‘હાય’ અને ‘બાય’ આ બે શબ્દોની વચ્ચે ઊજવાતો વાસનાનો ઉત્સવ


તારી આંખોમાં ઊતરવા દે મને, 
ડૂબવું છે, ડૂબી મરવા દે મને
 
લક્ષ્મી પાસે શિયળની રક્ષા માટે હવે એક જ ઉપાય બચ્યો હતો. એણે સાંબેલું હવામાં તોળ્યું. દિયરને છેલ્લી ચેતવણી આપી દીધી, ‘દૂર જ રહેજે, નહીંતર આ સાંબેલું તારું સગું નહીં થાય.’
 
પ્રેમ કરવાની પદ્ધતિ કઇ હોઇ શકે? જીન્સ-ટી શર્ટનાં તંગ આવરણોમાં શરીરનાં ગર્મ અંગોને સમેટીને ફિલ્મી હીરોની સ્ટાઇલમાં ફિલ્મી હિરોઇન જેવી દેખાતી પ્રેમિકાને ‘હાય’ કહીને મળવું, ‘બાય’ કહીને છુટા પડવું, વેલેન્ટાઇન ડેના વંઠેલા અવસરે બાપના પૈસામાંથી ખરીદેલાં મોંઘાં ગ્રીટિંગ્ઝ આપવાં, મલ્ટિપ્લેક્સ મૂવિ જોવું, રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ જમવું અને... અને... અને...! જો પ્રેમની આ જ વ્યાખ્યા, વિભાવના અને પદ્ધતિ હોય તો મારે કબૂલ કરવું પડશે કે પ્રેમ કરવાનું ફકત આજનાં યુવાનો-યુવતીઓને જ આવડે છે. જૂની પેઢીનાં સ્ત્રી-પુરુષો તો આ વિષયમાં તદ્દન ‘ઢ’ હતાં. એમાં પણ આજથી પચાસ કે સો વર્ષ પહેલાંના દેશી ભારતવાસીઓને તો આ ‘ઢાઇ’ અક્ષરની અભિવ્યક્તિ કરવાની ન તો આવડત હતી, ન ફાવટ. આ લક્ષ્મીનો દાખલો જ તપાસો ને!
 
લગભગ એક સદી પહેલાંની ઘટના. દક્ષિણ ભારતના મૈસૂર રાજ્યમાં રહેતો એક સંયુક્ત હિન્દુ પરિવાર. સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી, એક કુંવારો દિયર પણ ખરો. સૌથી મોટાભાઇ વાસુદેવની પત્ની લક્ષ્મી. અત્યંત સુંદર, સંસ્કારી અને શીલવંતી.
 
‘ભાભી! મને તો મોટાભાઇના નસીબની ભારે ઇર્ષા આવે છે.’ સૌથી નાનો દિયર ક્યારેક લાગ જોઇને ભાભીના કાનમાં ફૂસફુસાહટ કરી લેતો હતો.
 
શરૂઆતમાં તો લક્ષ્મીએ એની વાતને હસવામાં કાઢી નાખી. એ લાડકા દિયરને લાડમાં પૂછી પણ લેતી, ‘કેમ, એવું તે શું છે કે તમને તમારા જ મોટાભાઇના ભાગ્યની ઇષૉ આવે છે?’, ‘તમે!’ દિયર દુર્યોધન જેવો હતો, હોઠો પર સાંકેતિક શૈલીમાં જીભ ફેરવીને એ ખુલાસો કરતો, ‘મને વાસુદેવભાઇની ઇષૉ આવે છે એનું ખરું કારણ તમે છો, ભાભી! ક્યારેક તો ભગવાનને એવું પૂછવાનું મન થઇ આવે છે કે વાસુદેવને બદલે જો હું તમારો સ્વામી...’, ‘દિયરજી!’ લક્ષ્મી બંને કાનો પર હથેળીઓ મૂકીને ચિલ્લાઇ ઊઠતી. ‘હું તમારી ભાભી છું. મા સમાન છું. તમને આવું શોભતું નથી...’, ‘અને મોટાભાઇ તમારી સાથે શોભતા નથી એનું શું?’ લક્ષ્મી દોડીને સાસુની પનાહમાં ચાલી જતી.
 
