બંધ બારણે ખૂન, તાળું મારેલું હોવા છતાં બંધ ઘરમાં થયું ખૂન



હવામાનમાં આજે ઠંડીનો ચમકારો હતો. તેથી ગુલઝાર બારમાં ગ્રાહકોની બહુ ભીડ ન હતી. છતાં નિયત સમય સુધી બારમાં ડાન્સ શો ચાલુ રહ્યો. છેક રાત્રે બાર વાગ્યે બાર બંધ થતાં ડાન્સર મોનિકા ટેક્સીમાં ઘરે આવવા નીકળી પડી. નહિ‌તર તો રોઝી સિનેમાનો યુવાન મેનેજર નાગેશ એની બાઇક પર હંમેશાં રાત્રે મોનિકાને લઈને ઘરે આવતો હતો. કારણ એની નોકરીય છેલ્લા શો સુધીની હતી. વળી નાગેશ મોનિકાના આદર્શ સોસાયટીમાં આવેલા બ્લોક નંબર પચીસમાં પેઇંગગેસ્ટ તરીકે રહેતો હતો.
એ નાગેશ આજે કોઈ નવી રિલીઝ થયેલી ફિલ્મની પ્રિન્ટ લેવા માટે મુંબઈ ગયો હતો અને એના કોઈ નજીકના સગાને ત્યાં લગ્ન હોવાથી રોકાવાનો હતો.
તેથી ગુલઝાર બાર પરથી ટેક્સીમાં એકલી નીકળેલી મોનિકા એના બ્લોક પર આવી પહોંચી. આવડા મોટા બ્લોકમાં એ પતિ-પત્ની એકલાં રહેતાં હતાં. નાગેશ તો હજી ગયા વર્ષે જ પેઇંગગેસ્ટ તરીકે રહેવા આવ્યો હતો. મોનિકાનો પતિ પ્રીતમલાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મેકઅપ મેન હતો. એક મેકઅપ મેન તરીકે બોલિવૂડમાં એનું નામ હતું, પરંતુ એક એક્સિડન્ટમાં એણે ડાબો હાથ ગુમાવ્યો ત્યારથી એણે મેકઅપનો બિઝનેસ છોડી દીધો હતો. અત્યારે મોનિકાની આવક પર ઘર ચાલતું હતું. મોનિકાએ ટેક્સીના પૈસા ચૂકવીને ડોરબેલનું બટન દબાવ્યું. દરવાજો ખૂલ્યો નહીં. આથી એણે પતિના નામની બૂમ મારી, દરવાજો પણ ખખડાવ્યો, પણ અંદર કોઈ હિ‌લચાલ ન થઈ, પણ આજુબાજુના પાડોશીઓ જાગીને આવ્યા.
'શું છે મોનિકા?’
'ક્યારની પ્રયત્ન કરું છું પણ પ્રીતમ દરવાજો ખોલતો નથી.’
'તમારો પી.જી. નાગેશ નથી?’
'ના, એ તો ગઈ કાલે મુંબઈ ગયો છે ને.’
અંદરથી બંધ દરવાજો પ્રીતમ ખોલતો ન હતો. તેથી સૌને થયું કે નક્કી કશુંક અજુગતું લાગે છે. ત્યાં જ સોસાયટીના સેક્રેટરી રાવળસાહેબ આવ્યા. એમણે હકીકત જાણીને સૌની હાજરીમાં દરવાજો તોડવાનું કહ્યું. હાજર રહેલાઓમાંથી બે-ત્રણ જણે મળીને દરવાજો તોડી નાખ્યો. મોનિકા તુરંત જ અંદર પ્રવેશીને બેડરૂમ તરફ દોડી. પાછળ સર્વ પાડોશીઓ.
સૌએ જોયું તો પલંગ પર પ્રીતમલાલની લાશ પડી હતી. ચાદર લોહીથી ખરડાયેલી હતી. બસ, એ જોતાં જ મોનિકા રડી પડી.
