ચાલો ઉઠાવવા પણે માણસ પડી ગયો, ઝાકળ લઈ જતો હતો સૂરજ મળી ગયો


'અફસોસ કે છાપામાં નોકરી માટેની જાહેરખબર અપાઈ ગઈ, ખરેખર તો એ મેટ્રિમોનિયલ આપવા જેવી હતી. એની વે, કાલથી જોબ પર હાજર થઈ જજે. પગારની ચિંતા ન કરતી. મારું બેન્ક એકાઉન્ટ તારા માટે જ છે.’

હું મારા કન્સલ્ટિંગ રૂમની અંદર હતો, પેશન્ટને તપાસી રહ્યો હતો, ત્યાં અચાનક મોટો વિચિત્ર અવાજ સંભળાયો. સાચું કહું તો એક અવાજ નહીં, પણ અનેક અવાજોનો શંભુમેળો. સૌથી પહેલા કારના ટાયર રોડ સાથે ઘસાવાનો ટિપિકલ અવાજ, પછી 'મારો, મારો’ની બૂમો, પછી કોઈ બીજા કોઈને જોર જોરથી મારતું હોય તેવો અવાજ. પછી માર ખાનારની આજીજીઓ, કાકલૂદીઓ અને ચીસો, 'માફ કરી દો... છોડી દો મને... હું મરી જઈશ... મને જવા દો...’ અને પછી ટોળાશાહીનો શોરબકોર.

બપોરનો લગભગ એક વાગવા આવ્યો હતો. હું કન્સલ્ટિંગ રૂમમાંથી બહાર આવ્યો, પણ જે દૃશ્ય જોવા મળ્યું તે તદ્દન અનપેક્ષિત હતું, અસહ્ય હતું, કોઈ પણ સભ્ય સમાજ માટે અશોભનીય હતું.

હું મૌકા-એ-વારદાત પર છેક નજીક જઈને જોઉં ત્યાં સુધીમાં તો પચાસ સાઠ માણસો જમા થઈ ગયા હતા અને વર્તુળાકારે ઊભા રહી ગયા હતા. કૂંડાળાની વચ્ચે એક ઊંચો, સશક્ત જુવાન કોઈની જોરદાર ધોલાઈ કરી રહ્યો હતો. જેની ધોલાઈ ચાલી રહી હતી એની હાલત ધોબીના હાથમાં વીંઝાતાં ભીનાં કપડાં કરતાં પણ દયનીય હતી.

'શું થયું?’ મેં કોઈકને ધીમેથી પૂછયું, પણ પેલો યુવાન સાંભળી ગયો. મારી સામે જોઈને ડોળા કકડાવીને જાણે મારા બહાને ત્યાં ઊભેલા તમામને માહિ‌તી આપી રહ્યો, 'અરે, શું નથી થયું એ પૂછો, સાહેબ? આ ચોર છે. પેલા નાનકડા છોકરાના હાથમાંથી દસ રૂપિયાની નોટ ઝૂંટવીને નાસી જતો હતો. છોકરાનું રડવું અને મારે ગાડીમાં બેસીને ત્યાંથી નીકળવું. 'ચોર... ચોર...’ની બૂમ સાંભળીને જ હું સમજી ગયો કે મામલો શો છે, ત્યાં આ માણસે ભાગવાનો પ્રયત્ન કર્યો, એટલે મારી નજરે ઝડપાઈ ગયો.’ આટલું બોલીને એ એંગ્રી યંગ મેન ફરી પાછો પેલા ચોરનાં અંગો ઉપર પોતાના હાથનો હથોડો ઝીંકવા લાગ્યો.

