યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
મારું નામ આયુષી છે. હું ૨૬ વર્ષની યુવતી છું. હું એક કંપનીમાં નોકરી કરું છું. ભાવેશ નામનો એક યુવક મારી સાથે નોકરી કરતો હતો. અત્યારે અમે બન્ને અલગ અલગ ઓફિસમાં નોકરી કરીએ છીએ. ભાવેશે મને આજથી દોઢ વર્ષ પહેલાં પ્રપોઝ કર્યું હતું. મને ભાવેશ ગમતો હતો, પણ તે પરિણીત હોવાથી મેં તેની સાથે કોઈ પણ જાતનો સંબંધ સ્વીકાર્યો નહોતો. ભાવેશ મારી પાછળ પડી ગયો અને જીદ કરીને આખરે મને મનાવી લીધી. ત્યારથી લઈને આજ દિન સુધી અમારી વચ્ચે ફોન પર વાતો અને એસએમએસથી ચેટિંગ ચાલતાં રહ્યાં છે.
ભાવેશ અંગે હું એવું માનતી હતી કે તે મારી સાથે ટાઇમપાસ કરવાના ઇરાદે સંબંધ રાખવા માંગે છે. જોકે, અમારો સંબંધ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ મને અહેસાસ થતો ગયો કે તે ખરેખર મને દિલથી ચાહે છે. હું બીજા કોઈ મિત્ર કે ઓફિસ કલિગ સાથે વાતો કરું એ પણ તેનાથી સહન થતું નથી. હવે તો અમે એક ઓફિસમાં નોકરી નથી કરતાં છતાં પણ તે જ્યારે જાણે કે હું કોઈ અન્ય પુરુષ સાથે વાત કરતી હતી ત્યારે તે મારા પર ગુસ્સે થાય છે અને ક્યારેક નાનો ઝઘડો પણ થઈ જાય છે. થોડા સમય પહેલાં આ મામલે જ અમારી વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે નારાજ થયો હતો.
અમારા સંબંધમાં બીજી એક સમસ્યા એ આવી છે કે ભાવેશની પત્નીએ તેના મોબાઇલમાંથી મેં કરેલા એસએમએસ વાંચી લીધા હતા અને તેણે ભાવેશ સાથે ઝઘડો કર્યો હતો. મારા લીધે તેના લગ્નજીવનમાં બહુ બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ ગયા છે. આને કારણે ભાવેશ હવે મારી સાથે સરખી રીતે વાત કરતો નથી અને નાની નાની વાતમાં ગુસ્સો કરવા લાગે છે. મેં તેને તેની વાઇફ સાથેના ઝઘડા અંગે પૂછવાનો પ્રયાસ કર્યો, પણ તે કોઈ વાત મને કરવા માંગતો નથી અને ગુસ્સે થઈને ફોન કાપી નાખે છે.
હું ભાવેશને પ્રેમ કરું છું, પરંતુ તેની પાસે કોઈ હક જતાવવા માંગતી નથી. હું એવું બિલકુલ નથી ઇચ્છતી કે મારે કારણે એના લગ્નજીવનમાં કોઈ પ્રોબ્લેમ્સ ઊભા થાય. મારે કારણે ભાવેશ તેની પત્નીને છૂટાછેડા આપી દે એવું પણ હું ઇચ્છતી નથી. હું ભાવેશને આ અંગે બહુ સમજાવું છું, પણ એ કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી ત્યારે સમજવાની તો વાત દૂર રહી. તે રોજ મારી સાથે ત્રણ-ચાર વખત વાત જરૂર કરે છે, પણ આ મામલે કોઈ વાત કરું તો તરત ગુસ્સો કરવા લાગે છે.
ભાવેશ મારા વિના રહી શકતો નથી. મને પણ તેના વિના ગમતું નથી, પરંતુ અમારા સંબંધને કારણે તેની બદનામી થાય એવું કશું કરવા માંગતી નથી. ભાવેશ અને તેની પત્નીનો મામલો તેનાં મમ્મી-પપ્પા સુધી પહોંચી ગયો છે અને તેના પપ્પાએ ભાવેશને સમજાવ્યો ત્યારે તેણે ઝઘડો કરીને ઘર પણ છોડી દીધું છે અને હવે પત્ની સાથે અલગ રહેવા લાગ્યો છે, પણ તેના લગ્નજીવનમાં હજુ સખળડખળ ચાલ્યા કરે છે એવું મને લાગે છે.
