મને શંકાથી જો સૂંઘો, તો ઝેરી વાસ છું હું તો....



પ્રહર શાહ અમદાવાદની વી. એસ. હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો, ત્યારે એનું મેરેજ નક્કી થયું. ક્રિમા બ્રિટનનું નાગરિકત્વ ધરાવતી ગુજરાતી યુવતી હતી. દેખાવમાં સુંદર હતી અને સ્વભાવે અતિ સુંદર હતી.
એને મળ્યા પછી ડો. પ્રહર જ્યારે મને પ્રથમ વાર મળ્યો ત્યારે એનો પ્રતિભાવ કંઈક આવો હતો, 'આપણે વિદેશમાં વસેલા ભારતીયો વિશે તદ્દન ખોટો અભિપ્રાય બાંધીને બેસી જઈએ છીએ. ક્રિમા સાવ 'ડાઉન ધ અર્થ’ છોકરી છે. એના ઘરમાં ગુજરાતી બોલાય છે, એ લંડનમાં જન્મેલી અને ઊછરેલી છે તેમ છતાં વેજિટેરિયન છે, મટન કે ફિશની વાત તો દૂરની છે, એ ઈંડાં પણ ખાતી નથી. એના ફેમિલીમાં કોઈ શરાબ પીતું નથી, ક્લબ કે ડિસ્કોથેકમાં જવાની એને આદત નથી. ધાર્મિ‌ક આચાર-વિચારમાં એ આપણા કરતાં પણ વધારે ચુસ્ત છે. મેં તો પહેલી મુલાકાતમાં જ એની સાથે મેરેજ કરવાનું નક્કી કરી લીધું છે.’
અમારા પૂરા ફ્રેન્ડ સર્કલમાં આ વાત પ્રસરી ગઈ. કેટલાક મિત્રો ખુશ થયા, કેટલાક નાખુશ. અમારા એક સાહેબે તો એને ચેતવણીના સૂરમાં કહ્યું પણ ખરું, 'તારું ભેજું ચસકી ગયું છે કે શું? જો ફોરેન જવું જ હતું તો એમબીબીએસ પૂરું કર્યા પછી તરત જ જતું રહેવું જોઈતું હતું. નાહકનાં આ ત્રણ વરસ બગાડી દીધાં ને? અહીંની ગાયનેકની ડિગ્રી ત્યાં થોડી ચાલવાની છે? ત્યાં જઈને તારે ફરીથી 'રેસિડેન્સી’ કરવી પડશે.’
'મને આ વાતની જાણ છે, સર.’ ડો. પ્રહરે હસતાં મુખે જવાબ આપ્યો, 'હું એના માટે તૈયાર છું. આખી જિંદગી સુધરી જતી હોય તો ત્રણ વરસ ફેંકી દેવામાં હિ‌ચકિચાટ શા માટે કરવો? હું ઇંગ્લેન્ડ પહોંચીને બીજી વાર પોસ્ટ ગ્રેજ્યુએશન કરીશ અને એ પણ ગાયનેક સબ્જેક્ટમાં જ કરીશ.’
'એટલો બધો આશાવાદી ન બનીશ.’ એના સાહેબે સહેજ કટુતા સાથે કહ્યું, 'આ અંગ્રેજો ભલે ગમે તેટલા સારા અને નિષ્પક્ષ હોવાનો ડોળ કરતા હોય, પણ અંદરથી તો એ પ્રજા આજે પણ રંગભેદમાં માનતી જ રહી છે. તમને મોં પર કશું ન કહે, પણ વર્તનમાં બતાવી આપે કે એ લોકો તમને ધિક્કારે છે.’
'હું સમજ્યો નહીં સર, આ રંગભેદ અને મારા પોસ્ટ ગ્રેજ્યુએશન વચ્ચે શો સંબંધ છે?’