વાસુદેવ ભલો હતો. આખો દિવસ મૈસૂરના ચંદનવનમાં લાકડા કાપવાની આકરી મજૂરી કરવા ચાલ્યો જતો હતો. એનું કુટુંબ દરિદ્ર હતું. ક્યારેક તો ઘરના તમામ સભ્યોને લાકડાં કાપવા માટે વનમાં જવું પડતું હતું. ઘરમાં એકલી લક્ષ્મી જ રહેતી હતી, ભોજન રાંધવા માટે અને અન્ય ઘરકામ માટે.  એક અશુભ દિવસે અશુભ ઘટના બની ગઇ. સવારનો સમય હતો. તમામ સભ્યો લાકડાં કાપવા માટે ચંદનવનમાં ગયા હતા. લક્ષ્મી એકલી હતી. ઘરના ખાંડણિયામાં ડાંગર ખાંડી રહી હતી. મુખ્ય દ્વાર અમથું જ આડું કરેલું હતું. 
 
કામમાં વ્યસ્ત લક્ષ્મીને એ વાતની સૂધ ન રહી કે ક્યારે બારણું ખસેડીને એનો દિયર અંદર આવી ગયો! દેહ પરથી સરકી ગયેલો સાડલો, ચહેરા પર ઊપસી આવેલાં પ્રસ્વેદ બિંદુઓને કારણે ઝાકળ આચ્છાદિત ફૂલ જેવું લાગતું રૂપાળું મુખડું, વખિરાયેલા વાળની લટો, ખાંડણિયામાં ઝીંકાતા અને હવામાં વીંઝાતા સાંબેલાના તાલ સાથે તાલ મેળવતો અને ઊછળતો છાતીનો ઉભાર! દિયર આમ પણ ભાન ભૂલેલો હતો જ, અત્યારે લક્ષ્મીનું સ્વરૂપ જોઇને સાન અને ભાન બધું ભૂલી ગયો. 
 
મા સમાન ભાભીને વળગી પડ્યો. લક્ષ્મી ચોંકી ઊઠી, ‘છોડ! બદમાશ! છોડી દે મને...’ એણે દિયરની પક્કડમાંથી છુટવા માટે ખૂબ કોશિશો કરી, આખરે એને સફળતા મળીયે ખરી, પણ દિયર આજે માંડ મળેલો મોકો હાથમાંથી સરી જવા દેવા માટે તૈયાર ન હતો. એણે ફરીથી આક્રમણ કર્યું. લક્ષ્મી પાસે શિયળની રક્ષા માટે હવે એક જ ઉપાય બચ્યો હતો. એણે સાંબેલું હવામાં તોળ્યું. દિયરને છેલ્લી ચેતવણી આપી દીધી, ‘દૂર જ રહેજે, નહીંતર આ સાંબેલું તારું સગું નહીં થાય.’
 
