‘અમારા પપ્પાજી મૃત્યુ પામ્યા એની પાછળ સ્પષ્ટપણે અમને તો ડોક્ટરની લાપરવાહી રહેલી દેખાય છે. પપ્પા સાવ જ તંદુરસ્ત અને હરતાફરતા હતા. માત્ર એમને પ્રોસ્ટેટની તકલીફ હતી. એક મોટી કોર્પોરેટ હોસ્પિટલના યુરોસર્જને કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. અમે કરાવ્યું.’ મારી સામે બેઠેલા અંગત શાહ આજે લગભગ બે વર્ષ પછી એમના પરિવાર માથે તૂટી પડેલા આસમાનની વાત યાદ કરી રહ્યા. બાજુમાં એમની પત્ની ઉક્તિ શાહ પણ હતી.
અંગત અને ઉક્તિ અત્યારે ખુશ હતાં, પણ એમની ખુશીની ફરતે ગમગીનીનું આવરણ ચડેલું હતું. એમની હાલની ખુશીનું કારણ એમના પરિવારમાં થયેલા નવા જીવનો ઉમેરો હતું. હજુ સાત દિવસ પહેલાં જ ઉક્તિએ મારા નર્સિંગ હોમમાં પુત્રને જન્મ આપ્યો હતો. નોર્મલ ડિલિવરી હતી એટલે માત્ર ચોવીસ જ કલાકમાં મેં મા-દીકરાને ડિસ્ચાર્જ આપી દીધો હતો. આજે એ લોકો ફોલો અપ તપાસ માટે આવ્યાં હતાં અને અચાનક આજથી બે વર્ષ પૂર્વે બની ગયેલી એક દુ:ખદ ઘટના વિશે વાત ઉખેળી બેઠાં.
મેં જે યુરોસર્જનને જિંદગીમાં ક્યારેય જોયો પણ ન હતો, એનો બચાવ કરતાં આ દલીલ રજુ કરી, ‘આમાં ડોક્ટરની લાપરવાહી ક્યાં આવી? તમારા પિતાજીને પ્રોસ્ટેટની તકલીફ ઊભી થઈ, ડોક્ટરે સર્જરીની સલાહ આપી, તમે ઓપરેશન માટે સંમત થયા, એણે ઓપરેશન કરી આપ્યું, આટલે સુધી તો લાપરવાહીનો ‘લ’ પણ મને ક્યાંય દેખાતો નથી.’
‘હા, પણ હવે પછી જે દેખાશે. એમાં માત્ર લાપરવાહી જ હશે, માનવતાનો અંશમાત્ર નહીં હોય.’ આટલું બોલીને અંગત શાહ બે વર્ષ પહેલાંની એ આઘાતજનક પળોમાં સરી ગયા, ‘ઓપરેશન થિયેટરની બંધ દીવાલો વચ્ચે શું બન્યું એ ભગવાન જાણે! જ્યારે સ્ટ્રેચર-ટ્રોલી પર સૂતેલા મારા પપ્પાને બહાર લાવવામાં આવ્યા ત્યારે એમની હાલત ગંભીર હતી. લગભગ મરણોન્મુખ જેવી. પછીથી નસેg અમને ખાનગીમાં કહી દીધું કે ચાલુ ઓપરેશને વધારે પડતું લોહી વહી જવાને કારણે દરદીની હાલત ક્રિટિકલ થઈ ગઈ હતી. હજુ પણ રક્તસ્રાવ કાબૂમાં આવ્યો ન હતો, પણ યુરોસર્જને તો અમને એવું જ કહી દીધું કે તમારા પિતાજીને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો છે, માટે એમની સ્થિતિ આવી થઈ ગઈ છે. બાકી ઓપરેશન તો સરસ રીતે જ પાર પડ્યું છે.’
‘આવું ઘણી વાર બનતું હોય છે, ભાઈ!’ મેં વધુ એક વાર ડોક્ટરનો બચાવ કર્યો, ‘ઘણી વાર દરદીની ઉંમર વધારે હોય, ત્યારે આવું બનતું હોય છે. આમ એ હરતાફરતા હોય, પણ જેવું એમને બેહોશીનું ઇન્જેકશન આપવામાં આવે કે તરત અત્યાર લગી રોકાઈ રહેલો હૃદયરોગનો હુમલો વિના નોટિસે ત્રાટકી પડે છે. પછી વાંક ડોક્ટરનો આવે કે એમણે કેસ બગાડી નાખ્યો.’
‘એવું તો અમે ત્યારેય નહોતું કહ્યું અને અત્યારે પણ નથી કહેતા. સર, ખરેખર તો ઓપરેશન દરમિયાન વધારે પડતું બ્લીડિંગ થઈ જાય અને પછી એ કાબૂમાં ન લાવી શકાય તે સજર્યનની અણઆવડતનો સવાલ છે, પણ અમને એ વાતની ફરિયાદ નથી, અમને આઘાત એ વાતનો છે કે ઓપરેશન કરનાર ડોક્ટર મારા પપ્પાજીને આવી હાલતમાં છોડીને બહારગામ ચાલ્યા ગયા.’ ‘અવશ્ય ક્યાંક મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા જ ગયા હશે. આ બધું ઘણા મહિનાઓ અગાઉથી નક્કી થઈ જતું હોય છે.’ મેં મારા વણજોયેલા જાતભાઈના બચાવ માટે દલીલની વધુ એક ઢાલ ધરી દીધી.
