હાથ, હથેળી, ખોબાં, મુઠ્ઠીને સમજાવી બેઠા છીએ
થોડું લઇને બહુ દેવાનું કામ સમજાવી બેઠા છીએ
મેં પૂછ્યું ત્યારે ભાઇસાહેબે ફોડ પાડ્યો: 'ના, ત્યાં વાગ્યું બાગ્યું તો કંઇ નથી, પણ મેં બ્લેડ વડે ચીરો મૂકીને એમાંથી ટપકતા ખૂનમાં સળી બોળીને તારા માટેના આ કાર્ડમાં લખ્યું છે.
કોલેજમાં ઇકોનોમિક્સ ભણાવતાં હયાતી મેડમ ક્લાસરૂમમાં દાખલ થયાં તે સાથે જ તમામ યુવાનો અને યુવતીઓ સમૂહસ્વરમાં બોલી ઊઠ્યાં: 'હેપ્પી વેલેન્ટાઇન ડે, મે’મ’
હયાતી મેડમે મીઠું મલકીને હાથ હલાવ્યો, 'થેન્ક યુ હેપ્પી વેલેન્ટાઇન ડે ટુ યુ ઓલ, માય ડીયર સ્ટુડન્ટ્સ. આજે તો ચૌદમી ફેબ્રુઆરી છે, કેમ? તમને બધાંને તો મજા પડી ગઇ હશે. કોણ જાણે કેટલાયે દિવસોથી તમે વાટ જોઇ રહ્યા હશો કે ક્યારે આ દિવસ આવે અને ક્યારે તમારા પ્રિય પાત્ર સમક્ષ તમે દિલની વાત...’
ક્લાસમાં સૌથી બોલકી ગણાતી પ્રિયાએ ઊભાં થઇને કહ્યું, 'મે’મ દિવસોથી નહીં, કેટલાક મજનૂઓ તો મહિનાઓ થયા પ્રતીક્ષા કરતા બેઠા હતા. આ મારાવાળો વિશ્રાંત તો બારસો રૂપિયાનું કાર્ડ લઇ આવ્યો છે મને રીઝવવા માટે.’
'અને આ મૃગાંકે તો મોંઘાદાટ ગ્રીટિંગ્સ કાર્ડમાં લાલ અક્ષરે લખ્યું છે: 'વિલ યુ પ્લીઝ બી માય વેલેન્ટાઇન?’ મારી નજર એના ડાબા હાથની આંગળી પર બાંધેલા પાટા પર પડી. મેં પૂછ્યું ત્યારે ભાઇસાહેબે ફોડ પાડયો: 'ના, ત્યાં વાગ્યું બાગ્યું તો કંઇ નથી, પણ મેં બ્લેડ વડે ચીરો મૂકીને એમાંથી ટપકતા ખૂનમાં સળી બોળીને તારા માટેના આ કાર્ડમાં લખ્યું છે.’ હું તો આ સાંભળીને પાણી-પાણી થઇ ગઇ, મે’મ’ આટલું બોલતાંમાં તો સ્નિગ્ધા ફરી પાછી પાણી-પાણી થઇ ગઇ. પ્રિયા અને સ્નિગ્ધાની કેફિયત સાંભળીને વર્ગખંડમાં તાળીઓ પડી, ચિચિયારીઓ ઊઠી, છોકરાઓએ પાટલીઓ થપથપાવી અને છોકરીઓ શરમાઇ ઊઠી. હયાતી મેડમ રસપૂર્વક સાંભળતાં રહ્યાં. એક પછી એક છોકરી પોતાને મળેલી ભેટો અને ગ્રીટિંગ્સની કથા વર્ણવી રહી.
