લગ્નનાં થોડાં વર્ષો પછી એક પાત્રનો સેક્સમાંથી રસ ઊડી જતાં અન્ય પાત્રની હાલત ન રહેવાય ન સહેવાય એવી થઈ જતી હોય છે અને આ સ્થિતિમાં તેને શારીરિક ભૂખ સંતોષતી કોઈ વ્યક્તિ મળી જાય ત્યારે દોડવું હોય અને ઢાળ મળ્યા જેવો ઘાટ થતો હોય છે
સોક્રેટિસજી,
મારું નામ કીર્તના છે. હું સુરત જિલ્લામાં રહું છું. મારી વય ૨૬ વર્ષની છે. મેં સૌરભ સાથે લવ મેરેજ કરેલાં છે. મારે બે વર્ષનો દીકરો પણ છે. મારાં લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં છે. સૌરભનાં માતા-પિતા અને પરિવાર મને પસંદ કરતો નહોતો. જોકે, તેમણે પોતાના પુત્રની મરજી સામે ઝૂકવું પડેલું અને અમારાં લગ્ન કરાવવાં પડેલાં. તેમણે આ લગ્નમાં કોઈ ખર્ચ નહોતો કર્યો, બલકે સૌરભે જ પોતાના પૈસે જ લગ્ન કરેલાં. લગ્નનાં પાંચ વર્ષ થયાં છે છતાં પણ સૌરભના પરિવારજનોએ મને આજ સુધી કંઈ પણ આપ્યું નથી. અમે સાથે જ રહીએ છીએ અને મેં તેમને ખુશ રાખવા માટે હરસંભવ કોશિશ કરેલી છે, છતાં તેમના વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.
આજથી આશરે ત્રણ વર્ષ પહેલાં જ્યારે હું પ્રેગનન્ટ થઈ પછી સૌરભ અને મારી વચ્ચે સ્વાભાવિકપણે જ શરીર-સંબંધો નહિવત્ થઈ ગયેલા. મારો ખોળો ભરવાની વિધિ પત્યા પછી તો હું પિયર ચાલી ગઈ હતી અને દીકરાના જન્મ બાદ પણ થોડા મહિના મમ્મીના ઘરે જ રહેલી. એ આઠ મહિનાના ગાળામાં સૌરભ મને રોજ મળવા આવતો હતો. અમારી વચ્ચે શારીરિક સંબંધો શક્ય નહોતા છતાં એકબીજાની હૂંફ અનુભવતાં હતાં.
હું પાછી સાસરીમાં આવી. મારો દીકરો બે વર્ષનો થઈ ગયો પણ મેં જોયું કે સૌરભનું વર્તન બદલાઈ ગયું હતું. તે સવારે ઓફિસે જાય અને સાંજે પાછા ફરે. રાતે મારી સાથે ડિનર લેવાનું પણ તેમણે બંધ કરેલું. બધા જમી લે પછી સાવ છેલ્લે જમવા બેસે. જમ્યા પછી ક્યાંક બહાર ફરવા નીકળી જાય. મારી સાથે કામ પૂરતી જ વાત અને મારી નજીક તો આવે જ નહીં.
સૌરભે કોઈ ભેદી કારણસર મને અવગણવાનું શરૂ કરેલું. એ સમયગાળામાં મારી મુલાકાત મારા કોલેજના ફ્રેન્ડ વિનય સાથે થઈ. હું તેને સાત વર્ષ પછી મળી હતી. તેને અમારા શહેરમાં નોકરી મળી એટલે તે રહેવા આવ્યો હતો. આમ તો કોલેજના દિવસોમાં હું તેને લાઇક કરતી હતી, પરંતુ તે મારી કઝિન સિસ્ટરનો બોયફ્રેન્ડ હતો એટલે અમે કદી નજીક નહોતાં આવ્યાં.
છેલ્લા સાત-આઠ મહિનાથી હું અને વિનય એકદમ નજીક આવી ગયાં છીએ. અમારી નિકટતા વધતી ગઈ છે અને અમે તમામ સીમાઓ પાર કરી ચૂક્યાં છીએ. છેલ્લા ચાર મહિનાથી તો અમે પતિ-પત્નીની જેમ જ રહીએ છીએ.
હું પરિણીત છું અને એક છોકરાની માતા છું એટલે વિનયે તો પહેલા દિવસથી જ કહેલું કે એક દિવસ તો આપણે જુદાં પડવાનું જ છે. હું પણ જાણતી જ હતી કે આ સંબંધો બહુ લાંબું ચાલી શકશે નહીં. થોડા દિવસો પહેલાં તેની સગાઈ નક્કી થઈ ગઈ છે. હવે તે મારાથી દૂર રહેવાની કોશિશ કરવા લાગ્યો છે. મારી અને વિનય વચ્ચેના સંબંધો માત્ર સેક્સ પૂરતા જ સીમિત નહોતા. અમે એકબીજા સાથે લાગણીથી પણ જોડાયેલાં હતાં. વિનય હવે કહે છે કે આપણે આજીવન સારા મિત્રો રહીશું. વિનય મારી સાથે વાત કરતાં પણ અચકાય છે. હું વિનયને દુઃખી કરવા માગતી નથી. હું જાણું છું કે તેની જિંદગીમાં હવે એક નવી છોકરીનું આગમન થશે. તેણે પણ જીવનસાથી સાથે જિંદગી માટે સપનાંઓ જોયાં હશે.
