સુહાનીને હતું કે એ બોલશે. કદાચ આ યુવાન, હેન્ડસમ પુરુષ ગુજરાતી ફિલ્મો અને થિયેટરથી અજાણ હશે, પણ એકવાર પોતાનો પરિચય જાણ્યા પછી અવશ્ય એ ઊછળી પડશે.
રાતના સવા નવ-સાડા નવ વાગ્યાનો સમય હતો. શેષ પોતાની કારમાં બેસીને રાજકોટથી અમદાવાદ જવા નીકળી જ રહ્યો હતો, ત્યાં એનાં માસીએ આજીજીના સૂરમાં પૂછ્યું, ‘શેષ! બેટા, એક કામ કરીશ?’
‘સવાલ નહીં, આદેશ કરો, માસી!’ શેષે પાછળની બેઠકમાં સ્થાન લેતાં કહ્યું. માસીએ આજીજીની શૈલીમાં આદેશ આપ્યો, ‘આ પડોશમાં વિમુબહેન રહે છે એની ભાણીને પણ અમદાવાદ જવું છે. ઇમર્જન્સી છે. તને વાંધો ન હોય તો તારી ગાડીમાં સાથે લઇ જઇશ?’
‘અરે, આ તે કંઇ પૂછવાનો સવાલ છે, માસી? ગાડી ખાલી જ છે. ડ્રાઇવરે કારને ચલાવવાની છે, એન્જિનને એનો ભાર ખેંચવાનો છે, હું તો પાછલી સીટમાં બેસીને લેપટોપ પર મારું કામ કરવાનો છું. મને શો વાંધો હોય? બોલાવી લો એને. પણ એને કહેજો જરાક ઝડપ કરે, મારે મોડું થાય છે.’
અને એ આવી. એના આવતાં પહેલાં એના આગમનની છડી બજાવતી સુગંધી હવાની લહેરખી આવી. પછી કારનો દરવાજો ખૂલ્યો અને પાંચ ફીટ દસ ઇંચની એક રૂપની તિજોરી શેષની બાજુની ખાલી જગ્યામાં સ્થાપિત થઇ ગઇ. આવા ફાટ-ફાટ સૌંદર્યને જોઇને આગળ બેઠેલો ડ્રાઇવર રાજુ સખળ-ડખળ થઇ ગયો, પણ શેષ એવો ને એવો જ સ્થિતપ્રજ્ઞ રહ્યો.
‘થેન્કસ!’ રૂપ ટહુકર્યું ત્યારે ખબર પડી કે એના ગળામાં તો ઝાંઝરી છે.
‘એમાં આભાર શેના માટે? માસીએ કહ્યું એટલે મારે હા પાડવી જ પડે અને હું અવાર-નવાર રાજકોટ આવતો હોઉં છું, એટલે તમારાં વિમુમાસીને પણ ઓળખું જ છું. એમણે કહ્યું કે તમારે કંઇક ઇમર્જન્સી કામ માટે...?’
‘હા.’ પેલી હજુ આભારના દરિયામાંથી બહાર આવતી ન હતી, ‘હું... આઇ મીન, અમે નાટકનો એક ‘શો’ કરવા માટે અહીં આવ્યા હતા. ત્રીજો અંક હજુ હમણાં જ પૂરો થયો, ત્યાં જ અમદાવાદથી ફોન આવ્યો. પપ્પા સિરિયસ છે. આઇ.સી.યુ.માં એડમિટ કર્યા છે. અમારું આખું યુનિટ તો તાત્કાલિક અત્યારે નીકળી શકે તેમ ન હતું અને ટ્રાવેલ્સની ખાનગી કારમાં જવાનું જોખમ... યુ.સી... એકલી, જુવાન, એટ્રેિકટવ... મારા જેવી ખૂબસૂરત હિરોઇનથી... યુ.નો... આજકાલ કેવું કેવું બને છે...?’
શેષના કાને આટલા બધા વિશેષણો અથડાયાં, ત્યારે માંડ એણે એક ધ્યાનભરી નજર બાજુમાં બેઠેલા આ ખૂબસૂરતીના ખજાના તરફ ફેંકી લીધી. પૂછ્યું પણ નહીં, ‘અચ્છા! તો તમે નાટકની હિરોઇન છો? શું નામ તમારું?’
