ફૂલ પગમાં, છત્ર ગગન જ્યાં હોય ત્યાં
બેસ રજવાડી જતન જ્યાં હોય ત્યાં
‘રડશો નહીં, હમણાં મટી જશે. જરૂર પડશે તો હું મારા ફેમિલી ડોક્ટરને અહીં જ બોલાવી લઇશ. તમે આપણા ઇન્ટરવ્યૂની જરા પણ ચિંતા ન કરશો. પહેલા સાજા થઇ જાવ, વાતચીત માટે તો પૂરી જિંદગી પડી છે.
‘ડેડ! ગુડ ન્યૂઝ...! મને અમારી કોલેજની ‘મોસ્ટ બ્યુટિફુલ ગર્લ’ તરીકે ડિકલેર કરવામાં આવી છે. આઇ હેવ બીન ક્રાઉન્ડ એઝ મિસ કોલેજ.’ અમદાવાદની પ્રખ્યાત કોલેજમાં એમ.બી.એ.નો અભ્યાસ કરતી લકીર શાહે એના પપ્પાને ખુશખબર આપી.
‘કોંગ્રેચ્યુલેશન્સ, બેબી! વેલ ડન! જોકે મને આ સમાચાર જાણીને કોઇ જ આશ્ચર્ય નથી થયું. એવી કોઇ જ બ્યુટી કન્ટેસ્ટ ન હોઇ શકે જેમાં મારી દીકરી ભાગ લે અને એને વિજેતા તરીકે જાહેર કરવામાં ન આવે.’ ચંદ્રેશભાઇના અવાજમાં પોરસ છલકાયો. પછી તરત એમણે વાતનું ‘ગીઅર’ બદલી નાખ્યું, ‘તું હવે રાજકોટ ક્યારે આવી રહી છે?’
‘કેમ? રાજકોટ આવીને મારે શું કરવાનું છે? પપ્પા, મારી છેલ્લી ટર્મ ચાલે છે. શાંતિથી ભણવા દો ને મને.’
‘ભણવાનું તો હવે પૂરું થઇ જશે. પછી સંસારની સરગમ શરૂ કરવી પડશે ને, દીકરી! ક્યાં સુધી ‘મિસ કોલેજ’ અને ‘મિસ યુનિવર્સિટી’ના ખિતાબો જીત્યા કરીશ? ભવિષ્યમાં કોઇ સુપાત્ર વર શોધીને ‘મિસિસ’ તરીકેનો તાજ પણ પહેરવો પડશેને!’
‘એ બધું ત્રણ-ચાર મહિના પછી કરીએ તો ન ચાલે, ડેડ?’
‘ના, ન ચાલે.’ ચંદ્રેશભાઇ પિતા તરીકે અત્યંત સ્નેહાળ હતા, પણ દીકરીના ભવિષ્યનો નિર્ણય લેવા અંગે ખૂબ જ મક્કમ અને પ્રેક્ટિકલ હતા, ‘તું ભણવાનું પૂરું કરી લે એ પછી છ જ મહિનાની અંદર તારાં લગ્ન ગોઠવી દેવાં છે. પણ એ માટે મુરતિયાઓ જોવાનું તો અત્યારથી ચાલુ કરી દેવું પડે કે નહીં? તારા રૂપની ચર્ચાઓ પવનપાવડી પર સવાર થઇને આપણી આખી ન્યાતમાં પ્રસરી ગઇ છે. સારા, ખમતીધર પરિવારો તરફથી માગાંનો મૂશળધાર મારો ચાલુ થઇ ગયો છે. કોઇ છોકરો ફિલ્મી હીરો જેવો હેન્ડસમ છે, કોઇ રાજકુંવર જેવો વૈભવશાળી છે તો કોઇ વળી ભવિષ્યનો મોટો ઉદ્યોગપતિ સાબિત થાય તેવી સૂઝબૂઝ ધરાવતો છે.’
‘તો મારે શું કરવાનું છે, ડેડ? એ ત્રણેયની સાથે પરણી જવાનું છે?’