‘મારું સગું સાંબેલું નહીં થાય, ભાભી! આજે તો મારી ‘સગી’ તું થવાની છે. આવ, મારા આલિંગનમાં સમાઇ જા. મોટાભાઇને ગંધ સરખીએ નહીં આવે...’ એનું વાક્ય અધૂરું જ રહી ગયું. લક્ષ્મીએ સાંબેલું મારી દીધું હતું. મજબૂત હાથ વડે વીંઝાયેલા એ વારથી કામાંધ દિયરની ખોપરી ક્ષણવારમાં ફાટી ગઇ હતી. સમી સાંજે લાકડાં કાપીને ઘરે આવેલા સભ્યોએ રડારોળ મચાવી મૂકી. વાસુદેવે કાષ્ઠવત્ બની ગયેલી પત્નીને ઝંઝેડી નાખી, ‘આ તેં શું કર્યું, લક્ષ્મી? મારા ભાઇની તેં હત્યા કરી નાખી? શા માટે?’, ‘એ મારી આબરૂ લૂંટવા માગતો હતો. ઘણા દિવસો થયા એ ટાંપીને બેઠો હતો. આ વાત મેં અનેક વાર તમારી માના ધ્યાન પર લાવી હતી, પણ એમણે દીકરાને વારવાને બદલે મને જ ઠપકો આપ્યો હતો. 
મારી પાસે એક જ રસ્તો બચ્યો હતો. હું હત્યારી છું... હું હત્યારી છું... હું...’ લક્ષ્મી ઠૂઠવો મૂકીને રડી પડી. અંગ્રેજોનું શાસન હતું. લક્ષ્મીની ધરપકડ કરવામાં આવી. વકીલે ઘણું સમજાવ્યું કે આ હત્યાનો કોઇ સાક્ષી નથી, લક્ષ્મી જો ચૂપ રહેશે તો બચી જશે. પણ લક્ષ્મી સાચનો અવતાર હતી. અદાતલમાં ગીતા પર હાથ મૂકીને અસત્ય બોલવાનું આ અભણ સ્ત્રીને મંજૂર ન હતું.
 
નામદાર જજને આ અપરાધ ‘રેરેસ્ટ ઓફ રેર’ લાગ્યો. એમણે ચુકાદો સંભળાવ્યો, ‘લક્ષ્મીને ફાંસીની સજા જ થવી જોઇએ, પણ એની ઉંમર અને એ સ્ત્રી છે એ બાબતને ધ્યાનમાં લઇને આ અદાલત એને જન્મટીપ ફરમાવે છે. પણ સાદી નહીં, કાળાપાણીની જન્મટીપ!’
 
કાળાપાણીની સજા એટલે ભારતની બહાર સમુદ્રમાં આવેલા આંદામાન ટાપુના પોર્ટ બ્લેયરમાં આવેલી સેલ્યુલર જેલની સજા અને એ સમયે જન્મટીપ એટલે ચૌદ વર્ષની નહીં, પણ એ જમાનાના કાયદા પ્રમાણે પૂરાં પચીસ વર્ષની સજા. અઢાર-વીસ વર્ષની લક્ષ્મી પ્રેમાળ પતિને ઝૂરતો મૂકીને ચાલી ગઇ. અહીં વતનમાં વાસુદેવનાં મા-બાપે વહુના નામનું નાહી નાખ્યું હતું. દીકરાને એ બંને મનાવી રહ્યાં, ‘બેટા, ભૂલી જા એ કલંકિનીને. બીજી સુકન્યા સાથે...’ પણ વાસુદેવ ન માન્યો. એ જાણતો હતો કે એની લક્ષ્મી કલંકિની ન હતી, બલકે શીલવાન હતી. એ પૂરાં પચીસ વર્ષ લક્ષ્મીની યાદને પંપાળતો બેસી રહ્યો. 
 
બંનેએ પોતાની ધખધખતી જુવાની ખાક કરી નાખી. આખરે લક્ષ્મી જેલમાંથી બહાર આવી, પણ જેલરે એને કહ્યું, ‘લક્ષ્મી, તું જેલમાંથી ભલે બહાર જઇ શકે છે, પણ આ ટાપુ છોડીને પાછી ભારતમાં નહીં જઇ શકે. બ્રિટિશ સરકારનો આ કાયદો છે. અંગ્રેજો આ ટાપુની વસ્તી વધારવા માગે છે.’, ‘પણ હું સ્ત્રી થઇને અહીં એકલી કેવી રીતે જીવી શકીશ?’
 
