મોતના દરવાજે ટકોરા મારીને જિંદગી, હાલ તો પાછી વળી છે...



નામ કાળિદાસ પટેલ. ગાંધીનગર જિલ્લાના નાનકડા ગામના ખમીરવંતા પટેલ. માણસ મજબૂત, ઉંમર ઉંમરનું કામ કરે જ. છાતીનો દુખાવો રહ્યા કરે. એક વાર કોઈએ સલાહ આપી, 'આ હૃદયનો મામલો કહેવાય. આમાં કંઈ સૂંઠ ફાકવાથી કે છાતી પર બામ ઘસવાથી ન મટે. જાવ, અમદાવાદમાં ડો. તુષાર શાહ પાસે. ખૂબ હોશિયાર ડોક્ટર છે. મુંબઈથી હાર્ટના ઓપરેશન્સ કેમ કરવાં તે શીખીને આવ્યા છે. માણસ તરીકે પણ સારા છે. હજુ થોડાં વર્ષ જીવવું હોય તો પહોંચી જાવ એમની પાસે.’

કાળિદાસ પહોંચી ગયા. આ ઘટના ઈ.સ. ૧૯૯૦ની સાલની છે. આજથી ત્રેવીસ વર્ષ પહેલાંની. ત્યારે ડો. તુષાર શાહ ગુજરાતના એકમાત્ર અને સૌપ્રથમ કાર્ડિયાક સર્જન તરીકે પ્રેક્ટિસ શરૂ કરી ચૂક્યા હતા. ૧૯૮૪માં પહેલવહેલી ઓપન હાર્ટ સર્જરી એમણે જ અમદાવાદમાં શરૂ કરી હતી, પણ હાર્ટની બાયપાસ સર્જરી હજુ સુધી ગુજરાતમાં ક્યાંય થતી ન હતી. ઓપરેશનની વાત બાજુ પર રહી, પણ હાર્ટની એન્જિયોગ્રાફીની તપાસ પણ ક્યાંય શક્ય ન હતી.

ડો. તુષાર શાહે નોંધ્યું કે કાળિદાસ પટેલ એમની ઓફિસના બારણાંથી ખુરશી સુધી ચાલીને આવ્યા, એટલામાં જ એમને છાતીનો દુખાવો ઊપડી આવ્યો. કેટલાંક ટેસ્ટ્સ અને બોડી ચેકઅપ પછી ડોક્ટરે સલાહ આપી, 'તમારે એન્જિયોગ્રાફી માટે મુંબઈ જવું પડશે. હું રેફરન્સ નોટ લખી આપું છું. પૈસા છે ને તમારી પાસે?’
'હોવ્વે, ભ’ઈલા ખેડૂત છું, માટીમાં પરસેવો સીંચીને પૈસો રળું છું. તમતમારે લખી આપો ચિઠ્ઠી.’ કાળિદાસે ખાંસી ખાધી કે ખોંખારો એ ભગવાન જાણે. ડો. તુષારને તો એટલું સમજાયું કે કાકા ખમતીધર છે.

કાળિદાસ પત્ની, પુત્રની સાથે મુંબઈ પહોંચ્યા. મોહમયી મહાનગરીમાં રખડીને, રઝળીને, પૈસાનું પાણી કરીને, લાઈનમાં ધક્કામુક્કી ખાઈને અને ર્વોડબોયથી લઈને મોટા ડોક્ટર સુધીના તમામ માણસોનું અમાનવીય વર્તન જોઈને સમસમી ગયા. છાતીનો દુખાવો મટવાને બદલે વધી ગયો. એમાં વળી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ ખરાબ આવ્યો. એ જોઈને મુંબઈના મોટા કાર્ડિયાક સર્જને કહી દીધું, 'કાકા, ત્રણેય નળીઓ બંધ થઈ ગઈ છે. બાયપાસ સર્જરી કરાવવી જ પડશે. આજે જ દાખલ થઈ જાવ. પૈસાની જોગવાઈ કરવા ખાતર પણ પાછા ઘરે ન જશો. ટ્રેનમાં જ લૂઢકી જશો.’
પણ કાળિદાસભાઈ ન માન્યા. ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગયા. લૂઢકી ગયા વગર સીધા ડો. તુષાર શાહના ક્લિનિકમાં આવીને ખુરશીમાં ઢગલો થઈ ગયા. હાંફ મટી એટલે બોલવાનું શરૂ
કર્યું, 'ભઈલા, હું મસાણમાં જાવા તૈયાર છું, પણ મુંબઈ જવા રાજી નથી. તમને ઓપરેશન કરતાં આવડે છે?’