ટોળામાં ગણગણાટ ચાલી રહ્યો હતો. દરેકના કાન સરવા થઈને સાંભળતા હતા. જે શરૂઆતથી ચશ્મદીદ હતા તેઓ કહી રહ્યા હતા, 'ગજબનો માણસ છે ભ’ઈ, કહેવું પડે ચોર ત્યાંથી ભાગીને પેલી ગલીમાં ઘૂસ્યો, પછી ત્યાંથી નીકળીને પેલા છેડે બહાર આવ્યો, પણ આ હીરોએ જે રીતે ગાડી ભગાવી છે, વાહ અને અંદાજ પણ કેવો પાક્કો એણે કલ્પના કરી જ લીધી કે ચોર અહીંથી જ બહાર આવશે. એટલે ગલીમાં ઘૂસવાને બદલે પૂરપાટ સ્પીડે ગાડી ભગાવીને હીરોએ ચોરને આ જગ્યાએ આંતરી લીધો. આવું દૃશ્ય આપણે તો ફિલ્મના પડદા પર જ જોયું હતું. આજે પહેલી વાર રિયલ લાઇફમાં જોયું. હેટ્સ ઓફ્ફ ટુ ધિસ યંગ મેન’

ચોર દસ રૂપિયાની નોટ ઝૂંટવીને ભાગ્યો એ ઝડપાઈ ગયો હતો અને સભ્ય સમાજનો હીરો હવે એ વિલનને ફટકારી રહ્યો હતો. એક વાત હજુ મને સમજાતી ન હતી : દસ રૂપિયાના ચોરને આટલો બધો ઢોર માર મારવાનો હોય?
ચોર કરગરી રહ્યો હતો, 'કહું છું મને જવા દો, મારાં માઈ-બાપ મારાથી ભૂલ થઈ ગઈ. હવે મારાથી આ માર સહન નથી થાતો. ભ’ઈ સા’બ, તમારો હાથ બહુ ભારે છે.’

જુવાનને પાનો ચડયો. પેલાને ફરી પાછો ઝૂડી નાખ્યો. 'ધ બો ધબ’ એનો જમણો હાથ વીંઝાતો રહ્યો. ચોર બાપડો માયકાંગલો માણસ, ભૂખમરાથી પીડાતો ગરીબ. માંડ પાંત્રીસ-ચાલીસ કિલોગ્રામ વજનનું હાડપિંજર અને ઉપર ચામડી ચોંટી રહેલી. માર ખાઈ ખાઈને એનાં કપડાં ફાટી ગયાં હતાં. અંદરની ચામડી ચિરાઈ ગઈ હતી. આટલું તો કદાચ પોલીસ પણ એને ન મારે.

મેં સૂચન કર્યું, 'જવા દો એને, ભાઈ એ ગુનો કબૂલ કરે છે ને અને એને પૂરતી સજા મળી ગઈ. હવે...’
જુવાને ગરદન ઘુમાવીને મારી તરફ જોયું, 'આને જવા દેવાતો હશે? ચોરને? કાલે ઊઠીને દસ હજારની ચોરી કરશે. કોઈના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી જશે.’

'હું આ વાત સાથે સંમત નથી. મને આ માણસ રીઢો ચોર હોય તેવું નથી લાગતું. વખાના માર્યા કદાચ એણે પહેલી વાર આ કામ કર્યું હશે અને ચેઇન સ્નેચર્સ આવા ગરીબ, ભિખારી જેવા નથી હોતા. તેઓ તો બાઇક પર બેસીને ચેઇન ખેંચી જતા હોય છે અને કાયમ બબ્બેની જોડીમાં કામ કરતા હોય છે.’ હું પેલા જુવાનની વિરુદ્ધમાં પડીને એને વધારે ઉશ્કેરવા નહોતો ઈચ્છતો. મારો ઉદ્દેશ એને ઠંડો પાડવાનો હતો. છેલ્લે તો મેં ત્યાં સુધી કહી નાખ્યું, 'આ રીતે કોઈ ચોરને મારવો તે કાયદાની દૃષ્ટિએ પણ ખોટું છે એને પોલીસના હવાલે કરી દઈએ.’

