'એક મુલાકાત જરૂરી હે સનમ' એક મુલાકાતથી બદલાઇ ગઈ જિંદગી


'એક મુલાકાત જરૂરી હે સનમ' એક મુલાકાતથી બદલાઇ ગઈ જિંદગી





- નેહા પ્રત્યે આટલું આકર્ષણ જાગશે એવી મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હવે તો ગમે તે રીતે એને કહી જ દેવું છે
- શું કહેવું, શું ન કહેવુંની ગડમથલ અનુભવતાં અને વિચારોમાં ગૂંચવાતા મનના તારને સરખા કરવા માટે એક છેડો શોધવો ખૂબ જરૂરી છે
 
વિશ્વાસ નહોતો બેસતો કે મારી સાથે પણ આવું બની શકે છે સાચું કહું, તો શરૂઆતથી જ હું નેહાથી અત્યંત પ્રભાવિત હતો. એની સૌમ્યતા, રહેણી-કરણી, વાતચીતની ઢબ.... એટલે સુધી કે એની ઉગ્રતા પણ મને પ્રભાવિત કરી ગઇ હતી. આમેય એ સૌથી અલગ હતી. બધાંથી અલગ તરી આવતી. આ જ કારણસર જ્યારે સમય મળતો ત્યારે ત્યારે હું એની પાસે જઇને બેસવાની ઇચ્છા ધરાવતો, એની સાથે સમય વીતાવવાનું મને ગમતું.
 
આ રીતે મળવાથી ક્યારે એની સાથે વાતચીતની શરૂઆત થઇ અને ક્યારે હું મારા સુખદુ:ખની વહેંચણી એની સાથે કરવા લાગ્યો તેની ખબર જ ન રહી. અલબત્ત, આની સાથે મનમાં સતત એક ડર તો સમાયેલો રહેતો જ કારણ કે અત્યાર સુધીના મારા અનુભવો એટલા સારા નહોતાં રહ્યાં.જેને મનની વાત જણાવતો, તે વ્યક્તિ હંમેશાં મારું મન તોડીને ચાલી જતી. આવી સ્થિતિ પર કોઇને સ્વાભાવિક રીતે વિશ્વાસ ન બેસે, પણ હું મારા મનથી વિવશ હતો. નેહા મારા વ્યક્તિત્વ પર એવી તો છવાઇ ગઇ હતી કે એનાથી અલગ થવાની કલ્પના કરવાનું પણ મુશ્કેલ લાગતું. એક જ વિકલ્પ મારી સામે હતો કે હું એને મારા મનમાં જે કંઇ હતું તે મુક્ત રીતે જણાવી દઉં. એ મારું મન ભાંગી નાખશે એવી આશંકા હોવા છતાં કોણ જાણે ક્યાંથી મને એટલી હિંમત આવી ગઇ હતી કે મારા મનની વાત હું કોઇને કહી જ દઉં.
 
બારીની બહાર દૂર દૂર સુધી તડકો પથરાયેલો હતો. વૃક્ષો લીલાંછમ થઇ ગયાં હતાં. છોડ પર નવા ફૂલો ખીલી ગયાં હતાં. ભલે ઉનાળો હોવા છતાં અણધારી રીતે જ રાતે વરસી પડેલા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. મારા મનમાં કોણ જાણે કેમ એક અકળ ઉદાસી છવાયેલી હતી. આ અકળામણ અને ઉદાસીનતા કેવી રીતે દૂર કરવી તે વિચારતાં મેં ટીવી ચાલુ કર્યું, તો કોઇ ફિલ્મ ચાલતી હતી. એ જ વર્ષોજૂની લવ-ટ્રાએન્ગલની ચવાઇ ગયેલી વાત. અચાનક મનમાં કોફી પીવાની ઇચ્છા જાગી. કોફી બનાવી, હાથમાં મગ લઇ હું ડ્રોઇંગરૂમમાં આવ્યો ત્યારે ગીત શરૂ થઇ ગયું હતું. ગીત પૂરું થતાં જ મેં ટીવી ઓફ કરી દીધું. નેહાને ફોન કરવાનો નિર્ણય કરી જ લીધો. હવે કદાચ જીવિત રહેવા માટે એને એક વાર તો મળવું જ રહ્યું.
 
સામે છેડે રિંગ વાગતી હતી, પણ કોઇ ફોન રિસીવ કરતું નહોતું. ક્યાંય બહાર ન ગઇ હોય, પણ આટલી વહેલી સવારે ક્યાં ગઇ હોય? કદાચ કંઇ કામ કરી રહી હોય એવું બની શકે. મારું અનુમાન સાચું નીકળ્યું. થોડી વાર રહીને મેં જ્યારે ફોન રી-ડાયલ કર્યો ત્યારે એણે આ વાતને સમર્થન આપ્યું. એને પણ જોકે ખબર હતી કે આટલી વહેલી સવારે મારા સિવાય બીજું કોણ એને ફોન કરી શકે એમ હતું.
 
