મેં વસંતને સાવ લીલીછમ લચોલચ ડાળ આપી
ને વસંતે આગઝરતી પાનખરની ગાળ આપી
બે-ચાર દિવસ એમનું નિરીક્ષણ કરું, જો લાગ મળે તો એમનાં છાનગપતિયાંને કેમેરામાં કેદ કરી લઉં, એ પછી જ અમાસ-ચાંદનીનાં પ્રેમપ્રકરણને 'સનસનાટી’ના પાના પર ચમકાવવાની હિંમત કરું.’
પોપટલાલ પંચાતિયા સવારના પહોરમાં કામ સબબ બહાર જઇ રહ્યા હતા, ત્યાં એક દૃશ્ય જોઇને ખળભળી ઊઠ્યા. એમની જ સોસાયટીના ઝાંપા આગળ બે સામ-સામે આવેલાં મકાનોની તદ્દન સામે પડતી બાલ્કનીઓમાં બે અસમાન ધ્રુવો વચ્ચે 'ઇલુ-ઇલુ’ નામનું પુષ્પ 'ખીલું-ખીલું’ થઇ રહ્યું હતું ડાબા હાથ પરની બાલ્કનીમાં ઊભેલો તિમિર ફ્લાઇંગ કિસી ફેંકી રહ્યો હતો અને જમણા હાથ તરફની બાલ્કનીમાં ઊભેલી તૃષા શરમાતાં-શરમાતાં એને ઝીલી રહી હતી.
પોપટલાલ એક સાંધ્ય દૈનિક અખબારના માલિક હતા. આ નાનકડા શહેરનું એક નાનકડું છાપું ચલાવતા હતા. માલિક, મુદ્રક, પ્રકાશક, રિપોર્ટર, પ્રૂફરીડર અને કમ્પોઝિટર સુધીની તમામ જવાબદારીઓ એકલા હાથે સંભાળતા હતા. એમના ટીકાકારો એવું કહેતા હતા કે એમના અખબારના એક માત્ર વાચક પણ તેઓ એકલા જ હતા! પણ હકીકતમાં સાવ એવું ન હતું. એમના છાપાનું નામ 'સનસનાટી’ હતું અને છાપાનું કામ પણ એવું જ હતું, સનસનાટી ફેલાવવાનું. એટલે એમને થોડા ઘણા વાચકો મળી જ રહેતા હતા.
પોપટલાલને આજે તો સવારના પહોરમાં જ લોટરી લાગી ગઇ. 'સનસનાટી’માં છાપવા જેવા મસાલેદાર સમાચાર મળી ગયા. પણ અંગત રીતે તે વિચારમાં પડી ગયા, 'મારું બેટું આ કેવી રીતે બન્યું? ક્યાં આ અંધકારના ઓળા જેવો તિમિર! અને ક્યાં આ ચાંદનીની સગી બહેન જેવી તૃષા! વળી બંને પોતપોતાની રીતે પરણેલાં પણ ખરાં ’
આવા સમાચારો પર તો પોપટલાલની રોજી-રોટી ટકેલી હતી. રોજ સાંજે તેઓ ડબલાછાપ કેમેરા લઇને નીકળી પડતા હતા. બાગ-બગીચા, તળાવની પાળ, અવાવરું મંદિરના ખૂણા-ખાંચરા અને શાળા-કોલેજનાં વૃક્ષોની આસપાસ ફરીને તેઓ ઘટનાઓ ચોરી લાવતા, પછી 'સનસનાટી’ અખબારના પ્રથમ પાને આવી હેડલાઇન ચમકાવતા: 'શહેરના સોના-ચાંદી બજારના જાણીતા વેપારીની ખૂબસૂરત દીકરી ભંગારના વેપારીના કાટ ખાધેલા છોકરા જોડે પ્રેમમાં...! ભટકતા ભૂત જેવો અમારો રિપોર્ટર એ બંનેનાં નામ આજે જાહેર નહીં કરે, પણ જો આ બંને લયલા-મજનૂ સાનમાં નહીં સમજે તો આવતીકાલે 'સનસનાટી’ એમનાં નામ જાહેર કરતાં અચકાશે નહીં.’ સાનમાં સમજવું એટલે બીજું કશું નહીં, સંબંધિત પાત્રો ગભરાટના માર્યા 'સનસનાટી’ની ઓફિસમાં પહોંચી જાય અને પોપટલાલની હાથમાં પાંચસો-હજાર મૂકી દે એટલે સમાચાર દબાઇ જાય. આવી સાત-આઠ ઘટનાઓ તો આખા મહિનામાં મળી જ રહે અને પોપટલાલનું ગાડું ગબડતું રહે.
