મનના મંદિરમાં ઘંટારવ કરતો ગયો



પલ્લવ તો ગયો પણ જલના મનમાં રહી કે વસી ગયો હોય તેમ થયું. યુવાનોની આવી ઝલક કે સ્ટાઇલ કોઇ યુવતીના મનમાં માળો બાંધવા માટે પૂરતી હોય છે.
 
પલ્લવ સડસડાટ કરતો નીકળી ગયો અને જોનારાના જીવ અધ્ધર થઇ ગયા. નવું બાઇક કોઇને દેખાડવું હતું. તેનું ચાલ્યું હોત તો બાઇકને પ્લેનની જેમ ઉડાડવું હતું પણ શક્ય નહોતું એટલે આમ ભગાવી ગયો. તેમાં જલ તો ડરના લીધે મોં વકાસી આંખો બંધ કરી ગઇ અને આંખો ખોલી ત્યારે પલ્લવ નજરથી દૂર થઇ ગયો હતો. પણ જલના મનના મંદિરમાં ઘંટારવ કરતો ગયો અને કદાચ...
 
પલ્લવ પ્રત્યે પોતાને પ્રેમ છે કે કેમ તે ગળું ખોંખારીને કહી શકે તેમ નથી. પ્રેમમાં હોવું તે ઇશ્વરની પ્રાર્થના સમાન છે પણ ખરેખર તો પ્રેમ આપણામાં હોય તે મોટી વાત છે. જલને પલ્લવ માટે ભીની ભીની લાગણી હોય તે હકીકત છે. બાકી પ્રેમના વહેમમાં ઘણાં દુ:ખી થઇ ગયાં છે. પલ્લવ જે રીતે અને જે ઝડપે ગયો તે જોતાં પલ્લવ સહીસલામત રહેશે કે કેમ? તે વિચારવા જેવું છે. યંગસ્ટર્સ જ નહીં દરેક માણસ આજે ઉતાવળમાં જ હોય છે. કોઇને નિરાંત નથી. ભાગવું છે, દોડવું છે, ઝટપટ નીકળી જવું છે. કહે છે લાઇફ ફાસ્ટ થઇ ગઇ છે. ફાસ્ટમાં કોઇને લાસ્ટ રહેવું નથી.
 
પલ્લવ નહીં લગભગ તમામ યુવાનોની મર્યાદા કહો કે સમસ્યા પણ યંગમેનમાં ધીરજ નામનો ગુણ ઓછો થવા લાગ્યો છે. ધૈર્ય ગુમાવી રહ્યો હોય એમ લાગે છે. કહેવતમાં કહ્યું છે, ઉતાવળે આંબા ન પાકે. દરેક કામ અને કામનું પરિણામ સમય સાથે જોડાયેલું હોય છે. વધુ પડતી ઉતાવળ વિનાશ નોતરી બેસે છે. બસ સ્ટેન્ડે સૌ ઊભાં હતાં. આમ તો પલ્લવ પણ દરરોજ અહીંથી જલ સાથે જ અપડાઉન કરતો હતો પણ પપ્પાએ બાઇક લઇ આપ્યું. હવે બસમાં નહીં બાઇક પર અપડાઉન કરશે.
 
આ હકીકત ખાસ તો જલને જણાવવી કે બતાવવી હતી. તેથી તે આમ અહીં થોડીવાર ઊભો રહી સડસડાટ પસાર થઇ ગયો. યુવાનીનો આવેગ આવો જ હોય. જ્યારે સાઇકલનો જમાનો હતો ત્યારે યંગમેન સાઇકલ આમ જ બેફામ ચલાવતો. સાઇકલમાં અકસ્માત થતો તો સામાન્ય ઇજાથી અટકી જતું. જ્યારે બાઇકની બેકાબૂ સ્પીડના લીધે સર્જાતો અકસ્માત જીવવાની અથવા તો  સારી રીતે જીવવાની તક નથી આપતો. ક્યારેક મા-બાપ પણ સંતાનોની બિનજરૂરી માગણી સંતોષીને ભારોભાર પસ્તાવો અનુભવતા હોય છે.
 
પલ્લવ તો ગયો પણ જલના મનમાં રહી કે વસી ગયો હોય તેમ થયું. યુવાનોની આવી ઝલક કે સ્ટાઇલ કોઇ યુવતીના મનમાં માળો બાંધવા માટે પૂરતી હોય છે. પોતાની સમજ આ વાત સ્વીકારવા તૈયાર ન થાય તે જુદી વાત છે. યુવાનીમાં દિલ અને દિમાગ વચ્ચે આવો ઘરકંકાસ રહેવાનો. જલને હજુ બસ નથી આવી એટલે પગે કીડીઓ ચઢે છે. જોકે આ દરરોજનું છે છતાં આજે આમ શું કરવા થાય છે તે ખુદ જલને પણ સમજાતું નથી. કદાચ ઊંડે ઊંડે એમ પણ થતું હોય, પલ્લવ બાઇક પર બેસાડીને લઇ જાય.
‘બાપ રે...’ અરેરાટી આવી ગઇ. ‘વગર મોતે મરવું હોય તો પલ્લવની પાછળ બેસવું!’ પણ પછી એકાએક ચિંતાની શૂળ જલના હૃદયમાં ભોંકાઇ. 
 
