પ્રેમમાં પાગલ પટેલ પુત્રના પિતાની આંખમાં ઝળઝળિયાં



અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર
હૃદય રમતું મૂકી દીધું અકસ્માતોના રસ્તા પર
 
ભાઇસાહેબ ઘર છોડીને ભાગી ગયા છે. આજે પંદરેક દિવસ થયા. ખિસ્સામાં હજાર-બે હજાર રૂપરડી હશે. એટલામાં પાંચ જણાનું પેટ કેટલા દિવસ લગી ભરી શકાય?
 
'સર, કોઇ છોકરો આવ્યો છે... નોકરી માટે... તમને મળવા માગે છે.’ પ્યૂને ઓફિસમાં પ્રવેશીને માહિ‌તી આપી. રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા વ્યસ્ત 'સરે’ માથું હલાવ્યું જેનો મતલબ થતો હતો: 'એને અંદર મોકલી આપ’
 
પછી જે છોકરો અંદર દાખલ થયો એને જોઇએ 'સર’ને હસવું આવી ગયું. આવનાર છોકરો ખરેખર 'છોકરો’ જ લાગી રહ્યો હતો. કોમળ ચહેરો, મૂછની જગ્યાએ ઊગેલી આછી-આછી, મુલાયમ વાળની રુવાંટી, પાતળું મોં, એકવડિયું શરીર જોઈ સર હસી પડ્યા. એમનું નામ વિશાલ હતું. એમણે પૂછ્યું, 'શું નામ છે તારું , દોસ્ત?’ છોકરામાં 'દોસ્ત’ સંબોધન સાંભળીને સહેજ આત્મવિશ્વાસ આવ્યો, છાતી કાઢીને એણે નામ જણાવ્યું, 'માસૂમ ચૌધરી.’
 
'ઉંમર?’, 'અઢાર પૂરા થવામાં અઢાર દિવસની વાર છે.’ 'શેના માટે આવ્યો છે?’ કામ મેળવવા માટે.’'જો, અમે સિક્યુરિટી એજન્સી ચલાવીએ છીએ. અમારા સિક્યુરિટી મેન ઊંચા, કદાવર અને ખડતલ હોવા જરૂરી છે. આ ધંધામાં તારા જેવો 'માસૂમ’ ન ચાલી શકે. સોરી, દોસ્ત, તું બીજે ક્યાંક તપાસ કરી શકે છે. ભવિષ્યમાં તારું શરીર જ્યારે મજબૂત બને, ત્યારે જરૂર આવજે. હું તને કામ આપીશ. જરૂર આપીશ.’
 
માસૂમ ચૌધરી નિરાશ તો જરૂર થયો, પણ વિશાલભાઇના વચનમાં એને ભવિષ્યની આશા પણ દેખાણી, એણે પ્લાસ્ટિકની કોથળીમાંથી બે-ત્રણ કાગળો કાઢીને ટેબલ ઉપર મૂક્યા, કહ્યું, 'આમાં મારા વિશેની વિગતો છે. જન્મનો દાખલો છે, ડિગ્રી સર્ટિ‌ફિકેટ છે અને આ અલગ કાગળ પર મારું પૂરું નામ અને મારો સેલફોન નંબર છે. હાલ પૂરતી તો ગમે તેવી 'જોબ’ હું ગમે ત્યાં શોધી કાઢીશ, પણ તમારે ત્યાં ખાલી જગ્યા પડે ત્યારે મને ફોન કરવાનું ન ભૂલશો, પ્લીઝ...’ કાગળો છોડીને અને આશાઓ લઇને માસૂમ ત્યાંથી ચાલ્યો ગયો. જતાં-જતાં રિસેપ્શન કાઉન્ટર પરથી ઓફિસનું વિઝિટિંગ કાર્ડ પણ સાથે લેતો ગયો. 'ગમે ત્યારે કામમાં આવે’ એવું ધારીને. ભવિષ્યમાં બે-ચાર મહિ‌ને ફોન કરીને પૂછી પણ લેવાય: 'મારી જરૂર છે? હવે થોડોક મજબૂત થયો છું.’
 
વિશાલભાઇ તો પોતાના કામમાં ડૂબી ગયા. માસૂમ નામનો કોઇ છોકરો નોકરી શોધતો આવ્યો હતો એ વાત પણ વીસરી ગયા. બે દિવસ માંડ ગયા હશે, ત્યાં એક ચાલીસ-પિસ્તાલીસ વર્ષનો લાગતો પુરુષ એમની ઓફિસમાં આવી ચડ્યો. બહાર ઊભેલા પ્યૂનને પૂછ્યું, 'આ કાર્ડમાં લખ્યું છે તે સરનામું આ જ ઓફિસનું છે ને? મારે તમારા શેઠને મળવું છે.’ થોડીવાર પછી એ આદમી ઓફિસની અંદર હતો અને વિશાલભાઇ એને પૂછી રહ્યા હતા, 'આ કાર્ડ અમારું જ છે અને આ ઓફિસ પણ અમારી છે. બોલો, શા માટે આવવું પડ્યું? પહેલાં મને એ કહો કે અમારું કાર્ડ તમારી પાસે ક્યાંથી આવ્યું?’
 