‘ના, ત્રણમાંથી જે શ્રેષ્ઠ હોય એને તારે વરવાનું છે અને મુરતિયાઓ માત્ર ત્રણ જ છે એવું તેં કેમ ધારી લીધું? આપણી ન્યાતનાં જે-જે ઘરમાં પચીસ વર્ષથી ત્રીસ વર્ષની વચ્ચેનો કુંવારો છોકરો હાજર છે, તે દરેકનાં મમ્મી-પપ્પા તારામાં ભાવિ પુત્રવધૂની ઝાંખી જોઇ રહ્યાં છે. મારો આદેશ છે કે તું લાખ કામો પડતાં મૂકીને આ વીક એન્ડમાં રાજકોટ આવી જા!’
લકીર સમજી ગઇ કે એના ડેડી હવે એની એક પણ દલીલ સાંભળવાના નથી. એણે નમતું જોખી દીધું, ‘ઠીક છે, ડેડ! હું શનિવારે આવું છું, પણ સાંજે પહોંચીશ અને સોમવારે સવારે નીકળી જઇશ. માત્ર રવિવારનો એક જ દિવસ હું તમારી સાથે ગાળી શકીશ.’, ‘બસ? એક જ દિવસ? મારે તો તને કેટલા બધા મુરતિયાઓ બતાવવાના છે?’ ચંદ્રેશભાઇ ગૂંચવાઇ ગયા. ‘એનો ઉકેલ છે મારી પાસે.’ લકીર હસી પડી, ‘રામાયણના સમયમાં સ્વયંવરની પ્રથા હતીને! આપણે એ રિવાજ પાછો શરૂ કરીએ. એક ‘હોલ’ ભાડે રાખીને પંદર-વીસ ખુરશીઓ મુકાવી દો. જેટલા મુરતિયાઓ સ્વયંવરમાં પધારવા માટે તૈયાર થાય તે બધાને એક-એક ખુરશીમાં બેસાડી દો. હું દરેકની સામેથી પસાર થાઉં ત્યારે જે તે યુવક વિશેની માહિતી મને કહી સંભળાવવામાં આવે. પછી હાથણી નક્કી કરશે કે કળશ કોની ઉપર ઢોળવો!’
‘મારી દીકરી તો હરણી જેવી કોમલાંગી છે, એ કંઇ હાથણી નથી.’ ચંદ્રેશભાઇ પણ હસી પડ્યા. પછી બોલ્યા, ‘તું એકવાર અહીં આવ તો ખરી, પછી વિચારીએ કે શું કરવું.’ શનિવારે સાંજ પડતાં સુધીમાં લકીર ઘરે આવી પહોંચી. મમ્મીને વળગી પડી અને પપ્પાને પૂછી રહી, ‘શું કર્યું, ડેડ? મારા માટે સ્વયંવરની વ્યવસ્થા થઇ ગઇ છે?’ ચંદ્રેશભાઇ હસી પડ્યા, ‘હા અને ના. બેટા, મેં એક્સાથે ત્રીસ જેટલા મુરતિયાને ભેગા કરવાનું નથી વિચાર્યું, પણ આપણી જ્ઞાતિમાંથી શ્રેષ્ઠ ગણાય તેવા ત્રણ છોકરાઓને મળવાનું આયોજન ગોઠવી દીધું છે. આવતીકાલે એક જ દિવસ દરમિયાન, પણ જુદા જુદા સમયે આ ઉમેદવારોને મેં આપણા ઘરે આમંત્રયા છે. સવારે, બપોરે અને સાંજે તારી સાથે મુલાકાત ગોઠવી છે. રાત્રે નિર્ણય...’
રવિવારનો સૂરજ ઊગ્યો. ચંદ્રેશભાઇ અને રમાબહેન તૈયાર થઇને મહેમાનના સ્વાગત માટે બેસી ગયાં. લકીર પણ સજી-ધજીને જિંદગીના આ અતિ મહત્વના નિર્ણય માટે માનસિક રીતે તૈયાર થઇ ગઇ હતી. સુંદર, કલરફુલ વસ્ત્રોમાં એ વધુ સુંદર લાગી રહી હતી. ગઇ કાલ સુધી એ મનુષ્યલોકની અપ્સરા હતી, આજે એ સ્વર્ગલોકની રંભા લાગી રહી હતી. બરાબર દસ વાગ્યે પ્રથમ મુરતિયો આવી પહોંચ્યો. સંપન્ન દેસાઇ એનું નામ. એકલો જ આવ્યો હતો. મોંઘી સ્પોર્ટ્સ કારમાં બેસીને આવ્યો હતો. આવતાં વેંત એણે પોતાની ચબરાકીથી સૌને મસ્તીમાં લાવી દીધા. ચંદ્રેશભાઇએ પૂછ્યું, ‘તમારાં મમ્મી-પપ્પા નથી આવ્યાં?’