ડોક્ટર ઢીલું ઢીલું બોલ્યા, 'કાકા, ઓપરેશન કરતાં તો આવડે છે, પણ અહીં એ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી એટલે હું કરતો નથી.’
'એટલે વળી શું?’ ખેડ, ખેતર અને ખાતરની પરિભાષા જાણતા પટેલને 'ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ શબ્દ પરગ્રહમાંથી આવ્યો હોય તેવો લાગ્યો.

ડો. તુષારભાઈએ સાદી ભાષામાં સમજાવ્યું, 'ઓપરેશનો માત્ર આવડતથી જ નથી થઈ શકતાં, એના માટે સાધનો પણ જરૂરી છે. હાર્ટની બાયપાસ સર્જરી માટે તો વળી એવાં એવાં સાધનો, સિિંરજો અને કૃત્રિમ ફેફસાં જેવાં મશીનો જોઈએ જે એક જ વાર વાપરીને ફેંકી દેવાં પડે. અમે એને 'ડિસ્પોઝેબલ’ કહીએ. આ બધું આપણા અમદાવાદમાં નથી મળતું. છેક મુંબઈથી લાવવું પડે.’

'તો મગાવો ને મારી ક્યાં ના છે? પણ હું મુંબઈ નથી જવાનો.’ કાળિદાસભાઈ જિદ્દ પર અડી ગયા. મહંમદ માઉન્ટ પાસે ન જાય, તો પછી માઉન્ટે મહંમદ પાસે આવવું પડે. છેવટે એવું જ નક્કી થયું. અમદાવાદમાં ઈતિહાસની સૌપ્રથમ કાર્ડિયાક બાયપાસ સર્જરીનું પ્રકરણ લખાઈ રહ્યું.

કાળિદાસને હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવ્યા. ઓપરેશન થિયેટર ચોખ્ખુંચણાક અને જંતુમુક્ત કરી દેવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન ડો. તુષારભાઈની સાથે કોણ કોણ હાજર રહેશે તે પણ નક્કી થઈ ગયું. બીજી તરફ ટ્રંક કોલ કરીને મુંબઈના ડીલરને ઓર્ડર આપી દેવામાં આવ્યો, 'બાયપાસ ઓપરેશન માટેની તમામ ડિસ્પોઝેબલ ચીજો અમદાવાદના સરનામે રવાના કરી દો. કેવી રીતે મોકલશો?’

