અંધારી રાતે રસ્તો ભૂલી ગયેલા યુવાનને બાઈક સવાર મળ્યો, પરંતુ એ બાઈક સવાર તો...



લગ્નમાં માધવપુર આવેલો યુવાન અંધારી રાત્રે ઝાડીમાં રસ્તો ભૂલી ગયો. ત્યાં એને એક બાઇકસવારનો સાથ મળી ગયો. પરંતુ એ બાઇક સવાર તો...

માધવાપુર ફલેગ રેલવેસ્ટેશને યોગેશ લોકલ ટ્રેનમાંથી ઊતર્યો ત્યારે સાંજના સાત થવામાં હતા. આજે લોકલ ટ્રેન એક કલાક મોડી હતી એવું કહેતા મુસાફરોને ટ્રેનમાં યોગેશે સાંભળ્યા હતા. શિયાળાનો ટૂંકો દિવસ આથમતાં જ અંધારું જામી પડયું હતું. ખુલ્લામાં ઠંડા પવનનું મોજું આવતાં યોગેશને ઉકરાટો આવી રહ્યો. ગળામાં વીંટાળેલું મફલર એણે કાને બાંધી લીધું. એના સિવાય કોઈ મુસાફર ઊતર્યો ન હતો. સ્ટેશનનાં પગથિયાં પાસે ઊભેલા સ્ટેશન માસ્તર યોગેશને જોતાં જ સમજી ગયા કે યુવાન ભૂલથી માધવપુર ઊતર્યો લાગે છે.
માસ્તરે પૂછયું : 'ભાઈ તમારે ક્યાં જવું છે?’ 'માધવપુર જ, કેમ?’ યોગેશે સામે પૂછયું, 'તમે નવા લાગો છો.’
'હા. મારા પિતાજી માણેકલાલ ઓઝા દોઢ દાયકા પહેલાં અહીં માધવપુર પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક હતા, ત્યારે મારી ઉંમર છ વર્ષની હતી. ત્યારે સ્ટેશન મુસાફરોથી ધમધમતું હતું.’
'એમ? તમે ઓઝાસાહેબના દીકરા અરે, એમની પાસે તો હું ભણ્યો હતો.’ બંનેની વાત ચાલતી ત્યારે બાજુમાં આવીને ઊભેલો છગન સાંધાવાળો બોલ્યો. 'હા, હું એમનો પુત્ર યોગેશ.’
'સારું સારું, સાહેબ શું કરે છે? અહીંથી ગયા પછી તો મેં જોયા જ નથી, પણ આટલાં વર્ષો બાદ તમને માધવપુર કેમ યાદ આવ્યું?’
'સાહેબ તો આજે હયાત નથી. એ હાજર જીવિત હોત તો એ પોતે જ માધવપુર આવત. અહીં અમે જેમના મકાનમાં ભાડે રહ્યા હતા ને એ મહાસુખ શેઠની પુત્રીનાં લગ્નની પત્રિકા આવી એટલે લગ્નમાં આવ્યો છું. મારી મમ્મીએ ખાસ ભલામણ કરીને કહ્યું કે બેટા મહાસુખભાઈએ આપણને ખૂબ જ મદદ કરેલી. એમની સાથે ઘર જેવો સંબંધ હતો.
આપણે મુંબઈ આવ્યા પછી હમણાં સુધી એમના પત્રો અને ફોન આવતા હતા, તેથી તારે મહાસુખકાકાની કોકિલાનાં લગ્નમાં જવું પડે અને આમેય મને માધવપુર આવવાની ઇચ્છા હતી, તેથી આવ્યો છું.’
'હા, હા, મહાસુખ શેઠને ત્યાં લગ્નની તૈયારીઓ ચાલે છે, પણ તમે ગામમાં કેવી રીતે જશો? હવે તો રસ્તો જરા વિકટ થઈ ગયો છે. આડેધડ બાવળની ઝાડીમાં રસ્તો બગડી ગયો છે. એમ કરો, મારી સાઈકલ લઈ જાઓ. સવારે કોઈની સાથે મોકલી દેજો.’
'ના, ના, ટ્રેનમાં આમેય પગ અકડાઈ ગયા છે અને રસ્તો મેં જોયેલો છે. તેથી ધીરે ધીરે ચાલ્યો જઈશ.’
'હા, એ બરાબર રહેશે, છગન, ભાઈને સાઈકલ નહીં, પણ એમને અંધારે ચાલવામાં ર્ટોચ (બત્તી)ની જરૂર પડશે, જાઓ મારી ઓફિસમાંથી લઈ આવો.’
સ્ટેશનમાસ્તરના કહેવા મુજબ છગન ર્ટોચ લઈ આવ્યો અને યોગેશ માધવપુરના અંતરિયાળ રસ્તે નીકળી પડયો. બત્તી હતી તે સારું હતું. નહીંતર અંધારું ખાસ્સું હતું. શિયાળોની લાળી અને તમારાઓનો કર્કશ અવાજ વાતાવરણને ભયાનક બનાવી રહ્યાં હતાં અને સાચે જ એકબીજાને બથ ભરી ગયેલા ગાંડા બાવળની ઝાડીને ચીરતો રસ્તો બિહામણો ભાસતો હતો. ત્રણ કિ.મી.નું અંતર યોગેશને આજે ત્રીસ ગાઉ જેવું લાગ્યું. પોતે એકલા નીકળવાની ભૂલ પર એ પસ્તાઈ રહ્યો, પણ શું થાય એ ર્ટોચના અજવાળે અજવાળે હનુમાનજીની ચાલીસા કરતો રસ્તો કાપવા લાગ્યો.