'સંબંધ છે, ભાઈ ત્યાં ગયા પછી તને આ વાત સમજાશે. ધિઝ વ્હાઇટ પીપલ નેવર લાઇક અસ ટુ એક્ઝામિન ધ પ્રાઇવેટ ઓર્ગન્સ ઓફ ધેર લેડીઝ. અંગ્રેજો આપણા દેશમાંથી ગયેલા એક પણ ડોક્ટરને ગાયનેક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની તક આપતા જ નથી. આપણા દેશની લેડીઝને કદાચ પણ છૂટ મળી જાય, પરંતુ પુરુષ ડોક્ટરને તો ન જ મળે. હું એ દેશમાં પાંચ વર્ષ રહીને પાછો આવ્યો છું. અંગ્રેજોની માનસિકતાને હું બરાબર જાણું છું.’
આટલું જાણ્યા પછી પણ ડો. પ્રહર પોતાના નિર્ણયમાંથી ચલિત ન થયો. એની એમડીની પરીક્ષા આડે એક જ મહિ‌નો બચ્યો હતો ત્યારે એણે ક્રિમા જોડે સગાઈ કરી લીધી અને બે જ દિવસ પછી લગ્નવિધિ પણ પતાવી દીધી. પરદેશી પંખી જોડે જ્યારે લગ્ન થતું હોય છે ત્યારે લગભગ તમામ કિસ્સાઓમાં એક સરખો જ ઘટનાક્રમ જોવા મળતો હોય છે.
સૌથી પહેલા રજિસ્ટર્ડ મેરેજ પછી ઇન્ડિયન પાત્ર દ્વારા પરદેશ જવા માટેના કાગળો 'ફાઈલ’ કરી દેવા, વિઝા માટેની વિધિ શરૂ કરી દેવી, એ પછી હિંદુ વિધિ અનુસાર લગ્ન કરવું, સારી હોટલમાં ગણતરીના આમંત્રિતો સાથે રિસેપ્શન પતાવવું, ટૂંકું અલપઝલપ હનીમૂન માણવું, પછી પરદેશી પંખીનું ઊડી જવું અને દેશી પંખીનું ઝૂરી ઝૂરીને રાહ જોતા રહેવું કે હવે પોતાનો ઊડવાનો વારો ક્યારે આવશે
આ કિસ્સામાં પણ આમ જ બન્યું, મિસ ક્રિમા મિસિસ પ્રહર શાહ બનીને પાછી બ્રિટનભેગી થઈ ગઈ અને મિ. પ્રહર અમદાવાદમાં વી. એસ. હોસ્પિટલના ડોક્ટર ક્વાર્ટર્સમાં એમડીની પરીક્ષાની આખરી તૈયારીમાં ડૂબી ગયા.
પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું. ડો. પ્રહર ખૂબ જ્વલંત સફળતા સાથે એમડીની પરીક્ષા પાર કરી ગયો હતો. હવે એ ગાયનેકોલોજિસ્ટ બની ગયો હતો. ધારે તો એ કોઈ પણ હોસ્પિટલમાં (સરકારી કે ખાનગીમાં) સારા પગારની જોબ મેળવી શકે તેમ હતો. જો ઇચ્છે તો પોતાનું પ્રાઇવેટ નર્સિંગ હોમ પણ શરૂ કરી શકતો હતો, પણ એના માટે આ બધાનો કશો અર્થ ન હતો.
જે પૂછે તેને પ્રહર આ જ જવાબ આપતો હતો, 'મારે તો ગમે તે ઘડીએ ઇંગ્લેન્ડ જવાનું આમંત્રણ આવી પડશે, ક્રિમા એની દિશામાંથી તમામ પ્રયત્નો કરી રહી છે. મારી ફાઈલ ઝડપથી આગળ વધી રહી છે. બે-ત્રણ મહિ‌નાની અંદર જ કદાચ મારે ઇન્ડિયા છોડી દેવું પડશે. આટલા ઓછા સમય માટે મારે જોબ શોધવાની જરૂર નથી. આમ પણ મારી વી. એસ.ની ટર્મ પૂરી થવા આડે હજુ ત્રણેક મહિ‌ના બચ્ચા જ છે, તો હું એ જ પૂરા શા માટે ન કરી લઉં? મને ડિગ્રી તો મળી જ ગઈ છે, હવે જરા સર્જિકલ વર્કનો અનુભવ પણ પ્રાપ્ત કરી લઉં.’