હું ઇચ્છું છું કે હું તેના જીવનમાં પ્રવેશી એ પહેલાં તેને બધા સાથે જેવા સંબંધો હતા તેવા જ સંબંધો ફરી ઊભા કરી દેવા છે. મારે એના બધા સંબંધો પહેલાં જેવા જ કરી દેવા છે. મને સમજાતું નથી કે આ બધું હું કઈ રીતે કરી શકું? અમારા સંબંધોમાં જે સમસ્યાઓ પેદા થઈ છે, તેને કઈ રીતે દૂર કરું? ભાવેશ આ અંગે કશી ચર્ચા કરતો નથી એટલે મને કંઈ સૂઝતું નથી. શું મારે ભાવેશની પત્ની કે તેના પરિવારજનો સાથે વાત કરવી જોઈએ? હું ભાવેશ સાથે પણ સારા-આત્મીય સંબંધો જાળવી રાખવા માગું છું, તો મારે શું કરવું જોઈએ?
લિ. આયુષી
પ્રિય આયુષી,
તમારા પત્ર પરથી સ્પષ્ટ છે કે તમે પોતે સમજો જ છો કે ભાવેશના પારિવારિક જીવનમાં જે કંઈ ઝંઝાવાતો આવ્યા છે, તેના માટે તમે જ કારણભૂત છો. હા, કારણભૂત ભલે તમે છો પણ જવાબદાર તો ભાવેશ જ છે, કારણ કે તે પરિણીત હોવા છતાં તેણે તમારી સાથે સંબંધો વિકસાવ્યા છે. ભાવેશની ભૂલને કારણે જ આજે તમે વ્યક્તિગત જીવનમાં અને ભાવેશ પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો છો. ભાવેશના ગુસ્સા પરથી પણ સ્પષ્ટ છે કે તેની પાસે પણ પોતાની ભૂલનો કોઈ જવાબ નથી. પોતે જ ઊભી કરેલી સમસ્યાનો કોઈ ઉકેલ નથી.
જોકે, તમે પોતે ઇચ્છતાં નથી કે તમારા સંબંધોને કારણે ભાવેશના દાંપત્યજીવનમાં કોઈ દખલ પેદા થાય મતલબ કે તમે ભાવેશ સાથેના પ્રેમસંબંધોને લગ્નબંધનમાં બાંધવાની આકાંક્ષા રાખતાં નથી, એવી સ્થિતિમાં તમારી સમસ્યાનો ઉકેલ ઘણો આસાન છે. અલબત્ત, તમે જો તેની સાથેના પ્રેમસંબંધોને જાળવી રાખવા માંગતા હોય તો સમસ્યા વધતી જ જશે. તમે અને ભાવેશ એકબીજાને ચાહતાં હોય અને એકબીજા વિના રહી શકતાં ન હોય તો કાં તો તમારે લગ્ન કરી લેવાં જોઈએ અને એ શક્ય ન હોય અથવા એના માટે તમારી તૈયારી ન હોય તો પછી તમારે એકબીજાનાં સુખીજીવનનો વિચાર કરીને આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. આ નિર્ણય તમારા અને ભાવેશ માટે કદાચ અઘરો હશે, છતાં તમારી સમસ્યાનો ઉકેલ ત્યારે જ શક્ય છે જ્યારે તમે એકબીજાની જિંદગીમાંથી બહાર નીકળી જાવ. હા, તમે ભાવેશની પત્ની કે તેના પરિવારજનોને મળવાની કોશિશ કરશો તો કદાચ તમારે તેમના રોષનો ભોગ બનવું પડે અને એવાં શબ્દો-વાક્યો સાંભળવાં પડે જેનાથી તમે દુઃખી થાવ, એટલે એવા પ્રયાસો કરવાને બદલે તમારા સ્તરે જ તમે સમસ્યાનો ઉકેલ લાવો. ભાવેશ તમારી સાથે સંબંધો રાખીને પોતાની પત્નીને ક્યારેય સુખી કે સંતુષ્ટ રાખી શકશે નહીં. તમે ભાવેશના લગ્નજીવનને પહેલાં જેવું જ બનાવવા માગતાં હોય તો તમારે પહેલાંની જેમ તેની જિંદગીમાંથી બહાર નીકળી જવું જરૂરી છે.
Comments
Post a Comment
Thanx For Comment