‘નો, અંકલ! એમને તો આવવું હતું, પણ હું જ ન લાવ્યો. મેં પોપ્સીને કહી દીધું- ‘તમે મારી મોમને પહેલીવાર જોવા ગયા હતા, ત્યારે મને સાથે લઇ ગયા હતા? ધેન વ્હાય શૂડ આઇ?’ બસ, હીઅર એમ આઇ...’
પાંચ-દસ મિનિટ સુધી આડીઅવળી વાતો કર્યા પછી ચંદ્રેશભાઇએ કહ્યું, ‘દીકરી, મહેમાનને તારો રૂમ નહીં બતાવે?’ આ એક સંકેત હતો, સૂચન હતું, કન્યા અને મુરતિયા વચ્ચે અંગત વાતચીત માટેની વ્યવસ્થા હતી. લકીર અને સંપન્ન ઉપરના માળ પર આવેલા એક મિની ડ્રોઇંગરૂમમાં ગયાં. સંપન્ન ત્યાં મૂકેલા એક નાના, સુંદર સોફામાં બેસી ગયો, પણ લકીર જ્યાં રૂમમાં પ્રવેશવા ગઇ, ત્યાં જ બારણમાં બેસાડેલું હેન્ડલ એના હાથમાં વાગી ગયું. લોહી તો ન નીકળ્યું, પણ મોઢામાંથી ચીસ અવશ્ય નીકળી ગઇ. સંપન્ન ઊભો થઇ ગયો, ‘શું થયું? શું થયું?’ પણ પછી હકીકત જાણી લઇને એ પાછો સોફામાં બેસી ગયો. એના મોંમાંથી શબ્દો સરી પડ્યા, ‘આવા બ્રાસના આગિળયા, સ્ટોપર્સ અને ઇમ્પોટેંડ એક્રિલિકના જ ફિટિંગ્ઝ નંખાવેલા છે. દેખાવમાં તમને ગ્લાસી ફીલિંગ આપે અને ટચ કરો તો વાગે પણ નહીં. અલબત્ત, મોંઘાં પડે પણ...! બીજું તો શું કહું તને, લકીર? બસ, એમ ધારી લે કે આજે તને વાગ્યું એ છેલ્લી વારનું છે, મારી સાથે લગ્ન કર્યા બાદ તને ક્યારેય વાગશે નહીં.’
લકીરે હસીને સાંભળી લીધુું, પણ મનમાં તો એ બોલી જ ગઇ, ‘તારું નામ સંપન્ન છે, તારું ઘર પણ સુખી, સમૃદ્ધ અને સાધનસંપન્ન હશે. પણ એ વાતની જાહેરાત તારી દરેક વાતમાં છલકાય છે. આ હેન્ડલ વાગ્યું એ તો નાટક હતું, પણ તારી બડાશ મને વાગી છે એ તારી આૈકાત બતાવી આપે છે. ચૂપચાપ ચા-નાસ્તો પતાવ અને ચાલતી પકડ!’
બપોરે ત્રણ વાગ્યે બીજો ઉમેદવાર આવ્યો. સ્નેહલ શેઠ. મમ્મી-પપ્પા પણ સાથે આવ્યાં હતાં. ચાર વડીલો નીચેના ડ્રોઇંગરૂમમાં. લકીર અને સ્નેહલ દાદર ચડીને ઉપરના રૂમમાં ગયાં. સ્નેહલના કાને અચાનક લકીરની ચીસ પડી. ‘શું થયું? શું થયું?’
‘બારણાનું હેન્ડલ વાગી ગયું.’ લકીર એક અચ્છી અભિનેત્રી સાબિત થઇ રહી હતી. સ્નેહલ એની પાસે દોડી આવ્યો. ખિસ્સામાંથી સ્વચ્છ, સફેદ હાથરૂમાલ કાઢીને લકીરને ધર્યો.