સેક્રેટરી રાવળસાહેબની સૂચના મળતાં જ પુના રોડ પોલીસ સ્ટેશનના ઓફિસર જશપાલસાહેબ એની જાંબાઝ ટીમ સાથે આવી પહોંચ્યા. એમણે ઘટનાનું બારીક નિરીક્ષણ કર્યું, પણ એક લોહિ‌યાળ છરી સિવાય કોઈ આધાર-પુરાવો ન મળ્યા. હાજર રહેલા સૌના કહેવા મુજબ બારણું અંદરથી બંધ હતું, તો ખૂની અંદર આવ્યો ક્યાંથી? અને આવ્યો તો બહાર ગયો ક્યાંથી?’
બહુ વિકટ સવાલ હતો. મોનિકાનું સ્ટેટમેન્ટ લેવાયું, પણ એણે બતાવ્યું કે પોતે રાત્રે બાર પરથી ઘરે આવી ત્યારે દરવાજો બંધ હતો પછીની વાત સૌ જાણે છે.
'ઘરમાં અન્ય કોણ કોણ આવતું હતું? જસપાલસાહેબના પ્રશ્નના ઉત્તરમાં મોનિકાએ નાગેશનું નામ જણાવ્યું અને એ એનો પેઇંગગેસ્ટ છે, એમ પણ કહ્યું.
'અત્યારે નાગેશ ક્યાં મળશે?’
'એ તો ગઈ કાલે જ મુંબઈ ગયો છે.’
આમ પૂછપરછ બાદ પંચનામું તેમ જ અન્ય કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રીતમલાલની લાશ પી.એમ. માટે રવાના કરાઈ.
કેસ જરા અટપટો હતો. તપાસની શરૂઆત ક્યાંથી કરવી એ જ જશપાલસાહેબ વિચારી રહ્યા, પણ એક ઝબકારો થતાં એ ખુશ થઈ ગયા.
અહીં મોનિકાને નાગેશની ગેરહાજરી ખૂંચતી હતી. એને નાગેશ પ્રત્યે લગાવ હતો, તો નાગેશના હૈયામાંય મોનિકા વસી ગઈ હતી. અંતે મોનિકાથી ન રહેવાયું. એણે નાગેશને ફોન કર્યો. નાગેશે મોબાઇલમાં મોનિકાનું નામ જોઈ ફોન રિસીવ કર્યો. એ સાથે જ મોનિકા બોલી,
'હલ્લો ડાર્લિંગ, ક્યારે આવે છે તું? તને તો ખબર છે કે હું તારાથી દૂર રહી શકતી નથી. આ જુદાપણું દૂર કરવા માટે તો મેં તને સોંપેલું કામ અંતે મારે જ કરવું પડયું. ચાર દિવસ પહેલાં જ પ્રીતમને પતાવી હું બાથરૂમની જાળી તોડીને બહાર સફળતાથી નીકળી ગઈ. હવે અંદરથી બંધ મકાનમાં ખૂન કેમ થયું એ શોધવા પોલીસ ફાંફાં મારે છે. તું આવી જા.’
'મોનિકા, હું આવી જ ગયો છું, પણ પોલીસની આવજાથી ત્યાં નહોતો આવતો. અભી હાલ તારે ત્યાં આવવા નીકળું છું.’
મોનિકા ખુશ થઈ રહી. થોડી વારે જ ડોરબેલ રણકી ઊઠી. નાગેશનું સ્વાગત કરવા એણે દોડીને દરવાજો ખોલ્યો તો સામે પોલીસ અધિકારી જશપાલસાહેબ ઊભા હતા.
'અરે સાહેબ તમે અત્યારે?’
'હા, અમારે પોલીસવાળાને કોઈ સમય જ ન હોય.’
'કેમ, ખૂનીનો પત્તો મળ્યો?’
'હા, ફાંફાં મારતાં મારતાં પત્તો નહીં, પણ ખૂની જ મળી આવ્યો.’
'એટલે?’
'બસ મોનિકા, હવે સવાલ બંધ કરો. મેં કંપનીમાં તમારા ફોન ટેપ કરવાનો આદેશ આપેલો. તમે હમણાં નાગેશ સાથે વાત કરી, મારો કેસ સાવ સરળ કરી નાખ્યો, સમજ્યાં? ગુનેગાર ગમે તેવો ચાલક હોય પણ પોલીસોય ચાલાક ન હોય.’ અને મોનિકાને ખૂન કરવા બદલ એરેસ્ટ કરવામાં આવી.'

Comments