‘મારું નામ સુહાની શીશાવાલા છે.’ સવાલ પુછાયો નહોતો, તો પણ જવાબ અપાઇ ગયો.
‘ઓ...! સુહાની શીશાવાલા?!? તો તમે જ છો આજની ટોચની અભિનેત્રી? ગુજરાતી સિનેમા, નાટક અને ટી.વી.ની નંબર વન હિરોઇન. વાઉ! હું કેટલો લક્કી છું કે તમારી સાથે આ રીતે કારમાં પ્રવાસ કરવાનો મોકો મને મળ્યો! લોકો તો તમારી એક ઝલક મેળવવા માટે પ્રાણ પાથરવા તૈયાર હોય છે. ભાડમાં જાય આ મારું લેપટોપ! કામ તો આખી જિંદગી ચાલતું રહેશે. અત્યારે તો મને તમારી આ સુંદર સેક્સી કાયાના લપસણા વળાંકોમાં ખોવાઇ જવા દો!’
ના, આમાંથી એક પણ શબ્દ શેષ બોલ્યો ન હતો. સુહાનીને હતું કે એ બોલશે. કદાચ આ યુવાન, હેન્ડસમ પુરુષ ગુજરાતી ફિલ્મો અને થિયેટરથી અજાણ હશે, પણ એકવાર પોતાનો પરિચય જાણ્યા પછી અવશ્ય એ ઊછળી પડશે. ગ્લેમર અને સૌંદર્યની ચમક એને આંજી નાખશે. બીજું બધું તો ઠીક, પણ એની અડધી અનાવૃત્ત માદક કાયા તરફ એ એક ઝંખનાસભર ‘લૂક’ તો જરૂર આપશે. પણ શેષ તો પોતાનું લેપટોપ ‘ઓન’ કરીને કી-બોર્ડ પર આંગળીઓ ફેરવવામાં ડૂબી ગયો હતો. અલબત્ત, એણે એક વાર સુહાનીના તનબદન તરફ જોઇ લીધું જરૂર હતું, પણ એ નજરમાં તૃષ્ણા, તરસ કે વાસના જેવું કશું જ ન હતું, ફકત પ્રશ્નાર્થચહિ્ન હતું. પૂછ્યા વગર એ પૂછી રહ્યો હતો: ‘સાવ આવા અને આટલા ઓછા વસ્ત્રોમાં...?’
સ્ત્રી જાતિને પુરુષોની આવી પ્રશ્નસૂચક નજરને વાંચી શકવાની ઇશ્વરદત્ત ‘સિકસ્થ સેન્સ’ મળેલી હોય છે. સુહાનીએ અત્યંત ટૂંકા ‘માઇક્રો મિની સ્કર્ટ’ને નીચે ખેંચવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં જવાબ આપ્યો, કોસ્ચ્યુમ ચેન્જ કરવાનો મને સમય જ ન મળ્યો, યુ સી! નાટકનું છેલ્લું ર્દશ્ય ચાલતું હતું, ત્યારે જ અમદાવાદથી ફોન આવ્યો. નાટકના ડિરેક્ટરે વાત કરી અને ક્લાઈમેકસ પત્યા પછી તરત મને મેસેજ આપ્યો કે પપ્પાની હાલત ગંભીર છે. હું આવાં કપડાંમાં જ નીકળી પડી.
ફરીથી શેષે એક અછડતી નજર સુહાનીનાં કપડાં ઉપર ફેરવી લીધી. પાછો એ એના કામમાં ડૂબી ગયો. એની જગ્યાએ બીજો કોઇ પણ ‘દ્રષ્ટિવંત’ પુરુષ હોત તો એ આટલું તો અવશ્ય વિચારી લેત: ‘આને તમે કપડાં કહો છો? તમારી આ ગુલાબની વાડી પર વીંટાયેલા પા-પા મીટરના બે કાપડના કટકાઓને તમે કોસ્ચ્યુમ સમજો છો? વસ્ત્રોનું કામ તો શરીરને ઢાંકવાનું છે, તમારું આ સ્કર્ટ જે કદાચ વિશ્વનું સૌથી ટૂંકું સ્કર્ટ હોઇ શકે છે, એ તો તમારી ઉભરાતી કાયાને ઢાંકવાને બદલે ઉજાગર કરવાની ફરજ નિભાવે છે, ઉપરી જેટલું ઢંકાયેલું છે તેના વિશે ઉત્સુકતા જગાવે છે.’