પછી ભાવપૂર્ણ સ્વરે સ્નેહલ વીનવી રહ્યો, ‘આંસુ લૂછી નાખ, લકીર! હું તને રડતી નહીં જોઇ શકું અને તારો હાથ લાવ તો! ક્યાં વાગ્યું છે? વાહ, કેટલો કોમળ હાથ છે તારો! મન તો એવું થાય છે કે તને જીવનભર ક્યાંક કશુંક વાગ્યા જ કરે અને હું એ અંગને મારા પ્રેમભર્યા સ્પર્શથી પંપાળ્યા જ કરું. હાઉ રોમેન્ટિક!?!’
લકીરે ઝટકા સાથે ખસી લીધું, સહેજ અમથું હસી દીધું અને મનોમન બબડી લીધું, ‘કીપ અવે ફ્રોમ મી, ઇડિયટ! આ લકીરના દેહને સ્પર્શવું એ તારા જેવા પ્રેમી-પ્રેમલાનું નસીબ નથી. જેની સાથે તારાં લગ્ન થાય એને પંપાળતો રહેજે. ગુડ બાય!’ સાંજે છ વાગ્યે ત્રીજો રાજકુમાર પધાર્યો. સંવેદન શાહ. મમ્મી-પપ્પાને લઇને આવ્યો હતો. નાટકનો પ્રથમ અંક રાબેતા મુજબનો જ રહ્યો. પછી બંને યુવાન હૈયાં ઉપરના માળે ગયાં. અચાનક સંવેદનના કાનમાં લકીરની ચીસ પડી. સંવેદન એની પાસે ધસી ગયો. ‘શું થયું? શું થયું?’ એ નિસ્બતપૂર્વક, પરંતુ સંયમપૂર્વક સહેજ અંતર રાખીને પૂછી રહ્યો. ‘હેન્ડલ વાગી ગયું... હાથ પર... બહુ દુ:ખે છે... ઓહ્... મમ્મી...!’ લકીર રડી રહી હતી.
સંવેદન દોડીને નીચે ગયો. કારમાં પડેલી ‘ફર્સ્ટ એઇડ કિટ’ લઇ આવ્યો. અંદરથી એક પેઇન કિલર સ્પ્રે કાઢીને લકીરના ‘ઇજાગ્રસ્ત’ ભાગ ઉપર છાંટવા લાગ્યો. સાથે બોલતો જતો હતો, ‘રડશો નહીં, હમણાં મટી જશે. જરૂર પડશે તો હું મારા ફેમિલી ડોક્ટરને ફોન કરીને અહીં જ બોલાવી લઇશ. તમે આપણા ઇન્ટરવ્યૂની જરા પણ ચિંતા ન કરશો. પહેલા સાજા થઇ જાવ, આપણી વાતચીત માટે તો પૂરી જિંદગી પડી છે અને કદાચ તમે મને પસંદ ન કરો તો પણ શું થઇ ગયું? તમને માન આપવા માટે તમારું ‘સ્ત્રી’ હોવું એ જ મારે મન પર્યાપ્ત છે. આ હું તમારી સુંદરતાને જોઇને નથી કહી રહ્યો. રસ્તે જતી કોઇ ગરીબ, કદરૂપા, વૃદ્ધાને પણ જો વાગ્યું હોય તો હું એને મદદ કરવા દોડી જ જાઉં છું. જેનામાં સ્ત્રીદાક્ષિણ્ય ન હોય એવા પુરુષને હું પુરુષ નથી કહેતો. લકીર હવે તમને કેવું લાગે છે?’
લકીરની પાંપણો ઝૂકી ગઇ, ‘સારું લાગે છે. ખૂબ જ સારું લાગે છે. સંવેદન, મારે માત્ર પૈસો નથી જોઇતો, કોરોધાકોર રોમાન્સ પણ નથી જોઇતો, મારે તો એવો પુરુષ જોઇએ છે જે મારા સુખ-દુ:ખમાં મારી સાથે ઊભો રહે.’ ‘
Comments
Post a Comment
Thanx For Comment