ટ્રેનમાં બંધાયેલો બે પરિવાર વચ્ચેનો સંબંધ ક્યાં સુધી પહોંચ્યો?



મુંબઇથી રાજકોટ આવતી ટ્રેનમાં બંધાયેલો બે પરિવાર વચ્ચેનો સંબંધ ક્યાં સુધી પહોંચ્યો? એનું શું પરિણામ આવ્યું?

બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનની રેક પ્લેટફોર્મ નંબર બે પર મુકાતાં જ તેમાં પ્રવાસ કરનાર મુસાફરો તેમાં ચઢવા લાગ્યા. શ્યામલાલ અને તેની પત્ની જ્યોત્સ્ના કોચ એસ-૯માં પ્રવેશ્યાં. શ્યામલાલે એના રિઝર્વેશન બર્થ નંબર જોયા તો બંને સીટ ઉપર હતી. ત્યારે જ્યોત્સ્નાએ શ્યામલાલને કહ્યું, 'જુઓ ચાર્ટમાં પણ નીચેની લોઅર સીટમાં કોઈ પરેશકુમાર છે. તેને સમજાવીને સીટ ચેન્જ કરાવી લો તો મારે નીચે ઠીક રહે.’

ત્યાં જ પરેશકુમારે આવી સીટ પર એટેચી મૂકી હાશ કરતાં બેઠક લીધી. ટ્રેન ઊપડવાને હજુ ત્રીસ મિનિટ બાકી હતી, સાંજના પાંચ થયા હતા. પરેશકુમારે એની જ સીટ પર બારી પાસે બેસેલી જ્યોત્સ્ના તરફ જોયું અને એ જોતો જ રહી ગયો. ખરેખર ચાલીસી વટાવી ગયેલાં જ્યોત્સ્નાએ બોડી ફિગર જાળવી રાખ્યું હતું. એની નમણી નાજુક કાયાને હજુ કરચલી પડી નહોતી. જોતાં કોઈને ન લાગે કે એ બે છોકરાની મા હશે. જ્યારે પાન-તમાકુના વ્યસની શ્યામલાલને ઉંમર લાગી ગઈ હતી. એણે પરેશકુમારને પૂછયું, 'ક્યાં અમદાવાદ જાઓ છો?’ 'ના, રાજકોટ જવું છે.’

'ઓહ ત્યારે તો છેક સુધીનો સંગાથ, અમે પણ રાજકોટ જઈએ છીએ. આ છે મારી પત્ની જ્યોત્સ્ના. એને ઉપરની સીટમાં સૂવાનું ફાવતું નથી.’ 'તો એમાં શું? એમના બદલે હું ઉપરની સીટમાં સૂઈ રહીશ બસ.’ પરેશકુમારે જ્યોત્સ્નાને ઇમ્પ્રેસ કરવાની તક ઝડપી લીધી. કારણ જ્યોત્સ્ના પરેશકુમારના હૈયામાં વસી ગઈ હતી. પોતાને બે પુત્રો રોહિ‌ત અને મહેશ છે. રાજકોટમાં ક્યાં રહે છે વગેરે પરિચય શ્યામલાલે આપ્યો તો પરેશકુમારે પરિવારમાં પોતે બે અને એક પુત્રી ફાલ્ગુની હોવાનું જણાવ્યું. બસ પછી તો વાતોનો દોર ચાલતો રહ્યો. મોડી રાત્રે વાપી ગયા પછી સૌ સૂતાં.

રાજકોટ આવ્યા બાદ શ્યામલાલ અને પરેશકુમારને એક બીજાના ઘરે આવરો-જાવરો શરૂ થયો. તેમ તેમ બંને મિત્રો વચ્ચે ગાઢ સ્નેહ વધતો રહ્યો. જ્યોત્સ્નાને પણ જુસ્સાદાર પરેશકુમારનું સાંનિધ્ય ગમતું હતું. પોતાની માંદલી પત્ની નલિનીનો સ્વભાવ બહુ જિદ્દી અને કર્કશ થઈ ગયો હતો. જેથી પરેશકુમારને શ્યામલાલને ત્યાં મજા આવતી હતી. બંને પરિવાર મળીને તહેવારોમાં સાથે જ ફરવા નીકળતા હતા. પરેશકુમારે એની મીઠી જુબાનથી સૌનાં દિલ જીતી લીધાં હતાં. તેથી શ્યામલાલ ઘરે હોય કે ન હોય પણ પરેશકુમાર જ્યોત્સ્ના પાસે આવતો. ક્યારેક હસીમજાક કરી લેતો હતો. એમાં શ્યામલાલને કશું વાંધાજનક નહોતું લાગતું. કારણ પરેશકુમારે શ્યામલાલનો વિશ્વાસ પ્રાપ્ત કરી લીધો હતો.

