ગુલમહોર પાર્કના સ્વિમિંગ પૂલ પાસે એક લાશ પડી હોવાના સમાચાર પાર્કના વોચમેન સુલાતાને મિન્ટ રોડ પોલીસસ્ટેશને આપ્યા. એ સાથે જ સવારનું ન્યૂઝ પેપર હાથમાંથી મૂકી ઇન્સ્પેક્ટર રાજદેવે ડ્રાઇવર ખાનને જીપ લાવવા કહ્યું. તેઓ પાર્કમાં પહોંચ્યા ત્યારે સવાર સવારમાંય લોકોનું ટોળું જમા થઈ ગયું હતું, પણ પોલીસને જોતાં જ સૌ ખસી ગયા.
રાજદેવસાહેબે લાશનું બાજનજરે નિરીક્ષણ કર્યું. મૃતકની વય પાંત્રીસ આસપાસ જણાતી હતી. તેના માથામાંથી લોહી ટપકી રહ્યું હતું. ચહેરા પર અને ગળે ઉઝરડાનાં નિશાન હતાં. હેડ કોન્સ્ટેબલે મૃતકના ખિસ્સામાં જોયું તો નજીકના ગામ મિતોલી જવા-આવવાનો બસનો પાસ હતો. તેમાં એનું નામ જાણવા મળ્યું કે એનું નામ કમલ કેસવાલ હતુ. બીજો એક ડબલ સિમકાર્ડવાળો મોબાઇલ મળી આવ્યો.
રાજદેવસાહેબે એક પોલીસમેનને મિતોલી મોકલ્યો. ત્યાં એને કમલની પત્ની રંભા મળી. કમલ રાજનગરમાં એક સ્ટાર ઓફસેટમાં કામ છે અને રોજ મિતોલીથી રાજનગર અપડાઉન કરે છે. ઓફસેટમાં સિઝનમાં બહુ કામ હોય તો એ રાત્રી રાજનગર જ રોકાઈ જાય છે. કોઈ પણ ગેસ્ટ હાઉસમાં. એ બે દિવસથી ઘેર આવ્યો જ નથી. આમ રંભાએ માહિતી આપી ત્યારે પોલીસમેને તેને કહ્યું કે કમલની હત્યા થઈ છે, પણ એ માનવા તૈયાર ન થઈ. આમ પોલીસમેન રંભાને ઘટનાસ્થળે લઈ આવ્યો, કમલની લાશ જોતાં જ રંભા કાળાકોપની ચીસ નાખી રડી પડી.
ધીરે ધીરે રંભાને શાંત કરી રાજદેવે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને લાશ પીએમ માટે રવાના કરી. રંભાને એ પોલીસસ્ટેશન લઈ આવ્યા. એના નામે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધવામાં આવ્યો અને કમલના હત્યારાને પકડી સખત સજા કરવાનું સૂચન કરી રંભા લાશનો કબજો લઈ મિતોલી જવા નીકળી.
બીજા દિવસે રાજદેવસાહેબે સ્ટાર ઓફસેટમાં તપાસ કરી તો કમલના મિત્રો પાસેથી જાણવા મળ્યું કે કમલ તમામ કારીગરોમાં પ્રિય હતો. એને થિયેટરમાં ફિલ્મ જોવાનો શોખ હતો. તેથી એ અવારનવાર ફિલ્મ જોવા માટે રાજનગરમાં રાત્રીરોકાણ કરતો હતો.
દસ તારીખે એને દર મહિને પચીસ હજાર પગાર મળતો હતો. એમાંય જે દિવસે એને પગાર મળ્યો હોય ત્યારે તો એ ખાસ ફિલ્મ જોવા માટે રોકાઈ જતો.
એવામાં કમલના મોબાઇલમાં છેલ્લે જે નંબરમાં ફોન કર્યો હતો, તેની માહિતી કંપનીમાંથી રાજદેવસાહેબ પાસે આવી ગઈ. એ નંબર કોઈ જિમખાના પાસેના વિસ્તારમાં આવેલા રાજહંસ એપાર્ટમેન્ટમાં રહેતી મોનિકાનો હતો.
