પ્રેમની હાઈટ-બોડી અને વ્યક્તિત્વમાં જબરું આકર્ષણ હતું. તેનો પરિવાર ગર્ભશ્રીમંત હતો. તેના મોટા ભાઈ પિતાને બિઝનેસમાં મદદ કરતા. પ્રેમ કોલેજમાં અભ્યાસ કરતો હતો. કોલેજ બાદ મિત્રો સાથે ધિંગા-મસ્તી અને રખડપટ્ટી કરતો, પરંતુ તેને એક જવાબદારીનું કામ સોંપવામાં આવ્યું હતું, તે હતું તેના મોટા ભાઈની દીકરી નિશાને દરરોજ ટાઈમસર સ્કૂલે મૂકવા અને લેવા જવાનું.
સવારે સ્કૂલે મૂકીને તે કોલેજ નીકળી જાય અને સ્કૂલ છૂટે તેની દસ-પંદર મિનિટ પહેલાં તે સ્કૂલના ગેટની બહાર બાઈક પાર્ક કરીને બેસતો. એક વાર તેની બરાબર બાજુમાં એક યુવતી સ્કૂટી લઈને આવી. તે ખૂબ જ સુંદર લાગતી હતી. દૂધ જેવો ગોરો વર્ણ,અણિયાળી કાજળ આંજેલી આંખો, ઘાટીલું નાક, લવચીક ગાલ, પરવાળા જેવા સુંદર લાલ હોઠ, કાળા રેશમી વાળ અને ઘાટીલું શરીર. એકીટસે તે યુવતી સામે જોઈ રહેલો પ્રેમ મનોમન વિચારવા લાગ્યો કે, આવી સુંદર યુવતી તો તેણે ક્યારેય નથી જોઈ, કદાચ આનાથી સુંદર સ્ત્રી આ દુનિયામાં બીજી કોઈ હશે જ નહીં. એટલામાં બેલ પડયો અને સ્કૂલ છૂટી. તે યુવતી પોતાના દીકરાને લઈને જતી રહી.
એક વાર તે યુવતીનો દીકરો નિશા અને પ્રેમને બાયબાય કરી રહ્યો હતો. આ સમયે પ્રેમ અને તે યુવતીએ એકબીજાની સામે જોઈને હળવું સ્મિત કર્યું. પ્રેમે કહ્યું કે 'ખૂબ જ હોશિયાર છોકરો છે. તમે તેનાં માસી છો કે ફોઈ?' તે યુવતીએ કહ્યું, 'ના, હું તો તેની મમ્મી છું.'આશ્ચર્ય સાથે પ્રેમે કહ્યું કે, 'ખરેખર તમને જોઈને કોઈ કહે જ નહીં કે તમે એક છોકરાની મમ્મી છો.' આટલું કહીને પ્રેમે પોતાની ઓળખ આપી. ત્યારબાદ તે યુવતીએ પોતાની ઓળખ આપી કે મારું નામ કેતકી છે, મારા પતિ તેમની કંપનીના પ્રોજેક્ટ માટે અમેરિકા ગયા છે. મારું ઘર અહીં નજીકમાં જ છે વગેરે.
આ રીતે બંનેની એકબીજા સાથે ઓળખાણ થઈ. ધીરે-ધીરે તેમની વચ્ચે મિત્રતા થઈ. પ્રેમ નિશાને સ્કૂલે મૂકીને અવારનવાર કેતકીના ઘરે જતો. કેતકીનું નજીકનું કોઈ સગું-વહાલું અમદાવાદમાં નહોતું તેથી કેતકી બહુ એકલતા અનુભવતી, પરંતુ પ્રેમને કારણે તેની એકલતા દૂર થઈ ગઈ. તેની સૂની દુનિયામાં ફરી કલરવ થવા લાગ્યો. ધીરે-ધીરે પ્રેમ નિશાને સ્કૂલે મૂકીને કોલેજ જવાને બદલે કેતકીના ઘરે જ જતો. પ્રેમ અને કેતકી ખૂબ મજાક-મસ્તી કરતાં.