પલ્લવ સહીસલામત કોલેજે પહોંચી તો ગયો હશે ને? વળી દિમાગે વળતો પ્રહાર કર્યો: ‘તારે શું, પલ્લવ સહીસલામત રહે કે ન રહે!’ આમ તો વાત સાચી છે કે પલ્લવ જેવા ઘણા યુવાનો, પલ્લવ કરતાં પણ ખરાબ રીતે બાઇક ચલાવે છે. ઉતાવળમાં ટ્રાફિકના નિયમો નેવે મૂકી દે છે. શું કરવા ઉતાવળ કરે છે તેની ખુદને ખબર હોતી નથી. આવી ઉતાવળ જ સમસ્યા સર્જતી હોય છે. જીવનમાં સમસ્યા ઉદ્ભવતી રહેવાની અને તેના ઉકેલ માટે મથતું અથવા ઝઝૂમતું રહેવાનું પણ સમસ્યા ન ઊભી થાય તેની પણ કાળજી કે સાવચેતી અનિવાર્ય છે.
 
જલ સીટી બસમાં પોતાની સીટમાં બેસી ગઇ. બીજી ફ્રેન્ડ ક્લબલાટ કરતી હતી પણ જલના ચિતપ્રદેશ પર પલ્લવે બરાબરનો કબજો જમાવ્યો હતો. આમ તો તેને એવી નજરે ક્યારેય નિહાળ્યો નહોતો. પણ આજે જે રીતે સામેથી પસાર થયો તે હૃદયની લીસી સપાટી પર લિસોટો પડી ગયો હતો. અને કદાચ તે કારણે જ ચિંતા થતી હતી. જલ મનને બીજી દિશામાં વાળવાનો પ્રયાસ કરવા લાગી. યુવાનો કોલેજમાં નિત-નવાં નખરાં કરે, સ્ટંટ કે કોમેડી કરે તેમાં કશું જ નવું નથી. પલ્લવે આમાં કશું નવું નથી કર્યું અને કર્યું હોય તો પણ મારે શું? જલના મનમાં પ્રશ્નાર્થનો વંટોળ ઊઠ્યો.
 
મસાલો, મોબાઇલ અને બાઇક ઘણા યુવાનોની ઓળખ બની ગઇ છે. માલેતુજાર યુવાનોમાં હવે બાઇકનું સ્થાન લકઝુરિયસ કાર લેવા લાગી છે. મનગમતા પાત્રને લિફ્ટ આપી ફરવું તે ફેશન નહીં પેશન બની ગયું છે. આ સ્થિતિને નકારી કે ધુત્કારી શકાય તેમ નથી. ભલે રહી, સમય તેનું કામ કરતો હોય છે. સવાલ છે આ તમામ બાબતમાં યુવાન અધીરો થઇ આગળ હોય તેનો. તેને બધું જલદી કે ઝડપથી પામી કે મેળવી લેવું છે. માણસે ક્યાં ઝડપ રાખવી અને ક્યાં ધીરજ ધરવી તે ગુણ વિકસાવવો પડે. અન્યથા ક્યાંક વાગી કે દાઝી જતાં વાર લાગે તેમ નથી. જલ સાવ છેલ્લે ઊભી થઇ. પછી એકદમ સાંભરી  આવ્યું હોય તેમ નીચે ઉતરવાની ઊતાવળ કરવા લાગી. કદાચ પલ્લવ બાઇક પર સવાર થઇ પોતાની રાહ જોતો ઊભો હશે!
 
જલ નીચે ઊતરીને વિહવળ થતી ઊભી રહી. છુટવું અને વછૂટવું. આ બે શબ્દો સ્કૂલ-કોલેજને સીધા લાગુ પડે છે. તેમાં ઘણા સ્ટુડન્ટ્સ છુટતા હોય અને ઘણા વછુટતાં હોય છે. કલાસરૂમમાં જવા માટે ભાગ્યે જ કોઇને ઉતાવળ હશે. આજે જલને ઉતાવળ છે કે નહીં તે ખુદ સમજી શકી નથી. અને કોઇને અણસાર ન આવે તેમ ચારેબાજુ જુએ છે. પણ પલ્લવ નજરે ચઢ્યો નહીં. ગુસ્સો આવ્યો. નજરે ચઢે તો પણ મારે શું લેવાદેવા!? કલાસમાં જવા પગ ઉપાડ્યા અને જતાં પૂર્વે પાછા ફરીને જોયું તો લોબી પર કશો ગણગણાટ થતો સાંભળ્યો. પલ્લવને, જલ બેઠી હતી તે બસની સાથે અને પછી આગળ બાઇક ચલાવવું હતું.
 
ભરચક ભીડની વચ્ચે પણ ઘણા યુવાનો બેફામપણે બાઇક ચલાવે છે. ટ્રાફિકમાં બે વાહન વચ્ચે થોડી પણ જગ્યા જુએ ત્યાં બાઇક ઘુસાડી દેશે, કોઇની પરવા કર્યા વગર રોંગસાઇડમાં પસાર થઇ જશે. હા, ઘણી યુવતીઓ પણ અતિ ઉતાવળમાં આવી કમાલ કરીને પછી ધમાલ મચાવે છે. ઝડપની મજા અને મોતની સજા કોઇના લલાટે ન લખાય તે માટે ધીરજ અનિવાર્ય છે. જીવન અણમોલ છે. તેનાથી વિશેષ કશું જ નથી.
 
‘કોઇની નવીનક્કરો બાઇકનો એક્સિડેન્ટ થયો...’ જલ કાન સરવા કરી સાંભળવા લાગી. કોલેજના કેમ્પસમાં ૧૦૮ આવીને ઊભી રહી. જલને થયું કે, પલ્લવ તો નહીં હોય ને!!? તેનાથી ધ્રૂજી જવાયું.

Comments