'મારી પાસે નથી આવ્યું, સાહેબ, મારા દીકરાની પાસેથી મારા સુધી આવ્યું છે.’ પુરુષના અવાજમાં દુ:ખ હતું, સહેજ ધ્રુજારી હતી.
 
'તમારો દીકરો? એ કોણ?’ વિશાલભાઇ સમજી ગયા કે મામલો ચિંતાજનક છે.'તમારી પાસે માસૂમ ચૌધરી નામનો છોકરો આવ્યો હતો?’
 
'હા, બે દિવસ પહેલાં જ આવ્યો હતો. નોકરી માટે વિનંતી કરતો હતો, પણ મને તો એ સુખી ઘરનો કોમળ યુવાન લાગ્યો, એટલે મેં કામ આપવાની ના પાડી દીધી. અમારું તો મારામારીનું કામ રહ્યું, એમાં માસૂમ જેવો...’
 
'તમારી ધારણા સાચી છે, સાહેબ હું બનાસકાંઠાના એક ગામમાંથી આવું છું. આંજણો પટેલ છું. મારી માલિકીની બારસો વીઘાની જમીન છે. માસૂમ મારો એકનો એક દીકરો છે. હથેળીમાં ઉછેરીને મોટો કર્યો છે મેં એને. ફિલ્મના હીરો પહેરે એવાં કપડાં લઇ આપ્યાં છે. હાઇસ્કૂલમાં ભણતો ત્યારે મોટરબાઇક પર બેસીને જતો હતો, કોલેજમાં ગયો ત્યારે પહેલા જ દિવસે મેં એને કાર અપાવી હતી. સોનાનો કોળિયો ખવડાવીને મોટો કર્યો છે. કોઇ દી’ ઘાસનું તણખલુંયે એની પાસે તોડાવ્યું નથી. પછી શરીર સુંવાળું જ હોય ને’ બાપની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
 
'હું તમારી વાત સમજી શકું છું, પણ મને એક વાત સમજાતી નથી, તમારા એ સુખી રાજકુમારને મારી પાસે નોકરી માગવા શું કામ આવવું પડ્યું?’
 
'કારણ કે ભાઇસાહેબ ઘર છોડીને ભાગી ગયા છે. આજે પંદરેક દિવસ થયા. ખિસ્સામાં હજાર-બે હજાર રૂપરડી હશે. એકાદ વીંટી અને કાંડાઘડિયાળ, ખરીદવા જાવ ત્યારે મોંઘી પડે, પણ વેચવા જાવ તો મામૂલી રકમ હાથમાં આવે. એટલામાં પાંચ જણાનું પેટ કેટલા દિવસ લગી ભરી શકાય? એટલે કુંવર હવે નોકરી શોધવા નીકળ્યો છે.’ માસૂમના જમીનદાર પિતાનો અવાજ હવે ગરમી પકડી રહ્યો હતો.
 
'ઘર છોડીને ભાગી જવાનું કારણ શું?’ વિશાલભાઇને વાતમાં રસ પડ્યો.
 
'પ્રેમ. આ પ્રેમે જ દુનિયાનો દાટ વાળ્યો છે ને જ્યાં જુઓ ત્યાં આ જ ખેલ ચાલે છે. આંધળા ભીંત થઇને માણસો ઝંપલાવી દે છે. એટલોયે વિચાર નથી કરતા કે મા-બાપની લાગણીનું શું થશે? ખાનદાનની ઇજ્જતનું શું થશે?’ બનાસકાંઠાનો ચૌધરી એના અસલ મિજાજમાં આવતો જતો હતો.
 
'વિશાલભાઇએ એને ઠંડા પાડવાની કોશિશ કરી,’ વડીલ, તમે શાંત થાવ. પાણી પીઓ. ગુસ્સાને થૂંકી નાખો. છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. 
 