'પણ આજે બધું જુદું છે.’ પોપટલાલ જાત સાથે વાત કરી રહ્યા, 'તિમિર અને તૃષા મારી જ સોસાયટીમાં રહે છે. જો તીર બરાબર નિશાન ઉપર ન લાગ્યું તો લેવાના દેવા પડી જાય તેવી શક્યતા છે. મારી પાસે નક્કર સાબિતીઓ હોવી જરૂરી છે, જો એમ ને એમ સમાચાર છાપી નાખીશ તો તૃષાનો નમાલો પતિ તો કંઇ નહીં કરે પણ આ ગેંડા જેવો તિમિરિયો મારી ધોલાઇ કરી નાખશે. માટે હમણાં થોડી સબૂરી જાળવવા જેવી છે. બે-ચાર દિવસ એમનું નિરીક્ષણ કરું, જો લાગ મળે તો એમનાં છાનગપતિયાંને મારા કેમેરામાં કેદ કરી લઉં, એ પછી જ આ અમાસ-ચાંદનીનાં પ્રેમપ્રકરણને 'સનસનાટી’ના પાના પર ચમકાવવાની હિંમત કરું.’
આટલું વિચાર્યા પછી પોપટલાલ તીરની પણછ જેવા તંગ બની ગયા. એક સવારે પોપટલાલે જોયું કે તિમિર ઇશારાથી પૂછી રહ્યો હતો: 'આજે સાંજે ક્યાં મળીશું?’ તૃષાએ હા પાડી, પછી હાથના ઇશારાથી પૂછ્યું, 'ક્યાં? કેટલા વાગ્યે?’ જવાબમાં તિમિરે જમણા હાથની ત્રણ આંગળીઓ બતાવીને, પછી ડાબા હાથમાં પહેરેલી ઘડિયાળ તરફ ઇશારો કર્યો. પોપટલાલ પણ સમજી ગયા કે બપોરના ત્રણ વાગ્યે મળવાની વાત ચાલી રહી છે. પણ મળવાનું ક્યાં ગોઠવાશે? એનો જવાબ પણ તિમિરે ઇશારાથી જ આપી દીધો, જે તૃષા તો સમજી ગઇ પણ પોપટલાલ ન સમજી શક્યા.
પોપટલાલ ભલે ઇશારો સમજવામાં કાચા પડયા, પણ અનુભવની બાબતમાં તેઓ પાકા સાબિત થયા. એમના દિમાગમાં ઝપાટાબંધ સવાલ પ્રગટ રહ્યા, 'બપોરના ત્રણ વાગ્યે આ બે પ્રેમીપંખીડાંઓ ક્યાં મળી શકે? કુંવારા કોલેજિયનો હોય તો સિનેમા હોલના અંધારામાં કે કોલેજની કેન્ટીનમાં મળવાનું ગોઠવે, પણ આ બે તો પરણેલાં છે. શહેરમાં જાહેર કે ખાનગી જગ્યાએ મળવાનું જોખમ તેઓ કદીયે ન ઉઠાવે. તો પછી ક્યાં મળવાનું વિચારે?’ તરત જ દિમાગમાં બત્તી થઇ: 'વહીં જહાં કોઇ આતા-જાતા નહીં...’
