પત્નીનું અકાળે અવસાન થયું તે પછી કામાંધ બનેલા આધેડ વયના શેઠને પોતાની વાસનાની બહુ ભારે કિંમત ચૂકવવી પડી. અને એક દિવસ...
પરાગ રોડ લાઇન્સવાળા નગીનદાસશેઠની પત્ની ધર્મિષ્ઠાબહેનના આકસ્મિક મૃત્યુથી સુજાનગઢના તમામ વેપારીઓએ વેપાર બંધ રાખીને શોક જાહેર કર્યો હતો, કારણ ધર્મિષ્ઠાબહેન અતિ માયાળુ અને નામ પ્રમાણે ધાર્મિક સ્વભાવનાં હતાં. નગીનદાસશેઠ ટ્રાન્સ્પોર્ટના બિઝનેસમાં સારુંએવું કમાયા હતા. એમના બે પુત્રોમાં મોટો પરાગ કમ્પ્યુટર એન્જિનિયર તરીકે હૈદરાબાદ હતો અને નાનો રાજુ કેનેડા સેટ થઈ ગયો હતો. એ બંને એમની મમ્મીની અંતિમક્રિયા પતાવીને ગયા. એમણે નગીનદાસને આવવા કહ્યું, પણ એ તૈયાર ન હતા.
છેલ્લાં પાંચેક વર્ષથી એમણે ટ્રાન્સ્પોર્ટનો બિઝનેસ સમેટી લીધો હતો. ધર્મિષ્ઠાબહેન અને એ બંને પતિપત્ની નિવૃત્ત જીવન સુખેથી જીવી રહ્યાં હતાં. એમાં નગીનદાસની તંદુરસ્તી સારી હતી, પણ એમની કામુકવૃત્તિ ધર્મિષ્ઠાબહેનને ગમતી ન હતી. પરાગ અને રાજુએ નીકળતાં પહેલાં એમના એક જૂના ડ્રાઇવર બળવંતની કોઈ દૂરની સગી ચંદા નામની બાઈને કામ પર રાખતા ગયા હતા. ચંદાનો વર એક કારખાનામાં ચોકીદાર હતો. એ એના પગારની રકમ મોટે ભાગે જુગારમાં રમી જતો હતો. ચંદાને એક પુત્રી જ્યોતિ હતી. જ્યોતિ યુવાન, સુંદર અને ચતુર હતી. હાઇસ્કૂલમાં બારમામાં ભણતી હતી. નગીનદાસ શેઠે ચંદાની દીકરીને મદદ કરવાના બદલામાં ચંદાને વશમાં કરી લીધી.
થોડા દિવસો પછી ચંદાને તાવ આવતાં એ બે દિવસ કામે ન આવી, તો નગીનદાસ રઘવાયા થઈ ગયા. ચંદાને બોલાવવા માટે એમણે ત્રણ-ચાર ફોન કર્યા, ત્યારે બીમાર ચંદાએ નાછૂટકે જ્યોતિને કામે મોકલી, પણ વાસનામાં અંધ બનેલા નગીનદાસને તો જ્યોતિ પ્રથમ નજરે ગમી ગઈ. એક દિવસ ચાલુ વરસાદે જ્યોતિ આવી, એનાં ભીનાં વસ્ત્રોમાંથી એનું જોબન છલકાઈ રહ્યું હતું. એ જોતાં જ નગીનદાસે ટુવાલ આપી અંદરના રૂમમાં જઈ કપડાં કોરાં કરવાનું જ્યોતિને કહ્યું. જેવી જ્યોતિ ટુવાલ લઈને રૂમમાં પ્રવેશી એ સાથે જ અસાવધ જ્યોતિને નગીનદાસે આવીને બાહુપાશમાં જકડી લીધી. જ્યોતિ ફફડી ઊઠી. એણે જોર કરીને, બૂમ પાડી.
ભાગ્ય જોગે નજીકની કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો યુવાન ત્યાંથી નીકળ્યો. બૂમ સાંભળી એ ગેટ ખોલીને અંદર દોડી આવ્યો. એણે અંદરનું દૃશ્ય જોઈને જ્યોતિને છોડી દેવાનું કહેતો પડકારો કર્યો. કામાંધ નગીનદાસ પેલાને જોતાં જ ગુસ્સામાં કાળઝાળ થઈ ઊઠ્યા. એમણે તરત કબાટ ખોલીને રિવોલ્વર કાઢીને યુવાન સામે તાકીને કહ્યું, 'જીવ વહાલો હોય તો ભાગ અહીંથી, નહીંતર...’