હયાતી મેડમ રસપૂર્વક બધું સાંભળી રહ્યાં હતાં તેઓ સ્વયં ખૂબસૂરત હતાં, હજુ યુવાનીની સીમારેખાની અંદર હતાં. આખી કોલેજને ખબર હતી કે તેઓ માત્ર શોખ ખાતર જ લેક્ચરર તરીકેની જોબ કરતાં હતાં, બાકી એમને જીવનભર કામ કરવાની જરૂર જ ક્યાં હતી? જે યુવાન, સુંદર સ્ત્રીના પપ્પા મલ્ટિપ્લેક્સ સિનેમાઘરના માલિક હોય, જેના ખુદના નામ પર બે પ્રખ્યાત શોપિંગ મોલ્સ હોય, પિતાની બધી મિલકતની જે એક માત્ર વારસદાર હોય, એવી રાજરમણીને આવી આર્ટ્સ કોલેજમાં ચંદ રૂપિયા માટે છોકરાંઓ સાથે 'જીભાજોડી’ કરવાની જરૂર જ ક્યાં રહે છે??
ક્યારેક કોઇ સાથી પ્રાધ્યાપક પૂછી લેતા હતા, 'હયાતી, તમે આ લમણાં ફોડવાનું કામ શા માટે કરો છો? આ પચાસ હજાર રૂપરડીના પગારમાં તો તમારા આખા મહિનાના પેટ્રોલ અને મોબાઇલ ફોનનું બિલ પણ નહીં નીકળતું હોય’ જવાબમાં હયાતી મેડમ ટૂંકો જવાબ આપીને ચૂપ થઇ જતાં હતાં: 'મને યુવાનો વચ્ચે જીવવું ગમે છે.’ આટલી વાતો સૌ જાણતા હતા, પણ કોઇ એ નહોતું જાણતું કે હયાતી નામની આ ધનવાન સ્ત્રીના હૈયામાં આ દેશના વર્તમાન અને ભવિષ્ય અંગે ચિંતાની ભઠ્ઠી સળગતી હતી. આજના યુવાનોની છેલબટાઉ જીવનશૈલી, દિલફેંક વિચારધારા અને પાણીની જેમ પૈસા ખર્ચી નાખવાની આદત જોઇને તે વિચારમાં પડી જતાં હતાં. કોઇ એ જાણતું ન હતું કે રોજ ઓડી કારમાં બેસીને કોલેજમાં આવતાં આ મે’મ જ્યારે પહેલી તારીખે પગાર મળે છે ત્યારે શું કરે છે
હયાતીની એક ટેવ હતી, એક ક્રમ હતો. દર મહિનાની પહેલી તારીખે જ્યારે પગાર થાય અને એમના હાથમાં જ્યારે રૂપિયા આવે કે તરત જ તેઓ કોલેજમાંથી છૂટીને ગરીબોની ઝૂંપડપટ્ટીમાં પહોંચી જતાં હતાં. એમની સાથે કારનો ડ્રાઇવર પણ હોય. 'દીદી’ને આવી પહોંચેલાં જોઇને ઝૂંપડે-ઝૂંપડેથી નાગાં, નિસ્તેજ, ગંદાં બાળકો નીકળી આવતાં અને એને ઘેરી વળતાં હતાં. હયાતીનો ડ્રાઇવર દરેક બાળકના હાથમાં એક-એક ગિફ્ટ પેકેટ મૂકી દેતો અને હયાતી એમના વાલીઓના હાથમાં 'કેશ કવર’ આપતી રહેતી. જ્યારે ગાડી એના બંગલે પહોંચે ત્યારે હયાતીનું પર્સ પણ ખાલી થઇ ગયું હોય અને હૈયું પણ ઠલવાઇ ગયું હોય.
હયાતી મેડમ એક પછી એક વિદ્યાર્થીને પૂછી રહ્યાં હતાં અને આઘાતજનક જવાબો મેળવી રહ્યાં હતાં.