બપોરના એક વાગ્યાથી જ પોપટલલાલ નીકળી પડયા. વાહનમાં ખખડી ગયેલી સાઇકલ હતી અને હથિયારમાં ડબલા છાપ કેમેરા. શહેરની બહાર સંતાવા માટે છ-સાત જગ્યાઓ હતી ત્યાં બધે ફરી વળ્યા. આખરે શિકારનું સરનામું જડી ગયું. શહેરથી બહાર પાંચેક કિલોમીટર દૂર એક પ્રાચીન કિલ્લાના અવશેષ સમું ખંડેર આવેલું હતું. ત્યાં ડાર્ક બ્લૂ રંગની મારુતિ ઝેન ઊભેલી હતી. દૂરથી જ એને જોઇને પોપટલાલ ઓળખી ગયા, આ કાર તો તિમિરની જ.તેઓ સાઇકલને પેડલ મારતા નજીક પહોંચી ગયા. સાઇકલનો ખખડાટ સાંભળીને કારની પાછલી સીટ પરથી બે આકારો પ્રગટ થયા. એ તિમિર અને તૃષા જ હતાં. પોપટલાલે તરત જ ડાબલાછાપ કેમેરાની ચાંપ દાબી દીધી. 'ખટ્ટાક’ અવાજ સાથે પ્રેમીપંખીડાઓનો ફોટો ખેંચી લીધો.
'અરે! અરે! પોપટભાઇ આ શું કરો છો?’ ગાડીમાંથી બહાર આવીને તિમિર પૂછવા લાગ્યો. પોપટલાલને અચાનક આવી ચડેલા જોઇને તૃષા તો ગભરાઇ ગઇ હતી, પણ એના કરતાંયે વધુ તો તિમિર ખળભળી ઊઠયો હતો.પોપટલાલ લુચ્ચું હસ્યા, 'આ સવાલ તમારે મને નહીં, પણ મારે તમને પૂછવાનો છે કે આ તમે શું કરી રહ્યા છો!’
'અ... અમે... આઇ મીન... હું તો અહીં 'વોક’ કરવા આવ્યો હતો. મારું વજન હમણાંથી વધી ગયું છે ને... એટલે...’ તિમિર પોતાના મનમાં આવે એવા ઉટપટાંગ ખુલાસાઓ આપી રહ્યો હતો.
પોપટલાલ ફરીથી લુચ્ચું હસ્યા, 'એમ? ખરેખર? મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક વિશે તો મેં સાંભળ્યું હતું, પણ આ મધ્યાહ્ન વોક વિશે આજે પહેલી વાર જાણ્યું. અને એ માટે તારે છેક આ ભૂતિયા મહેલ સુધી આવવું પડે છે એ પણ નવાઇની વાત છે.’ પછી કાર પાસે જઇને પોપટલાલે તૃષા તરફ તીર તાક્યું, 'તમે શેના માટે પધાર્યાં છો, મેડમ? આ ત્રણ વાગ્યાના તાપમાં તપીને તિમિરિયાની ચામડીનું તો કશુંયે નહીં બગડે, પણ તમારી આ માખણ જેવી ગોરી, લીસ્સી ત્વચા કાળી પડી જશે.’
થોડીવાર પૂરતો સન્નાટો છવાઇ ગયો. પછી પોપટલાલ મુદ્દાની વાત ઉપર આવ્યા, 'અત્યારે તો હું જાઉં છું, પણ આવતીકાલે 'સનસનાટી’ના પહેલા પાને ફરી પાછા મળીશું. ચૈન સે સોના હૈ, તો જાગતે રહો’ આટલું કહીને પોપટલાલે સાઇકલ મારી મૂકી. 'સનસનાટી’ અખબારનો આગામી અંક બહાર પાડવાની તૈયારીમાં ડૂબી ગયા.