એમાં એ મુખ્ય રસ્તો છોડીને એક અલગ ફંટાઈ ગયેલી કેડી તરફ વળી ગયો. બહુ સમય ચાલવા છતાં માધવપુરની લાઈટો દેખાણી નહીં, ત્યારે એને થયું કે પોતે ભૂલો પડયો તો નહીં હોય ને? અને ખરેખર ભૂતાવળ સમા ભાસતા બાવળની ઝાડીમાં યોગેશ ભૂલો પડયો હતો. મનોમન એ મૂંઝાઈ રહ્યો, હવે શું કરવું? અંતરિયાળ જગ્યામાં કોને પૂછવું કે માધવપુરનો રસ્તો કયો?
ત્યાં જ પાછળથી ઝળાહળા અજવાળું પથરાઈ ગયું. ફ્ટ ફ્ટ અવાજ આવ્યો. એક મોટરસાઈકલ પાછળ આવી રહી. એની હેડલાઈટના અજવાળે યોગેશે પાછળું જોયું.
એક રાજવંશી હોય તેવો ચહેરો ધરાવતો યુવાન યોગેશ પાસે મોટરસાઈકલ પર આવી પહોંચ્યો. એણે થોભીને પૂછયું.
'અરે ભાઈ, તું અહીં ભૂલો પડયો લાગે છે તારે ક્યાં જવું છે?’
'હા યાર, ભૂલો પડયો છું. મારે માધવપુર જવું છે.’
'માધવપુર કોના ઘરે જવું છે?’
'મહાસુખકાકાના ઘરે લગ્નમાં જવું છે.’
'ઓહ, ત્યારે તો ચાલો બેસી જાઓ ભાઈ. હું એમના કામે જ ગયેલો. કાલે સવારે જાન આવે છે, તેથી હું કોકિલાબહેન માટે ફૂલહાર ને ગજરા તેમ જ વેણી લેવા ગયો હતો.’ યોગેશે જોયું મોટરસાઈકલ પર પાછળ કરંડિયો બાંધ્યો હતો. એણે સીટ પર બેસતાં બેસતાં કહ્યું, 'સારું થયું ભાઈ તમે મળી ગયા, નહીંતર હું સવાર સુધી આ કાંટમાં રખડતો રહેત. શું નામ છે તમારું?’
'મારું નામ રમેશ, પણ તમે અહીં કેમ ભૂલા પડયા? ક્યાંથી આવો છો?’ મોટરસાઈકલવાળા યુવાને પૂછયું.
'હું મુંબઈથી આવું છું. મારું નામ યોગેશ માણેકલાલ.’
'અરે, ઓઝાસાહેબના સન’ આમ વાત વાતમાં માધવપુર આવી ગયું, એટલે રમેશે મોટરસાઈકલ ઊભી રાખીને કહ્યું, 'જુઓ યોગેશભાઈ, સામે રહ્યું એ ઘરે લગ્ન છે. તમે એક કામ કરો આ ફૂલહારનો કરંડિયો લઈને ત્યાં જાઓ. કહેજો કે રમેશે વેણી-ફૂલહાર મોકલ્યાં છે. અને એ ગામમાં એક કામ પતાવીને આવે છે.’
યોગેશે કરંડિયો લઈને મોટા હવેલી સમા એ મકાનમાં પ્રવેશ્યો, તો ત્યાં રંગબેરંગી રોશનીમાં રૂડામંગળ લગ્નગીતો ગવાઈ રહ્યાં હતાં. ઢોલ-શરણાઈના સથવારે વિશાળ ફળિયામાં રાસગરબાની જમાવટ જામી હતી. હરખની હેલી ચડી હતી.
મહાસુખ શેઠ તો યોગેશને જોઈને ખુશખુશાલ થઈ રહ્યા પણ જેવો ફૂલહારનો કરંડિયો આપતાં કહ્યું કે રમેશે મોકલ્યો છે અને એ હમણાં આવે છે, ત્યારે મહાસુખ શેઠના હાથમાંથી પેલો કરંડિયો પડી ગયો. એ હતપ્રભ થઈ રહ્યા. સૌએ જાણ્યું ત્યારે સન્નાટો વ્યાપી રહ્યો. ગીતો થંભી ગયાં.
યોગેશ મૂંઝાઈ રહ્યો, ત્યારે કોઈએ વાત કરી કે ભાઈ ફૂલહારનો કરંડિયો મોકલનાર એ રમેશ બીજો કોઈ નહીં, પણ મહાસુખ શેઠનો મોટો પુત્ર હતો. જે ગયા વર્ષે મોટરસાઈકલના અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. એણે જીવતા વાયદો કર્યો હતો કે બહેન તારાં લગ્નમાં હું ખાસ ફૂલહાર અને વેણી-ગજરા તને લાવી આપીશ. વાત સાંભળીને યોગેશ પરસેવે નીતરી રહ્યો.'

Comments