એક ફોનથી તૂટી ગયા સંબંધોના તાંતણા!



જૈમિની પોતે તમારી સાથે સંબંધ રાખવા માગતી નથી. આ સંજોગોમાં તમારે હવે તેને ભૂલી જવી જોઈએ. કોઈ વ્યક્તિને પ્રેમ કરી શકાય છે, પણ તેને પરાણે આપણા પ્રત્યે પ્રેમ જગાવી શકાતો નથી
સોક્રેટિસજી,             
મારું નામ ધીમંત છે. હું સાવરકુંડલામાં રહું છું. મારે એક ફ્રેન્ડ છે, જેનું નામ જૈમિની છે. જૈમિની અમરેલીમાં રહે છે. અમે બન્ને કોલેજમાં સાથે ભણી રહ્યાં છીએ. જૈમિનીને મેં કોલેજમાં જ્યારે પહેલી વાર જોઈ ત્યારથી તે મને ગમી ગઈ હતી. હું તેને જોયા કરતો હતો. જૈમિનીને પણ ખ્યાલ આવી ગયો હતો કે મને તેનામાં રસ પડે છે. જૈમિની તરફથી પણ મને હકારાત્મક સંકેતો મળતા હતા એટલે એક દિવસ મેં હિંમત કરીને તેને ફ્રેન્ડશિપ માટે પૂછયું તો તેણે તરત હા પાડી દીધી. મારા તો માન્યામાં જ નહોતું આવતું કે તે આટલી આસાનીથી મારી ફ્રેન્ડ બની જશે.
જૈમિનીના ઘરે વાતાવરણ કડક હતું એટલે અમે મોબાઇલ પર વાતો કરી શકતાં નહોતાં. મેં તેને મોબાઇલ લઈ આપ્યો, જેનાથી તે દિવસે મારી સાથે વાતો કરે અને સાંજે ઘરે જતી વખતે મને મોબાઇલ પાછો આપતી જાય. આ સિલસિલો એક મહિના સુધી ચાલુ રહ્યો.
મને તેની સાથે વાતો કરતાં કરતાં પ્રેમ થઈ ગયો. એક દિવસ મેં જૈમિનીને મારા દિલની વાત કરીને પ્રપોઝ કર્યું. તેણે તરત ના પાડી દીધી. મેં તેને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ તે માની નહીં. એક દિવસ મેં તેને મોબાઇલ આપ્યો પણ તેણે આખો દિવસ મારો મોબાઇલ રિસીવ ન કર્યો અને મોબાઇલ સ્વીચઓફ કરી દીધો. સાંજે મોબાઇલ પાછો આપીને જતી રહી. તે દિવસે તેણે મારી સાથે કોઈ વાતચીત જ ન કરી. મને તેની સાથે વાત કર્યા વિના ચેન પડતું નહોતું. મેં મારી કઝિનની મદદથી તેના ઘરે મોબાઇલ કરાવ્યો. તે મોબાઇલ પર સામે આવી એટલે તરત મેં વાત શરૂ કરી કે તારો મોબાઇલ કેમ આજે સ્વીચઓફ હતો, પણ કદાચ સ્પીકર ઓન હતું, એટલે તેનાં મમ્મી મારો અવાજ સાંભળી ગયાં. તે બહુ ખીજાયાં. મારી કઝિને વચ્ચે પડીને કહ્યું કે આ તો મારો નાનો ભાઈ વચ્ચે બોલ્યો હતો. જોકે, તેનાં મમ્મી માન્યાં નહીં.
બીજા દિવસે કોલેજમાં મેં જૈમિનીને ખૂબ મનાવી, સોરી કહ્યું, પણ એની નારાજગી ઓછી થઈ નહીં. તે વાત કરતી પણ જાણે તેને હવે સંબંધમાં રસ રહ્યો નહોતો. કોલેજમાં વેકેશન પડવાનું હતું ત્યારે મેં કહ્યું કે સાથે ક્યાંક જમવા જઈએ અને મારો ઈરાદો તેને મોબાઇલ આપવાનો હતો, પણ તે આવી જ નહીં. તેની બહેનપણીઓ સાથે વાતો કરતી રહી.