'હા, બોલો...’ એણે ઔપચારિકતા દર્શાવી. 'કેમ છો?’ મેં પણ અમસ્તું જ જાણે કહ્યું. 'મજામાં. તમે કહો...’ અને એ ચૂપ થઇ ગઇ. અમારી વચ્ચે નીરવતા છવાઇ ગઇ હતી. એનું આ મૌન મને અકળાવી રહ્યું હતું.... એવામાં એણે જ મને આ મુશ્કેલીમાંથી ઊગારી લીધો. 'કેમ તમે ચૂપ થઇ ગયાં.... કંઇ બોલો ને...’ એણે મને પૂછયું. 'બોલું... સાંભળશો?...’ મેં સામે પ્રશ્ન કર્યો. 'સાંભળી જ રહી છું...’ કહેતાં એ હસી. મને એનું આ રીતનું હાસ્ય ન ગમ્યું. તે સાથે જ વિચાર આવ્યો કે ભલે ગમે તે થાય હવે મારે કહી દેવું જોઇએ. 'મારે તમને મળવું છે.’ મેં મારામાં હતી એટલી હિંમત ભેગી કરીને કહ્યું.
'ક્યારે આવું? કે પછી તમે આવો છો?’ એણે પૂછયું. એના આવા સવાલથી બે ઘડી તો મારે શું કહેવું એ જ ન સૂઝ્યું. એ આટલી સહેલાઇથી મળવા માટે તૈયાર થઇ જશે એવી મને અપેક્ષા નહોતી.
 
'તમે આવી શકશો?’ મેં પૂછયું. 'હા, કેમ નહીં...’ કહીને એ ચૂપ થઇ ગઇ. 'મારે તમારો એક આખો દિવસ જોઇએ, નેહા.’

'મંજુર છે... બોલો, ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે આવવાનું છે?’ એણે સવાલ કર્યો. હવે નિર્ણય મારે લેવાનો હતો. એને ક્યારે, ક્યાં બોલાવવી તે સમજાતું નહોતું. 'બોલો ને.... શું વિચારો છો?’ એણે મને આ અનિર્ણયાત્મક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. 'રજાના દિવસે મળવાનું રાખીએ તો વધારે સારું રહેશે.’ હું એની સગવડ સચવાય તેનું ધ્યાન રાખીને વાત કરતો હતો. 'એ બધી ચિંતા તમે ન કરો. હું તો વકિગ ડે હોય તો પણ નીકળી શકું છું. ખરેખર તો એ મારા માટે વધારે સારું રહેશે.’ મને ખ્યાલ આવી ગયો હતો કે નિર્ણયાત્મક સ્થિતિ નજીક આવી ગઇ હતી. મેં તરત કહ્યું, 'ચૌદમી તારીખે આવી શકશો?’ 'આવું છું. બીજું કંઇ?’ એણે નિ‌શ્ચિંત સ્વરે કહ્યું. 'બસ... ’ મેં જવાબ આપ્યો.


                                                          'એક મુલાકાત જરૂરી હે સનમ' એક મુલાકાતથી બદલાઇ ગઈ જિંદગી

બે દિવસ પછી જ ચૌદમી તારીખ હતી. નક્કી કરેલા સમયે નેહા આવી પહોંચી. રૂમમાં એના આગમન સાથે જ વાતાવરણ મહેકી ઊઠયું. એને પરફ્યુમનો ખૂબ શોખ હતો. આજે તો એ પહેલાંથી પણ વધારે સુંદર અને આકર્ષક લાગી રહી હતી. આમ તો અમે અનેક વાર રૂબરૂ મળ્યા છીએ, પણ આજની વાત જુદી હતી. 'તમે ખૂબ વ્યવસ્થિત રીતે રહો છો.’ એણે રૂમમાં એક નજર ફેરવી મારી સામે જોયું. 'બેસો...’ મેં એને ખુરશી પર બેસવા જણાવ્યું. એ સામે બેસી ગઇ. મને સમજાતું નહોતું કે શું કહેવું, શું કરવું... ફરી એ જ નીરવતા અમારી વચ્ચે છવાઇ ગઇ. 'બોલો ને... કંઇક તો વાત કરો....’ દરેક વખતની માફક એણે જ પહેલ કરી. 
 