પણ આવું કંઇ બોલવાને બદલે શેષ ફકત આટલું જ બબડી ગયો, ‘ઓહ! એમ વાત છે! સોરી, આઇ હેવ ટુ ફિનિશ લોટ ઓફ વર્ક બિફોર આઇ રીચ એટ અમદાવાદ. કાઇન્ડલી બેર વિથ મી ઇફ આઇ કાન્ટ ટોક મચ વિથ યુ. જસ્ટ રિલેક્સ યોર સેલ્ફ, મિસ...’
સુહાનીના અભિમાન ઉપર જબરદસ્ત પ્રહાર થયો. આવી અવજ્ઞાથી એ ટેવાયેલી ન હતી અને કદાચ એટલે જ એ આ યુવાન પ્રત્યે આકષૉતી જતી હતી. અત્યાર સુધી એણે ફકત પ્રશંસકોનાં ટોળાં જ જોયાં હતાં, જેમાંના મોટાભાગના એની પાસેથી કાં તો ઓટોગ્રાફ માગતા હતા, કાં ફોટોગ્રાફ. આજે પ્રથમ વાર સુહાની એક પુરુષને જોઇ રહી હતી, જેને એની પાંચ ફીટ દસ ઇંચ લાંબી, ગુલાબી જોબનવંતી કાયામાં જરા પણ રસ ન હતો, નહીંતર ફોટોગ્રાફની વાત ક્યાં રહી, અહીં તો લાઇવ ટેલિકાસ્ટ હાજર હતું!!‘તમે... તમે આઇ.ટી. પ્રોફેશનલ છો? લેપટોપ પર આઉટ સોિસઁગનું કામ કરો છો? કે પછી કોઇ કોર્પોરેટ હાઉસમાં જોબ કરો છો?’ સ્પષ્ટ મનાઇ છતાં સુહાનીએ શેષને ખલેલ પહોંચાડવાનું ચાલુ રાખ્યું. ‘હું સાઇકોલોજિસ્ટ છું. ના, સાઇકિયાટ્રિસ્ટ નહીં, પણ સાઇકોલોજિસ્ટ. હ્યુમન બિહેવ્યરનો અભ્યાસ કરવાનું મને ગમે છે. અમેરિકાની એક પ્રખ્યાત સાયિન્ટફિક કન્સર્ન માટે હું રિસર્ચ કરવાનું અને ડેટા પૂરા પાડવાનું કામ કરું છું. વર્ષમાં છ-છ મહિના ઇન્ડિયા-યુ.એસ.માં હોઉં છું. બસ, ધેટ્સ ઇટ.’
સુહાની અંજાઇને સાંભળી રહી. આ બધું એના જેવી ગુજ્જુ હિરોઇનને માટે સાવ નવું જ હતું. ક્યાં એની ‘કેમેરા, સાઉન્ડ, એકશન’ની દુનિયા અને ક્યાં આ માનસિક સંચલનોની સૃષ્ટિ?! ક્યાં આ દ્વિઅર્થી સંવાદો અને ધડમાથા વગરની સ્ક્રિપ્ટ અને કાસ્ટિંગ કાઉચના કીચડની દુર્ગંધ મારતી દુનિયા અને ક્યાં આ માનવમનનાં અલગ-અલગ વર્તનો પાછળનું રહસ્ય સમજાવતી વૈજ્ઞાનિક મથામણો, ધારણાઓ અને સમજૂતીઓ!!! ‘તમને તમારું આ કામ પસંદ છે?’ સુહાનીએ રસપૂર્વક પૂછ્યું. ‘પસંદ? અરે, ખૂબ ખૂબ પસંદ છે. આઇ લવ માય જોબ. આવી જાહોજલાલી બીજે ક્યાં મળે? હું છ મહિના ‘મેરા ભારત મહાન’નું જીવન માણું છું અને બારેય મહિના માટે ડોલર્સમાં સેલેરી મેળવું છું. આઇ લવ ધીસ વર્ક.’
‘ખરેખર?! તમને તમારું કામ એટલું બધું ગમે છે? બાજુમાં બેઠેલી એક સંસ્કારી, ખૂબસૂરત, પ્રેમઘેલી ગરવી ગુજરાતણની તરફ એક સ્નેહભરી નજર ફેંકી લેવા કરતાં પણ વધુ ગમે છે તમારું આ કામ? તમને માત્ર માનવીના માનસિક સંચલનોમાં જ રસ પડે છે? કોઇ અપ્સરાના અંગોના શારીરિક હલન-ચલનમાં નહીં?!’ સુહાનીના પ્રશ્નોમાં કટાક્ષ હતો, ઉપાલંભ હતો, શેષના પાૈરુષ અને યાૈવનને ખુલ્લો પડકાર હતો.