‘સાહેબ, કોઈ કોન્ફરન્સમાં નહોતા ગયા, એ તો એમની પત્ની, બાળકો અને મિત્રોને લઈને શિરડી ઊપડી ગયા હતા. એ બધાં ત્યાં આઉટિંગની મજા માણી રહ્યાં હતાં અને અહીં મારા પપ્પાજી વેન્ટિલેટર ઉપર દમ તોડી રહ્યા હતા. અમને આઘાત આ વાતનો છે, સાહેબ!’ અંગત શાહની વાતમાં રોષ હતો એના કરતાં અફસોસ વધારે દેખાઈ રહ્યો હતો.
‘બ્લીડિંગ બંધ કરવા માટે તમે બીજા કોઈ હોશિયાર યુરોસર્જનની મદદ કેમ ન લીધી?’ મેં મુદ્દાનો સવાલ પૂછ્યો. ક્યારેક આવું કરવું પડતું હોય છે. ઘણી વાર તો ઓપરેશન કરનાર સર્જન ખુદ જરૂર પડ્યુંે બીજા તબીબને મદદ માટે બોલાવી લેતો હોય છે. એમાં કશું ખોટું નથી.’ ‘પપ્પાજીના કેસમાં એ કોર્પોરેટ હોસ્પિટલના અન્ય ડોક્ટરોએ અમને સલાહ આપી હતી કે તમે ડૉ. ખાંડેકરસાહેબને બોલાવી લાવો, પણ અમે એ સાહેબને ઇન્વાઇટ કરીએ તે પહેલાં તો પપ્પા...’ અંગત આગળ કશુંય બોલી ન શક્યો. પિતાના મૃત્યુનો વિષાદ એને ઘેરી વળ્યો હતો.
મેં એને આશ્વાસન આપ્યું અને સલાહ પણ, ‘જો તમે શરૂઆતથી જ ડૉ. ખાંડેકર પાસે ગયા હોત તો આવું અવશ્ય ન જ બન્યું હોત. ડૉ. ખાંડેકર યુરોસર્જરીના ક્ષેત્રમાં આપણા ગુજરાતનું ઝળહળતું નામ છે. ખેર, જે થયું તે ખરેખર આઘાતજનક છે. મને એ જ સમજાતું નથી કે કોઈ જવાબદાર સર્જન પોતે ઓપરેશન કરેલા દરદીને મરણના મુખમાં ઝૂલતો મૂકીને બહારગામ શી રીતે જઈ શકે? ભલે ધાર્મિક હેતુ માટે ગયા હોય, પણ એ રીતે તો ન જ જવાય. ભગવાન ક્યાં નાસી જવાના હતા? થોડા દિવસો પછી કેમ ન જઈ શકાય? ધિસ ઇઝ શોકિંગ!’
‘હજુ વધારે મોટા આઘાતની વાત તો હવે આવે છે, સર! મારા પપ્પાજી મૃત્યુ પામ્યા ત્યારે ફરજ પરના મેડિકલ ઓફિસરે ફોન કરીને યુરોસર્જનને એ વાતની જાણ કરી ત્યારે સર્જને એને શું કહ્યું એ જાણવું છું, સાહેબ? એણે કહ્યું કે દરદીનાં સગાંઓને કહેજો કે હોસ્પિટલનું પૂરેપૂરું બિલ ભરી દીધા પછી જ લાશ ઉઠાવે! અમે બિલ પણ ભરી દીધું, સાહેબ!’
હવે મારી પાસે ડોક્ટરોના બચાવ માટે કોઈ દલીલ બચી ન હતી. મારા મનમાં માત્ર આક્રોશ જ આક્રોશ હતો, ‘તમે હોસ્પિટલના મેનેજમેન્ટ વિરુદ્ધ કે એ ડોક્ટર વિરુદ્ધ કોઈ ફરિયાદ શા માટે ન કરી? ગ્રાહક સુરક્ષા ધારો કે અદાલત કેસ... ?’ ‘બધાએ અમને આ જ સવાલ પૂછયો હતો, સર. અમે જો એવું કર્યું હોત તો અવશ્ય અમે મોટી રકમનો દાવો જીતી ગયા હોત, પણ અમે એવું ન કર્યું, કેમ કે મારા પપ્પાજી અમને મનાઈ ફરમાવીને ગયા હતા. કોમામાં સરી પડતાં પહેલાં જ પપ્પાને ખ્યાલ આવી ગયો હતો કે પોતે મૃત્યુ પામવાના છે. એમણે તો જવાબદાર ડોક્ટરોની ટીમને પણ કહી દીધું હતું, ‘જો હું આ ઘાતમાંથી જીવતો બેઠો થઈશ, તો તમને બધાને મારા ઘરે જમવા માટે બોલાવીશ. અને જો હું ન બચું તો... બાય બાય! રામ રામ! બીજી કોઈ વાતની ફિકર ન કરશો.’
