તે જાહ્નવીને બળજબરી ચુંબન કરવા લાગ્યો



જાહ્નવી અને પ્રિયેશને જોઈને ખરેખર એ વાત માનવી જ પડે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. જાહ્નવી પરી જેવી સુંદર, નાજુક અને નમણી હતી જ્યારે પ્રિયેશ પણ દેવરૂપ જેવો સ્માર્ટ અને હેન્ડસમ હતો. પ્રિયેશ સાથે જાહ્નવીની મુલાકાત કોલેજમાં થઈ હતી. ત્યારબાદ મિત્રતા થઈ, જે ધીરે-ધીરે પ્રેમમાં પરિણમી. બંનેનો પરિવાર સુખી-સમૃદ્ધ અને શિક્ષિત હતો. સંતાનો હવે પોતાનો નિર્ણય જાતે લઈ શકે એમ છે, તેમની ખુશીમાં જ આપણી ખુશી તેમ સમજીને બંનેનો પરિવાર તેમનાં લગ્ન માટે રાજી થઈ ગયો અને ધામધૂમથી સગાઈ કરી આપી.
જાહ્નવીએ જ્યારથી પ્રિયેશ સાથે મિત્રતા કેળવી ત્યારથી જ તેમની બહેનપણીએ તેમને ્પ્રિયેશને લઇને ચેતવી હતી, પરંતુ જાહ્નવીની આંખે પ્રેમના પાટા પડેલા હતા, તેમનાં લગ્નને હજુ બે વર્ષ જેટલો લાંબો ગાળો બાકી હતો. જોકે સગાઈ પછી બંનેને સાથે હરવા-ફરવાની સ્વતંત્રતા હતી. પ્રિયેશ ઘણી વાર જાહ્નવીને એકાંત મળી રહે તેવા સ્થળે લઈ જતો અને આગળ વધવા પ્રયત્ન કરતો,પરંતુ જાહ્નવી તેને મર્યાદા ઓળંગતા અટકાવતી, પ્રિયેશની ધીરજ ખૂટી રહી હતી. તેને તો જાહ્નવી સાથે પ્રણયફાગ ખેલવા હતા,પ્રિયેશની બીજી કુટેવોને જાહ્નવી ધીરે-ધીરે સમજવા લાગી હતી. એક દિવસ કંટાળીને જાહ્નવીએ તેનાથી અલગ થઈ જવાનો નિર્ણય કર્યો. તેણે પ્રિયેશ સાથેની સગાઈ તોડી નાખી. છતાં પણ તે જાહ્નવીને ફોન કર્યે રાખતો. એક દિવસદયામણા ચહેરે પ્રિયેશે કહ્યું, 'જાહ્નવી, આપણે મિત્ર તો રહી જ શકીએ ને પ્લીઝ, હું તારી મિત્રતા ગુમાવવા નથી માગતો.'
છેવટે પીગળીને જાહ્નવીએ પ્રિયેશની મિત્રતાના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો. બંને વચ્ચે પહેલાં જેવી મિત્રતા થઈ ગઈ. પ્રિયેશે જાહ્નવી આગળ માત્ર કાચિંડાની જેમ રંગ જ બદલ્યો હતો. તેના મનમાં ખોટ હતી. તેને તો હજુ પણ જાહ્નવીને યેનકેન પ્રકારે ભોગવવામાં જ રસ હતો. એક દિવસ તેણે ફોન કરીને જાહ્નવીને કહ્યું, 'અમારા ફાર્મહાઉસમાં પાર્ટી રાખી છે. તું આવીશ તો મને ગમશે.' તેણે પહેલાં તો ના જ કહી, પરંતુ પાછળથી તે પાર્ટીમાં જવા તૈયાર થઈ ગઈ.
તે નક્કી કરેલા સમયે પ્રિયેશના ફાર્મહાઉસ પર પહોંચી. તેણે દરવાજો ખટખટાવ્યો. પ્રિયેશે દરવાજો ખોલ્યો અને જાહ્નવી અંદર પ્રવેશી. તેણે જોયું કે હાઉસમાં તો કોઈ જ નથી. તે કંઈ બોલે તે પહેલાં જ પ્રિયેશે કહ્યું કે, 'જાહ્નવી, હું તને ખૂબ પ્રેમ કરું છું, હું તને નહીં ભૂલી શકું. પ્લીઝ મને ફરીથી અપનાવી લે.' કહીને તે જાહ્નવીને બળજબરી ચુંબન કરવા લાગ્યો અને પોતાના બાહુપાશમાં જકડી લીધી.
જાહ્નવીએ પોતાની જાતને છોડાવીને પ્રિયેશને એક તમાચો લગાવી દીધો અને કહ્યું કે, 'તારી સાથે લગ્ન ન કરવાનો મારો નિર્ણય પહેલાં પણ સાચો હતો અને હજુ પણ સાચો જ છે.'
આટલું કહીને તે ત્યાંથી ચાલી નીકળી.
આટલું ન ભૂલશો
* કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન મૂકવો જોઈએ.
* તમે ભલે તમારા નિર્ણયો જાતે લઈ શકો તેમ હો, છતાં પણ વડીલોને સાથે રાખવા જોઈએ.
* સંબંધોનો એક વાર અંત આણ્યા પછી, તેને ફરીથી ન વિક્સાવવામાં જ ભલાઈ છે.
* એવું ભલે કહેવાતું હોય કે પ્રેમ પ્રથમ દૃષ્ટિએ થાય છે, પરંતુ વાસ્તવમાં પ્રેમસંબંધને પણ સમય આપવો જોઈએ.  

Comments