‘એનો રસ્તો છે, તું અહીંના જ કોઇ કેદીની સાથે લગ્ન કરી લે. આમ પણ અહીં એકલી સ્ત્રીએ રહેવાની મનાઇ છે.’ જેલરે ફરીથી કાયદો બતાવ્યો. લક્ષ્મીએ પાછી પોતાની મુશ્કેલી રજૂ કરી, ‘હું તો પરણેલી છું. મારો પતિ મારા વતનમાં જીવતો ને જાગતો બેઠો છે.’
 
જેલરને ખાતરી હતી કે વાસુદેવ બીજી વાર પરણી ગયો હશે, છતાં પણ એણે પત્ર લખી મોકલ્યો. જવાબમાં વાસુદેવનો પત્ર આવ્યો, ‘હું આવું છું.’ આ એક અભણ, મહેનતકશ હિન્દુસ્તાની સ્ત્રી અને પુરુષનો પ્રેમ હતો. ઘરબાર, વતન, મા-બાપ, સ્વજનો, મિત્રો બધું મૈસૂરમાં છોડીને વાસુદેવ માત્ર લક્ષ્મીને પુન: પામવાના એક માત્ર ઉદ્દેશથી આ દૂરના ટાપુ પર આવી પહોંચ્યો. ઝૂંપડી બાંધીને સંસાર શરૂ કર્યો. સગાંઓએ બહુ વાર્યો, ‘તું ન જા, તારી પત્ની તારા ભાઇની હત્યારી છે.’ પણ વાસુદેવને પત્ની ઉપર પૂરો વિશ્વાસ હતો. 
 
લક્ષ્મી ચાલીસની ઉંમર વટાવી ચૂકી હતી. પાછલી ઉંમરની આંબાડાળ હતી, પણ પ્રેમના પવિત્ર જળસિંચને ચમત્કાર કરી બતાવ્યો. એના દેહની ડાળ પર સંતાનો રૂપી મોર બેઠાં. કેરીઓ પણ ઊગી નીકળી. એ પણ એક નહીં, પૂરાં છ ફળો નીપજ્યાં. એક દીકરો અને પાંચ દીકરીઓ. જિંદગીએ આ બે નિર્દોષ જીવો સાથે આચરેલા અન્યાયનું એક્સામટું સાટું વાળી આપ્યું. લક્ષ્મીનો એક માત્ર દીકરો ગણેશન ભણવામાં અત્યંત તેજસ્વી નીવડ્યો. 
 
ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી આંદામાનની મુલકાતે પધાર્યા ત્યારે એમની ચકોર નજરે આ ચમકતો હીરો ઝડપી પાડ્યો. એમણે કહ્યું, ‘મિ. ગણેશન! વ્હાય ડોન્ટ યુ જોઇન પોલિટિકસ? આઇ નીડ એ બ્રિલિયન્ટ પર્સન લાઇક યુ ઇન માય કેબિનેટ.’ આર. કે. ગણેશન ભારત સરકારમાં વિત્તમંત્રાલયમાં રાજસ્વમંત્રી બન્યા. એક સમયે આ જ લક્ષ્મીપુત્રે કડક હાથે કામ લઇને તે સમયના પ્રખ્યાત દાણચોરો (હાજી મસ્તાન, સુકર બખિયા, યુસુફ પટેલ વગેરે)ને જેલ ભેગા કરી દીધા હતા. લક્ષ્મી-વાસુદેવના પ્રેમનું પુષ્પ હતું.
 
એમને ‘હાય’ અને ‘બાય’ આ બે શબ્દોની વચ્ચે ઊજવાતો વાસનાનો ઉત્સવ ઊજવતાં આવડતું ન હતું પણ આજથી સો વર્ષ પહેલાં કાળાપાણીની સજા રૂપી રણમાં ગુલાબ ખીલવતાં આવડતું હતું. ‘
 

Comments