ડો. પ્રહર હોશિયાર હતો. એના વિભાગના વડા ડોક્ટર એના કામથી, સ્વભાવથી અને કુશળતાથી પ્રસન્ન હતા. એટલે એમણે ડો. પ્રહરને છૂટ આપી દીધી, 'આજ પછી એક ઓપરેશન ટેબલ તને સોંપું છું. તું સ્વતંત્રપણે મેજર ઓપરેશન્સ પણ કરી શકે છે. ક્યાંય તકલીફ જેવું લાગે તો મને બોલાવી લેજે.’
ડો. પ્રહર પૂરી લગનથી મચી પડયો. ત્રણ મહિ‌નામાં નેવું જેટલાં મોટાં ઓપરેશન્સ એણે એકલા હાથે કરી નાખ્યાં. સિઝેરિયન ઓપરેશન પર તો એનો હાથ એવો સરસ બેસી ગયો કે ચેકો મૂકવાથી લઈને છેલ્લો ટાંકો મારીને ઓપરેશન પૂરું કરવા સુધીની પ્રક્રિયા પતાવતાં એને માંડ પંદરેક મિનિટનો સમય લાગતો હતો. તાજા જ પાસ થયેલા ડોક્ટર માટે આ આશ્ચર્યજનક હદે સારું કહેવાય.
પણ આખરે ડો. પ્રહરની તમામ આવડત, કુશળતા, ડિગ્રી અને અનુભવ પાણીમાં ગયાં. જાન્યુઆરીમાં એની લોટરી લાગી ગઈ, એ લંડન પહોંચી ગયો. ત્યાં જઈને એણે પરીક્ષા પાસ કરી દીધી, પણ ધોળિયાઓએ એક યા બીજા બહાના હેઠળ એને ગાયનેક, શાખામાં પ્રવેશ ન આપ્યો. ડો. પ્રહરને એનેસ્થેસિયામાં એડ્મિશન મળ્યું, જે એણે મને-કમને સ્વીકારી લેવું પડયું.
એક દિવસ એક ગજબની ઘટના બની ગઈ. બ્રિટનના સેનેટરની પત્ની ડિલિવરી માટે લંડનની ખ્યાતનામ જનરલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. કલાકો પર કલાકો પસાર થઈ ગયા, પણ ડિલિવરી થઈ રહી ન હતી. છેવટે સિનિયર ગાયનેકોલોજિસ્ટ્સની ટીમે ભેગા મળીને નિર્ણય લીધો, 'સિઝેરિયન કરવું પડશે.’ દરદી વીઆઇપીની પત્ની હતી, એટલે હોસ્પિટલના સૌથી સિનિયર અને હોશિયાર ડોક્ટરને બોલાવી લેવામાં આવ્યા. બેહોશનું ઇન્જેક્શન આપવા માટે અનુભવી એનેસ્થેટિસ્ટ ડો. ફ્રેડરિક હાજર થઈ ગયા, સાથે એમના ચાર જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ પણ હતા. એમાંનો એક ડો. પ્રહર શાહ. એના ભાગે માત્ર દોડાદોડીનું અને મોટા સાહેબ કહે તે ઇન્જેક્શનો ભરી આપવાનું જ કામ આવતું હતું.
ઓપરેશન શરૂ થયું. દુનિયાભરના ડોક્ટરોમાં એક વાત પ્રચલિત છે કે જ્યારે દરદી વીઆઇપી ફેમિલીમાંથી હોય છે, ત્યારે અચૂક કો‌મ્પ્લિકેશન્સ ઊભાં થાય જ છે. સેનેટરની પત્ની જુલિયાની બાબતમાં પણ આવું જ બન્યું. પેટ ર્ચીયા પછી ગર્ભાશય પર ચીરો મૂકીને બાળકને તો બહાર કાઢી લેવામાં આવ્યું, પણ એ પછી તકલીફ શરૂ થઈ ગઈ. ડો. ડોનાલ્ડ (એમનો હાથ બ્રિટનમાં ખૂબ વખણાય છે) એમના કપાળ પર ચિંતાની રેખાઓ ઊપસી આવી, 'ડો. જ્હોન, બ્લીડિંગ કેમ બંધ થતું નથી?
