'નિરાલી, લગ્ન માટે તો મનેય ઉતાવળ છે, પણ.....તારા પપ્પા


'નિરાલી, લગ્ન માટે તો મનેય ઉતાવળ છે, પણ તું કહેતી હતી ને કે તારા પપ્પા બહુ ક્રોધી સ્વભાવના છે. ક્રોધ બહુ સારો નહીં. વધુ પડતો ક્રોધ ક્યારેક માણસનું આખું જીવન પણ બરબાદ કરી નાખે.’
શ્રી તરુણજ્યોતિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સત્રનો આજે પ્રથમ દિવસ હતો. ન્યૂકમર નિરાલી સાથે કેમ્પસમાં રેગિંગ કરતી સિનિયર ટીમનો લીડર આર્યન પરમાર મજાક છોડીને મર્યાદાના લોપ કરી રહ્યો હતો, ત્યારે જોનારા સૌ આનંદ લૂંટી રહ્યા હતા અને બિચારી નિરાલી કપડાં સંકોરતી છૂટવા માટે કરગરતી હતી.

તેનો જીવ જતો હતો. આટલી હદે રેગિંગ થતું જોતાં ગ્રામ્ય વાતાવરણમાંથી આવેલા પ્રભાતથી સહન ન થયું. આર્યનનો કાંઠલો પકડી એ ઝઘડી પડયો હતો.

નિરાલીને છોડાવીને પ્રભાતે આર્યનની સારી રીતે ધોલાઈ કરતાં કરતાં બે હાથે ગળું પકડયું હતું. ત્યારે આર્યન તરફડી રહ્યો હતો. એ તો સારું થયું કે નિરાલીએ વચ્ચે પડીને પ્રભાતને રોકેલો, નહીંતર આર્યન સદાને માટે... અને પ્રભાતની
કરિયરને પૂર્ણવિરામ.

બસ, આ પ્રભાતની અને નિરાલીની પ્રથમ મુલાકાત. એમાં જ પરિચય વધતાં બંનેનાં હૈયાં મળી ચૂક્યાં હતાં અને એમાંથી પ્રેમના બીજને અંકુર ફૂટયા હતા. ગાઢ પ્રણયના પ્રવાહમાં ગળાડૂબ બંનેએ ભવોભવ જુદાં ન પડવા વચન આપ્યાં હતાં. બસ, એક લગ્ન સુધી વાત આવી ચૂકી હતી.

પરંતુ બંને પ્રેમીઓના પ્રણયને નજર લાગી કે ગમે તે થયું, લગ્નની વાત અટકી પડી. પ્રભાતને વતનમાં એની મમ્મીનું હાર્ટએટેકમાં મૃત્યુ થયાના સમાચાર આવતાં જવું પડયું હતું.

ત્યાં મમ્મીની અંતિમક્રિયા બાદ નિરાલીના ફોન આવતાં એ પ્રભાતને અમદાવાદ બોલાવતી પણ પ્રભાત લાચાર હતો. મમ્મીના આઘાતમાં ભાંગી પડેલા પિતાજી સાવ ગાંડા જેવા થઈ ગયા હતા, એને છોડીને કેમ નીકળવું? એ જ મોટો પ્રશ્ન હતો. મમ્મી વગરનું ઘર સાવ સૂનકાર થઈ ગયું હતું. ત્યારે એને સમજાયું કે સ્ત્રી વગરનું ઘર ક્યારેય ન શોભે અને ઘર વગરની સ્ત્રી.

અહીં રાતદિવસ નિરાલીની યાદ આવતી ત્યારે ફોન પર વાતો કરી એ મન મનાવી લેતો હતો. એને અમદાવાદ પહોંચીને નિરાલીને મળવાની ઉતાવળ હતી, પણ પ્રભાતનું નસીબ બે ડગલાં પાછળ હતું. એ જ્યાં એના બાપુને એના મિત્રને ભળાવીને અમદાવાદ જવા તૈયાર થતો ત્યારે જ બાપુનું ગાંડપણ વધી જતું હતું અને પોતાના ભાગ્યને કોસતો એ હતાશ થઈ જતો હતો.

થોડા દિવસ પાડોશીઓ આવી ઘરકામ કરી ગયા, પણ રોજ રોજ કોણ નવરું હોય? પૈસા ખર્ચતાય પ્રભાતને કામવાળી મળતી નહીં. અંતે એણે મનોમન નક્કી કર્યું ભલે ગમે તેમ થાય પણ નિરાલીને અહીં લઈ આવવી.
ત્યાં જ નિરાલીનો ફોન આવ્યો. ડિસ્પ્લેમાં નિરાલીનું નામ જોતાં જ પ્રભાત ખુશ થઈ રહ્યો,

'હં... બોલ નિરાલી...’

'પ્રભાત હવે તું આજકાલમાં અમદાવાદ આવી જા. મારા પપ્પા હાલ આર્મીમાંથી રજા પર આવ્યા છે, તો તું આપણાં લગ્નની વાત કરી લે.’
'લગ્ન માટે તો મારેય ઉતાવળ છે, પણ તું કહેતી હતી ને કે તારા પપ્પા બહુ ક્રોધી સ્વભાવના છે, પણ ક્રોધ બહુ સારો નહીં. ક્રોધ ક્યારેક માણસનું જીવન બરબાદ કરી નાખે.’