આમેય પરેશકુમારની પત્ની નલિનીની તબિયત દિવસે દિવસે કથળતી જતી હતી અને આજના હરીફાઈના યુગમાં એનો પાનબીડીનો ગલ્લો બહુ ચાલતો ન હતો. એ જોતાં શ્યામલાલે પરેશકુમારને મદદરૂપ થવા માટે એને પોતાની એન્જોય ટ્રાવેલ્સની ઓફિસમાં મહેતાજી તરીકે રાખી લીધો. ત્યારે પરેશકુમારને અંદર ખાને શ્યામલાલના વિશ્વાસ અને હમદર્દીનો ફાયદો ઉઠાવીને જ્યોત્સ્નાને પોતાની પ્રેમજાળમાં ફસાવવાની ઇચ્છા હતી અને ખરેખર ભોળી જ્યોત્સ્ના પરેશકુમારની વાતોમાં આવી ગઇ ને બંને વચ્ચે અફેરની શરૂઆત થઈ ગઇ.

શ્યામલાલ પાસેથી જે નહોતું મળતું એ પરેશકુમાર પાસેથી જ્યોત્સ્નાને મળવા લાગ્યું. સમય સરતો રહ્યો. એ બદલાતા સમયના વહેણમાં એક વાર પરેશકુમારે જ્યોત્સ્નાને કહ્યું,

'જ્યું આમ ને આમ આપણે છાનાંછપનાં ક્યાં સુધી પ્રેમ કરતાં રહીશું? ચાલને આપણે ભાગી જઈએ, પણ એવું પગલું ભરતાં જ્યોત્સ્ના હજુ ડરતી હતી. છતાં પોતાનો ડર છુપાવતાં એ બોલી,

'પણ આપણે ભાગી જઈએ પણ પછી રહેવું ક્યાં? અને પૈસાની જરૂર પડે. એ ખર્ચના પૈસા ક્યાંથી કાઢવા?’

'એની ચિંતા નહી, તને તો ખબર છે કે હું અત્યારે મહેતાજી છું. તું કહે ત્યારે ટ્રાવેલ્સની કંપનીના ખાતામાંથી હું પૈસા ઉપાડી લઈશ. કારણ એક-બે ચેકમાં શ્યામલાલ સહી કરી જ રાખે છે. રખેને કે એ હાજર ન હોયને પૈસાની જરૂર પડી હોય તો?’

'સારું, મોકો આવતાં હું કહીશ, પણ વાત કોઈ જાણે નહીં તેનું ધ્યાન રાખવું નહીંતર મારા બંને છોકરા રોહિ‌ત અને મહેશ ખતરનાક છે.’ હવે પરેશકુમાર ટ્રાવેલ્સ એજન્સીમાં આખો દિવસ-રાત હોય અને રાત્રે શ્યામલાલ અને છોકરાઓ ઘરે હોય. તેથી પરેશ અને જ્યોત્સ્ના મળી શકતાં નહીં. આથી પરેશકુમારે ભાગી જવાની વાતે જ્યોત્સ્ના તરત જ સહમત થઈ ગઈ.

બીજા દિવસે રાત્રે સ્ટેશન પર કેટલા વાગ્યે, ક્યાં મળવું એ મોબાઇલ પર ફિક્સ થઈ ગયું. એ પ્રમાણે ઓફિસમાં કોઈ ન જાણે તેમ ટ્રાવેલ્સ એજન્સીના ખાતામાંથી ત્રણ લાખ રૂપિયા પરેશકુમારે લાવીને રૂપિયા ભરેલી એટેચી આલમારીમાં મૂકી જેથી રાત્રે એ લઈને નીકળી જવાય. રાત્રે સમય થતાં પરેશકુમાર પેલી એટેચી લેવા ઓફિસે આવ્યા. આલમારી ખોલી પણ એટેચી ગાયબ હતી. તેના બદલે એક કાગળ પડયો હતો. એ લેતાં પરેશકુમારે જોયું તો કાગળમાં લખ્યું હતું, 'પરેશ અંકલ, તમારી ફાલ્ગુનીને ભગાડીને લઈ જાઉં છું, સોરી. અમે બંને એકબીજાને અનહદ પ્રેમ કરીએ છીએ. અમારી શોધખોળ કે ચિંતા કરશો નહીં. હવે નલિની આન્ટીની સેવા કરજો. મારાં મમ્મી-પપ્પાને સાચવજો. લિ. રોહિ‌ત શ્યામલાલ.’ પરેશકુમારે પોતાની જીત માટે ગોઠવેલી બાજી જીતી ગયો રોહિ‌ત. હાર પર પરેશકુમારનું હૈયું હચમચી રહ્યું.'

Comments