ડો. જ્હોન શું બોલે? એ તો એમના સહાયક હતા. ડો. ડોનાલ્ડ ગર્ભાશય ઉપર એક પછી એક ટાંકો મારી રહ્યા હતા, પણ ડાબી તરફના છેડેથી લોહીનો ઝરો ફૂટી રહ્યો હતો.
એક તબક્કે એનેસ્થેટિસ્ટે કહેવું પડયું, 'સર, પેશન્ટ સિરિયસ થતો જાય છે. એક તબક્કે એનું બ્લડ પ્રેશર પચાસ જેવું થઈ ગયું હતું. તમને પૂછયા વગર જ મેં બે બોટલ્સ ખૂનની ચડાવી દીધી છે, પણ... પેશન્ટ ગમે તે ઘડીએ...’
'ઓહ્ નો’ ડો. ડોનાલ્ડને પરસેવો વળી ગયો, 'આઈ જસ્ટ ડોન્ટનો હાઉ ટુ સ્ટોપ ધિસ બ્લીડિંગ, સેનેટરને હું શો જવાબ આપીશ? ઓહ્ ગોડ’
'સર, મેં આઈ ટ્રાય વન્સ, ઇફ યુ કાઇન્ડ્લી પરમિટ મી ટુ...’ દૂરથી એક અવાજ આવ્યો. એ ડો. પ્રહરનો અવાજ હતો. સૌનાં ભવાં ચડી ગયાં. ઓપરેશન થિયેટરમાં હાજર હતા તેમાંનો સૌથી જુનિયર છોકરડો આવી ધૃષ્ટતા કરી રહ્યો હતો ? એ પણ પાછો એનેસ્થેસિયાનો રેસિડેન્ટ? ધેટ ટુ એન ઇન્ડિયન
ડો. ડોનાલ્ડે એક વિચાર જુલિયાની ડૂબી રહેલી જિંદગીનો કર્યો, પછી તરત જ આ સવાલ પૂછી લીધો, 'ડુ યુ હેવ એની એક્સપિરિયન્સ ટુ ડીલ વિથ સચ કો‌મ્પ્લિકેશન?’
ડો. પ્રહરે આત્મવિશ્વાસથી છલકાતો જવાબ આપ્યો, 'યસ, સર ઇનફ ઓફ ધ એક્સપિરિયન્સ તમારા આખા દેશમાં નહીં થતા હોય એટલાં સિઝેરિયન એક મહિ‌નામાં અમારી વી. એસ. હોસ્પિટલમાં થતાં હશે અને આપણી ટેક્સ્ટ બુક્સમાં જેટલી કો‌મ્પ્લિકેશન્સનું વર્ણન લખેલું હોય છે તે તમામનો અમને અનુભવ મળતો રહે છે. પ્લીઝ, જરાક બાજુ પર ખસી જશો?’
વાત કરતાં કરતાં જ ડો. પ્રહર હાથ ધોઈને માત્ર હાથમોજાં પહેરીને કામે લાગી ગયો. કામ કેટલું હતું? એક જ સ્ટીચ, બે જ મિનિટ અને પછી થિયેટરમાં કોરસનો નાદ ગૂંજી ઊઠયો : 'થ્રી ચિયર્સ ફોર ડો. પ્રહર ફ્રોમ ઇન્ડિયા.’
ડો. પ્રહરને ખાસ કેસ તરીકે ગાયનેકમાં એડ્મિશન મળી ગયું. અત્યારે લંડનમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે એના નામના સિક્કાઓ પડે છે. સૌથી ધનવાન, સૌથી સુંદર, સૌથી વીઆઇપી અંગ્રેજ મેડમો પોતાના બાળકનો જન્મ એના હાથે જ કરાવવાનો આગ્રહ સેવે છે.'

Comments