જુવાન ગરજી ઊઠયો, 'પોલીસ આને શું કરશે? આપણે વિખેરાઈ જઈશું એટલે આને છોડી મૂકશે. મારા ખુદના પપ્પા ડી.વાય.એસ.પી. હતા. બે મહિ‌ના પહેલાં જ રિટાયર થયા છે. મને ખબર છે કે પોલીસ ખાતાને કેટલાં કામ હોય છે. આવા દસ રૂપરડીના ચોર માટે પોલીસને ક્યાં તકલીફ આપવી? આપણે જ આનો ન્યાય તોળવાનો અને સજા પણ આપણે જ કરી દેવાની.’ પાછું એને યાદ આવ્યું કે એની ફરજ તો સજા આપવાની છે. એ પુન: ચાલુ પડી ગયો. મેં એના સાથીદાર જેવા જણાતા એક છોકરાને પૂછયું, 'આ ભાઈનું નામ શું છે? એના પપ્પા...?’

'વિમલ દેસાઈ. આનું નામ વિમલ. એના પપ્પા દેસાઈસાહેબ. બહુ જાણીતા પોલીસ અધિકારી હતા. અંધારી આલમ એમના નામ માત્રથી થરથર કંપતી હતી.’ જવાબ સાંભળીને હું ચોંકી ગયો. મનોમન બબડી ઊઠયો, 'અચ્છા તો આ છે વિમલ દેસાઈ’ વિમલ દેસાઈનું નામ મેં થોડાક દિવસો અગાઉ જ સાંભળ્યું હતું. યાદ રહી જાય તેવી વાતના સંદર્ભે સાંભળ્યું હતું, પણ એ વખતે ખબર ન હતી કે વિમલ દેસાઈને આટલી ઝડપથી, આ રીતે જોવાનું અને મળવાનું શક્ય બનશે.
મારા મનમાં સુગંધા નામની એક સુંદર છોકરી તરવરી ઊઠી. લગભગ વીસ-બાવીસ વર્ષની યુવતી. શરીર પર સૌંદર્ય અને પાંપણોની પાછળ મુગ્ધ સપનાઓ લઈને જીવતી યુવતી. એક દિવસ મારી પાસે નિસ્તેજ આંખો અને પડેલું મોં લઈને આવી ચડી. મેં પૂછયું, 'શેના માટે આવી છો?’ એણે જવાબ આપ્યો, 'અનમેરિડ છું. ત્રણ મહિ‌નાની પ્રેગ્નન્સી છે. ગર્ભપાત કરી આપો.’ (અહીં કોઈ ચોખલિયા વેડાને સ્થાન નથી, કારણ કે ગર્ભપાત કાયદેસર છે.)

મેં ચેકઅપ કરીને કહ્યું, 'બરાબર છે. તને ત્રણ મહિ‌નાનો ગર્ભ છે, પણ ગર્ભપાત શા માટે કરાવી રહી છો? તારા પ્રેમી કે જે કોઈ હોય તેની સાથે લગ્ન શા માટે નથી કરી લેતી?’

'એ આશામાં તો મેં આટલું બધું ખેંચ્યું છે. હવે વધારે સમય જતો રહેશે તો કદાચ મારે આપઘાત કરવાનો સમય આવશે.’
સુગંધાની દાસ્તાનમાં સેંકડો - હજારો વર્ષથી ચાલી આવતી એકની એક વાતનું પુનરાવર્તન જ હતું. પુરુષજાતની છલના અને નારી જાતિનું ભોળપણ (કે પછી મૂર્ખતા?) જે એણે વર્ણવ્યું તેનો સાર ટૂંકમાં આવો હતો : વિમલ નામનો એક ડેશિંગ યુવાન. શહેરના પોશ એરિયામાં આવેલી ઓફિસ. વિઝા કન્સલ્ટેશનનું કામ. છાપામાં 'રિસેપ્શનિસ્ટ યુવતી જોઈએ છે, યુવાન, ખૂબસૂરત, સ્માર્ટ છોકરીઓએ જ સંપર્ક કરવો. પગાર લાયકાત પ્રમાણે આપવામાં આવશે.’ આવી જા.ખ. વાંચીને સુગંધા છાપેલા સરનામા પર પહોંચી ગઈ. ઈન્ટરવ્યૂ લેવા માટે કંપનીનો માલિક ખુદ બેઠો હતો. ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ. વિમલે સુગંધાને માથાથી લઈને પગના અંગૂઠા સુધી માપી લીધી. પછી તરસ્યા હોઠો પર ભીની જીભ ફેરવીને કહી દીધું, 'તને જોયા પછી અફસોસ થાય છે.’