મોનિકાને પૂછપરછ માટે બોલાવવામાં આવી. એ આવતાં રાજદેવસાહેબે પૂછયું, 'દસ તારીખે કમલે એના મોબાઇલમાંથી આપને છેલ્લે ફોન કર્યો હોવાનું જાણવા મળ્યું છે તો...’
'જુઓ સાહેબ, હું પ્રોફેશનલ કોલગર્લ છું એટલે મારે તો અનેકના ફોન આવતા હોય એમાં કેટલા યાદ રહે? અને હા, પેલો મિતોલીવાળો કમલ મારો ગ્રાહક છે. સાલાને ગામડાની પત્ની ગમતી નથી, પણ તેનું શું છે?’
'એ કમલની ગઈ રાત્રે હત્યા થઈ છે અને ગઈ કાલે જ દસ તારીખ હતી. વળી, છેલ્લો ફોન એણે તને કરેલો છે, એટલે શંકાની સોય તારી તરફ નમે છે.
રાજદેવસાહેબના અવાજમાં કડકાઈ જોઈને મોનિકાએ સાચી વાત કરતાં કહ્યું,
'સાહેબ કમલ દર દસમી તારીખે છેલ્લા શોમાં ફિલ્મ જોઈને ધીરુ રિક્ષાવાળા સાથે મારે ત્યાં આવતો અને સારી ટિપ આપતો હતો, પણ ગઈ કાલે મને યાદ ન રહ્યું અને મેં બીજાને સમય આપી દીધેલો, તે કમલ ધીરુની રિક્ષામાં રાત્રે મારે ત્યાં આવેલો, પણ મેં ના પાડી પછી એ ક્યાં ગયો હશે? શું થયુ હશે? એ બારામાં હું જાણતી નથી. બાકી કમલ એક સારો ગ્રાહક હતો.’
મોનિકાની વાતમાં અનુભવી ગુનાશોધક રાજદેવને સત્ય જણાયું, પણ તપાસ આગળ ચલાવવા માટે ધીરુ રિક્ષાવાળાને હાથ કરવો જરૂરી હતું. રાજનગર જેવા મહાનગરમાં ધીરુનો પત્તો મેળવવા માટે બે-ત્રણ દિવસ વીતી ગયા ત્યારે ધીરુ તો ન મળ્યો, પણ એના ઘરનું સરનામું મળ્યું. રાજદેવસાહેબને હવે આશા બંધાઈ કે ધીરુ પાસેથી હત્યારાના પુરાવા મળી રહેશે. આથી એ ખુદ ધીરુના નિવાસસ્થાને પહોંચ્યા તો રાત્રીના આઠ થવા આવ્યા હતા. ધીરુના ઘરે તાળું હતું. બાજુમાં રહેતા બીજા રિક્ષાવાળાને પૂછયું તો એણે બતાવ્યું કે ધીરુ કોઈ એના દોસ્તના મૃત્યુના સમાચાર જાણીને મિતોલી ગયો છે.
હવે સમય ન ગુમાવતાં રાજદેવસાહેબે એની બાઇક મિતોલી તરફ મારી મૂકી. રાત્રે નવ વાગ્યે એ મિતોલી પહોંચ્યા ત્યારે ગામમાં સોપો પડી ગયો હતો, પણ એક ખેડૂત જેવા માણસને પૂછતાં કમલનું ઘર મળી ગયું. બહાર રિક્ષા પણ હતી. દરવાજો ખટખટાવતાં, કોણ છે એવું બોલતાં રંભાએ દરવાજો ખોલ્યો.
પણ દરવાજામાં ઇન્સ્પેક્ટર રાજદેવને જોતાં જ ધીરુ ભાગવા ગયો, પણ બાજની જેમ તરાપ મારી રાજદેવે એને ઝડપી લીધો. ઓફિસે લાવી બરોબરનો હાથે લીધો ત્યારે એણે કબૂલ કર્યું કે હું અને રંભા એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમારે લગ્ન કરવા હતાં, પણ કમલ એમાં નડતર હતો. તેથી મેં રંભાના કહેવા પ્રમાણે એનું કાટલું કાઢી નાખ્યું છે. કેસ ચાલતાં રંભા અને ધીરુને સજા થઈ.'
Comments
Post a Comment
Thanx For Comment