હું શ્વાસ છું, તું વિશ્વાસ છો



આરુષીના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને બંને વચ્ચે હૂંફ અને સાંત્વનાનો સેતુ રચાયો. ઘડીભર સાવ અબોલ રહ્યાં. પછી પાછું તન્મયે ઋજુતાથી પૂછ્યું: 'બોલ આરુષી શું વાત છે?’ આરુષી કશું બોલ્યા વગર તન્મયના ખોળામાં માથું ઢાળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તન્મયના મનમાં સત્ય ઘોળાવા લાગ્યું.

આરુષી અને તન્મયના મેરેજ થયાને થોડા માસ થયા છે. એકબીજાને ભરપેટ પ્રેમ કરે છે. બંનેનો સુખી સંસાર છે. આમ કશી કમી નથી, પણ છેલ્લા દિવસોની આરુષીની ઉદાસી તન્મયથી અજાણ નથી રહી. એક પમરાટ કરતું પુષ્પ કરમાઇ, શરમાઇને સુગંધ વિહોણું થઇ જાય તે કેમ ચાલે? અને પુષ્પની ઓળખ જ તેની સુગંધમાં સમાયેલી છે. આરુષી તન્મયના જીવનમાં એક પુષ્પ બનીને આવી છે, તેના લીધે જીવનનું ઉપવન બાગબાગ થઇ ગયું છે. તન્મય કહે છે, 'તું મારો શ્વાસ છો, તારા વગર મારું જીવન હવે શક્ય નથી’ જે સાંભળે છે તે એમ કહે છે, વહુઘેલો થઇ ગયો છે.

સામે તન્મય ભાવ અને આદર સાથે કહે છે, 'મારી જીવનસંગિનીથી હું ઘેલો થાઉં. એમાં ખોટું શું છે’ તન્મયનો પ્રેમ દિવસે દિવસે દ્વિગુણીત થતો જાય છે તેમ આરુષીની અકથ્ય પીડામાં ઉમેરો થતો જાય છે. આરુષી માટે ન કહેવાય, ન સહેવાય તેવું છે. શું કરવું તે સૂઝતું નથી. મૂંઝવણ વધતી જાય છે. આરુષી સમજે છે, જો તન્મય માટે હું શ્વાસ છું તો વિશ્વાસ પણ છું અને તેને જાળવવાની જવાબદારી પોતાની છે. વિશ્વાસના વાહનમાં સહજીવન વિહરતું હોય છે.

આરુષીનું મન પ્રફુલ્લિત થાય તે માટે પુનિતવનમાં ફરવા આવ્યાં છે. આકાશ ખીલી ઊઠેલી સંધ્યા રાણીનું સૌંદર્ય આકંઠ પી રહ્યો છે. શીળા વાયુની લહેરખી શાતા બક્ષે છે. આરુષીને થઇ આવ્યું કે, જે છે તે કહી દેવું જોઇએ. જે આવતીકાલે થવાનું છે તે આજે અને અત્યારે ભલે થઇ જાય. પણ કહ્યા પછીના પરિણામથી આરુષી ધ્રૂજી જાય છે. વિચાર જ આટલો વિકરાળ હોય તો વાસ્તવિકતા કેવી વસમી હશે

એક પ્રકારનો ભાર લઇ બંને ઘેર આવ્યાં. તન્મય ગંભીર થઇ ગયો હતો. પોતે આરુષીને સાચવી નથી શક્યો, કશી અધૂરપ છે. સામે આરુષી એમ કહે, તન્મય તમે પૂર્ણપુરુષ છો. એક સ્ત્રી-અર્ધાંગના જે ઝંખતી તેનાથી સવાયું તમે આપો છો, જે પ્રશ્ન છે તે મારો છે. આમ કહેતો તન્મય તુરંત જ પ્રેમથી કહે, 'ગાંડી તારું અને મારું છોડ હવે આપણું છે એમ કહે, ચાલ સાથે બેસીને સોલ્વ કરીએ...’ પણ ધારીએ એટલું સરળ નથી.

જીવના ધસમસતા પ્રવાહમાં ઘણી ઘટનાઓ, બનાવો એક પથ્થરના જેમ પડી, વમળો પેદા કરતા હોય છે. તેને સેવ કે ડીલીટ પણ કરી શકાતા નથી. ખાસ કરીને યંગસ્ટર્સની ફાસ્ટલાઇફમાં જીવનનો લય તૂટી જાય કે હૃદયને હચમચાવી નાખે તેવા બનાવો બને છે. તેને સહન કે વહન કરવા મુશ્કેલ બને છે. આરુષી માટે આમ બન્યું છે, પોતાની ભૂલ માટે ભારોભાર પસ્તાવો થાય છે. જીવ કાઢી નાખવાનું મન થાય છે, પણ આવું કંઇક બન્યું હોય તો તેને મનમાં સંઘરી ન રાખો. સુપાત્ર સામે હૈયાની વ્યથાને ઠાલવો. કહ્યાં પછી તમે હળવાશ અનુભવશો અને તેનો યોગ્ય ઉકેલ લાવવા સર્વશક્તિ કામે લગાડી શકશો. ક્યારેક તો વ્યક્ત થવામાં જ તેનો ઉકેલ સમાયેલો હોય છે. આરુષી આ દિશામાં વિચારે છે, કોઇને કહેવું અને રસ્તો શોધવો.