ડરનો માર્યો યુવાન બહાર નીકળી ગયો. ત્યાં પુન: એક ચીસ ઊઠી. એ સાથે બે ફાયર થયા. એ સાથે જ યુવાન પુન: અંદર દોડી ગયો, તો નગીનદાસ લોહીથી લથબથ ફરસ પર પડ્યા હતા. એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. એક સ્ત્રી, જ્યોતિને સાંત્વના આપી રહી હતી, એના હાથમાં રિવોલ્વર હતી.
મામલો સમજી જતાં પેલો યુવાન સીધો ચકલા ગેટ પોલીસસ્ટેશન આવ્યો અને સંપૂર્ણ ઘટના વર્ણવીને સ્ત્રીએ કરેલા ખૂનની વાત કરી. પીઆઇ જગમાલ ઠાકોર એમની ટીમ સાથે પેલા યુવાનને લઈને ઘટનાસ્થળે આવી પહોંચ્યા. તો પેલી સ્ત્રી અને જ્યોતિ ચાલ્યાં ગયાં હતાં. રિવોલ્વર ટેબલ પર પડી હતી. નગીનદાસની લાશ જોતાં જ ઠાકોરસાહેબ શેઠને ઓળખી ગયા. 'એમનું ખૂન કોણે કર્યું હશે? શા માટે કર્યું હશે?’ એ બોલ્યા. ત્યારે યુવાને ખુલાસો કરતાં પુન: કહ્યું, 'સાહેબ, તમે જેને શેઠ કહો છો એ મહાશય છોકરી પર બળજબરી કરી રહ્યા હતા.
છોકરીની ચીસ સાંભળી હું ઘરમાં ગયો તો શેઠે રિવોલ્વર કાઢી મારી સામે તાકી મારી નાખવાની ધમકી આપી. તેથી ડરનો માર્યો હું બહાર નીકળી ગયો, ત્યાં ફરી પેલી છોકરી ચીસો પાડવા લાગી ને થોડી વારે બે ફાયરિંગના અવાજ આવતાં હું પુન: અંદર ગયો તો પેલી છોકરી ભાગી છૂટી અને મે જોયું તો એક સ્ત્રીના હાથમાં રિવોલ્વર હતી.’ 'તું એ સ્ત્રીને અને છોકરીને ઓળખે છે?’ 'નહીં સાહેબ.’
'તું ત્યાં શું કરવા ગયો હતો?’ 'હું નજીકની કોલેજમાં એ.ટી.ડી.નો કોર્સ કરું છું. તેથી ત્યાંથી પસાર થતો હતો.’
'ગુડ, તો તેં એ સ્ત્રીને જોઈ છે એટલે તને એનો સ્કેચ બનાવતાં આવડશે જ. તું ડ્રોઇંગનું જ કરે છે ને?’ 'યસ સર.’
'તો સાંજ સુધીમાં તું એ ખૂની સ્ત્રીનો સ્કેચ બનાવી ઓફિસે પહોંચાડી દેજે.’ ઠાકોરસાહેબે પછી જરૂરી કાર્યવાહી કરીને લાશ ર્મોગમાં મોકલી આપી. સાંજ સુધીમાં નગીનદાસનો પુત્ર પરાગ એનો પરિવાર અને અન્ય સગાઓ આવી પહોંચ્યાં. ત્યારે શેઠની અંતિમક્રિયા થઈ. રાત્રે પીઆઇ ઠાકોરસાહેબે પેલા યુવાને બનાવેલો ખૂની સ્ત્રીનો સ્કેચ પરાગને બતાવતાં કહ્યું, 'મિ. પરાગ, તમારા પિતાનું ખૂન કરનારી સ્ત્રીનો આ સ્કેચ છે. જે બનાવનારે નજરે તેને જોઈ છે.’
સ્કેચ જોતાં જ પરાગ દિગ્મૂઢ બની રહ્યો. અવાક એને આખા શરીરે પસીનો છૂટી રહ્યો. એ ફરસ પર ઢગલો થઈ ઢળી પડ્યો. બેહોશ થઈને. કારણ એ સ્કેચ બીજા કોઈનો નહીં પણ એમની મૃતક મા ધર્મિષ્ઠા બહેનનો હતો.'
Comments
Post a Comment
Thanx For Comment