વેકેશનમાં હું મારે ગામ ગયો પણ તેને મળવાની ઇચ્છા સાથે વારંવાર અમરેલી ગયો, પણ તે મળી નહીં. એક દિવસ તેની બહેનપણી રસ્તામાં મળી ગઈ. મેં જૈમિનીના ખબરઅંતર પૂછયા ત્યારે તેણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, તો શું હજુ તમારી વચ્ચે સંબંધો છે? જૈમિની તો કહેતી હતી કે હવે તમારી વચ્ચે સંબંધો પૂરા થઈ ગયા છે અને તમે મળતાં પણ નથી. આ સાંભળીને મને મોટો ઝાટકો લાગ્યો. બે મિનિટ તો હું કંઈ રિસ્પોન્સ જ ન આપી શક્યો.
મને આજે મારી તે દિવસે કોલ કરવાની ભૂલ માટે અત્યંત અફસોસ થઈ રહ્યો છે. જૈમિની મારાથી દૂર થઈ રહી છે, એ મને સહન થતું નથી. મારા મિત્રો મને કહે છે કે તું હવે તેને ભૂલી જા પણ મારાથી ભુલાતી નથી. હું જૈમિનીને દિલોજાનથી ચાહું છું. હું જિંદગીભર તેની સાથે રહેવા માગું છું. જૈમિનીને મેળવવા માટે મારે શું કરવું જોઈએ? મને કંઈ સમજાતું નથી. મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી છે.                             લિ. ધીમંત
પ્રિય ધીમંત,
તમે માનો છો કે ફોન કરવાની ભૂલને કારણે જ તમે જૈમિની સાથેનો સંબંધ ગુમાવી રહ્યા છો તો તેમાં તમે ખોટું સમજો છો. તમારા પત્ર વાંચીને સ્પષ્ટ થાય છે કે જૈમિની તમારી સાથે ફ્રેન્ડશિપ પૂરતા જ સંબંધો રાખવા ઇચ્છતી હતી. જૈમિનીએ તમારા પ્રેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો જ નથી, એટલે એ તમને પ્રેમ કરે છે કે કરતી હતી, એવો વિચાર કરવાનો કોઈ મતલબ નથી.
જૈમિની તમારી ફ્રેન્ડ હતી. તેને તમારા પ્રત્યે પ્રેમભાવ નહોતો, એટલે સ્પષ્ટ છે કે તમે તેના એકતરફી પ્રેમમાં હતા અને અત્યારે છો. એકતરફી પ્રેમમાં સફળતાના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. જૈમિની તમને પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. તમારો પ્રેમ સાચો હશે. બની શકે કે જૈમિનીને પણ તમારા માટે સોફ્ટકોર્નર હશે. એક શક્યતા એવી પણ છે કે જૈમિનીના પરિવારના માહોલ વિશે તમે જણાવ્યું છે તેમ તેના ઘરનું વાતાવરણ કડક છે. તેનાં માતા-પિતાને જૈમિની કોઈ છોકરા સાથે માત્ર મૈત્રી રાખે અને ફોન પર વાત કરે એ પણ મંજૂર નથી, એટલે કદાચ જૈમિની તમારી સાથે સંબંધ રાખવા માગતી નથી.
જૈમિનીને તમારા માટે લાગણી હોય તોપણ એ જાણે છે કે તેનો પરિવાર ક્યારેય તેનાં લગ્ન તેની પસંદગીના યુવક સાથે કરાવશે નહીં. તમે તમારી કે જૈમિનીની જ્ઞાતિ વિશે ઉલ્લેખ કર્યો નથી. આપણા સમાજમાં અલગ અલગ જ્ઞાતિને કારણે પણ લગ્ન કે સંબંધને સ્વીકૃતિ મળવી મુશ્કેલ હોય છે.
શક્ય હોય તો જૈમિની સાથે શાંતિથી વાત કરીને તમામ બાબતો અંગે સ્પષ્ટતા કરી લો. જૈમિનીએ પોતાની બહેનપણીઓને જે વાત કરી છે તેના પરથી જણાય છે કે તે પોતે તમારી સાથે સંબંધ રાખવા માગતી નથી. આ સંજોગોમાં તમારે હવે જૈમિનીને ભૂલી જવી જોઈએ. કોઈ વ્યક્તિને પ્રેમ કરી શકાય છે, પણ તેને પરાણે આપણા પ્રત્યે પ્રેમ જગાવી શકાતો નથી.

Comments