બીજા દિવસે આરુષીએ તન્મયને કહ્યું: 'આપણે બંને એકબીજાની સ્થિતિ સમજીએ છીએ.’ આમ ઊઘડીને આરુષી વાત કરતી હતી તેથી તન્મયને વધુ ગમ્યું. આરુષીએ કહ્યું: 'મને બે દિવસ પિયરમાં જવા દો. બાકીનું આવીને કહીશ.’ આરુષીનું આમ કહેવું સાંભળી તન્મયનું તેજ હણાઇ ગયું. મનમાં શંકાનું એક બીજ રોપાઇ ગયું. સ્ત્રીની ઇર્ષા અને પુરુષની શંકા ભારે ખતરનાક હોય છે. તેનાથી મુક્ત રહી શકાય તો જગ જીત્યા.

આરુષી અચાનક પિયરમાં આવી. તેનાં મમ્મીને મનમાં ધ્રાસકો પડયો. ઝઘડીને પાછી આવી કે શુ? દીકરી ભલે કાળજાનો કટકો કે વહાલનો દરિયો હોય પણ સાસરેથી પાછી આવે તે ઘરમાં કોઇને ગમતું હોતું નથી, પણ આરુષીએ જ સામેથી કહી દીધું: 'મમ્મી, ચિંતા ન કરીશ સુખે-સુવાણે આવી છું.’ પછી બહેનપણીને ફોન કરીને કહ્યું: 'અગત્યનું કામ છે, મારે તને મળવું છે, પૂછવું છે, સલાહ લેવી છે.’

એક મેગા મોલમાં બંને મળે છે. હકીકત એવી છે કે આરુષીનાં અહીં મેરેજ થયાં તે પહેલાં એક યુવક સાથે તેને પ્રેમ હતો. જુવાનીના જોશમાં, હોશ ગુમાવી કોઇને ખબર ન પડે તેમ ર્કોટમાં કાયદેસર મેરેજ કરી લીધાં હતાં. આજકાલ આવું બહુ બનવા લાગ્યું છે. ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. યુવક-યુવતી ભાગે અને પાછળ તેનાં પરિવારજનો કશું કરવા બેસે ત્યારે ખ્યાલ આવે છે કે, ઘણા સમય પહેલાં મેરેજ થઇ ગયાં છે. મા-બાપનાં હથિયાર હેઠાં પડે છે, તેમનું ગળું દબાવીને મોં ખોલવાનું બને છે, અસહ્ય આઘાત અનુભવે છે.

પ્રેમ ભલે છુપાઇને કર્યો પણ મેરેજ જાહેરમાં, સ્વજનોની સાક્ષીમાં થવાં જોઇએ. તેથી તેમાં ટકાઉપણું આવે. આરુષીએ આખી હકીકત કહી સંભળાવી પછી પૂછ્યું, 'આવી સ્થિતિમાં હવે મારે શું કરવું?’ વાત સમજમાં આવતી નહોતી. આરુષીના આ છૂપા મેરેજને બે મહિ‌ના થયા હશે, વાસ્તવિકતા સામે પ્રેમનું બાષ્પીભવન થઇ ગયું. એકબીજા વગર રહી નહીં શકાય એવું સમજતાં હતાં પણ પછી તો સાથે નહીં રહી શકાય તેમ સમજી છૂટાં પડી ગયાં. આગ લાગે ત્યાં ધુમાડો નીકળે જ. તેનાં મમ્મીને ગંધ આવી ગઇ હતી, પણ કશું રંધાય અને ગંધાય એ પહેલાં સંધાઇ ગયું હતું.

સારા વર અને ઘરમાં મેરેજ થઇ ગયાં. મા-બાપે હાશકારો અનુભવ્યો, પણ આ ઘટના આરુષીને નિરાંતે ઊંઘવા દેતી નથી. પોતાનો આત્મા ડંખે છે થાય છે કે, પોતે છેતરપિંડી કરી છે. વિશ્વાસઘાત કર્યો છે. આવી એકાદ નાની સરખી ઘટના પણ વ્યક્તિના ભીતરમાં ધરબાઇને પડી હોય છે. યુવાનીના આવેગમાં ભૂલો થાય, સ્વાભાવિક છે, પણ તેને સમજપૂર્વક સ્વીકારી અને સુધારી લેવી પડે. હા, ઘણી ભૂલો સુધારવાની તક જ અપાતી નથી એ પણ હકીકત છે. બાકી ભૂલોને પેટમાં સંઘરી રાખશો તો નિરાંતે ઝંપવા નહીં દે.

તન્મય કશું જ કહ્યા વગર સામેથી ઘેર આવી ગયો હતો. તેને જોઇ આરુષી આંચકો ખાઇ, હેબતાઇ ગઇ. મોં પરથી નૂર ઊડી ગયું. તે કપાયેલી ડાળી માફક ધબ નીચે બેસી ગઇ. તેનાં મમ્મી ટેન્શનમાં આવી ગયાં, પણ સ્તબ્ધ થઇ ગયેલા વાતાવરણમાં થોડી જગા કરી તન્મયે કહ્યું: 'હું જાણું છું, મને બધી ખબર છે.’

મમ્મી-દીકરી અધ્ધરજીવે તન્મય સામે જોઇ રહી. તેમનો શ્વાસ હેઠો બેસે પણ વિશ્વાસ બેસતો નહોતો. તન્મયે શાંતિથી કહ્યું: 'આ વાત અહીં જ ખતમ કરી દો, આરુષી તું પણ મનમાંથી કાઢી નાખ.’ આરુષીના જીવમાં જીવ આવ્યો. તેનાં મમ્મી આંખો બંધ કરી ઇષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યાં, પણ આ વાત અહીં ખતમ થતી નથી. હવે જ ખરેખર શરૂ થાય છે. આરુષીએ ખોટું તો કર્યું જ છે. હવે ઘડીભર માની લ્યો કે, આરુષી અથવા તન્મયની જગ્યાએ તમે છો, તો તમે શું કરો? છોડી દો, માફ કરો કે સઘળું મનમાં જ સંઘરી રાખો?'

Comments