બીજા દિવસે છાપું તો બહાર પડયું, પણ પોપટલાલે જેવું ધાર્યું હતું તેવું કંઇ જ બન્યું. જેને ફટાકડો માન્યો હતો તે સૂરસૂરિયું સાબિત થઇ ગયું. જે-જે વાચકો મળ્યા, તે તમામની પ્રતિક્રિયા આવી જ હતી: 'આ તમે શું કર્યું, પોપટલાલ? આજે છાપાને બદલે પસ્તી બહાર પાડી છે કે શું? આ સમાચાર તો બહુ વાસી થઇ ગયા છે. અમને બધાને ખબર છે કે તમારો ઇશારો તિમિર અને તૃષાની લફરાબાજી તરફ છે, પણ એ વિશે તો અડધું શહેર જાણે છે. આ તો તિમિર-તૃષાને બે આંખોની શરમ નડે છે, માટે તેઓ અવાવરું, એકાંત જગ્યાએ જઇને મળે છે, નહીંતર શહેરની વચ્ચે સડક ઉપર એકમેકનો હાથ પકડીને નીકળી પડે તોયે કોઇને આશ્ચર્ય ન થાય.’
પહેલીવાર પોપટલાલ પોતાના 'ઓપરેશન બ્લેકમેઇલ’માં નિષ્ફળ રહ્યા. જાણે બોલર પોતે જ ક્લીન બોલ્ડ થઇ ગયો પોપટલાલને લાગ્યું કે જો આ વાતની જાણ અડધા શહેરને હોય તો પછી તૃષાના પતિને કેમ ન હોય? હોવી જ જોઇએ. તો એ માણસ પોતાની પત્નીની આવી ચારિત્ર્યહીનતા ચલાવી શા માટે લે છે? આ પ્રશ્નનો ઉત્તર તો માત્ર વિરલ જ આપી શકે તેમ હતો. વિરલ એટલે તૃષાનો પતિ. પોપટલાલ એક દિવસ વિરલને થઇ મળ્યા.
વિરલે પત્રકારનો પ્રશ્ન સાંભળીને એક કડવાશભર્યું સ્મિત ફરકાવ્યું, 'હા, બધાની જેમ હું પણ આ વાત જાણું છું, બધાની પહેલાં જાણું છું. કારણ કે કોઇપણ લગ્નેતર સંબંધનો જન્મ શયનખંડમાં થતો હોય છે. પુરુષ તરીકે હું સક્ષમ છું. અમારે બે બાળકો પણ છે. પરંતુ પછી મને સમજાવા લાગ્યું કે તૃષાને જીવનસાથી તરીકે પસંદ કરીને મેં જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી. તૃષા એ એનું માત્ર નામ નથી, એની લાગણી છે, એનો ભાવ છે, એની ક્યારેય ન સંતોષાય તેવી તરસ છે. હું ગર્ભશ્રીમંત હતો, એ ગરીબની ઝૂંપડીમાં જન્મેલી હતી. એનાં ઝગમગતા રૂપને જોઇને મેં કાદવમાં પડેલા કાચના ટુકડાને ઉઠાવીને મારા મહેલના શો-કેસમાં ગોઠવી દીધો. એની તૃષાને, એની ઝંખનાને, એની કામનાને કોઇ સરહદ ન હતી. મેં ધાર્યું હોત તો એની લફરાબાજીના કારણસર એને કાઢી મૂકી હોત. પણ મારાં બે ફૂલ જેવાં બાળકોનું શું થશે એ વિચારીને આ બધું ચલાવી રહ્યો છું.
પોપટલાલ, વાચકોને તો સનસનાટીની હેડલાઇન વાંચવામાં જ રસ હોય છે, પણ મારા જેવા ખૂબ ઓછા લોકોને એ વાતની ખબર હોય છે કે જ્યારે પતિ-પત્નીમાંથી કોઇ એકની લાઇફલાઇન જ્યારે આડે પાટે ચડી જાય છે, ત્યારે જ 'સનસનાટી’ની હેડલાઇન્સ સર્જાતી હોય છે.’'
(સત્ય ઘટના પર આધારિત)
Comments
Post a Comment
Thanx For Comment