પછી અચાનક ખુરશી પરથી ઊભી થઇ, 'સારું ચાલો, ક્યાંક બહાર જઇએ...’ 'ક્યાં જઇશું?’ 'ક્યાંય પણ...’ મેં કાર કાઢી. આકાશમાં હજી ક્યાંક ક્યાંક વાદળો જોવા મળતાં હતાં. વાતાવરણ ખુશનુમા હતું. અમે બંને ચૂપચાપ બેઠા હતાં અને હું કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. હા, ધીરે ધીરે મારી ગડમથલમાંથી બહાર આવી રહ્યો હતો. નેહાને પણ જાણ આ વાતનો ખ્યાલ આવી ગયો હતો. એણે હળવેથી મારા ખભા પર હાથ મૂક્યો. 'તમને ખબર છે, આજની તારીખ મારા માટે ખૂબ લકી છે...’ 'કેવી રીતે?’ મેં નવાઇ પામતાં પૂછયું. 'મારા જીવનમાં જેટલી પણ મહત્ત્વપૂર્ણ તક આવી છે એ બધી...’ 'આજની તારીખે જ આવી છે....’ મેં એનું વાક્ય પૂરું કર્યું. એ ખુશ લાગતી હતી.
 
'જોકે આ તારીખ નક્કી કરતી વખતે મને તો આ વાતની ખબર નહોતી.’ મેં સ્પષ્ટતા કરી. 'એ જ તો વાત છે...’ કહેતાં એ મારી નિકટ સરી. કાર જેટલી ઝડપથી આગળ વધી રહી હતી, એનાથી વધારે ઝડપથી મારા વિચારો પણ ભાગી રહ્યા હતા. મુક્ત રીતે. થોડી જ વારમાં અમે મંજિલ સુધી પહોંચી ગયાં. સામે ચર્ચ હતું. હિંદુ હોવા છતાં નેહાએ ચર્ચમાં આવવાની ના ન કહી. એની આ જ વાત મને વધારે પસંદ હતી. સાંજ અવની પર ઊતરી રહી હતી. ચર્ચના કેમ્પસમાં એક બેન્ચ પર બેસી ઇશ્વરને સાક્ષી રાખી હું નેહા સમક્ષ 'કન્ફેસ’ કરી રહ્યો હતો. મેં એને કહ્યું કે એણે મારા પર કેવો જાદુ કર્યો છે. મારા મન પર એ કેટલી હદે છવાઇ ગઇ છે કે હું સતત એના જ વિચારોમાં ખોવાયેલો રહું છું અને એના વિના નથી રહી શકતો.
 
'મને ખબર છે...’ કહેતાં એ ઊભી થઇ, 'હવે જઇશું?’ 'કોફી પીશ?’ હવે મારું મન હળવાશ અનુભવતું હતું. 'ના, તમને મોડું થશે.’ એના સ્વર થોડો કડક હતો. એને ખબર હતી કે મારે સાંજની ટ્રેનમાં નીકળવાનું હતું અને હું આ બાબતમાં ક્યારેય સમાધાન નહોતો કરતો. થોડી વાર પછી અમે પાછા ફર્યાં. મેં બસ સ્ટેન્ડ પર એને ઊતારી. બસ આવતી હતી. મેં બૂમ પાડી, 'નેહા... એક મિનિટ, સાંભળ...’ એ પાછી ફરીને મારી પાસે આવી, 'બોલો...’
 
'જીવિત રહેવા માટે આ મુલાકાત મારે મન જરૂરી હતી, નહીંતર હું તો...’ એણે અધવચ્ચે જ કહ્યું, 'હું ફરી આવીશ. બીજી મુલાકાત માટે...’ બસ ચાલી ગઇ. હું ઘરે પાછો ફર્યો. હજી પણ નેહા સાથે હોય એવું લાગતું હતું. રાત ઘેરાવા લાગી હતી. હું એ જ ખુરશી પર બેઠો, જેના પર નેહા બેઠી હતી. ખુરશીમાંથી હજી પણ મહેક આવી રહી હતી. મારા હાથમાં કોફીનો મગ હતો, આંખો બંધ હતી. નજર સામે તરવરી રહ્યું હતું... ચર્ચ, ચર્ચનું કેમ્પસ, કેમ્પસની બેન્ચ, બેન્ચ પર બેસીને 'કન્ફેશન’ કરી રહેલો હું અને મારી સામે બેઠેલી નેહા.
 
એટલામાં ફોનની રિંગ રણકી. મેં ઘડિયાળ સામે નજર કરી તો દસ વાગ્યા હતા. અત્યારે કોનો ફોન હોય? રિસીવર ઉઠાવ્યું તો સામેથી નેહાનો અવાજ સંભળાયો. કદાચ એ જાણતી હતી કે મેં સાંજની ટ્રેન 'મિસ’ કરી દીધી હતી. 'હા, હું ઘરે પહોંચી ગઇ છું. તમારું ધ્યાન રાખજો અને મારા માટે પણ આ મુલાકાત ખૂબ જરૂરી હતી...’ નેહા હજી બોલ્યે જ જતી હતી. હું સાંભળતાં વિચારતો હતો કે શું ખરેખર એક મુલાકાતથી જિંદગીના પરિમાણ બદલાઇ જતાં હોય છે....

Comments