પહેલીવાર એવું બન્યું કે શેષે લેપટોપના કી-બોર્ડ પરથી આંગળીઓ ઉઠાવી લીધી. એની આંખોમાં ભીનાશ તરવરી ઊઠી, ‘ના, સુહાની! તમે માનો છો એવું નથી. પણ મારા પરિવારમાં ‘રૂપ’ નામના શબ્દે મચાવી મૂકેલું રમખાણ હું ભૂલી શકતો નથી.
એક અત્યંત સુંદર નારીના દેહ પાછળ પાગલ બનીને મારા પિતાએ એની સાથે લગ્ન કરી નાખ્યું હતું. પછી એમને ખબર પડી કે એ એમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. મારા પપ્પા બાળક જેવા ભોળા હતા અને મારી મમ્મી લફરાબાજ. લગ્ન પછીનું એક વર્ષ તો બધું સારી રીતે ચાલતું રહ્યું, પણ મારા જન્મ પછી મારી મમ્મીએ પોતાનો રંગ બતાવવો શરૂ કરી દીધો. મારા પપ્પા નોકરીએ જાય ત્યારે મારા ઘરમાં મમ્મી પોતાના પુરુષમિત્રોને બોલાવીને રંગરેલિયા મનાવતી હતી. એક દિવસ રંગે હાથ ઝડપાઇ ગઇ. પપ્પાએ આત્મહત્યા કરી લીધી.’
‘અને તમે મમ્મીની પાસે રહીને મોટા થયા?’ સુહાની પૂછી રહી. ‘ના, મમ્મીએ મને છોડી દીધો. હું મારા મોસાળમાં ઊછર્યો, ભણ્યો, ગણ્યો અને છેક અઢારમા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે મામાએ મને બધી વાતની જાણ કરી. તે દિવસથી સુંદર સ્ત્રીઓ પ્રત્યેની મારી દ્રષ્ટિ જ બદલાઇ ગઇ છે, સુહાની! જ્યારે પણ કોઇ લીસી, ગોરી ત્વચાવાળી ઘાટીલી યુવતીને હું જોઉં છું ત્યારે મારી નજર સામે પંખા પરથી લટકતી પપ્પાની લાશ તરવરી ઊઠે છે.
મનમાં પેલી શાયરી ગુંજી ઊઠે છે: ‘હુશ્નવાલે કિસી કે યાર નહીં હોતે હૈ, અગર હોતે હૈ તો વફાદાર નહીં હોતે હૈ.’ તમે માઠું ન લગાડશો, સુહાની, પણ ખૂબસૂરત પ્રત્યેનો આ મારો પૂર્વગ્રહ હોઇ શકે છે, પણ મારે એની સાથે જ જીવવાનું છે.’, ‘હું તમને એટલું જ કહેવા માગું છું, શેષ, કે એક સ્ત્રીના ખરાબ અનુભવ પરથી તમે આખી નારીજાતિ માટે આવો અભિપ્રાય ન બાંધી લો. હું તમને ચાહવા લાગી છું. તમને જો મારા સુંદર ચહેરા માટે નફરત હોય તો તમે એસિડ ફેંકીને એને બદ-સૂરત બનાવી દો! એ પછી પણ હું તમને ચાહતી જ રહીશ. હું તમને એ વાત સાબિત કરી આપીશ કે સ્ત્રીની બાહ્ય સુંદરતા કરતાં પણ ક્યારેક એની આંતરિક સુંદરતા ચડિયાતી હોય છે.’ સુહાનીની વાત સાંભળીને શેષે એનું લેપટોપ ‘ઓફ’ કરી દીધું, પછી પહેલીવાર એણે બાજુમાં બેઠેલી સુહાની સામે ધ્યાનથી નજર માંડી. રૂપની રાશિ વિચારી રહી હતી: ‘આ મીઠી નજર અમદાવાદ સુધીની હશે? કે પછી આવરદાના અંત સુધીની?’‘
Comments
Post a Comment
Thanx For Comment