બાપ જ્યારે હેવાન બન્યો



જ્યારે સગો બાપ ઊઠીને પોતાની પત્ની અને દીકરીઓને જીવતાં સળગાવી મારે ત્યારે?

તેનો ચહેરો, તેની ઉંમર ૪૦-૪ર વરસની હશે તેવી ચાડી ખાય છે. બે’ક દિવસની વધેલી દાઢી તેના ચહેરાને થોડો હતાશ ચીતરે છે. પણ વાતચીતમાં વશરામ પટેલનો અફસોસ ડોકાતો નથી. હોસ્પિટલની પથારીમાં બેઠાં બેઠાં વાત કરતાં ગરમી થાય છે એટલે તે ગંજી કાઢી નાખે છે, પણ પત્ની અને ચાર પુત્રીની પીડાનો તેને અંદાજ હોય તેવું લાગતું નથી. તેણે પહેરી રાખેલા લેંઘા પર હજુ આગની ચાડી ખાતા મેશના કાળા ડાઘ દેખાય છે.

હા, બે દિવસ પહેલાં જ આ માણસે પોતાની પત્ની અને ત્રણ પુત્રીને કેરોસીન છાંટીને જલાવી દીધાં હતાં. પત્ની અને પુત્રીઓ આગની દાઝથી ચીસો પાડતી હતી ત્યારે આ નરાધમ પિતા ઓરડાની બહાર નીકળી ગયો હતો અને ઓરડો બહારથી વાસી દઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને કહ્યું કે, પેટ્રોલનો દીવો સળગાવવા જતાં પોતે દાઝી ગયો છે... આવા બનાવોથી ટેવાયેલી પોલીસે મધરાતે એક ઓટોરિક્ષામાં વશરામને સિવિલ હોસ્પિટલ રવાના કર્યો અને વશરામ પટેલે લખાવેલા સરનામા પર એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટાફ મોકલ્યા. પરંતુ બંધ ઓરડો ખોલતાં જ પોલીસ અને આડોશપાડોશના લોકો સ્તબ્ધ થઇ ગયા.

લાશોને કાઢવામાં અને આગ ઠારવામાં મદદ કરનારા એક પડોશી કહે છે, લાશોની સ્થિતિ જોઇને એક બહેનને તમ્મર આવી ગઇ હતી. એક બહેન તો પોતે પરિવાર સાથે બીજા સગાના ઘેર રહેવા ચાલ્યાં ગયાં હતાં. એ બંધ કમરામાં પલંગ પર સવિતાબહેન સૂતાં હતાં, પણ અગ્નિથી દાઝ્યા પછી તેઓ ઊભા થઇ ગયાં હોવાં જોઇએ, કારણ કે તેમની લાશ પણ નીચે પડી હતી. એક દીકરીએ કદાચ, બારીની સ્ટોપર ખોલવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે તે બારી પાસે પડી હતી. બીજી ત્રણ દીકરીઓ તો સૂવાની જગ્યા પર તરફડીને જ મરી ગઇ હોય તેવું લાગતું હતું. આગના કારણે વાયરિંગ, લાઇટ, પંખા બધું બળી ગયું હતું.

માતા અને ચાર બહેનોની ચીસાચીસ સાંભળીને પાંચ વરસનો કિસન જાગીને રડતો રડતો અગાશીમાંથી નીચે આવ્યો ત્યારે તેને ખબર પણ નહોતી કે તેનું સર્વસ્વ લૂંટાઇ ગયું હતું. હોસ્પિટલમાં પોલીસે પૂછપરછ કરતાં વશરામ પટેલે જરાપણ આનાકાની વગર પોતાના પરાક્રમને સ્વીકારી લીધું હતું. તેનો ઇન્ટરવ્યૂ લેવા ગયેલા કેટલાક પત્રકારોએ જોયું હતું કે વશરામ પટેલ હોસ્પિટલની પથારી પર ઘસઘસાટ ઊંઘતો હતો. તેને જગાડીને પૂછવામાં આવ્યું તો તેણે નફ્ફટની જેમ જવાબ આપ્યો કે રાતે (બારથી ત્રણ) ત્રણ કલાક જ ઊંઘ થયેલી એટલે સૂઇ ગયેલો.

મૂળ મિયાણા - માળિયા નજીકના સરથડ ગામનો વશરામ પટેલ રોજી કમાવા રાજકોટ આવ્યો હતો. તેના બે ભાઇઓ રાજકોટમાં જ રહે છે, પણ તેઓ પોતાના ભાઇના પરાક્રમ વિશે બોલવા તૈયાર નહોતા. એક ભાઇ ગામડે છે. વશરામના તો ઠીક, તેની પત્ની સવિતાનાં પિયરિયાઓ પણ કંઇ બોલવા રાજી નહોતાં. સગી બહેન અને ચાર ભાણેજની લાશને કંકુનો ચાંદલો અને રૂપિયો-રૂપિયો ધરીને તેઓ ચાલ્યા ગયા હતા. બચેલા એકમાત્ર પુત્ર કિસનને વશરામના ભાઇ લઇ ગયા છે, પણ વશરામે હોસ્પિટલના બિછાને તેને યાદ કરીને મને કહેલું કે એ મકાન હવે મારા દીકરાને કામ લાગશે (જે મકાનના કારણે પાંચ જણાએ જીવ ખોયો). ગામડે રહીને મોટો થયા પછી એ આ મકાનમાં રહેશે.

પણ આવું કરવાની શી જરૂર હતી? સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વશરામને મળીને મેં આમ પૂછેલું. તેનું કહેવાનું હતું કે, હું રોજેરોજના કજિયાથી કંટાળી ગયો હતો. ઘેર આવું એટલે મકાનની લમણાઝીંક ઊભી જ હોય. હું થાકી ગયો હતો. મારે જ મરી જવું હતું, પણ હું આપઘાત કરી લઉં તો એ પાંચેય (ચાર દીકરી અને પત્ની) દુ:ખી થાત. તેથી મેં વિચાર્યું કે તેમનું જ કલ્યાણ કરી નાખું. દીકરીઓ માટે મનેય લાગણી હતી. દીકરીઓ પણ મને ચાહતી હતી, પણ આ થવા કાળ હતું, થઇ ગયું. કુદરતે જ મારા હાથે કરાવ્યું. અફસોસ હવે થાય છે, ત્યારે નહોતો થયો... પણ હવે શું?

દીકરા કિસનને શું કામ રાખી દીધો?

(ઉશ્કેરાઇ જાય છે) ચાર દીકરી પછી ભગવાને દીકરો આપ્યો હતો. તેના ભવિષ્ય માટે મેં નવું મકાન લીધેલું, પણ તેની મા કે બહેનો મારી આ વાત સમજ્યાં નહીં. મેં કોઇ મોટી ભૂલ કરી હોય તેમ વર્તતાં હતાં. ચોવીસ કલાક એ ઘરમાં હું રહેતો હતો કે એ? મેં એ બધાં માટે કરેલું. (કંટાળીને) મેં કહ્યું કે હું કંટાળી ગયો હતો. એ વખતે ન મર્યો, નહીં તો એ પાંચને ધોળા દિવસે તારા દેખાઇ જાત. એક પત્રકારે તેને પત્ની-પુત્રીઓના અગ્નિસંસ્કાર કરવાની ઇચ્છા વિશે પૂછ્યું તો વશરામે કહેલું કે, અગ્નિદાહ તો મેં વહેલી સવારે જ આપી દીધો. હવે અગ્નિસંસ્કાર શેના કરવાના?

Comments