માસૂમે ભલે તમારી લાગણીનો વિચાર ન કર્યો, પણ તમે તો એની લાગણીનો વિચાર કરો. એની પણ એક જિંદગી છે, એનુંયે દિલ છે, એને પણ કોઇ છોકરી ગમી ગઇ છે, ભલે એ છોકરી દેખાવમાં ઓગણીસ-વીસ હોય, ભલે એની જ્ઞાતિ અલગ હોય, ભલે એનો પિતા ગરીબ હોય, પણ તમારા દીકરાને તો એ ગમી ગઇ છે ને? એ બેયને માફ કરી દો અને એમના સાચા પ્યારનો તમે સ્વીકાર કરી લો.’ ચૌધરી ઊભા થઇ ગયા, 'હું જાઉં છું. મારે તમારી સલાહનું કામ નથી. મારો છોકરો કોને ઉપાડી લાવ્યો છે એની તમને ખબર નથી, તોયે વચમાં કૂદી પડયા છો. શરમ નથી આવતી તમને? 
 
આ તો મારે ગરજ છે એટલે તમારી પાસે આવ્યો છું. મને ક્યાંકથી માહિ‌તી મળી કે એ ફલાણી જગ્યાએ મકાન ભાડે રાખીને રહે છે. હું શોધતો શોધતો એ સરનામે પહોંચી ગયો, ત્યારે જાણવા મળ્યું કે ભાઇ સાહેબ પોતાની રાજરાણીને લઇને બીજે ક્યાંક રહેવા ચાલ્યા ગયા છે. ખાલી મકાનમાંથી તમારી ઓફિસનું કાર્ડ મળ્યું એટલે...’
 
વિશાલભાઇ હબકી ગયા, એમને લાગ્યું કે આ જમીનદાર ભાયડો ક્યાંક એમના માથા પર ડંગોરો ફટકારશે. એમણે વાતને વાળી લીધી, 'કાકા તમે ચિંતા ન કરો. તમારા દીકરાનો ફોન નંબર મારી પાસે છે. હું એને નોકરી આપવાના બહાને અહીં બોલાવી લઉં છું. પછી તમે જાણો અને એ જાણે.’ વિશાલભાઇએ ફોન કર્યો. અડધા કલાકમાં જ માસૂમ આવી પહોંચ્યો. બાપને જોઇને ધ્રૂજી ઊઠ્યો. ચૌધરીજીએ લાડકા દીકરા ઉપર જિંદગીમાં પહેલી વાર હાથ ઉપાડ્યો હશે, પણ એ ખેડૂતનો હાથ હતો. બે લાફામાં જ માસૂમે શરણાગતિ સ્વીકારી લીધી. કરગરી પડયો, 'મારી ભૂલ થઇ. હજુ અમે લગ્નની નોંધણી કરાવી નથી. તમે મને પાછો ઘેર લઇ જાવ. હું અત્યારે જ જીપમાં બેસી જવા તૈયાર છું.’ મામલાનો અંત આવી ગયો. ચૌધરી પિતા-પુત્ર રવાના થઇ ગયા.
 
વિશાલભાઇ વિચારી રહ્યા: 'જગતમાં આવું કેમ થતું હશે? દરેક પ્રેમસંબંધનો આવો કરુણ અંજામ શા માટે આવતો હશે? માસૂમે એવું તે શું ખોટું કર્યું હશે કે...?’ એ સાંજે જ આ તમામ સવાલોનો જવાબ વિશાલભાઇને મળી ગયો.
 
એક કાળી, જાડી, પાંત્રીસેક વર્ષની કદરૂપી સ્ત્રી ત્રણ બાળકોને લઇને એમની ઓફિસમાં આવી ચડી. કર્કરા અવાજમાં ઉત્તર ભારતની ગામઠી હિ‌ન્દીમાં એ કકળાટ કરવા લાગી, 'કીધર ગયા મેરા ઘરવાલા? તેરે યહાં તો આયા થા. મેરેકુ યહાં કા પતા બતાકર નિકલા થા ઘરસે. નહીં, વો મુજે છોડકર વાપીસ જા નહીં સકતા. કિતના પ્યાર કરતા હૈ વો મુજસે? માલૂમ હૈ? મૈં તો પૈંતીસ કી હૂં. વો અઠરાહ બરસકા હૈ. મૈં તલ્લાકશૂદા. વો કંવારા. મૈં ઉસકે ખૈત મૈં મજૂરી કરતી થી. ફિર ભી વો મેરેકુ ભગા લાયા. તૂ સચ-સચ બતા, મેરા ઘરવાલા કિધર હૈ?’ સ્તબ્ધ થઇ ગયેલા વિશાલભાઇ પેલી કહેવત યાદ કરી રહ્યા: 'પ્રેમ આંધળો છે.’ પછી પેલી ગરજતી ભેંસને જોઇને મનોમન પૂછી રહ્યા: 'સમજ્યા કે પ્રેમ આંધળો હોય છે, પણ આજે ખબર પડી કે પ્રેમી પણ આંધળો હોઇ શકે છે’'

Comments