'સાહેબ, અમારો માણસ જાતે આવીને તમને હાથોહાથ આપી જશે. મોટો કોથળો ભરાય એટલો સરંજામ હોય છે. અન્ય કોઈ રીતે મોકલી શકાય તેમ નથી.’ મુંબઈથી માહિ‌તી મળી.
આ તરફ અમદાવાદમાં તરફેણમાં અને વિરોધમાં એમ બંને પક્ષે છાવણીઓ રચાઈ ગઈ. મોટા ભાગના વરિષ્ઠ ડોક્ટરો શંકાશીલ બનીને ડો. તુષારના આ પ્રથમ સાહસને નિષ્ફળ જવાની કાળવાણી ઉચ્ચારીને અપશુકન કરાવી રહ્યા હતા, જ્યારે ડો. યાજ્ઞિકસાહેબ જેવા જૂના જોગી આ જુવાન જિનિયસની પીઠ થાબડીને આર્શીવાદ આપી રહ્યા હતા.
આગલી રાતે મુંબઈથી 'કોલ’ આવી ગયો, 'અમારો માણસ ડિસ્પોઝેબલ્સનો મોટો થેલો લઈને નીકળી ગયો છે. સૌરાષ્ટ્ર મેલમાં બેસી ગયો છે. સવાર સુધીમાં ત્યાં પહોંચી જશે.’
ડો. તુષારે દરદીના સગાંસંબંધીઓને કહી દીધું, 'કાલે ઓપરેશન થઈ જશે.’ સવારે સૌરાષ્ટ્ર મેલમાંથી ઊતરેલા માણસે પ્લેટફોર્મ પરથી ફોન પણ કરી દીધો, 'હું આવી ગયો છું. પંદર-વીસ મિનિટમાં ત્યાં પહોંચું છું. તમે ઓપરેશન શરૂ કરી શકો છે.’

'ભલે, પણ તારા કોથળામાં તમામ જરૂરી સાધનો છે તો ખરાં ને? પાછળથી એવું ન કહેતો કે એક નાનકડી નળી લાવવાની રહી ગઈ છે.’ ડોક્ટરે ખાતરી કરી લીધી, પણ માણસે હૈયાધારણ આપી દીધી. ભૂલ થવાની કોઈ શક્યતા જ ન હતી. દરેક બાયપાસ ઓપરેશન માટે જરૂરી સામગ્રીની યાદી નક્કી જ રહેતી હતી. એમાં એક સાદી ટાંકણી જેટલીય વસ્તુ ગુમ થાય તેવો સંભવ જ ન હતો.

કાળિદાસને ટેબલ પર લેવામાં આવ્યા. એનેસ્થેસિયા આપવામાં આવ્યો. ડો. તુષારભાઈએ સ્ટેપ વાઇઝ છાતીનું પાંજરું ઉઘાડવાનું શરૂ કરી દીધું. ત્યાં પેલો મુંબઈથી આવેલો માણસ આવી પહોંચ્યો. ડો. તુષારભાઈનું સંપૂર્ણ ધ્યાન ઓપરેશનમાં ચાલી રહ્યું હોય તે દરમિયાન દરદીને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા માટે કૃત્રિમ ફેફસાં તરીકે ઓળખાતું આ મશીન સૌથી અગત્યની જરૂરિયાત મનાય છે. એના ઉપર તો દરદી જીવી શકે છે.

'સાહેબ, આર્ટિ‌ફિશિયલ લંગ મશીન ક્યાંય દેખાતું નથી.’ સહાયકે કહ્યું. 'હેં?’ ડો. શાહ ચીસ પાડી ઊઠયા. ઓપરેશન થિયેટરમાં ખળભળાટ વ્યાપી ગયો. કાળિદાસનું ભવિષ્ય કાળુંડિબાંગ ભાસવા લાગ્યું. મુંબઈથી આવેલો કોથળો આખો ઊંધો વાળી નાખ્યો, પણ એમાંથી કાળિદાસનો શ્વાસ ક્યાંય જડતો ન હતો. એ જમાનામાં મોબાઇલ ફોન હતો નહીં. સાદો ટ્રંક કોલ કરવામાં સમય બગડે. એટલે મોંઘા ભાવનો 'લાઇટનિંગ કોલ’ લગાડવામાં આવ્યો. મુંબઈના વેપારીએ હાથ ઊંચા કરી દીધા, 'અહીંથી તો અમે સંપૂર્ણ સાધનસરંજામ મોકલાવી દીધો છે. તમારા સુધી શું પહોંચ્યું તે ભગવાન જાણે’