વિનય મારાથી દૂર થશે, એનું મને દુઃખ નથી પણ મારી મૂંઝવણ એટલી જ છે કે મારી અને વિનય વચ્ચે શું પ્રેમ હતો કે પછી માત્ર આકર્ષણ? વિનય મારી સાથે સંબંધો તોડવા નથી માગતો અને કહે છે કે હું એક સારો મિત્ર ગુમાવવા નથી માગતો, એનું મારે શું સમજવું. વિનય તેની ફિયાન્સીને મારી સાથે મેળવવા માગે છે. મને કંઈ સમજાતું નથી કે હું શું કરું? હું વિનયને જ્યારે મળું છું ત્યારે નોર્મલ રહેવા કોશિશ કરું છું, છતાં પણ ક્યારેક મને કંઈક થઈ જાય છે અને હું દુઃખી થઈ જાઉં છું. મારે તેની સાથે સંબંધો રાખવા જોઈએ કે નહીં?
લિ. કીર્તના
પ્રિય કીર્તના,
પ્રેમ અને હૂંફ તેમજ સેક્સ પણ એક જરૂરિયાત છે. માણસને દિવસમાં બે વાર ભૂખ લાગે છે એટલી સહજતાથી જ અમુક અંતરે સેક્સની ઇચ્છા જાગવી સામાન્ય છે. લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં પતિ-પત્ની વચ્ચે સેક્સની આગ બન્ને તરફ લાગેલી હોય છે, પરંતુ એક પાત્રને સેક્સમાંથી રસ ઊડી જતાં અન્ય પાત્રની હાલત ન રહેવાય ન સહેવાય એવી થઈ જતી હોય છે અને આ સ્થિતિમાં તેને શારીરિક ભૂખ સંતોષતી કોઈ વ્યક્તિ મળી જાય ત્યારે દોડવું હોય અને ઢાળ મળ્યા જેવો ઘાટ થતો હોય છે. તમારા પતિ સૌરભની સદંતર અવગણના પછી તમે વિનય તરફ ઢળ્યાં અને સંબંધો વિકસાવ્યા એમાં તમારા કરતાં તમારી માનવસહજ વૃત્તિઓ-વાસનાઓનો ફાળો વિશેષ રહ્યો હશે. પ્રેમ નહીં શારીરિક અસંતોષે જ તમને વિનય તરફ ધકેલ્યા હશે, એ કડવું સત્ય સ્વીકારવું રહ્યું.
વિનયની સગાઈ પછી તેનામાં આવેલા પરિવર્તનનાં કારણો તમે સમજી શકો છો એ સારી વાત છે. તમારે વિનય સાથે અગાઉ હતા એવા સંબંધોની અપેક્ષા ન જ રાખવી જોઈએ. વિનયની આ 'વિદાય' પછી તમે ફરી તમારી જાતને એકલા અનુભવવા લાગશો,પરંતુ હવે ભૂલથી પણ લગ્નેત્તર સંબંધો વિકસાવતા નહીં. લગ્નેત્તર સંબંધો મૃગજળ જેવા હોય છે, તેનાથી પ્યાસ બુઝાતી નથી. વિનય સંબંધ રાખે તો મિત્રતાના સંબંધ રાખવામાં કોઈ વાંધો નથી, છતાં એવી 'કોરી' મિત્રતા ટકાવી રાખવી અઘરી છે. એટલે શક્ય હોય તો સંબંધોમાં પૂર્ણવિરામ મૂકવામાં જ વિનયની અને તમારી ભલાઈ છે.
અલબત્ત, અસંતોષનું નિવારણ તો થવું જ જોઈએ. તમારે તમારા પતિની નારાજગીનું-અવગણનાનું કારણ શોધવું જોઈએ અને તેને દૂર કરવું જોઈએ. કોઈ પતિ માત્ર પરિવારજનોની વાતોમાં આવી જઈને પત્નીને તરછોડતો નથી. સૌરભ તમને ચાહે છે, પરિવારની ઇચ્છાવિરુદ્ધ તમને જીવનસાથી બનાવ્યાં છે ત્યારે તમારે પ્રેમની શોધ તેની આંખોમાં જ કરવી રહી. સૌરભને મનાવો-સમજાવો અને લગ્નજીવનને ફરી હર્યુંભર્યું બનાવો, એમાં જ તમારું અને તમારા દીકરાનું ભાવિ સુખ રહેલું છે.
Comments
Post a Comment
Thanx For Comment