મોના બાળપણથી જ ખૂબ સુંદર લાગતી હતી. જેમ-જેમ તે જુવાન થઈ રહી હતી તેમ-તેમ તેના રૂપમાં આકર્ષણ ઉમેરાઈ રહ્યું હતું. ગોરો વર્ણ, ઘાટીલો લંબગોળ ચહેરો, અણિયાળું નાક, ગુલાબની પાંખડી જેવા હોઠ, જેના નશામાં ખોવાઈ જવાનું મન થાય તેવી લાંબી નશીલી આંખો, લાંબા કાળા વાળ, ઊંચું કદ અને જેને મેળવવા માટે યુવતીઓ સતત મથ્યા કરતી હોય છે તેવું ઝીરો ફિગર. શરીરના દરેક અંગ કોમળતાનો આભાસ કરાવે તેવા હતા.
કેટલીક ફ્રેન્ડ્સ મોનાને ઘણી વાર કહેતી કે, 'એક મોડેલ બનવા માટે જરૂરી રૂપ-રંગ અને ગુણ તારામાં છે, તું મોડેલિંગ શા માટે નથી કરતી?' શરૂઆતમાં તો તેણે આ વાતોને ધ્યાનમાં ન લીધી, પરંતુ ધીરે-ધીરે તેના મનમાં મોડેલ બનવાનો અભરખો જાગ્યો. મિસ કોલેજ કોમ્પિટિશનમાં તે પ્રથમ આવી. ત્યારબાદ તો તે કોલેજમાં સેલિબ્રિટી બની ગઈ. મોના મનોમન વિચારવા લાગી કે માત્ર કોલેજની એક સામાન્ય કોમ્પિટિશન જીતવાથી આટલી પ્રસિદ્ધિ મળતી હોય તો, ગ્લેમરની દુનિયામાં પગ મૂકું તો કેટલી બધી પ્રસિદ્ધિ મળે!
કોલેજમાં તેની મિત્રતા કમલ નામના એક છોકરા સાથે થઈ. તે થોડો સ્વચ્છંદ પણ સ્માર્ટ હતો. તેના પિતાની પ્રતિષ્ઠિત એડ એજન્સી હતી. તેમની એડ થકી ઘણી મોડેલોએ નામના મેળવી હતી. જ્યારે મોનાએ જાણ્યું ત્યારથી તેણે કમલ સાથેની મિત્રતા વધુ ગાઢ બનાવી. તેના મનમાં મિત્રતા સિવાય બીજું કંઈ ન હતું, જ્યારે કમલના મનમાં તો બીજું કંઈક જ ચાલી રહ્યું હતું. તેને મોના પ્રત્યે મિત્રતાની લાગણી કે પ્રેમ પણ નહોતો, તેને તો મોના સાથે એક રાત્રિનું સુખ માણવું હતું. મોના કમલને અવારનવાર કહેતી કે તારા ડેડીને કહીને મને એક એડમાં ચાન્સ તો અપાવ.
એક દિવસ કમલે ફોન કરીને મોનાને એક હોટલમાં ફોટોશૂટ માટે બોલાવી અને કહ્યું કે, 'અમારી કંપનીના બેસ્ટ ફોટોગ્રાફરને મેં બોલાવ્યો છે, તારો ફોટોશૂટ કર્યા પછી હું મારા ડેડીને વાત કરીશ કે તને એડમાં કામ આપે.'
આ સાંભળીને મોના ખુશીથી ઊછળી પડી અને નક્કી કરેલા સમયે તે હોટલમાં પહોંચી ગઈ. કમલ તેને હોટલમાં રાખેલા સ્યૂટમાં લઈ ગયો અને ફોટો શૂટ માટેના ડ્રેસીસ બતાવ્યા. ડ્રેસીસ જોઈને તેના મનમાં ફાળ પડી અને મુખાકૃતિ બદલાઈ ગઈ. આ ડ્રેસીસ માત્ર કહેવા પૂરતું શરીર ઢાંકે તેટલાં ટૂંકા હતાં. જેને પહેરીને અરીસામાં જોતાં પણ શરમ આવે. જ્યારે અહીં તો મેક-અપમેન,ફોટોગ્રાફર બધા જ હાજર હતા અને ટીમમાં કોઈ લેડિઝ પણ નહોતી.
ખચકાટ અનુભવતી મોનાને કમલે કહ્યું કે, મોડેલિંગની દુનિયામાં આ પ્રકારના ડ્રેસ ખૂબ સામાન્ય છે. બધી જ મોડેલો અને હિરોઈનોએ આગળ વધવા માટે આ પ્રકારના ફોટોશૂટ કરવા જ પડે છે, તેના વગર કામ મેળવવું શક્ય નથી. છેવટે મોનાએ શરમ બાજુ પર મૂકીને તે ટૂંકા ડ્રેસીસ પહેરીને ફોટોશૂટ શરૂ કર્યું.
એક ડ્રેસીસમાં ફોટોશૂટ કર્યાં પછી બીજો ડ્રેસ બદલવા માટે તે પોતાના રૂમમાં ગઈ. તેની પાછળ જ કમલ પણ ગયો અને ડુપ્લિકેટ ચાવી વડે દરવાજો ખોલીને રૂમમાં પ્રવેશ્યો. મોના કપડાં બદલી રહી હતી ત્યારે અચાનક પાછળથી આવીને કમલે તેને પકડી લીધી અને જબરદસ્તી તેને પલંગ સુધી ખેંચી ગયો. મોનાએ પ્રતિકાર કરતાં તેણે કહ્યું કે, 'મોના, ગ્લેમરની દુનિયામાં આવું બધં ચાલ્યા જ કરે, તારે સફળ મોડેલ બનવું છે કે નહીં?' તે મોના સાથે બળજબરી કરવા લાગ્યો, છેવટે મોનાએ બૂમાબૂમ શરૂ કરી, તેથી ગભરાયેલો કમલ ભાગીને રૂમની બહાર નીકળી ગયો.
આ ઘટના બાદ મોનાએ મોડેલિંગનો વિચાર પણ પોતાના મનમાંથી કાઢી નાખ્યો
Comments
Post a Comment
Thanx For Comment