પેલો વચેટિયો બાપડો શિયાવિયા. ડો. તુષાર શાહ હવે જીવ પર આવી ગયા. કાળમૂખાઓની કાળવાણી સાચી પડે તે કેમ ચલાવી લેવાય? ઈશ્વર જેવું કંઈ છે કે નહીં? એમણે પોતાના એક કર્મચારીને કહ્યું, 'બહારના રૂમમાં મારું શર્ટ પડયું છે. તેના ખિસ્સામાંથી સ્કૂટરની ચાવી કાઢ અને નીકળી પડ. સૌરાષ્ટ્ર મેલનો પીછો કરવાનો છે. કોઈ રોકે તો મારું નામ આપજે, દરદીની ખુલ્લી છાતી વિષે માહિ‌તી આપજે, પણ કૃત્રિમ ફેફસું લીધા વગર પાછો ફરીશ મા’

યુવાન નીકળી પડયો. બજાજ કબ અને ટ્રેન વચ્ચે દિલધડક 'રેસ’ જામી. આ રેસ બે એન્જિનો વચ્ચેની નહોતી, પણ જિંદગી અને મોત વચ્ચેની સ્પર્ધા હતી. બજાજ કબે આખરે સૌરાષ્ટ્ર મેલને પકડી પાડયો. છેક વિરમગામ પાસે એને આંતર્યો. ગાર્ડને કહીને ડબ્બામાં તપાસ કરી. પેલો માણસ જે જગ્યા પર બેઠો હતો તે સીટની નીચે એક નધણિયાતો કોથળો પડેલો હતો. જોયું તો એની અંદર જ આર્ટિ‌ફિશિયલ લંગ મશીન હતું.

કેવી રીતે, કેટલા કલાક પછી એ સંજીવનીનો પહાડ લઈને 'અંજની સૂત’ ઓપરેશન થિયેટરમાં પહોંચ્યા તે અનુમાનનો વિષય છે. મોટો સવાલ એ છે કે ત્યાં સુધી કાળિદાસ જીવતા રહી શક્યા ખરા?

બેહોશીની અસરમાં, ચિરાયેલી છાતી સાથે લગભગ ત્રણથી ચાર કલાક સુધી આ છપ્પન ઇંચની છાતીવાળો મરદ ભાયડો જીવતો રહ્યો અને એટલી જ પહોળી છાતી ડો. તુષાર શાહની કહી શકાય. અંદરથી ઊઠતા કયા આવેગથી, કયા ઝનૂનથી, કયા મોટિવેશનથી આ ડોક્ટર આવા ભાંગી નાખે તેવા સંયોગોમાં પણ ટકી રહ્યો હશે? એ પછી ઓપરેશન નિર્વિ‌ઘ્ને પૂરું થયું. કાળિદાસ પટેલ સાજા થઈને ઘરે ગયા. ખેતી કરી, પૈસા કમાયા, દીકરી-દીકરાઓને થાળે પાડયાં અને સત્તર સત્તર વર્ષ લગી સારી રીતે હરતાફરતા જિંદગી જીવતા રહ્યા. મરતાં પહેલાં રૂબરૂમાં આવીને ડો. તુષાર શાહને અંતરની આશિષ આપી ગયા.

આજે તો અમદાવાદમાં, વડોદરા, સુરત અને રાજકોટ, નડિયાદમાં પણ કાર્ડિયાક સર્જરી થાય છે અને મોટી સંખ્યામાં થાય છે, પણ એના પાયામાં ડો. તુષાર શાહની પહેલ રહેલી છે. આભાર તો કાળિદાસભાઈનો પણ માનવો પડે. પોતે સુખીસંપન્ન હોવા છતાં ઘર આંગણે નવા, જુવાન ડોક્ટરના હાથમાં પોતાની જિંદગી સોંપી દેવાનું જોખમ ઉઠાવ્યું તે માટે.'

Comments