'કઈ વાતનો, સર?’ સુગંધાની છાતી ધક ધક થઈ રહી હતી.

'અફસોસ એ વાતનો કે છાપામાં નોકરી માટેની જાહેરખબર અપાઈ ગઈ, ખરેખર તો એ મેટ્રિમોનિયલ (લગ્નવિષયક) આપવા જેવી હતી. એની વે, કાલથી જોબ પર હાજર થઈ જજે. પગારની ચિંતા ન કરતી. મારું બેન્ક એકાઉન્ટ તારા માટે જ છે.’ વિમલ આધુનિક જમાનાનો 'ફાસ્ટ’ પુરુષ હતો. આઈ.પી.એસ. બાપની કરોડોની કમાણી ઉડાડવા માટે જ જન્મેલો હતો. લગ્નનાં આશ્વાસનો આપીને સુગંધાના સુંવાળા દેહ સાથે એ વાસનાનો ખેલ ખેલતો રહ્યો. સુગંધા પ્રેગ્નન્ટ થઈ ગઈ, તો પણ એણે સાચી વાતની ગંધ આવવા ન દીધી. જ્યારે સુગંધાએ લગ્ન માટેની જિદ્દ કરી ત્યારે એ રાક્ષસે અટ્ટહાસ્ય કરીને પાકીટમાંથી એક ફોટો બહાર કાઢયો, 'લગ્ન? તારી સાથે? તો પછી આ મારી વાઇફને અને મારા દીકરાને ક્યાં ફેંકી આવું? ભાગ અહીંથી. લે આ પાંચ હજાર રૂપિયા. એર્બોશન માટે આટલા રૂપિયા પૂરતા છે અને એક વાત સાંભળતી જા, આવતી કાલના અખબારમાં મારી ઓફિસમાં રિસેપ્શનિસ્ટ જોઈએ છે એવી જા.ખ. જુએ તો તું એપ્લાય ન કરતી. હું તારાથી ધરાઈ ગયો છું.’

તો આ હતો વિમલ દેસાઈ. અંદરથી જરા પણ નિર્મલ નહીં એવો વિમલ અને અત્યારે મારી જેવા સેંકડો નાગરિકોની નજર સામે એક ગરીબ, નિર્માલ્ય ચોરને, કોટિના નહીં પણ કોડીના ચોરને, અમાનુષી માર મારી રહ્યો હતો. મારા હોઠો પરથી એના માટે શબ્દ સરી પડયો : 'બદમાશ’’ વિમલ એ સાંભળી ગયો. ક્ષણ વાર માટે પેલાને મારવાનું અટકાવીને એણે મારી સામે જોયું, હસીને બોલ્યો, 'હવે તમે સાચું બોલ્યા, સાહેબ બદમાશ જ કહેવાય આને અને આવા બદમાશોને તો આમ જ સબક શિખડાવવો પડે’

(સત્યઘટના : ગમે તેમ કરીને છેવટે હું પેલા 'બદમાશ’ને છોડાવી શક્યો, પણ આ મોટા બદમાશને સજા આજ સુધી હું નથી અપાવી શક્યો)

Comments