'હા, એ તો આર્મીમાં છે એટલે જરા કડક મિજાજ ના છે, પણ મમ્મીએ બધી વાત કરી છે, તેથી વાંધો નહીં આવે. તું આવી જા, એ બહાને એ તને જોવા માગે છે બસ.’

'સારું, હું આવું છું.’

બીજા દિવસે પ્રભાત એના એક મિત્રને ઘરે ધ્યાન રાખવાનું કહીને એ અમદાવાદ માટે બસમાં નીકળી પડયો, પણ આજે એને બસ ધીમી ચાલતી હોય એવું લાગ્યું, કારણ એને નિરાલીને મળવાની ઉતાવળ હતી.

પરંતુ અંતરમનમાં ઊંડે ઊંડે ભય પણ એને સતાવી રહ્યો હતો. એમાંથી સવાલો ઊઠી રહ્યા હતા. અમદાવાદ પહોંચીને પહેલાં હોસ્ટેલનું કામ પતાવવું કે નિરાલીના ઘરે જવું? અને જો પોતે સીધો નિરાલીના ઘરે જાય ને એના પપ્પા પૂછશે કે તમે કોણ છો? ક્યાંથી આવો છો? નિરાલીનું શું કામ છે? તો પ્રથમ શી વાત કરવી? એ બાબતે એ નર્વસ થઈ રહ્યો.

તો એના બાહ્યમને એને જુસ્સો ચડાવ્યો કે એમાં શું? કહી દેવાનું કે હું પ્રભાત, નિરાલીને દિલોજાનથી ચાહું છું. અમે બંને લગ્ન કરવા ઇચ્છીએ છીએ.

આમ માંડ માંડ હિંમતમાં આવેલા પ્રભાતને થયું કે આર્મી મેન નિરાલીના પપ્પા ગુસ્સે થઈને કહેશે કે લગ્ન એટલે કોઈ ખેલ નથી, સમજ્યો. ભવિષ્યનું કોઈ આયોજન છે?

આમ વિચારોની માયાજાળમાંથી બહાર આવેલો પ્રભાત અમદાવાદ આવી પહોંચ્યો. એને હોસ્ટેલ પરથી સામાન લેવા જવાનું હતું. છતાં નિરાલીને મળવા એ પહેલા તો નિરાલીના ઘરે આવ્યો. એણે બઝરની સ્વિચ દબાવી. એ સાથે જ નિરાલીના પપ્પાએ બારણું ખોલ્યું.
'હું પ્રભાત નિરાલી છે?’

'અરે પ્રભાત તું અહીં? નિરાલી તો તને લેવા હોસ્ટેલ પર ગઈ છે. એણે કહ્યું હતું કે પ્રભાતનો ફોન હતો કે તું હોસ્ટેલ પર આવી જા.’

'નહીં, મેં ફોન કર્યો જ નથી. પહેલાં હું હોસ્ટેલ પર જવાનો હતો, પણ પછી થયું કે ચાલો પહેલા તમને મળી લઉં. ઠીક ચાલો પપ્પા, તમારું બાઈક આપો હું નિરાલીને લઈ આવું.’

પ્રભાતને મન શંકા થઈ રહી કે નિરાલીને હોસ્ટેલ પર કોણે બોલાવી શકે. કશું અજુગતું ન બને તો સારું. એવા ઉચાટભર્યો પ્રભાત હોસ્ટેલમાં આવ્યો. વાંચવાની રજા હોવાથી વાતાવરણ સૂમસામ હતું.

નીચે ભોંયરામાં એ બાઇક પાર્ક કરવા ગયો. એણે જોયું તો પાર્કિંગમાં લાઈટ ન હતી. તેથી સહેજ અંધારા જેવું હતું. પ્રભાતે બાઇક સ્ટેન્ડ કર્યું, ત્યાં એક સ્ત્રીની કારમી ચીસ ઊઠી. ચીસ પરથી એ જાણી ગયો કે એ નિરાલી જ હતી.

પ્રભાત એ તરફ દોડયો. પાકિગના વોચમેનની રૂમમાં ગરબડ લાગી. પ્રભાતે જરા પણ વિલંબ કર્યા વગર રૂમમાં બારણાને એક લાત મારીને તોડી નાખ્યું, તો આર્યન પરમારની બાહોમાં નિરાલી તરફડી રહી હતી. જેમ અજગરના ભરડામાં પારેવું તરફડે એમ જ

નિરાલી એ નરાધમની પકડમાંથી બચવા માટે હવાતિયાં મારી રહી હતી. જોકે પ્રભાતના એક પડકાર સાથે આર્યને નિરાલીને મુક્ત કરી દીધી. હકીકતમાં એ નિરાલી સાથે બદલો લેવા માગતો હતો.

વાત આટલેથી અટકી હોત તો સારું હતું, પણ આવેશ અને ક્રોધમાં પ્રભાતની નસો તંગ થઈ. એણે સીધો જ આર્યનને ગળેથી પકડયો. આર્યન છોડી દે છોડી દે કહેતો રહ્યો, પણ પ્રભાતના હાથની ગળાચીપથી એ બોલતો બંધ થઈ તરફડી રહ્યો. ડોળા બહાર નીકળી ગયા. એ  નિશ્ચેતન થઈ ગયો અને જ્યારે આવેશ શમી ગયો ત્યારે પ્રભાતના હાથમાં હાથકડી આવી ચૂકી હતી.'

Comments