હયાતી મેડમે એ દિવસ પૂરતી તો શાંતિ જાળવી રાખી. કોલેજના વિદ્યાર્થીઓનો 'મૂડ’ ખરાબ થઇ જાય તેવી એમની ઇચ્છા ન હતી. પણ બીજા દિવસે ક્લાસમાં આવીને તેમણે પોતાનો પુણ્યપ્રકોપ છુટ્ટો મૂકી દીધો: 'મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, તમને થયું છે શું? જે વેલેન્ટાઇન ડેની ઉજવણી પાછળ તમે ગાંડા થયા છો, તે વેલેન્ટાઇન કોણ હતા અને ક્યાંના હતા એની તમને ખબર છે? એ સંતપુરુષ કેવા પ્રેમની વાત કરી ગયા એનું તમને જ્ઞાન છે? એમ તો મહાન ઇસુ ખ્રિસ્ત પણ કહી ગયા છે કે 'લવ ધાય નેબર એઝ ધાયસેલ્ફ’, એટલે શું તમે તમારી પડોશણને ભગાડી જશો? વિશ્વના તમામ ધર્મોના પયગંબરો, સંતો અને મહાન આત્માઓ પ્રબોધેલી વાતોનો મર્મ સમજવાની કોશિશ કરો.
તમારા મનની અંદર ધરબાયેલી વાસનાઓને બહાર લાવવાનું એને નિમિત્ત ન બનાવો. આપણે જે દેશમાં જન્મ લીધો છે તે વશિષ્ઠ, વાલ્મીકિ અને વિશ્વામિત્રનો દેશ છે. તમે ગાર્ગી, મૈત્રેયી અને લોપામુદ્રાનાં સંતાનો છો. આ પશ્ચિમી તહેવારોની દેખાદેખીમાં આપણું ધન વેડફી ન નાખો. ગ્રીટિંગ્સ કાર્ડ્ઝની ખરીદીમાં કરોડો રૂપિયાનું હૂડિંયામણ પરદેશમાં ઘસડાઇ જાય છે તેને અટકાવો. આપણી ભારત માતા વધુ ને વધુ ગરીબ થતી જાય છે એને...’
'મે’મ, નો મોર લેક્ચરિંગ, પ્લીઝ આપણા નેતાઓ આ દેશને લૂંટી રહ્યા છે એ વિશે તમે કેમ કંઇ નથી બોલતાં? માત્ર અમારો જ વાંક તમને દેખાય છે? યુવાનીમાં જો અમે જલસા નહીં કરીએ તો પછી ક્યારે કરીશું? ઘડપણમાં?’ તેજસે રોષ વ્યક્ત કર્યો.
'શટ અપ, યુ ઇડિયટ આ નેતાઓ આખરે આવે છે ક્યાંથી? તમારામાંથી જ ને? જો તમે લોકો અત્યારે આવા છો, તો ભારતના ભાવિ નેતાઓ ભંવરીદેવી અને મધુમિતા કાંડવાળા જ થવાના ને? રહી વાત યુવાનીની તો મિત્રો, આ દેશમાં આજથી દોઢસો વર્ષ પહેલાં વિવેકાનંદ નામના એક યુવાન થઇ ગયા. એમણે તમારા જેવા જલસાઓ નહોતા કર્યા.
તમને ઇટાલીયન સંત વેલેન્ટાઇનનો જન્મ દિવસ યાદ છે, પણ ભારતના આ શ્રેષ્ઠ સંન્યાસીનો જન્મદિવસ યાદ છે ખરો? જવા દો એ વાત મને એ કહો, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, 'જો મારી પાસે મારા જેવા ૧૦૦ યુવાનો હોય તો હું ભારતની સિકલ બદલી આપું’ આપો જવાબ: આજના ભારતમાં આવા એક હજાર યુવાનો છે ખરા? પૂળો મૂકો તમારી યુવાનીમાં...’ હયાતી મેડમ રડી પડ્યાં. આંસુ ભલે હયાતીનાં હતાં, પણ વ્યથા મા ભારતીની હતી.’'
Comments
Post a Comment
Thanx For Comment