એક દિવસ ટીવી જોવાની બાબતે બંને વચ્ચે રિમોટની ખેંચતાણ શરૂ થઈ, તે દરમિયાન બંનેને એકબીજાના શરીરનો સ્પર્શ થયો. આ સ્પર્શ બંને માટે રોમાંચક હતો. કેતકીને લાંબા સમયે પુરુષની હૂંફ અને પ્રેમે જુવાન સ્ત્રીનાં કોમળ અંગોનો સ્પર્શ પહેલી વાર અનુભવ્યો. તેને કારણે બંનેનાં શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. ધીરે-ધીરે બંને ભાન ભૂલીને ગાઢ આલિંગનમાં ઓતપ્રોત થઈ ગયાં. બેઉએ તમામ મર્યાદાઓ વટાવીને સહવાસ માણ્યો. ત્યારબાદ તો તે ધીરે-ધીરે ક્રમ જ બની ગયો. આ રીતે ચારેક મહિના વીતી ગયા.
કંપનીનો પ્રોજેક્ટ પૂરો થતાં કેતકીનો પતિ ઘરે પરત ફર્યો. તેથી પ્રેમ અને કેતકીનું મળવાનું બંધ થયું, હવે તો કેતકી તેના દીકરાને લેવા સ્કૂલે પણ નહોતી આવતી. આ રીતે અઠવાડિયું વીતી ગયું. કેતકીને મળવા બેબાકળો બનેલો પ્રેમ તેને સતત ફોન કરતો અને મળવા બોલાવતો. પતિનો પ્રેમ જોઈને તેને પોતાની ભૂલ સમજાઈ અને પસ્તાવો કરવા લાગી. તેણે પ્રેમને કહી દીધું કે જે થયું તે આપણી ભૂલ હતી. હવે હું આપણાં સંબંધોનો અહીં જ સમાપ્ત કરવા માંગુ છું, પરંતુ પ્રેમ જો તું મને નહીં મળે તો હું તારા પતિને આપણાં સંબંધો વિશે જણાવી દઈશ કહીને કેતકીને બ્લેકમેલ કરવા લાગ્યો. શું કરવું તેના વિચારમાં કેતકી મનમાં ને મનમાં મૂંઝાવા લાગી.
પ્રેમે નક્કી કરેલી જગ્યા અને સમયે કેતકી તેને મળવા માટે પહોંચી. પોતાને વશ ન થનાર કેતકીને પ્રેમે ફરીથી ધમકી આપી કે હું તારા પતિને જણાવી દઈશ. તે કેતકીને બળજબરી આલિંગનમાં જકડવા માંગતો હતો કે ત્યાં જ કેતકીના પતિએ આવીને પ્રેમને બે તમાચા લગાવી દીધા. તેણે કહ્યું તું મને શું કહેતો હતો, કેતકીએ મને બધું જ જણાવી દીધું છે. એની ભૂલ તો મેં માફ કરી દીધી છે,પરંતુ હવે પછી તેં કેતકી સામે જોયું પણ છે તો જેલના સળિયા પાછળ ધકેલાવી દઈશ.
આટલું ન ભૂલશો
* અજાણી વ્યક્તિ સાથે સંબંધ કેળવવો જોઈએ નહીં.
* એકલા હોઈએ ત્યારે કોઈ પણ પુરુષને ઘરે બોલાવવાનું ટાળવું જોઈએ.
* જ્યારે બાબત એવી હોય કે કોઈને જણાવી શકાય તેમ ન હોય ત્યારે પોતાના જીવનસાથીને તે અચૂક જણાવવી જોઈએ.
* એક વાતનું ધ્યાન રાખો કે તૂટેલી મર્યાદાઓને જોડી શકાતી નથી.
Comments
Post a Comment
Thanx For Comment