી બોલાવવાનો. તું મારે મન દીકરા જેવો જ છે. વિસ્તૃતિની જેમ જ તું પણ મને ‘પપ્પા’ કહીને વાત કરી શકે છે.’
‘ભલે, સર... સોરી, પપ્પાજી...’ રૂપાંતરની હાલત જોઇને બાપ-દીકરી હસી પડ્યાં. એ પછી ચા આવી. ભોજનને ભુલાવી દે તેવી નાસ્તાની વાનગીઓ આવી. મીઠાઇઓના થાળ આવ્યા. રંગીન પીણાઓથી છલકાતા ગ્લાસ આવ્યા અને ગંભીર ચર્ચાનો દોર શરૂ થયો. શેઠ કુબેરદાસ રૂપાંતરને સમજાવી રહ્યા હતા, ‘જો, દીકરા! મારે સંતાનમાં એકમાત્ર દીકરી જ છે. એનાં લગ્ન પછી મારી તમામ સંપત્તિ અને ધંધાનો વારસો મારા જમાઇને મળવાનો છે. હું ઇચ્છું છું કે લગ્ન પછી તું અહીં આ બંગલામાં રહેવા આવી જાય. ના ન પાડીશ. તને જો ઘરજમાઇ તરીકે ઓળખવામાં શરમ આવતી હોય તો આ શહેરમાં આપણા દસ-બાર જેટલા બંગલાઓ છે, એમાંથી કોઇપણ બંગલામાં તમે રહી શકો છો. મારી તો એક જ ઇચ્છા છે કે મારી દીકરી ખુશ રહેવી જોઇએ.’ ‘તમારી ઇચ્છા હું સમજી શકું છું, પણ મારાં મમ્મી, પપ્પા, મારી નાની બહેન...?’
‘એ લોકો માટે એક નાનકડા મકાનની વ્યવસ્થા કરી દઇશું. દર મહિને ખર્ચાપાણીની રકમ આપી દઇશું. તમારાં મમ્મી-પપ્પા અને બહેન આપણી સાથે રહે એ સામાજિક રીતે સારું ન લાગે, માટે જ આ અલગ વ્યવસ્થા કરવી પડશે. બાકી એમની તમામ ચિંતાઓ આપણા માથે જ રહેશે. તમારે માત્ર બે જ વાતનું ધ્યાન રાખવાનું રહેશે, મારી દીકરીનું અને મારા ધંધાનું.’ પૂરા બે કલાક આ નવા ‘પપ્પાજી’ સાથે ગાળીને રૂપાંતર પોતાના ઘરે પાછો ફર્યો. એનો ઊતરી ગયેલો ચહેરો જોઇને એના પપ્પા સમજી ગયા કે રૂપાંતર ભયંકર ગડમથલમાં છે. એ રાત રૂપાંતર માટે કતલની રાત હતી. સતત આ બીજી રાત હતી જ્યારે એ ઊંઘી શકતો ન હતો. રાત્રે બે વાગ્યે એના પિતાજી એની પાસે આવ્યા. માથા પર હાથ ફેરવીને પૂછવા લાગ્યા, ‘દીકરા, શું થયું છે?’ રૂપાંતરે હૈયું ઠાલવી દીધું. શેઠ કુબેરદાસની શરતો વિશે વાત કરી દીધી.
‘બેટા, આટલી અમથી વાતમાં તું દુ:ખી થઇ ગયો? અમે તો હવે ખર્યું પાન છીએ. અમારા માટે તું તારો પ્રેમ ન ગુમાવીશ, તારું ભવિષ્ય ન બગાડીશ. શેઠજીને હા પાડી દેજે. ગરીબો પાસે પસંદગીનો અધિકાર નથી હોતો, દીકરા!’ ‘ના, પપ્પા! ગરીબો પાસે ભલે પસંદગીનો અધિકાર નથી હોતો, પણ આત્મસન્માનનો એકમાત્ર વૈભવ જરૂર હોય છે. મારાં માબાપને છોડવાથી જો મને સ્વર્ગની અપ્સરા અને બ્રહ્નાંડભરનું ઐશ્વર્ય મળતું હોય તોયે એ મને નથી ખપતું. હું કાલે જ સ્પષ્ટતા કરી દઇશ.’ આ નિર્ણય પર આવ્યા પછી જ રૂપાંતરને ઊંઘ આવી શકી.
સવારે રૂપાંતર વિસ્તૃતિને રૂબરૂમાં મળ્યો, બધી સ્પષ્ટતા કરી અને પછી આટલું જ પૂછ્યું, ‘તારા પપ્પાની તમામ વાતો મને મંજૂર છે. એમની જાયદાદ, એમનો ધંધો, ખુદ એમનું પોતાનું પૂરેપૂરું ધ્યાન આપણે રાખીશું, પણ બદલામાં તારે મારી એક વાત માનવી પડશે. જો તું મને સાચો પ્રેમ કરતી હોય તો તારો ભવ્ય બંગલો છોડીને તારે મારી સાથે એક નાનકડા મકાનમાં રહેવા માટે આવી જવું પડશે. આપણે બે બેડરૂમનું એક મકાન બેંક લોન પર લઇ લઇશું. એમાં મારાં મમ્મી, પપ્પા, બહેન અને હું તથા તું જીવનભર સાથે રહીશું. બોલ, વિસ્તૃતિ, યે શાદિ કુબૂલ હૈ?’ ‘હાં જી! કુબૂલ હૈ... કુબૂલ હૈ... કુબૂલ હૈ...!’ વિસ્તૃતિએ કહ્યું અને બે પંખીડાં હસી પડ્યાં.
Comments
Post a Comment
Thanx For Comment