હું અંગત શાહના પિતાની એ મંગલમૂર્તિને મનોમન વંદી રહ્યો. પછી અચાનક મારા મનમાં પ્રશ્ન ફૂટ્યો, ‘એક વાત પૂછું? તમારા પિતાજીના મૃત્યુને તો બે વર્ષ થઈ ગયાં. અત્યારે તો તમારા ઘરમાં દીકરાનો જન્મ થયો છે. દિવાળી પહેલાં દિવાળી પધારી છે, ત્યારે સ્વર્ગસ્થ પિતાજીને યાદ કરવાનું કારણ શું છે?’
અંગત શાહે રહસ્યની બંધ ટોપલીનું ઢાંકણું ખોલી નાખ્યું, ‘સર, અમે બે ભાઈઓ છીએ. એક જ મકાનમાં ઉપર-નીચે રહીએ છીએ. મારા પપ્પાજી તબિયતના કારણે નીચે મોટા ભાઈની સાથે રહેતા હતા, પણ એમને અમે બંને ભાઈઓ પ્રત્યે એક સરખો, ઉત્કટ લગાવ હતો. હોસ્પિટલમાં જ્યારે એમના પ્રાણ ડૂબી રહ્યા હતા, ત્યારે તેઓ મારી અને મારી પત્ની સામે જોઈને અવારનવાર આ એક જ વાત ઉચ્ચારી રહ્યા હતા : હું પાછો આવીશ, કાં સાજો થઈને, કાં નવો જન્મ લઈને, પણ જરૂર આવીશ! તમારી સાથે રહેવા માટે આવીશ અને તેઓ ચાલ્યા ગયા અને હવે અમારે ત્યાં આ દીકરો જન્મ્યો છે, સાહેબ!’
અંગત અને ઉક્તિ શાહ હવે એક અતિશય નાજુક વળાંક પર વાતનાં વહેણને વાળી રહ્યાં હતાં. સ્વર્ગસ્થ દાદાજી પોતાની અધૂરી ઇચ્છાની પૂર્તિ માટે દીકરાના ઘરે દીકરો બનીને પધાર્યા છે એવી અવૈજ્ઞાનિક વાત મારા જેવા એક વિજ્ઞાનના વાણોતર સમક્ષ રજુ કરવા તરફ આગળ વધી રહ્યાં હતાં, અને મારા મનમાં છેલ્લાં દોઢ-બે વર્ષની ઘટનાઓનો સિલસિલો તાજો થઈ રહ્યો હતો. મને બરાબર યાદ હતું. પિતાના મૃત્યુનો આઘાત વસમો હતો. રાતોના ઉજાગરા, મહેમાનોની આવનજાવન, ઘર અને હોસ્પિટલ વચ્ચેની દોડધામ; આ બધાંને કારણે પરિવારના તમામ સભ્યોની તબિયત લથડી ચૂકી હતી. અંગતની પત્ની ઉક્તિ એ સમયે ગર્ભવતી હતી. એનો ગર્ભ પણ શારીરિક અને માનસિક પરિતાપને લીધે મૂરઝાઈ ગયો હતો.
એ સમયે આ બંને પ્રથમ વાર મારી પાસે આવ્યાં હતાં. મેં એનો મરેલો ગર્ભ કાઢી આપ્યો હતો. અંગત અને ઉક્તિ એટલી હદે હતાશ હતાં કે ભવિષ્યમાં ક્યારેક બીજી વાર ગર્ભધારણનો વિચાર જ કરવાનાં ન હતાં. સંતાનમાં એક દીકરી હતી, એનાથી એમને સંતોષ હતો. બીજું એકાદ વર્ષ વીતી ગયું. મેં સારવાર ચાલુ રાખી. ઉક્તિને ગર્ભ રહ્યો. પૂરા મહિને ત્રણ કિ.ગ્રા. વજનનો તંદુરસ્ત દીકરો જન્મ્યો.
અંગત ખુશ હતો. ઉક્તિ ખુશ હતી. ખાનગી પળોમાં ઉક્તિની ગોદમાં સૂતેલા દીકરાની સામે ટીકી ટીકીને જોઈ રહેલો અંગત પૂછી લેતો હતો, ‘આપણો દીકરો કોના જેવો દેખાય છે?’ ઉક્તિ જવાબ આપતી, ‘પપ્પાજીના જેવો.’
ક્યાંક દૂરના આસમાનમાંથી ધીમો ધીમો ગડગડાટ સંભળાતો હતો, ‘હું પાછો આવીશ, જરૂર આવીશ. મારે તમારી સાથે રહેવું છે.’ હું આ શ્રદ્ધાવાન દંપતીની વાતને અનુમોદન આપું છું. આ શ્રદ્ધા હોય કે આશ્વાસન, એમાં ખોટું શું છે?! આખરે વિજ્ઞાન માનવીને સુવિધાઓ આપી જાણે છે, જિંદગી જીવવાની શક્તિ તો શ્રદ્ધામાંથી જ મળે છે ને!
Comments
Post a Comment
Thanx For Comment